બહુ ઓછા લોકોને આવો બેનિફિટ મળતો હોય છે. અમે એવા જ છીએ. અમારું જે કામ છે એ જ અમારો શોખ છે અને એટલે જ કહીએ છીએ કે જો તમારાં સંતાનોને પણ એવું કરવું હોય તો કરવા દેજો, તેના મોઢે તમે ક્યારેય કોઈ જાતની કમ્પ્લેઇન્ટ નહીં સાંભળો
શોખ અને પ્રોફેશન જેના એક જ હોય એ વ્યક્તિ સૌથી લકી
ગયા સન્ડેનો આર્ટિકલ વાંચીને કેટલાક મિત્રોએ સામેથી એવો મેસેજ કર્યો છે કે અમારાં સંતાનો ડાન્સમાં રસ લે એમાં અમને વાંધો નથી, પણ એ કરીઅર ન બને એવું અમે ઇચ્છતા હોઈએ છીએ. આ તો એ જ વાત થઈ જેની અમારી ફરિયાદ હતી. શોખ તરીકે ડાન્સ રાખે તો ચાલે, પણ કરીઅર તો એ ન જ હોવી જોઈએ.
બહુ ઓછા લોકો હોય છે જેને કરીઅર અને શોખ બન્ને એક જ દિશામાં મળે. તમે જુઓ તો ખરા, મોટા ભાગની વ્યક્તિઓને ગમતુ કંઈક જુદું હોય અને તે કામ કંઈ સાવ જ જુદું કરતી હોય. ગમતું મ્યુઝિક હોય અને પોતે બૅન્કર બની ગયા હોય. ગમતું ડ્રૉઇંગ હોય અને તે કોઈ કૉર્પોરેટ કંપનીમાં ઑફિસર કે પછી પ્રાઇવેટ કંપનીમાં અકાઉન્ટન્ટ બની ગયા હોય. એક ફિલ્મ આવી હતી, ‘થ્રી ઇડિયટ્સ’. ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે બહુ બધા લોકોની લાઇફમાં એણે ચેન્જ લાવવાનું કામ કર્યું, પણ એ પછી ફરી આપણે હતા ત્યાં ને ત્યાં આવીને ઊભા રહી ગયા.
ADVERTISEMENT
‘થ્રી ઇડિયટ્સ’નો પેલો એક સીન અત્યારે પણ આંખ સામે આવે છે, જ્યારે માધવન પોતાના પપ્પા પાસે જઈને કહે છે કે મને એન્જિનિયર નથી બનવું, મારે ફોટોગ્રાફર બનવું છે. એ સીન ઘણું બધું કહી જાય છે.
જો ગમતું ફીલ્ડ ન હોય અને એ કરીઅર બની જાય તો વ્યક્તિ પોતાની આઠ કલાકની જૉબમાં પણ એટલો થાકી જાય કે ધાર્યું પણ ન હોય. તેવી વ્યક્તિએ પોતાની ડ્યુટી પૂરી કરીને થાક ઉતારવા માટે પોતાના શોખની દિશામાં જોવું પડે છે, પણ જો તમારું પોતાનું ગમતું ફીલ્ડ હોય અને એ જ કરીઅર હોય તો વ્યક્તિ થાકતી નથી. અત્યારે અમે અતિશય બિઝી છીએ. ધાર્યું પણ ન હોય એ સ્તરે કામ ચાલે છે અને એમ છતાં અમારા બેમાંથી કોઈના ચહેરા પર થાક જોવા નથી મળતો, કારણ કે આ અમારું ગમતું ફીલ્ડ છે. આ અમારો શોખ છે અને ઈશ્વરની મહેરબાની કે અમારો શોખ જ અમારી કરીઅર બની છે. શોખ જ્યારે કરીઅર બનતી હોય, કરીઅર જ્યારે શોખ સાથે જોડાયેલી હોય ત્યારે માનવું કે ખરેખર ડેવલપમેન્ટ બહુ સરસ થશે. એ પ્રકારની કરીઅરમાં થાક નથી હોતો, કંટાળો નથી હોતો. કરીઅર અને શોખ એક જ હોય ત્યારે આર્થિક અસંતોષ પણ નથી આવતો.
ફ્રેન્કલી સ્પીકિંગ, આ જ અમારી સાથે પણ બની રહ્યું છે. તમે સંજય લીલા ભણસાલી સાથે કામ કરો, એના બજેટને મૅચ થાય એવું કામ કરતા થઈ ગયા હો, દીપિકા-શાહરુખ-સલમાન અને રણવીર સિંહ સાથે કામ કરતા હો એ પછી તમે રીજનલ ફિલ્મ માટે પણ બધી જ રીતે ઓપન રહો એવું ક્યારે બની શકે? કામ એ તમારો શોખ હોય અને શોખ હોય એ જ તમારું કામ બન્યું હોય. બજેટ વિશે ચર્ચા નથી કરતા, પણ સ્વાભાવિક રીતે અને સહજપણે કોઈ પણ સમજી શકે કે ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’નું શું બજેટ હશે અને એ પણ સમજી શકાય કે ‘રઈસ’ કે પછી ‘રામલીલા’નું બજેટ કેવું હોતું હશે?
જમીન-આસમાનનો તફાવત આ બન્ને બજેટ વચ્ચે હોય અને એ પછી પણ એ કામ બહુ સરળતાથી થઈ શકે છે. આટલો મોટો ફરક હોય તો પણ કોઈ અડચણ આ કામમાં નથી આવતી. આર્થિક, માનસિક સ્વતંત્રતા નથી હોતી તો પણ કોઈ તકલીફ પડતી નથી. ટાંચાં સાધનો હોય તો પણ તકલીફ નથી પડતી, કારણ કે આ તમારું ગમતું કામ છે અને ગમતા કામ માટે ક્યારેય કોઈ ગણતરી નથી થતી. ન ગમતા કામ સાથે જોડાયેલા લોકો ઝડપથી એ કામ પૂરું કરીને પોતાને ગમતી ઍક્ટ િવિટી કરવા માટે જાય છે, પણ જેને માટે શોખ જ પોતાનું પ્રોફેશન છે તે વ્યક્તિએ ક્યાંય જવું નથી પડતું અને એટલે જ તે કોઈ જાતની પૂર્વશરત વિના પણ સરળતા સાથે અને સહજતા સાથે કામ શરૂ કરી શકે છે અને કામ પૂરું પણ કરી લે છે.
હવે આપણી દુનિયા નાની નથી રહી, માટે એવું ધારી લેવાની જરૂર નથી કે આર્ટના ફીલ્ડમાં જઈને સંતાનની કરીઅર ખરાબ થઈ જશે. ના, હવે આર્ટ ફીલ્ડ પ્રાઇમ ફીલ્ડ છે અને એની ડિમાન્ડ દિવસે-દિવસે વધતી જાય છે.


