Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જેની લગની લાગી હોય તેની સાથે લગ્ન કરવાનું સદ્ભાગ્ય દરેકનું નથી હોતું

જેની લગની લાગી હોય તેની સાથે લગ્ન કરવાનું સદ્ભાગ્ય દરેકનું નથી હોતું

27 March, 2022 12:12 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

તું મારી પત્ની ન હોવા છતાં મારા જીવનમાં તારું સ્થાન બરાબર એ જ છે. એ સ્થાન તારે ટકાવવું હોય તો તેમનો જ આદર્શ સામે રાખ અને મારી સાથે એ જ રીતે જીવનના રસ્તે ચાલ. એમાં જ આપણા બન્નેનું હિત છે.’

નશા યે પ્યાર કા નશા હૈ.

નશા યે પ્યાર કા નશા હૈ.


યે મોહબ્બત ભી અજીબ ચીઝ હૈ યારોં
જો દિલ મેં તો આતી હૈં, 
સમઝ મેં નહીં આતી
પ્રેમ સમજવાની નહીં, અનુભવવાની ચીજ છે એટલે તો સ્વામી સચ્ચિદાનંદજીએ કહ્યું છે કે ‘શાણા માણસો કદી પ્રેમ નથી કરતા. જે ખેલમાં બાજી હારીને જીતવાનો આનંદ લેવાનો હોય એ વાત શાણા માણસો કદી સ્વીકારી જ ન શકે. પ્રેમ જ્યારે પાગલપનનું સ્વરૂપ ધારણ કરે ત્યારે શું થાય એ અવસ્થાની વાત સ્પૅનિશ કવયિત્રી ગ્લોરિયા ફ્યુરેટસ પોતાના કાવ્યમાં કરે છે. પ્રિય વ્યક્તિના ગળાડૂબ પ્રેમમાં ડૂબેલી નાયિકા કહે છે, ‘મારું ચાલે તો દીવાલે-દીવાલે તારું નામ ચીતરી દઉં. જગતના તમામ કૂવાઓમાં તારા નામનો પોકાર કરું જેથી અનંતકાળ સુધી જગતને તારા નામના પડઘા સંભળાય. મારા માટે તારા નામના ૬ અક્ષર સિવાય વર્ણમાળાના દરેક અક્ષર અર્થહીન છે. પર્વતોના શિખર પરથી હું ઈશ્વરને કહું છું કે તારા અને મારા પ્રેમ આગળ દુનિયાનો હરેક સંબંધ અધૂરો છે, ફિક્કો છે, જેનું કોઈ મૂલ્ય નથી.’  
રાજ કપૂરની પાછળ પાગલ થયેલી નર્ગિસ આવી જ કોઈ મનોદશામાં જીવતી હતી. પ્રણયની જ્યારે પરાકાષ્ઠા આવે છે ત્યારે વાણી-વર્તનમાં સાનભાન રહેતું નથી અને ત્યારે શરૂ થાય છે લાગણીનો લવારો. આવી હાલતમાં તે એક દિવસ બહેનપણી નીલમને  સાથે લઈને ઘરની બહાર નીકળે છે. ક્યાંય સુધી તેને કહેતી નથી કે ક્યાં જવું છે. ધીરજ ગુમાવીને નીલમ અંતે પૂછે છે, ‘હવે તો કહે કે આપણે ક્યાં જઈએ છીએ?’ 
‘મોરારજી દેસાઈ પાસે.’ (મોરારજીભાઈ એ સમયે મુંબઈના ચીફ મિનિસ્ટર હતા.)
‘એકદમ મોરારજી દેસાઈ પાસે? તેમની પાસે વળી શું કામ છે?’
‘રાજે મને તેમને મળવાનું કહ્યું છે.’
‘શું કામ?’
‘રાજ અને મારે લગ્ન કરવાં છે.’
‘આ લગ્નમાં ગોરમા’રાજ તરીકે મોરારજીભાઈને વિધિ કરવા બોલાવવા છે કે શું?’
‘ના, ના, એવું નથી.’ 
‘તો તેણે શા માટે તેમને મળવાનું કહ્યું છે?’
‘તેઓ હમણાં જ દ્વિપત્ની–પ્રતિબંધક કાયદો લાવ્યા છેને. આ આડખીલી દૂર કરવા માટે તેમને કાયદો જરા બાજુએ રાખવો અને એક સ્પેશ્યલ કેસ તરીકે અમારાં લગ્ન માટે પરવાનગી આપવી એવી તેની ઇચ્છા છે. તેમને મળીને તેમની પાસેથી આ પરવાનગી મેળવવાનું તેણે મને કહ્યું છે.’
એ ઇન્ટરવ્યુમાં નીલમ આગળ કહે છે, ‘રાજ લગ્ન કરવા તૈયાર  થયો એટલે ગમેતેમ કરીને આ પરવાનગી મેળવવી જ જોઈએ એમ નર્ગિસને લાગવા માંડ્યું હતું, પણ એ માટે મોરરજીભાઈને એકલી મળવા જતાં તેને બીક લાગતી હતી. હું તેની ખાસ બહેનપણી એટલે તે મને સાથે લઈ જતી હતી. અમે મોરારજીભાઈને મળવા કૉન્ગ્રેસ હાઉસ પહોંચ્યાં. 
તેઓ પોતાના કાર્યાલયમાં એક મોટા ટેબલની પાછળ બેઠા હતા. મુખમુદ્રા એકદમ ગંભીર હતી. અમને બન્નેને એક પ્રકારનો ડર લાગતો હતો. નર્ગિસ તો એટલી ડરી ગઈ કે તે મારી પાછળ ઊભી રહી ગઈ. અમારા મોઢામાંથી એક શબ્દ ન નીકળે. અમારી આવી હાલત જોઈને મોરારજીભાઈએ પૂછ્યું. 
‘બોલો, મારું શું કામ છે તમને?’
નર્ગિસ એક શબ્દ બોલી નહીં એ જોઈને તેમણે કહ્યું, ‘આમ મીંઢાં મોઢાં કરીને શું ઊભાં છો? જેકાંઈ કહેવું હોય એ જલદી બોલો. મારી પાસે સમય બહુ ઓછો છે.’ 
તો પણ નર્ગિસ કાંઈ બોલે નહીં. છેવટે મેં કહ્યું, ‘મારી બહેનપણીને તમારી સાથે એક વાત કરવી છે.’
તરત તેઓ બોલ્યા, ‘તો તેમને જ બોલવા દોને?’
હજી તે ચૂપ હતી. મેં તેને એક ચીંટિયો ભર્યો ત્યારે માંડ-માંડ ગભરાતાં -ગભરાતાં તે ધીમેકથી બોલી, ‘મારે રાજ કપૂર સાથે લગ્ન કરવાં છે.’
આટલું સાંભળતાં તેમણે પોતાના હાથમાંથી પૅડ નીચે મૂકીને ધારદાર નજરે નર્ગિસ સામે જોતાં કહ્યું, ‘એ શક્ય નથી. તમે કાયદો નથી જાણતાં?’
‘કાયદો જાણું છું સર, પણ..’
તેમણે નર્ગિસને આગળ બોલવા જ ન દીધી. પોતાનો અવાજ ઊંચો કરીને તેઓ સખતાઈથી બોલ્યા, ‘કાયદો જાણ્યા છતાં આવું બેઆબરૂ કરતું કામ લઈને તમે મારી પાસે આવો અને મારો કીમતી સમય બગાડો એ તમે સાહસનું કામ કર્યું છે. જાઓ, ફરી ક્યારેય આવા ફાલતુ કામ લઈને મને મળવાની હિંમત ન કરશો.’ 
