Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મને યાદ આવશે તારો સથવારો...

મને યાદ આવશે તારો સથવારો...

02 December, 2020 04:34 PM IST | Mumbai
Alpa Nirmal

મને યાદ આવશે તારો સથવારો...

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


લૉકડાઉન દરમિયાન જૈન પરિવારોનાં પ્રભુપૂજા-દર્શનના રોજિંદા નિયમમાં ભાંગો ન આવે એથી શ્રાવકો દેરાસરમાંથી ધાતુનાં ચલ પ્રતિમાજી પોતાના નિવાસસ્થાને લઈ આવ્યા અને હંગામી ધોરણે ઘરને મંદિર બનાવી દીધું ને ચાર-છ મહિનાથી પોતાના ઘરે પોતાની સાથે રહેલા ભગવાન સાથે ગાઢ પ્રીતિ બંધાઈ ગઈ. હવે સરકારે ધાર્મિક સ્થળો ખોલતાં આ પ્રભુપ્રતિમા પરત કરવાની છે ત્યારે પ્રભુપ્રેમી પરિવારોના જીવનમાં ખાલીપો સર્જાઈ ગયો છે પ્રભુની વિદાય થઈ ગઈ છે કે વિદાય કરવાના છે એ સમયે તેમના મનોભાવ જાણીએ તેમના જ શબ્દોમાં....

સૌભાગી જિનશું લાગ્યો અવિહડ રંગ : શિલ્પાબહેન જિતેન્દ્રકુમાર સંઘવી, પૂનમ પાર્ક, લાલબાગ



અમારા ગૃહે ડીસાથી ૪૬૫ વર્ષ પ્રાચીન સુમતિનાથ પ્રભુ પધાર્યા હતા. દસ જુલાઈએ ભગવાન લાવ્યા હતા ત્યારે એમ હતું કે પર્યુષણ સુધી બધું ખૂલી જશે એટલે એકાદ મહિનો પ્રભુજી રહેશે. આમ તો મને દરરોજ ભગવાનની આઠ પ્રકારની પૂજા કરવાની ટેવ. ને મારા હસબન્ડ પણ દૈનિક પૂજા કરે. પરંતુ લૉકડાઉનના શરૂઆતના બે-ત્રણ મહિના મારી તબિયત બહુ નરમ રહી. કોવિડનો પણ બહુ ડર લાગે એટલે ઘરે ભગવાન પધરાવવાનું જરાય નહોતું વિચાર્યું. પરંતુ ચાતુર્માસ બેઠા ને ધાર્મિક સ્થાનો ખોલવાનાં કોઈ અણસાર નહીં. આથી થયું, આમ નહીં ચાલે. અને અમે ઘરે પ્રભુજી લઈ આવ્યા. કોઈ માનશે નહીં પણ ભગવાન આવ્યા ત્યારથી નથી કોઈની તબિયત બગડી કે નથી કોરોનાનો ભય લાગ્યો. પર્યુષણ દરમિયાન અને મોટા દિવસોમાં તો અમારે ત્યાં ૪૦-૫૦ ભાવિકો પૂજા માટે આવે, પણ કોઈને કોઈ પ્રૉબ્લેમ નથી આવ્યો. હું અને અમારી બાજુમાં રહેતાં દક્ષાબહેન એક પણ દિવસ ચૂક્યા વગર ભગવાનની વિવિધ પૂજા ભણાવીએ. એ પૂજાની બધી તૈયારી કમલેશ કરી આપે. લૉકડાઉન પહેલાં તેઓ ફક્ત પૂજા કરતા હતા, પણ ઘરે ભગવાન આવવાથી દરેક પૂજા, ભાવનામાં જોડાઈ ગયા. મારા બે દીકરા પણ દરરોજ પૂજા કરતા થઈ ગયા અને સાંજની આરતી-મંગળ દીવો તેઓ જ કરે. તેમના મિત્રો પણ સાંજે ભાવનામાં આવે. અમે પર્યુષણ,


અન્ય મોટા દિવસની ઉજવણી બધું ભગવાન સાથે મળીને કર્યું. ગઈ કાલે ભગવાન ગયા એટલે બધી વાતે રડવું આવે છે. એટએટલાં સંસ્મરણો બંધાઈ ગયાં છે તેમની સાથે એ ક્યારેય વિસરાશે નહીં. સુમતિનાથ ભગવાનનું જ એક સ્તવન છે, સૌભાગી જિનશું, લાગ્યો અવિહડ રંગ. ભગવાન સાથે પ્રીતિનો પાકો તાર બંધાઈ ગયો હતો. એક વખત તો મન થઈ આવ્યું કે નથી આપવા ભગવાન પાછા. અમારી પાસે, અમારી સાથે જ રાખી લઈએ.

