Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મુંબઈમાં શાંતિ રહે એ સત્તા બદલાવ કરતાં વધારે અગત્યનું અને મહત્ત્વનું છે

મુંબઈમાં શાંતિ રહે એ સત્તા બદલાવ કરતાં વધારે અગત્યનું અને મહત્ત્વનું છે

27 June, 2022 10:47 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

અત્યારના તબક્કે સૌથી મહત્ત્વનું જો કંઈ હોય તો એ છે મુંબઈની શાંતિ. મુંબઈમાં શાંતિ અકબંધ રહે એ સત્તા-બદલાવ કરતાં પણ વધારે અગત્યનું, મહત્ત્વનું છે અને આ વાત સૌકોઈએ સમજવી પડશે.

ફાઈલ તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ફાઈલ તસવીર


જે પ્રકારે છેલ્લા બે દિવસ દરમ્યાન ઘટનાઓ બનવા માંડી છે એ ચિંતાજનક છે. શિવસેના પૈકીના કેટલાક સૈનિકો બીજેપીના હાથમાં શાસન ન જાય એને માટેના પ્રયાસ કરે છે, તો કેટલાક સૈનિકો એ કરવા રાજી નથી અને એ ગજગ્રાહ હવે રસ્તા પર ઊતરવા માંડ્યો છે, જેણે ટેન્શન ઊભું કર્યું છે. અત્યારના તબક્કે સૌથી મહત્ત્વનું જો કંઈ હોય તો એ છે મુંબઈની શાંતિ. મુંબઈમાં શાંતિ અકબંધ રહે એ સત્તા-બદલાવ કરતાં પણ વધારે અગત્યનું, મહત્ત્વનું છે અને આ વાત સૌકોઈએ સમજવી પડશે.
રાજકારણને રોજબરોજના જીવન સાથે સીધો કોઈ સંપર્ક નથી. કોને કઈ વ્યક્તિ કે પાર્ટી સાથે રહેવું અને કોનો વિરોધ કરવો એને પણ રોજબરોજના જીવન સાથે કોઈ નિસબત નથી. આમ આદમીને જો કોઈ એક વાતની સાથે નિસબત હોય તો એ છે શાંતિ અને શાંતિની જવાબદારી સૌકોઈની છે. મુખ્ય પ્રધાનની પણ એ જવાબદારી છે, વિરોધ પક્ષની પણ એ જવાબદારી છે અને પોલીસથી લઈને પબ્લિક સુધીના સૌકોઈની એ જવાબદારી છે અને આ જવાબદારી સૌકોઈ જાળવી રાખે, એનું પાલન કરે એ અનિવાર્ય છે. ક્યારેય કોઈએ ભૂલવું નહીં કે માણસ ઘરની બહાર ત્યારે જ નીકળે છે જ્યારે તેને માટે આવશ્યકતા ઊભી થાય છે. મહિલાઓ ઘરનો સામાન ખરીદવા ઘરની બહાર નીકળે છે અને પુરુષો એ સામાન ખરીદવા માટે જે જરૂરી છે એ પૈસો કમાવા બહાર નીકળે છે. આવા સમયે બહાર ચાલતી અશાંતિ કે પછી અચાનક જ અશાંતિનો ઊભો થતો માહોલ સૌકોઈને ગભરાવવાનું કામ કરી જાય છે. એ ગભરાટની આડઅસર કોઈ એકે નહીં, પણ પરિવારે ભોગવવી પડે છે અને મુંબઈમાં, મહારાષ્ટ્રમાં રહેતો એકેએક પરિવાર સુખ-શાંતિ સાથેનું જીવન જીવતો રહે એ વાતાવરણ આપણે જાળવવાનું છે.
જેકોઈ ઘરની બહાર અશાંતિનું નિર્માણ કરે છે તે એવું ન કરે અને જેકોઈ ઘરની બહાર રહેલી શાંતિનો ભંગ કરે છે તે એવું ન કરે એનું ચુસ્ત પાલન કરાવવાનું કામ હવે જે પૉલિટિકલ પાર્ટી કરશે એ પબ્લિકના હૃદયમાં પોતાનું અદકેરું સ્થાન બનાવશે એ નિશ્ચિત છે. રાજકીય પ્રવાહિતા વચ્ચે ગઈ કાલે મુંબઈમાં સરકાર દ્વારા જે આકરાં પગલાં લેવામાં આવ્યાં અને એકનાથ શિંદેના દીકરાની ઑફિસમાં થયેલી તોડફોડને કારણે જે પ્રકારે કલમ ૧૪૪નો અમલ કરવો પડ્યો એ દસકાઓ પછી મુંબઈમાં બન્યું છે.
પૅન્ડેમિક દરમ્યાન આ જ કલમનો ઉપયોગ થતો હતો, પણ સાહેબ એ મહામારી હતી. એ પહેલાં મુંબઈમાં ક્યારે કરફ્યુ મૂકવામાં આવ્યો હતો એ યાદ કરવાની કોશિશ કરો. તમને યાદ સુધ્ધાં નહીં આવે. મુંબઈને શાંતિની આદત પડી છે અને એ આદત આપણે સૌએ અકબંધ રાખવાની છે. સેનાના નામે આગળ આવનારાઓને કહેવાનું કે આ સેનાનો સ્વભાવ નથી. શિવસૈનિક તો એકેએક મરાઠી માણૂસના સુખ માટે મહેનત કરનારો, જહેમત ઉઠાવનારો છે તો પછી શું કામ આવી અશાંતિનું નિર્માણ થાય? શિવસૈનિક એ છે જે અશાંતિ ફેલાવનારાઓને પકડી-પકડીને દુનિયાની સામે મૂકે. એવા સમયે ઇચ્છા એટલી જ કે મરાઠીઓના સુખ માટે આગળ આવનારા શિવસૈનિકો ફરીથી જોવા મળે અને મુંબઈમાં રહેલી સુખમય શાંતિને કોઈ અસર થાય નહીં.


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2022 10:47 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK