વરસને જ નહીં, પોતાના જીવનને પણ નવું બનાવવા આ અભિગમ અનિવાર્ય છે. જીવનમાં બે કામ ખાસ કરવાં જેવાં છે : એક, જગતમાં કંઈક બહેતર આપીને જવું અને બીજું, જતી વખતે સાથે આવી શકે એવાં બહેતર કર્મોને લઈને જવું.
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે
સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન, હૅપી ન્યુ યર... પૂરું થયું? બાય ધ વે, નવું વરસ દર વરસે આવશે, પરંતુ નવા જીવનને લાવવું પડે-બનાવવું પડે. આપણે નવા બનીએ, બીજા બધાને ભલે મળીએ, જાતને પણ મળીએ, જાત સાથે વાતો કરી જીવનને બહેતર બનાવી આપણી આસપાસ બહેતર માહોલ રચીએ; પણ જ્યાં સુધી જાતને સમજીશું નહીં ત્યાં સુધી નવું કંઈ નથી. સારું-સાચું માત્ર વિચારીએ જ નહીં, સારું-સાચું જીવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરીએ.
આપણને ક્યાંક દુનિયા પ્રત્યે ફરિયાદ હોઈ શકે. જગતમાં નકારાત્મક અને નકામી વાતો એટલી બધી થઈ રહી છે કે માનવી માટે એની અસરોથી વંચિત રહેવું કઠિન બની જાય છે. જોકે દુનિયા આમ જ ચાલતી રહેશે, આપણે આપણી ચાલ નક્કી કરવી પડશે. દુનિયા કહેતી રહેશે કે મારી જેમ ચાલ યા મારી સાથે ચાલ, પરંતુ આપણે આપણા વિવેકને સાથે રાખીને જીવીએ એમાં જ સાર્થકતા છે.
નવા બનવા માટે કેટલીક બાબતોને નવી દૃષ્ટિથી જોવી પડે. જો આપણે પોતાને દુઃખી માનતા હોઈએ તો સમજીએ કે આપણને દુઃખ વિશે કંઈ ખબર જ નથી, જો આપણને બહુ પીડા છે એવું માનતા હોઈએ તો સમજીએ કે પીડા વિશે આપણને પરખ જ નથી, જો આપણે બહુ સહન કરી રહ્યા છીએ એવું ધારતા હોઈએ તો સમજીએ કે સહનશક્તિ વિશે આપણને સમજણ જ નથી. જોકે આ બધાં દુઃખ, પીડા અને સહન કરવા વચ્ચે જો આપણને એમ લાગે કે આપણે આનંદમાં છીએ તો સમજી લઈએ કે આપણે દુઃખ, પીડા અને સહન કરવાની વેદનાને સમજી લીધી છે; કારણ કે એકમાત્ર આનંદ જ બધાથી પર હોય છે. જો આ આનંદ સુધી પહોંચી શકાય તો સમજીએ કે આપણે ક્યાંય પણ રહેતા હોઈશું, પરમાત્મા સતત સાથે જ હશે.
આ આનંદને પામવા માટે જિંદગીને સામે બેસાડીને કહી દેવું પડે કે ‘હે જિંદગી, તારી એકેએક વાત માનવી છે, જાણવી છે, સ્વીકારવી છે. ચાહે જે પણ થઈ જાય જિંદગી, મારે હર પળ તારી સાથે વિતાવવી છે. મારે તને કોઈ ફરિયાદ કરવી નથી, નથી કરવા કોઈ વાદ-વિવાદ. બસ, જિંદગી તને સતત ચાહવી છે. તું છે તો મારા હોવાનો કોઈ અર્થ છે. જિંદગી તારા માટે મારી લાગણી જતાવવી છે.’
વરસને જ નહીં, પોતાના જીવનને પણ નવું બનાવવા આ અભિગમ અનિવાર્ય છે. જીવનમાં બે કામ ખાસ કરવાં જેવાં છે : એક, જગતમાં કંઈક બહેતર આપીને જવું અને બીજું, જતી વખતે સાથે આવી શકે એવાં બહેતર કર્મોને લઈને જવું.
છેલ્લે નોખા કવિ કૃષ્ણ દવેના નવા વરસના ગીતની પંક્તિ માણીએ...
સીધું સાદું સરળ જીવન છે, એને કાં ભાઈ ટ્વિસ્ટ બનાવો
નથી, નથીની વાતો છોડી; છે, છે, છેનું લિસ્ટ બનાવો.