અમે બન્ને નીચું મોઢું કરીને ત્યાંથી બહાર નીકળી ગયાં. નર્ગિસ એકદમ નિરાશ થઈ ગઈ. રાજના પ્રેમમાં તે એટલી આંધળી થઈ ગઈ હતી કે તેને માટે હકીકતનો સ્વીકાર કરવો અસહ્ય હતો. એ સમયે અમે બન્ને કાચી ઉંમરનાં હતાં. મને પણ એ વાતનું દુઃખ લાગ્યું કે હવે શું થશે? મેં તેને સાંત્વન આપ્યું, પણ તે એકદમ ભાંગી પડી હતી.’
મુગ્ધાવસ્થાની કડવી વાસ્તવિકતા એ હોય છે કે જે ઉંમરે પ્રેમ કરવાનો હોય ત્યારે જ લગ્ન કરવાનો નિર્ણય કરવો પડતો હોય છે. જેની લગની લાગી હોય તેની સાથે જ લગ્ન કરવાનું સદ્ભાગ્ય દરેકનું નથી હોતું. જીવનની એક કરુણતા દરેકે સ્વીકારવી પડે છે કે જે નામ જન્મોત્રીમાં હોય એ ઘણી વખત કંકોતરીમાં નથી હોતું. અમુક સંબંધો અનામી રહેવા માટે જ સર્જાયેલા હોય છે.   
એ દિવસોમાં નર્ગિસ રણજિત ફિલ્મ્સની ‘જોગન’માં કામ કરતી હતી. નિર્માતા ચંદુલાલ શાહ અને ગોહર મામાજીવાલા નિર્મિત આ ફિલ્મમાં કામ કરતી વખતે નર્ગિસ ગોહરબાનુના નિકટ સહવાસમાં આવી ત્યારથી જ તેમનાથી પ્રભાવિત હતી. ૨૦-૨૧ વર્ષની અલ્લડ ઉંમરે તેનું સપનું હતું કે રાજ કપૂર સાથે લગ્ન કરીને ઠરીઠામ થાય, પરંતુ એ શક્ય નહોતું. ચંદુલાલ શાહ અને ગોહરજાનનો એકમેક પ્રત્યેનો પ્રેમ અને આદર દુનિયાથી અજાણ્યો નહોતો. બન્ને પતિ-પત્ની ન હોવા છતાં તેમના સંબંધને દુનિયા નીચી નજરથી નહોતી જોતી. રાજ કપૂરે ચંદુલાલ શાહને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું, ‘ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં સરદાર ચંદુલાલ શાહ અને ગોહર મામાજીવાલા વચ્ચેના અતૂટ સંબંધનો જોટો  નહીં જડે. એ સંબંધ એક કવિ અને કવિતાનો હતો. સરદાર એક કવિ હતા અને ગોહરજાન  તેમની કવિતા.’ 
નર્ગિસ અને રાજ કપૂરની પ્રેમકથાને આગળ વધારીએ એ પહેલાં ચંદુલાલ શાહ વિશે થોડી વાતો શૅર કરી લઉં. એકદમ શ્યામવર્ણ ચંદુલાલ શાહના જીવનમાં અનેક ચડાવ-ઉતાર  આવ્યા. ૧૯૨૫માં લક્ષ્મી ફિલ્મમાં નોકરીથી શરૂઆત કરી, પછી કોહિનૂર ફિલ્મ કંપની જૉઇન કરી અને ત્યાર બાદ ગોહરબાનુ સાથે શ્રી રણજિત ફિલ્મ્સ કંપનીની  સ્થાપના કરી (જે પછીથી રણજિત મુવીટૉન તરીકે ઓળખાતી હતી). ‘ટાઇપિસ્ટ ગર્લ’, ‘એજ્યુકેટેડ વાઇફ’, ‘દેવ દેવયાની’, ‘તાનસેન’, ‘જોગન’, ‘પાપી’, ‘ફુટપાથ’, ‘હમલોગ’, ઝમીં કે તારે’ અને બીજી અનેક ફિલ્મો બનાવી. રણજિત સ્ટુડિયોના માલિક હતા. લાખો રૂપિયા કમાયા અને ગુમાવ્યા. હાથ બહુ છૂટો. એક વાર ‘ફિલ્મ ઇન્ડિયા’ના તંત્રી બાબુરાવ પટેલે તેમનો ઉલ્લેખ ‘સરદાર’ તરીકે કર્યો ત્યારથી તેમના નામ આગળ સરદાર લાગી ગયું. એક સમયે તેમણે અભિનેત્રી વીણાને મહિને લાખ રૂપિયાનો પગાર આપીને લોકોને ચોંકાવી દીધા હતા. તેઓ સટ્ટા અને જુગારના શોખીન હતા. દિલદાર પણ એટલા જ. મિત્ર અને ગમતા અભિનેતા મોતીલાલનું એક વખતનું મોટું દેવું એકઝાટકે પૂરું કરી આપ્યું. પાછલી જિંદગીમાં બધું ગુમાવ્યું અને બસમાં પ્રવાસ કરવાના દિવસો આવ્યા છતાં કોઈ અફસોસ નહોતો.  જીવનનાં ૪૬ વર્ષ સુધી તેમણે ગોહરબાનુનો લગ્ન કર્યા વિના સાથ નિભાવ્યો.                         
નર્ગિસ આ બન્નેના સંબંધથી ઘણી પ્રભાવિત હતી. રાજ કપૂર સાથે લગ્ન સંભવ નહોતાં છતાં તેના વગર રહેવું પણ શક્ય નહોતું. ઇચ્છાઓને આંખ અને પાંખ બન્ને હોય છે. આંખ ખુલ્લા આકાશને જોઈને અધીરી બને છે, પરંતુ જો પાંખ કપાયેલી હોય તો કેવળ ફફડીને બેસી રહેવું પડે. ક્યાંક વાંચ્યું હતું, ‘આપણા જીવનની કરુણતા એ છે કે જખમની ફરિયાદ છરીને જ કરવી પડે છે.’ એવી જ કંઈક હાલત નર્ગિસની હતી. એવા સંજોગોમાં નર્ગિસે રાજ કપૂરને પ્રશ્ન કર્યો, ‘જો હું તારી પત્ની ન બની શકું તો તારા જીવનમાં મારું સ્થાન શું છે?’ ખૂબ ચતુરાઈથી રાજ કપૂરે જવાબ આપ્યો,
‘આનો જવાબ તને હાલમાં તું ‘જોગન’ ફિલ્મમાં કામ કરે છે એનાં એક નિર્માતા ગોહર મામાજીવાલાને નજીકથી જોઈશ તો મળી જશે. તેઓ ચંદુલાલ શાહનાં કાયદેસરનાં પત્ની નથી, તો પણ તેમના જીવનમાં તેમનું સ્થાન પત્ની કરતાંયે મહત્ત્વનું છે. તું મારી પત્ની ન હોવા છતાં મારા જીવનમાં તારું સ્થાન બરાબર એ જ છે. એ સ્થાન તારે ટકાવવું હોય તો તેમનો જ આદર્શ સામે રાખ અને મારી સાથે એ જ રીતે જીવનના રસ્તે ચાલ. એમાં જ આપણા બન્નેનું હિત છે.’
સ્ત્રી જ્યારે પ્રેમમાં સમર્પિત થઈ જવાનો નિર્ણય કરે ત્યારે આગળ-પાછળનો વિચાર નથી કરતી. તેનું સમર્પણ સંપૂર્ણ હોય છે. સુરેશ દલાલની પંક્તિ યાદ આવે છે... 
‘તમે કહો તો હા અને ના કહો તો નહીં અમે તમારે કોરે કાગળ કરી દઈએ સહી...’ 
