Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લુપ્ત થઈ રહેલી ટ્રેડિશનલ આદિવાસી ઔષધવિદ્યા

લુપ્ત થઈ રહેલી ટ્રેડિશનલ આદિવાસી ઔષધવિદ્યા

19 December, 2021 02:49 PM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નર્મદા, વલસાડના આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત ધોરણે દેશી જડીબુટ્ટીઓનું વર્ષો જૂનું જ્ઞાન ધરાવતા લોકો હવે બહુ ઓછા બચ્યા છે. આ કુદરતી ઉપચારમાં વિશ્વાસ ઘટી રહ્યો છે ત્યારે...

ટ્રેડિશનલ આદિવાસી ઔષધ

ટ્રેડિશનલ આદિવાસી ઔષધ


દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નર્મદા, વલસાડના આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત ધોરણે દેશી જડીબુટ્ટીઓનું વર્ષો જૂનું જ્ઞાન ધરાવતા લોકો હવે બહુ ઓછા બચ્યા છે. આ કુદરતી ઉપચારમાં વિશ્વાસ ઘટી રહ્યો છે ત્યારે ક્ષીણ થવાના આરે આવેલી વંશપરંપરાગત સારવાર પદ્ધતિના મેળાઓ યોજીને એને જીવતી રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે

શૈલેષ નાયક
shailesh.nayak@mid-day.com 
મારા પિતાજી સોમાભાઈ અમને ભાઈ-બહેનોને કહેતા કે હું છું ત્યાં સુધી, પછી આ ધંધો કોણ ચલાવશે, પરંપરા રહેવી જોઈએ. બાપદાદાના સમયથી તેઓ વનસ્પતિ આધારિત પરંપરાગત વૈદકનું કામ કરતા હતા. તેમની પાસેથી વનસ્પતિઓ ઓળખવાનું અને વૈદકીય જ્ઞાન મેળવવાનું શરૂ કર્યું. કઈ વનસ્પતિમાંથી કઈ દવા બને, લેપ કેવી રીતે બને અને એના ઉપચાર વિશે જાણ્યું અને અનુભવના આધારે આજે હું આ કળા શીખી ગઈ છું અને વન-ઔષધિઓથી દરદીઓના ઉપચાર કરી રહી છું. 
દક્ષિણ ગુજરાતમાં આવેલા કપરાડા તાલુકાના આમધા ગામે બ્રાહ્મણ ફળિયામાં રહેતાં મંજુલા મુકેશ પટેલ આ વાત કરી રહ્યાં હતાં ત્યારે વન-ઔષધિઓનીપરંપરા જાળવી રાખી હોવાના આત્મસંતોષની એક ઝલક તેમના ચહેરા પર દેખાતી હતી. વન-ઔષધિઓ દ્વારા તેઓ દરદીઓની સારવાર કરી રહ્યાં છે અને આશ્ચર્યની વાત એ છે કે વૈદભગતનું જ્ઞાન તેમણે સાસરે ગયા બાદ પતિને, દીકરાને તેમ જ દીકરાની વહુને પણ આ કામ શીખવીને આ પરંપરાનું ટકાવી રાખી છે. 
ગુજરાતમાં ડાંગ, તાપી, નર્મદા, વલસાડ સહિતના આદિવાસી પટ્ટામાં વન-ઔષધિઓનો ભરપૂર ખજાનો ભર્યો છે. સદીઓથી આ આદિવાસી પટ્ટામાં ગ્રામીણ વિસ્તારમાં લોકો સાજા-માંદા થાય ત્યારે વન-ઔષધિઓનો ઉપયોગ કરતા આવ્યા છે. જોકે સમયની સાથે આ પરંપરામાં કંઈક અંશે ઓટ આવી છે. લુપ્ત થવાના આરે ઊભેલી વૈદભગતની આગવી આવડતને ટકાવી રાખવા માટે હવે મેળાઓ યોજાઈ રહ્યા છે અને નવી પેઢીમાં પણ આ પરંપરા આગળ ધપે એના પ્રયત્નો થાય છે. અને જુદાં-જુદાં સ્થળોએ વૈદભગતોના મેળાઓ યોજી રહ્યાં છે.
અમદાવાદમાં આવેલી કર્ણાવતી ક્લબમાં હમણાં ભાવનગરના શ્રી પછાત મહિલા વિકાસ મંડળ દ્વારા વૈદભગતોના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈદભગતોના મેળા વિશે મંડળનાં પ્રમુખ જયશ્રી બાબરિયા કહે છે, ‘ડાંગ અને વલસાડ સહિતના ટ્રાઇબલ બેલ્ટમાં રહેતા લોકો વર્ષોથી પરંપરાગત રીતે વૈદભગતો પાસે સારવાર કરાવતા. ઘણાબધા લોકો પાસે એનું નૉલેજ છે. જોકે હવેના સમયે આ પરંપરા ભૂંસાતી જાય છે. આ પરંપરા સાથે જોડાયેલા લોકોને પ્લૅટફૉર્મ પૂરું પાડવાનું અમારી સંસ્થાએ નક્કી કર્યું. ભગત તરીકે કામ કરતા આ લોકોને ત્યાં અમે ડોર-ટુ-ડોર વિઝિટ કરી. તેઓ કઈ રીતે સારવાર કરે છે એનો અભ્યાસ કર્યો. તેમની કાર્યપદ્ધતિ જોઈ ત્યારે જણાયું કે આ લોકો પાસે નૉલેજ ઘણું છે. એક હજાર કરતાં પણ વધુ ઔષધીય વનસ્પતિઓને તેઓ ઓળખી શકે છે. જંગલ વિસ્તારમાં રહેતા લોકો રોગોની પોતાની મેળે સારવાર કરે છે તથા અન્ય લોકોની પણ સારવાર કરે છે. તેમની આ પરંપરા જળવાઈ રહે, વનસ્પતિ ઔષધીય તેમ જ આયુર્વેદનો પ્રચાર-પ્રસાર પણ થાય એ હેતુથી છેલ્લાં ત્રણ વર્ષથી આદિવાસી પરંપરાગત વૈદભગતો દ્વારા તથા વનસ્પતિ ઔષધીય પ્રદર્શન મેળો યોજીએ છીએ. આ પહેલાં અમદાવાદ, રાજકોટ, સુરત, ઊંઝામાં આવા મેળાઓ કરી લીધા છે. અમદાવાદના મેળામાં ૨૦૦ જેટલા વૈદભગતો આવ્યા હતા.’ 
કુદરત સાથે કનેક્ટ રહેવું જોઈએ એ કોરોનાએ સમજાવ્યું છે એમ જણાવીને જયશ્રી બાબરિયા કહે છે, ‘ભારતમાં હવે આ વનસ્પતિ ઔષધિનું જ્ઞાન બહુ ઓછા લોકોને છે. ગુજરાતમાં આ રીતે વૈદભગત તરીકે અંદાજે સાડાચારસો લોકો છે. એનો વ્યાપ બહુ જ ઓછો છે. આ પરંપરા લોકો સુધી પહોંચે, લોકો એનો લાભ લે એ માટે અમે કાર્યરત છીએ.’ 
પરંપરાગત રીતે વનોપચાર કરતા ભગતોના મુદ્દે ડાંગ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ હેલ્થ-ઑફિસર ડૉ. હિમાંશુ ગામીત કહે છે, ‘ડાંગ જિલ્લામાં મારા મતે હવે ૧૦૦થી ૧૨૫ જેટલા ભગતો હશે. આ ઉપરાંત વ્યારા, નર્મદા, છોટાઉદેપુર, વલસાડ, કપરાડા સહિતના તાલુકાઓમાં પણ વૈદભગતની પરંપરા ચાલે છે. આ લોકોને વૈદ્ય તરીકેની કોઈ માન્યતા મળી હોય એવું નથી, પણ તેઓ પેઢી દર પેઢીથી જડીબુટ્ટીઓ થકી સારવાર કરતા આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં તેમનું ચલણ સારુંએવું છે અને તેમનું કહ્યું લોકો માને છે પણ ખરા. એ જ કારણોસર કોરોનાની વૅક્સિન તમામ લોકો લઈને સુર​ક્ષિત બને એ માટેની કામગીરી દરમ્યાન ભગતો સાથે બેઠક કરી હતી અને તેમનો સપોર્ટ મળ્યો હતો.’ 
માલકાંગણી, આર્યોકંદ, રગત રાયડો, સાપુઆંબા, ડવલા, મોખા, ઉમરો, કાકા કેરિયો, અક્કલગરો, અર્જુનસાદડ, ટેટની છાલ, પાદળની છાલ, કાયરી, હરેકાન્ત, મુરઠસિંગ, કાગડાનો આંબો, જંગલી કેળાં જેવી વન-ઔષધિઓ અને જડીબુટ્ટીઓથી વૈદભગત સારવાર કરે છે. મોટા ભાગે આ બધી વનસ્પતિઓ ડુંગરો અને જંગલોમાં જોવા મળે છે. એના અનેક લાભ છે, પરંતુ આ ઔષધિઓને ઓળખવી સહેલી નથી. ભગતો વડીલોની સાથે જંગલો–ડુંગરાઓ ખૂંદીને અને વનસ્પતિઓ સાથે તાદાત્મ્ય કેળવીને અનુભવના આધારે બાપદાદા પાસેથી વનસ્પતિ જડીબુટ્ટીઓને ઓળખતા અને એના ઉપયોગ વિશે શીખ્યા હોય છે. તેમની પાસે અનુભવસિદ્ધ જ્ઞાન હોય છે, ક્યાંય વાંચેલું નથી હોતું. 
ભગત તરીકે કામ કરતા દક્ષિણ ગુજરાતના કપરાડા તાલુકાના આંબાજંગલ ગામના ગુનાભાઈ લક્ષુભાઈ જાદવે માત્ર ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે, પણ વન-ઔષધિઓનું જ્ઞાન ભલભલાને અચંબિત કરી દે એવું છે. તેઓ કહે છે, ‘મારા પિતાજીએ મને વનસ્પતિની ઓળખ કરતાં શીખવ્યું હતું. તેમની સાથે હું ૩૫ કિલોમાટર ચાલીને ધરમપુર જતો. કયા વૃક્ષની છાલ કે કયા વેલાનું પાન કે પછી કયા ફળનું બી કયા રોગના કામમાં આવે એ વિશે તેઓ સમજ આપતા. ઘરે આ વનસ્પતિઓ, એનાં કંદ, પાન લાવતા અને એમાંથી લેપ કેમ બને, તેલ કેમ બનાવવું એ શીખવતા. આજે પણ અમે અઠવાડિયામાં એક-બે વાર ટાઇમ કાઢીને જંગલમાં જઈને આ વનસ્પતિ શોધીએ છીએ.’ 
પરંપરાગત રીતે વૈદું કરતા ભગતો મહિનામાં એક વાર મળે છે એ વિશે વાત કરતાં મંજુલા પટેલ કહે છે, ‘દર મહિનાના પહેલા શુક્રવારે કપરાડામાં અમે બધા વૈદો એકઠા થઈએ છીએ, એકબીજાને મળીએ છીએ અને વનસ્પતિ અને જડીબુટ્ટીઓની માહિતીની આપ-લે કરીએ છીએ. કોઈ નવી જાણકારી હોય તો બધા સાથે એની વાત કરીએ છીએ. હું વનસ્પતિઓ જંગલમાંથી શોધી લાવું છું તો કેટલીક વનસ્પતિઓ મારા ઘરે ઉગાડી છે. દવા પણ જાતે બનાવીએ છીએ. મારે ત્યાં સૌથી વધુ લકવાના અને સંધિવાના દરદીઓ આવે છે. આ ઉપરાંત ઍસિડિટી અને શુગરના દરદીઓ આવે છે. મારે ત્યાં મુંબઈથી પણ ડાયાબિટીઝના દરદીઓ આવ્યા હતા.’ 
ડાયાબિટીઝ, ઍસિડિટી, વા, પથરી, કૅન્સર, હરસ–મસા, ગૅસ–વાયુ, કમળો, તાવ, ખૂજલી, દમ, શરદી, ખાંસી, સાંધાના દુખાવા, કમર-ગાદી–મણકાની તકલીફ, સ્ત્રીરોગ હોય કે પછી હાડકાં ભાંગી ગયાં હોય કે ફ્રૅક્ચર થયું હોય કે કોઈ અન્ય દર્દ હોય - આ તમામ દર્દનો ઇલાજ આ ભગતો સદીઓથી કરતા આવ્યા છે. આ વૈદભગતો એક ગામથી બીજા ગામ કે નગરોમાં ફરતા હોય છે અને ત્યાં ભરાતી બજારમાં તેમની જગ્યા ફિક્સ હોય છે. એટલે આસપાસનાં ગામડાંના લોકોને તકલીફ હોય તો તેમની પાસે સારવાર કરાવવા આવે છે. તેમની પાસે ઉપચાર કરાવવા ગુજરાતભરમાંથી તેમ જ મુંબઈ, દહાણુ, નાશિક સહિત મહારાષ્ટ્રનાં ગામડાંઓ અને શહેરોમાંથી લોકો આવે છે. લોકોનું દર્દ મટાડવા માટે આ ભગતો વનસ્પતિના આધારે જાત-ભાતના નુસખા કરીને ઉપચાર કરતા હોય છે.
ગુજરાતમાં ડાંગ સહિતના આદિવાસી બેલ્ટમાં આવેલાં જંગલોમાં અખૂટ સૌંદર્ય સાથે વિધવિધ જાતની વનસ્પતિઓ છે. કુદરતે છુટ્ટા હાથે આ વનસ્પતિઓ આપણને આપી છે, પરંતુ આપણે ઘણીબધી વનસ્પતિઓના ઉપયોગથી ઘણાબધા અજ્ઞાન છીએ. મૉડર્ન સાયન્સની દૃષ્ટિએ ભલે એ પુરવાર થયું કે નહીં એ અલગ વાત છે, પણ આ ભગતો અનુભવની એરણ પર પરંપરાગત વૈદું દ્વારા વન-ઔષધિથી જુદા-જુદા દર્દનો ઉપચાર કરી રહ્યા છે. 



જંગલી ગિલોડી વનસ્પતિનાં મૂળિયાંનો લેપ લગાવો અને આરામ મેળવો


હાથ-પગનાં હાડકાં તૂટી ગયાં હોય કે પછી મણકાનો દુખાવો હોય કે ગાદી દબાઈ ગઈ હોય તો એની સારવારમાં જેમની માસ્ટરી ગણાય છે તે ડાંગના વઘઈ તાલુકાના બરડા ગામે રહેતા હાડવૈદ મનજી કાળુભાઈ ભોયે કહે છે, ‘હાડકું ભાંગી ગયું હોય કે પછી મણકો દબાઈ ગયો હોય તો એની દવા માટે જંગલી ગિલોડી વનસ્પતિનાં મૂળિયાં અને હળદરને મિક્સ કરીને લેપ બનાવીએ છીએ. ડુંગરાઓમાં આ જંગલી ગિલોડી મળી આવે છે. હાડકું ભાંગી ગયું હોય તો એને બેસાડીને એ જગ્યાએ આ લેપ લગાવવામાં આવે તો દરદીને સારું થઈ જાય છે. આ ઉપરાંત ઘાવતી ઝાડનાં મૂળિયાંમાંથી લેપ બનાવીને શરીર પર જ્યાં કાપો પડ્યો હોય ત્યાં લગાવી દો તો રૂઝ આવી જાય છે.’ 
દસમા ધોરણ સુધી અભ્યાસ કરનાર મનજી ભોયે કહે છે, ‘કોઈનો હાથ કે પગ ભાંગ્યો હોય અથવા ઍક્સિડન્ટ થયો હોય તો મારા પર ફોન આવે છે એટલે હું મારા દીકરા રણજિત અને સ્ટાફને લઈને ત્યાં સારવાર માટે પહોંચી જાઉં છું. ૧૦૮ જેવું અમારું કામ છે. જંગલમાંથી વનસ્પતિઓ લાવીને અમે લેપ બનાવીએ, પાઉડર બનાવીએ અને જે-તે દર્દ હોય એના ઉપચાર માટે આપીએ છીએ..’

પહેલી નજરે પથ્થર જેવી દેખાતી કાયરીના ગુણ અનેક


ડાંગના જંગલમાં જોવા મળતી અને પથ્થર જેવી દેખાતી કાયરી વનસ્પતિના ગુણ અનેક છે. એની વાત કરતાં આંબાજંગલ ગામના ગુનાભાઈ જાદવ કહે છે, ‘સાંધાના અને ઘૂંટણના દુખાવામાં કાયરીનો ઉપચાર અસરકારક છે. વેલા પર થાય છે. એને વેલ પથરા પણ કહે છે. ડાંગમાં શબરીધામ બાજુ તેમ જ મહારાષ્ટ્રની બૉર્ડર તરફ જંગલમાં એ મળી આવે છે. એને આંબા હળદર સાથે મેળવીને બનાવેલો લેપ સાંધામાં દુખાવો થતો હોય ત્યાં રાત્રે લગાવીને સૂઈ જવાનું. ઘા પર પણ લેપ લગાવી શકાય. દમ અને શ્વાસ ચડે ત્યારે કાયરી વાટી એક ચમચી રસ પાણીમાં મેળવી પીવડાવી દો એટલે રાહત મળે છે.’

પેટના દુખાવાનો ઇલાજ બટાટા જેવું દેખાતું વજ્ર કંદ

ડાંગ જિલ્લાના સાપુતારા રોડ પર આવેલા બારખાંધિયા ગામે રહેતા વૈદ્ય મોતીરામની સાથે તેમની દીકરી રંજના પણ વન-ઔષધિ ઉપચારઅને આયુર્વેદિક મસાજ કરે છે. 
બારમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા બાદ ટ્રેડિશનલ ઔષધિઓથી મસાજ કરવામાં માસ્ટરી કેળવનાર રંજના મોતીરામ વાઘેરા કહે છે, ‘કોઈ પણ દુખાવામાં આયુર્વેદિક મસાજની ટ્રિક મારા પિતાજીએ મને શીખવી છે. માલકાંગણીના વૃક્ષની ઉપર વેલા આવે એના પર દ્રાક્ષ જેવી લૂમ થાય. એને સૂકવીને બી કાઢીને એનું તેલ કાઢવાનું. આ તેલનો ઉપયોગ હાથ–પગ, ખભા કે કમરના મસાજમાં એનો ઉપયોગ કરીએ છીએ જેનાથી દરદીને દુખાવામાં રાહત મળે છે. આ ઉપરાંત કઈ વનસ્પતિ ઔષધિ છે, કયા પ્રૉબ્લેમમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થાય એ શીખવા હું ડાંગનાં જંગલોમાં પિતાજી સાથે ફરી છું’ 
બટાટા જેવું દેખાતું વજ્ર કંદ બતાવીને એના ઉપયોગની જાણકારી આપતાં મોતીરામ વાઘેરા કહે છે, ‘ચરબી ઘટાડવા માટે, પેટના દુખાવા માટે વજ્ર કંદનો ઉપયોગ થાય છે. આ કંદને છીણી કે પછી એને કૂટીને દૂધમાં નાખીને હલાવીને એ પી જવાનું. એનાથી પેટમાં ઠંડક મળે છે અને રાહત થાય છે. અમે જંગલમાં જઈને આ વજ્ર કંદ શોધી લાવીએ છીએ.’

Whatsapp-channel Whatsapp-channel

19 December, 2021 02:49 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK