આજે વર્લ્ડ વ્હેલ અને ડૉલ્ફિન ડે છે ત્યારે મળીએ મુંબઈના શૌનક મોદીને જેને વ્હેલ માછલી અને ડૉલ્ફિન પોતાના જીવનના અનિવાર્ય હિસ્સા જેવાં લાગે છે
શૌનક મોદી વાઇફ માહી માંકેશ્વરને પહેલી વાર ડૉલ્ફિનના જે વર્કશૉપમાં મળ્યો હતો એ સમયની તસવીર
આજે વર્લ્ડ વ્હેલ અને ડૉલ્ફિન ડે છે ત્યારે મળીએ મુંબઈના શૌનક મોદીને જેને વ્હેલ માછલી અને ડૉલ્ફિન પોતાના જીવનના અનિવાર્ય હિસ્સા જેવાં લાગે છે. છેલ્લાં વીસેક વર્ષથી વન્ય જીવો સાથે જોડાયેલા અને ત્રણ વર્ષથી ખાસ મુંબઈની ડૉલ્ફિન પર સંશોધન કરતા અને એમને બચાવવા માટે લડી રહેલા આ અનોખા સંરક્ષકના વ્હેલ માછલી અને ડૉલ્ફિન સાથેના અનુભવો જાણીએ
સાત ટાપુઓથી મળીને બનેલા મુંબઈને ભવ્ય દરિયાકિનારાની અનેરી સોગાત મળી છે. આ દરિયાની જ દેન છે કે મુંબઈનું હવામાન ક્યારેય એક્સ્ટ્રીમ નથી થતું. જોકે મુંબઈકરો તેમને ભેટમાં મળેલા દરિયાની અને ખાસ કરીને એ દરિયામાં વસતી અનેરી દુનિયાની જોઈએ એટલી કદર નથી કરી શક્યા. ગંદકીથી ખદબદતા મુંબઈના દરિયામાં ભાગ્યે જ કોઈ જીવો રહેતા હશે એવું માનનારા મુંબઈકરોમાંથી માંડ ગણતરીના લોકો જાણતા હશે કે અપણા આ શહેરમાં ડૉલ્ફિન માછલીઓ પણ છે. યસ, સીવેજ અને કેમિકલનું પાણી ઠલવાતું રહ્યું હોવા છતાં મુંબઈમાં કેટલીક દરિયાઈ જીવસૃષ્ટિ અકબંધ રહી છે અને એણે પોતાનું સર્વાઇવલ શોધીને બદલાયેલી ઇકો-સિસ્ટમ વચ્ચે પણ પોતાની જાતને ટકાવી રાખી છે. ટિપિકલ ગુજરાતી પરિવારમાંથી આવતા શૌનક મોદીને મુંબઈકરોની દરિયા અને દરિયાઈ જીવો પ્રત્યેની અવગણના ખૂબ ખૂંચે છે અને છેલ્લાં વીસેક વર્ષથી એમને બચાવવા એમના પર અભ્યાસ પણ કરી રહ્યો છે.
ADVERTISEMENT
આજે દુનિયાભરમાં ‘વર્લ્ડ વ્હેલ ઍન્ડ ડૉલ્ફિન ડે’ ઊજવાઈ રહ્યો છે. ઇન્ટરનૅશનલ વ્હેલ કમિશન દ્વારા ૧૯૮૬માં એની ઉજવણીની શરૂઆત થઈ હતી. ૧૯૮૩ પહેલાં સુધી કમર્શિયલ ઉપયોગ માટે વ્હેલ અને ડૉલ્ફિનનો શિકાર થતો. ૨૦૦ વર્ષ સુધી સમુદ્રી જીવોના અંધાધૂંધ નિકંદન પર પ્રતિબંધ મૂકતા કાયદાની ઘોષણા ૧૯૮૩માં થઈ અને ૧૯૮૬માં એનું અમલીકરણ શરૂ થયું. આ બે દરિયાઈ જીવોના અસ્તિત્વ સામે ઊભા થયેલા જોખમને ટાળવા લેવાયેલા આ ઐતિહાસિક કાયદાના રિમાઇન્ડર તરીકે આ જીવોની રક્ષા માટે ઉચિત વાતાવરણ ઊભું કરવા માટે આજના દિવસની ઉજવણી થાય છે. મુંબઈમાં ડૉલ્ફિનના સંવર્ધન અને અવેરનેસ માટે કામ કરી રહેલા શૌનક મોદી સાથે વિગતવાર વાતો કરીએ.

૨૦૨૨માં ભારત સરકારના પ્રોજેક્ટ ડૉલ્ફિનમાં કામ કરનારી ટીમ સાથે.
અનાયાસ જાગ્યો પ્રેમ
મોટા ભાગનું જીવન જુહુમાં પસાર કરનારો શૌનક મોદી એક ટિપિકલ ગુજરાતી પરિવારમાંથી આવે છે. પિતાનો પ્રિન્ટિંગનો બિઝનેસ અને ભાઈ ગાર્મેન્ટમાં કામ કરતો હતો. જોકે વેપારી મગજમાં વન્ય જીવો પ્રત્યેનો પ્રેમ અને એમના સંવર્ધનનો વિચાર કેવી રીતે આવ્યો એની વાત કરતાં શૌનક કહે છે, ‘એમાં બન્યું એવું કે લગભગ બાવીસ વર્ષની ઉંમર હતી ત્યારે હું મારા મિત્રો સાથે બાંધવગઢ નૅશનલ પાર્કમાં ફરવા ગયો હતો. એ દરમ્યાન મેં ફોટોગ્રાફી દ્વારા જંગલને જુદા નજરિયે જોવાનું શરૂ કર્યું. એ સમયે ટાઇગર, બર્ડ્સ, લાયન જેવાં ઍનિમલ્સનું આકર્ષણ હતું. જોકે એ સમયે મનમાં સાપ માટે સહેજ ખચકાટ હતો. એવામાં જો મારે જંગલમાં રહેવું હોય તો સાપ સાથે ભાઈબંધી કરવી આવશ્યક હતી અને એટલે જ મેં હર્પીટોલૉજી પર એક કોર્સ કર્યો જેમાં તમે સાપ જેવા સરીસૃપ જીવોના બિહેવિયરને સમજતા હો છો. એ સમયે દરિયાઈ કાચબા પર કામ કરવાનું થયું. એ વખતે પહેલી વાર ધ્યાન દરિયા પર ગયું. ત્યારે એ પણ રિયલાઇઝ થયું કે મારી તો આખી જિંદગી દરિયાની નજીક વીતી છે છતાં કેમ મેં ક્યારેય અહીં દરિયાકિનારા અને દરિયાની વચ્ચે વસતી અનોખી ઇકો-સિસ્ટમનો વિચાર ન કર્યો.’
નજરોનજર જ્યારે વ્હેલ જોઈ
૨૦૧૬માં ૬૦ ફીટ લાંબી બ્રુડીઝ નામની મૃત વ્હેલ માછલી જુહુના દરિયાકિનારે તણાઈને આવેલી. શૌનક કહે છે, ‘ત્યારે હું આખી રાત બીચ પર હતો. ક્રાઉડ કન્ટ્રોલ કરતો હતો. ત્યારે હું મરીન લાઇફમાં ઍક્ટિવ થઈ ગયો હતો અને છતાં આ માછલીનું કદ જોઈને દંગ હતો. જાણે કે કોઈ બહુ જ મોટો પથ્થર પડ્યો હોય એવું લાગે. એ અનુભવ જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું, કારણ કે હું કલ્પના નહોતો કરી શકતો કે દરિયામાં આવું જાયન્ટ એક પ્રાણી રહે છે, એ તરતી કેમ હશે. અને તમને ખબર છે કે દુનિયાની સૌથી જાયન્ટ બ્લુ વહેલ ઝીંગા માછલી ખાય? યસ, આપણી આંગળીના નખની સાઇઝના જીવો એ આટલી વિશાળ વ્હેલ માછલીનો મુખ્ય ખોરાક છે. એ સમયે દરિયામાં ખેંચાઈ આવતી આ માછલીઓ પર ઇન્સ્ટન્ટ રિસ્પૉન્સ અપાય એ માટે સ્ટૅન્ડિંગ નેટવર્ક ગ્રુપ અમે બનાવ્યું હતું જે આ પ્રકારના જીવો પર અભ્યાસ કરે અને એ મુંબઈના દરિયાકિનારા સુધી કઈ રીતે પહોંચ્યા હશે, એ કઈ રીતે મૃત્યુ પામ્યા હશે જેવા વિષય પર રિસર્ચ કરે. મેં જર્નલિઝમનો અભ્યાસ કર્યો હતો પરંતુ ઑફિશ્યલી ક્યારેય એમાં કામ નહોતું કર્યું. થોડોક સમય ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીમાં કામ કર્યા પછી હું અહીંની વાઇલ્ડલાઇફને લગતી વિગતો પર એક વેબસાઇટ ચલાવતો. મને મારા અનુભવો પરથી એટલું સમજાયું હતું કે મીડિયામાં કે આમ જનતામાં હજીયે દરિયાઈ જીવોના હોવા-ન હોવાથી કોઈ ફરક નથી પડતો.’