નર્ગિસે રાજ કપૂરની વાતને બ્રહ્મવાક્ય સમજીને સાચી માની  લીધી અને પોતાનું આખું જીવન રાજ કપૂર અને આરકે ફિલ્મ્સ માટે સમર્પિત કરવાનો નિર્ણય કર્યો. સમય જતાં તે ગોહરબાનુના જીવનને પોતાનો આદર્શ માનવા લાગી. આમ ‘આવારા’ બાદ નર્ગિસ સંપૂર્ણપણે ‘રાજમય’ બનીને જીવવા માંડી. એટલું જ નહીં, આરકેની દરેક ફિલ્મોના નિર્માણમાં ઊંડો રસ લેવાનું શરૂ કર્યું. ગોહરબાનુ સરદાર ચંદુલાલ શાહનાં પત્ની ન હોવા છતાં રણજિત સ્ટુડિયોમાં તેમનું સ્થાન માલિકનું હતું. અને એવું જ સ્થાન નર્ગિસનું આરકે સ્ટુડિયોમાં હતું. તેનો દરેક શબ્દ એ સમયે મહત્ત્વનો ગણાતો. આરકે સ્ટુડિયોના કામદારો નર્ગિસનો માલિક તરીકે આદર કરતા. કપૂરપરિવાર ધર્મનિસ્ટ હિન્દુ પરિવાર હતો એટલે આરકે ફિલ્મ્સની નવી ફિલ્મનું મુહૂર્ત હોમહવન સાથે થતું, પરંતુ નર્ગિસ મુસ્લિમ હોવાથી તેની ધાર્મિક ભાવનાનો આદર કરવા માટે હોમહવનની સાથોસાથ કુરાનનું પઠન પણ કરવામાં આવતું. 
આ તરફ નર્ગિસે પોતાનું તન, મન અને ધન સઘળું રાજ કપૂર અને આરકે ફિલ્મ્સને ન્યોછાવર કરી દીધું હતું. આરકે સિવાયની જે બહારની ફિલ્મો તે રાજ કપૂર સાથે કરતી તેના મહેનતાણા તરીકે મળતી રકમ તે સ્ટુડિયોના ખર્ચ માટે આપી દેતી. રાજ કપૂર નર્ગિસના ભાઈઓને ઘરખર્ચ માટે ચાર-પાંચ હજાર રૂપિયા આપતા હતા. નર્ગિસનો જેકોઈ અંગત ખર્ચ થતો એ રાજ કપૂર આપતા. ભાઈઓની એક ફરિયાદ હતી કે નર્ગિસ કેવળ કહેવા પૂરતી આરકે ફિલ્મ્સની ભાગીદાર હતી, લખાણમાં કશું નહોતું, પરંતુ નર્ગિસને એ વાતની કોઈ ચિંતા નહોતી. તેનું માનવું હતું કે... 
‘એક જ કામ પ્રણયમાં કીધું 
લીધું એથી બમણું દીધું...’

મુગ્ધાવસ્થાની કડવી વાસ્તવિકતા એ હોય છે કે જે ઉંમરે પ્રેમ કરવાનો હોય ત્યારે જ લગ્ન કરવાનો નિર્ણય કરવો પડતો હોય છે. જીવનની એક કરુણતા દરેકે સ્વીકારવી પડે છે કે જે નામ જન્મોત્રીમાં હોય એ ઘણી વખત કંકોતરીમાં નથી હોતું. અમુક સંબંધો અનામી રહેવા માટે જ સર્જાયેલા હોય છે.  


 રાજ કપૂર સાથે લગ્ન સંભવ નહોતાં છતાં તેના વગર રહેવું પણ શક્ય નહોતું. ઇચ્છાઓને આંખ અને પાંખ બન્ને હોય છે. આંખ ખુલ્લા આકાશને જોઈને અધીરી બને છે, પરંતુ પાંખ કપાયેલી હોય તો કેવળ ફફડીને બેસી રહેવું પડે. સ્ત્રી પ્રેમમાં સમર્પિત થઈ જવાનો નિર્ણય કરે ત્યારે આગળ-પાછળનો વિચાર નથી કરતી. 


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2022 12:12 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK