છેલ્લે પાછા એ ગીત પાસે જઈએ તો કહે છે કે અહીં દરેક જણ પોતાનું ભાગ્ય અને પોતાના ભાગના શ્વાસ લઈને આવ્યા છે, જે પૂરા થતા ચાલ્યા જવાનું છે. એમ છતાં આટલી સાદી વાત પણ સમજવાનું આપણે ચૂકી જઈએ છીએ.
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI
ચોકીદાર! આ શબ્દ હવે બદલાઈ ગયો છે અને એનું કામ પણ ઘણા અંશે બદલાયું છે. જાગતે રહો... જાગતે રહો... માત્ર આટલું જ તેણે જોરથી બોલવાનું રહ્યું નથી, બલ્કે બીજું ઘણું કરવાનું છે. આજે આ ચોકીદાર હવે વૉચમૅન અથવા સિક્યૉરિટીમૅન કહેવાય છે જે હાઉસિંગ સોસાયટી કે ઑફિસમાં આવનાર વ્યકિત પાસે જરૂરી વિગતો નોંધાવવા સહિત બીજાં કામો પણ કરે છે. બાય ધ વે, આપણે જીવનના ચોકીદારની વાત કરવી છે.
વરસો પહેલાં ‘ચોકીદાર’ નામની એક ફિલ્મ આવી હતી, જેમાં આપણે દરેકેદરેક જણ ચોકીદાર હોવાની વાતને એક ગીત મારફત ધારદાર અને સચોટ રીતે આવરી લેવાઈ છે. જોગાનુજોગ આ ગીત તાજેતરમાં અમારા કાને પડ્યું અને સીધું હૃદયમાં ઊતરી ગયું. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ન ભુલાય અથવા યાદ રાખવા જેવું ચોકીદારનું વર્ણન કરતા આ ગીતમાં કહ્યું છે કે યે દુનિયા નહીં જાગીર કિસી કી, રાજા હો યા રંક યહાં તો સબ હૈ ચોકીદાર, કુછ તો આકર ચલે ગએ, કુછ જાને કો તૈયાર... ખબરદાર, ખબરદાર. આમાં ખબરદાર શબ્દ ખાસ યાદ રાખવા જેવો છે, કેમ કે આ એક જ શબ્દનો અર્થ બરાબર સમજી લઈએ તો જીવન બદલી શકે એવો છે. આ ગીત કહે છે, ‘આપણે દરેક જણ ચોકીદાર જ છીએ. આ જગતમાં આવ્યા છીએ એમ જવાનું પણ છે. આપણે જેમ કંઈ લાવ્યા નથી એમ કંઈ લઈ જવાનું પણ નથી.’
ADVERTISEMENT
જોકે આપણી તકલીફ એ છે કે આપણે ચોકીદાર નહીં પરંતુ માલિક હોઈએ અને અહીં કાયમી હોઈએ એમ જીવીએ છીએ. આપણને આપણી અને સંપત્તિની રક્ષા માટે ચોકીદાર જોઈએ છે એટલે આપણે ચોકીદારી પણ એટલી જ કરીએ છીએ યા કરાવીએ છીએ, જ્યારે આપણે કર્મ કરતી વખતે જાણે આપણને જોનાર કોઈ છે જ નહીં એવું સમજી લઈએ છીએ. વાસ્તવમાં આપણા પર સૌથી વિરાટ ચોકીદાર બેઠો જ છે. એ જગતનો ચોકીદાર છે અને માલિક પણ છે. આપણે આસપાસના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાની ચિંતા કરીએ છીએ, પણ જગતના માલિકના કૅમેરા કેટલા વિશાળ અને બારીક છે એની આપણને આજ સુધી સમજ આવી નથી. આ જગતના આપણે માલિક નથી બલ્કે માત્ર ચોકીદાર છીએ. ચોકીદારની ફરજની જેમ આપણે જગતનું ધ્યાન રાખવાનું છે, એની રક્ષા કરવાની છે, એની કાળજી લેવાની છે. એને બદલે આપણે જગતને તેમ જ જગતના માલિકને પણ છેતરતા રહીએ છીએ.
છેલ્લે પાછા એ ગીત પાસે જઈએ તો કહે છે કે અહીં દરેક જણ પોતાનું ભાગ્ય અને પોતાના ભાગના શ્વાસ લઈને આવ્યા છે, જે પૂરા થતા ચાલ્યા જવાનું છે. એમ છતાં આટલી સાદી વાત પણ સમજવાનું આપણે ચૂકી જઈએ છીએ. આ ગીત પોતે સાંભળી લેશો તો નવા અને વધુ ઊંડા અર્થ પણ મળી શકે.