ઍન ઍપલ ઑફ અવર આઇઝ : કૃતિ કલ્પેશ શાહ, મલાડ (વેસ્ટ)


તમને કોઈ વ્યક્તિ બહુ ગમતી હોય, તે બે-ત્રણ કલાક માટે પણ તમારા ઘરે આવે ને ઘરના બધા જ સભ્યો ખુશખુશાલ થઈ જાય. પછી એ પર્સન બે-ચાર કલાક નહીં, પાંચ-છ મહિના તમારા ઘરે રોકાય. દિવસ-રાત તમારી સાથે જ રહે અને ત્યારે તમારા ઘરનું વાતાવરણ કેવું ચહેકતું રહે, પરિવારના મેમ્બર્સ પણ સુપર ચાર્જ્ડ રહે. પછી તમને એક દિવસ ખબર પડે કે હવે તેમને વિદાય આપવાની છે, તે પરત જવાના છે તો તમારા મનમાં કેવી લાગણી હોય? બસ, એવી જ બેચેની અમને થઈ રહી છે. જ્યારથી મેસેજ આવ્યો છે કે હવે પ્રભુજી પરત કરવાના છે ત્યારથી હું, મારા હસબન્ડ કલ્પેશ અને અમારા ઘરના ત્રણેય વડીલોને નીંદર નથી આવતી. અરે, બ્રેઇન હેમરેજ તથા પાર્શિયલ પૅરૅલિસિસથી પીડાતા મારા સસરાજી વારે ઘડીએ બહારની રૂમમાં જઈ ચેક કરી આવે છે, ભગવાન છેને!

અમારે ત્યાં ૨૩ જુલાઈના ગુજરાતના ડભોઈથી ૫૦૦ વર્ષ થઈ વધુ પ્રાચીન સંભવનાથ સ્વામી પધાર્યા ને ઘરનો માહોલ જીવંત થઈ ગયો. ૭૨ વર્ષનાં સાસુજી, ૭૫ વર્ષના સસરાજી અને ૭૮ વર્ષના મારા પપ્પા જે અમારી સાથે રહે છે તેમની જાણે જીવનચર્યા બદલાઈ ગઈ છે. આખો સમય ભગવાનમાં રચ્યાપચ્યા રહે છે. પ્રભુ પધારવાથી તેમણે સળંગ ચાર મહિના ચોવિહાર, પ્રતિક્રમણ, દેવવંદન જે ક્યારેય આજ સુધી આટલો લાંબો સમય કર્યાં નથી એ  સંભવ બન્યું છે. પપ્પાજી બીમારીને કારણે બહુ વખત બેસી ન શકે, પણ હવે તેઓ જાતે બેસીને દસ-દસ માળા ગણતા થયા. તો મારા પપ્પાએ આજ સુધી બહુ ઓછી વાર પ્રભુપૂજા કરી હશે તેઓ કાયમી પૂજા કરતા થયા. અરે, અમારે ત્યાં ડેઇલી પંદરથી વીસ વ્યક્તિઓ પૂજા કરવા આવતા. અમારા પાંચની સાથે અમારે ત્યાં આવતા દર્શનાર્થીઓ અને પૂજા કરનારા ભાવિકો પણ પ્રભુજીના જવાથી અપસેટ છે.

#માય ફ્રેન્ડ આદિનાથઃ ઉર્વી રાજેશ કારીઆ, વિલે પાર્લે (ઈસ્ટ)

બધા કહે છે 2020નું વરસ બહુ ખરાબ રહ્યું, પરંતુ અમારું તો એવું ભાગ્ય જાગ્યું કે અમારા ઘરે પ્રભુનાં પગલાં થયાં. આમ તો જૈન કુળમાં જન્મેલા દરેક શ્રાવકને એવા મનોરથ હોય કે મારું એક ગૃહમંદિર હોય, પણ સંજોગોવશાત દરેકના એવા મનોરથ પૂર્ણ નથી થતા. કોરોનાએ અમારું આ સપનું કામચલાઉ ધોરણે પણ, સાકાર કર્યું.