અહીં ઉલ્લેખનીય છે કે ૨૦૧૬થી આજ સુધીમાં કુલ ચાર વાર આપણા દરિયાકિનારા પર મહાકાય વ્હેલ માછલીઓ ખેંચાઈને આવી ચૂકી છે.

ડેડ ડૉલ્ફિન ફળી
ધીમે-ધીમે જંગલોમાંથી દરિયાઈ જીવો માટેનો શૌનકનો ઝુકાવ વધતો ગયો અને એમાં મુંબઈમાં ડૉલ્ફિન છે ધ્યાનમાં આવ્યું. શૌનક કહે છે, ‘પ્રોજેક્ટ મરીન લાઇફ ઑફ મુંબઈ અંતર્ગત દરિયા અને જમીનની વચ્ચે પણ જીવોની અનોખી સૃષ્ટિ છે એના પર અમે રિસર્ચ શરૂ કર્યું હતું. એ સમયે મારી બૅક સર્જરી થઈ હતી એટલે જંગલમાં જવાનું અલાઉડ નહોતું એટલે સંપૂર્ણ ફોકસ આ પ્રોજેક્ટ પર મિત્રો સાથે મળીને લગાવ્યું. મુંબઈના દરિયાકાંઠે ૬૦૦થી વધુ દરિયાઈ જીવોની પ્રજાતિઓ છે અને એમાં ડૉલ્ફિનની પણ અનોખી દુનિયા છે જેના ઉપક્રમે ૨૦૧૯માં કોસ્ટલ કન્ઝર્વેશન ફાઉન્ડેશન નામની સંસ્થા બનાવી.’
આ સંસ્થાના માધ્યમથી એક બાજુ અમે સર્વેનું કામ કરતા તો બીજી બાજુ સ્ટૅન્ડિંગ નેટવર્કનું કામ પણ ચાલ્યા કરતું એમ જણાવીને શૌનક કહે છે, ‘ચોમાસામાં ઘણા મરેલા દરિયાઈ જીવો કિનારે ખેંચાઈ આવતા. ચોમાસામાં અમે ઘણી વાર મરેલી ડૉલ્ફિન જોઈ હતી. ક્યાંથી આવતી હશે એવી તપાસ કરતાં સમજાયું કે આપણા જ દરિયાકિનારાની લગભગ સાતેક કિલોમીટરની રેન્જમાં ઘણીબધી ડૉલ્ફિન્સ રહે છે. એ દરમ્યાન ૨૦૨૨માં ભારત સરકારનો પ્રોજેક્ટ ડૉલ્ફિન લૉન્ચ થયો જેમાં મુંબઈમાં ડૉલ્ફિન પર રિસર્ચ અમારે કરવાનું હતું. એ પહેલાં એક પ્રસંગ કહું જેમાં ડૉલ્ફિનને કારણે જ મને મારી લાઇફ-પાર્ટનર પણ મળી. મારી વાઇફ માહી માંકેશ્વર પણ નેચરલવર અને કન્ઝર્વેશનિસ્ટ છે અને તેણે આંદામાનમાં વ્હેલ અને ડૉલ્ફિન પર પુષ્કળ કામ કર્યું છે. ૨૦૧૯ની વાત છે. માહીએ મૃત્યુ પામેલી ડૉલ્ફિનની નેક્રોપસી (સાદી ભાષામાં પોસ્ટમૉર્ટમ) પર વર્કશૉપ રાખી હતી જે મેં અટેન્ડ કરી હતી. મૃત ડૉલ્ફિનના સ્ટ્રક્ચર વિશે સમજાવી રહેલી માહી સાથે ત્યારે પરિચય થયો જે આગળ જતાં પ્રેમમાં કન્વર્ટ થયો અને હવે તો અમારાં લગ્ન પણ થઈ ગયાં છે. આજે પણ હું મારા મિત્રોને કહેતો હોઉં છું કે વી મેટ ઓવર ડેડ ડૉલ્ફિન. એ પછી ડૉલ્ફિન અમારા બન્નેના જીવનની મકસદ છે. કોલાબાથી ઉત્તન સુધી ત્રણ વર્ષ સતત અમે ડૉલ્ફિનના સાઇટિંગ અને એના હૅબિટૅટ પર રિસર્ચ કર્યું છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટના પ્રોજેક્ટમાંથી ઘણી જાણવા જેવી માહિતીઓ મળી છે. આપણે ત્યાં ઇન્ડિયન ઓશન હમ્પબૅક ડૉલ્ફિન નામની પ્રજાતિઓ મળે છે.’
અનોખો અનુભવ
એક વાર શૌનક અને માહીએ સાથે મળીને ત્રણ પુખ્ત અને એક જસ્ટ બૉર્ન ડૉલ્ફિન જોઈ હતી. એ જીવનનો સૌથી રોમાંચક અનુભવ હતો. શૌનક કહે છે, ‘આપણે ડૉલ્ફિન જોવા વિદેશમાં કે આંદામાન જઈએ છીએ પરંતુ ખરેખર મુંબઈમાં પણ ખૂબ સારા પ્રમાણમાં દરિયાઈ જીવોની ટાઇગર સમી આ માછલીઓ અસ્તિત્વ ધરાવે છે. માછલીઓમાં ડૉલ્ફિન સર્વાધિક ઇન્ટેલિજન્ટ મનાય છે. મને યાદ છે કે એક વાર અમે સર્વે કોલાબાથી બોટ લઈને ગયા હતા. થોડાક આગળ ગયા હોઈશું અને અમારી બોટની ચારેય બાજુ ડૉલ્ફિન મસ્ત મજાની એન્જૉય કરતાં-કરતાં તરી રહી હતી જાણે કે અમારું સ્વાગત કરી રહી હોય. આજે પણ તમે ધારો કે ગેટવે ઑફ ઇન્ડિયાથી ઉત્તન જાઓ તો તમને ડૉલ્ફિન આરામથી જોવા મળી શકે છે.’
મુંબઈકરોને અપીલ કરતાં શૌનક કહે છે, ‘દરિયામાં સતત ગંદકી ઠલવાઈ રહી છે. આટલાબધા દરિયાઈ જીવોના અસ્તિત્વ સામે ખતરો છે પણ ભાગ્યે જ લોકોના થિન્કિંગ પ્રોસેસમાં દરિયો આવે છે. આપણે બેધડક દરિયામાં કચરો, પ્લાસ્ટિક નાખીએ છીએ, ફૅક્ટરીનાં કેમિકલ નાખીએ છીએ. સીવેજનું પાણી નાખીએ છીએ પણ એ નથી વિચારતા કે આ દરિયાઈ જીવોનું શું થશે. મારે બસ લોકોમાં એ અવેરનેસ લાવવી છે કે દરિયા અને દરિયામાં વસતી જીવસૃષ્ટિ પ્રત્યે સંવેદનશીલ થાઓ, તમને મળેલો મુંબઈનો દરિયો ખરેખર ગૌરવ લેવા જેવી બાબત છે, તમે એને આદર આપો, એને સ્વચ્છ બનાવવા માટે આગળ આવો, આપણી ઇકો-સિસ્ટમ માટે દરિયો જરૂરી છે એ ક્યારેય ન ભૂલો.’