બાળપણથી પ્રભુપૂજાના સંસ્કાર હતા એટલે દેરાસર બંધ થયાના સમાચાર મળ્યા ત્યારે જ ધ્રાસ્કો પડ્યો કે ભગવાનનાં દર્શન-પૂજાનું શું? પરંતુ ખબર પડી કે જે શ્રાવકને પૂજા-સેવા માટે પ્રતિમા જોઈતી હોય તો મળે છે એટલે મારા હસબન્ડ અને નાનો દીકરો કયાન ભગવાન ઘરે લાવવા બહુ પાછળ પડ્યા. જોકે હું અવઢવમાં હતી, કારણ કે જૂન મહિનાથી રાજેશની શૉપ શરૂ થઈ ગઈ હતી. મોટા દીકરા આદિત્યની કૉલેજ ઑનલાઇન ચાલુ હતી એ બધાં શેડ્યુલ વચ્ચે ભગવાન કઈ રીતે સચવાશે? પરંતુ રાજેશ કહે કે આપણા ઘરે ભગવાન ક્યારે પધારે? આ મોકો ચૂકવા જેવો નથી. અને ૧૩ જુલાઈએ અમારા ઘરે ૧૧૦૦ વર્ષ પ્રાચીન આદેશ્વર ભગવાન મહારાષ્ટ્રના અમલનેરથી પધાર્યા. પ્રભુ આવ્યા એ ઘડીથી જ અમને ઘરમાં એક વડીલ આવ્યા હોય એવું લાગવા લાગ્યું. પણ કયાન માટે તો જાણે તેના ફ્રેન્ડ આવ્યા હતા. સવારના અષ્ટપુકારી પૂજાથી લઈ રાતની છડી સહિત ભાવના અને આરતી-મંગળ દીવો બધું તેને જ કરવું હોય. વેલ, હવે આજે ભગવાન પરત આપ્યા ને જાણે અમારા ચારેઉની બૅટરી ડાઉન થઈ ગઈ. કોઈ મૂડ નથી. મસ્તકમાં એકદમ અવકાશ થઈ ગયો છે. અંજપો અને વ્યાકુળતા ઘેરી વળ્યાં છે. જસ્ટ લાઇક કોઈ પ્રિય, અતિપ્રિય વ્યક્તિ કે વસ્તુ તમારી પાસેથી જતી રહે ત્યારે કેવી અનુભૂતિ થાય? બસ, એવી ફીલિંગ છે. અમે ક્યારેય અમલનેર ગયા નથી. આ પ્રભુજી જ્યાં હતા એ જિનાલય વિશે કોઈ જાણ નથી ત્યારે આ ભગવાન અમને મળ્યા, અમે તેમનાં ચરણોમાં રહ્યા. એ ચોક્કસ કોઈ પૂર્વનું ઋણાનુબંધન જ હશે. ખેર, અત્યારે તેમની સાથેનાં સ્મરણો વાગોળીને મન મનાવીએ છીએ, પરંતુ દરેક વાતે અંતર અને આંખો ભીનાં થઈ જાય છે.

24/7ના સહવાસથી આ ભગવાન સાથે ટૂંકા સમયમાં પણ ખાસમખાસ કનેક્શન થઈ ગયું હતું : રોહિત અને સંગીતા શાહ, ઘાટકોપર (વેસ્ટ)

આપણે જન્મ્યા હોઈએ ત્યારથી જે ભગવાનની દેરાસરમાં પૂજા કરી હોય, જે જિનાલયમાં જતા હોઈએ તેમની સાથે સ્પેશ્યલ અનુસંધાન હોય એ સ્વાભાવિક છે. પણ જે ભગવાનને પહેલાં ક્યારેય નિહાળ્યા નથી બસ, ચાર મહિનાથી તમારા ઘરે હોય અને તેમની સાથે વિશિષ્ટ સંબંધ બંધાઈ જાય, તાર જૉઇન્ટ થઈ જાય એનું કારણ છે પ્રભુની સાથે ૨૪/૭ની નિકટતા અને  સહવાસ.

અમારા ઘરે પચીસ જુલાઈએ પાટણના ૬૫૦ વર્ષ પ્રાચીન વાસુપૂજ્ય સ્વામી પધાર્યા. એ પહેલાં ભગવાન ઘરે પધરાવવા કે ન લાવવાની લાંબી અવઢવ ચાલી, કારણ કે બે દીકરા અને એક પુત્રવધૂ અમેરિકા. અમેરિકાની હાલત એ સમયે કોવિડથી ખરાબ એટલે સંતાનો પણ થોડાં ટેન્શનમાં રહેતાં. તેમને અમારે ખૂબ સ્ટ્રૉન્ગ રાખવા પડ્યાં. ટાઇમ ડિફરન્સને કારણે અમારી અડધી રાત તેઓ સાથે વાતો કરવામાં જાય. એમાં અમારી તબિયત પણ ઢીલી થાય એટલે થાય કે ભગવાન લઈ આવીશું પણ તેમની પૂજા-સેવા વગેરે યોગ્ય રીતે કરી શકશું કે નહી? મારી વાઇફ સંગીતાને બહુ દુઃખ હતું કે આમને આમ ભગવાનનાં દર્શન, સેવા-પૂજા વગર કેટલો સમય રહીશું? એટલે હિંમત કરી નક્કી કરી લીધું કે પ્રભુજી પધરાવીએ જ. પરંતુ અમે ખાસાં મોડાં હતાં. હવે ભગવાન મળશે કે નહીં એ મોટો પડકાર હતો. પણ વાસુપૂજ્ય દાદાની કૃપા જુઓ કે વિચાર કર્યોને બીજા જ દિવસે અમને ભગવાન મળી ગયા. નાનકડા પાંચ ઇંચના પ્રતિમાજી છે પણ તેમનું તેજ, તેમની ઓરા એટલી પ્રભાવક કે તેમને જોતાં જ તમને શાંતિનો અહેસાસ થાય. પ્રભુજી પધરાવ્યા એટલે સૌથી પહેલાં અમે જરૂરી ઉપકરણો લેવા ગયા અને ફૂલ માટે પ્લાન્ટ ઉગાડ્યા. પ્લાન્ટને પ્રાર્થના કરી કે ભગવાન માટે તમારાં પુષ્પ ચડાવવા છે અને ખરેખર, કુદરતે કમાલ કરીને બીજા જ દિવસથી દરરોજ બે-ત્રણ ફૂલો આવવા લાગ્યાં. અમે મોટા ગુલાબનો છોડ વાવેલો. બહુ મોટા કદના રોઝ એમાં આવે. અમે એ ચડાવીએ એટલે કાં ભગવાન આખા ઢંકાઈ જાય કાં ફૂલ પડી જાય. એટલે દરરોજ વિચારીએ કે ફૂલ નાનાં હોવા જોઈએ અને અગેઇન એક મિરૅકલ થયો. એ જ છોડમાં ઑટોમૅટિકલી નાના-નાના ગુલાબ આવવા લાગ્યાં. અમારો આનંદ વધતો જતો હતો અને પ્રભુ સાથેનો પ્રેમ ગાઢો થતો જતો હતો. ત્યાં જ  દિવાળી પર સમાચાર મળ્યા કે દિવાળી બાદ પૂનમ પછી ભગવાનને પરત કરવાના છે. અમારા બેઉનો તો મૂડ ઑફ થઈ ગયો એ સાંભળીને. આપણા પેરન્ટ્સ બીમાર હોય ને ડૉક્ટર કહે કે નો મોર હોપ્સ તો કેવી અનાથ હોવાની, ઊંડી ખાઈમાં પડી જવાની ફીલિંગ થાય એવી લાગણી અનુભવાતી. છેલ્લા ચાર-પાંચ દિવસથી તો એમ જ થાય કે હવે તેમની પાસેથી ખસવું જ નથી. બસ, તેમની સામે જ બેઠો રહું. જોકે પહેલાં પણ હું મન થાય ત્યારે વહેલી સવારે, મોડી રાત્રે ભગવાન જ્યાં રાખ્યા હતા એ ખાનું ખોલી તેમની સમક્ષ બેસી જ જતો હતો.

ખેર, ભગવાનને પરત કરવાના છે એ ખબર હતી પણ બેઉ અપસેટ છીએ. દીકરી જન્મે ત્યારથી  જ ખબર હોય કે તેને વળાવવાની છે પણ રડવું તો તેની વિદાય ટાણે જ આવેને એવું અમારું થયું છે. પરમાત્મા વગર ઘર ઝૂરે છે, હું ઝૂરું છું, સંગીતા ઝૂરે છે.

Whatsapp-channel Whatsapp-channel

02 December, 2020 04:34 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK