Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સાથે ગરબા રમતાં-રમતાં જીવનભરનો સાથ મળી ગયો

સાથે ગરબા રમતાં-રમતાં જીવનભરનો સાથ મળી ગયો

Published : 30 September, 2025 01:55 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

આ લવ-સ્ટોરી છે દહિસરમાં રહેતાં પિકેશ દોશી અને કિંજલ ગાંધીની. સંગીતના મધુર તાલે ઘૂમતાં-ઘૂમતાં બન્નેની મિત્રતા થઈ જે આગળ જતાં પ્રેમમાં બદલાઈ. હવે તો બન્નેનાં લગ્નને બે દાયકા થવા આવ્યા છે.

દર વર્ષે આવતો નવારાત્રિનો ઉત્સવ તેમના જીવનમાં પ્રેમ ને તાજગીની ખુશ્બૂ આપતો જાય છે

દર વર્ષે આવતો નવારાત્રિનો ઉત્સવ તેમના જીવનમાં પ્રેમ ને તાજગીની ખુશ્બૂ આપતો જાય છે


ગરબે રમતાં-રમતાં સ્ટેપ્સની સાથે હૈયું મૅચ થઈ જાય અને વાત જીવનભરના સાથ સુધી પહોંચી જાય એવી ફિલ્મી લવ-સ્ટોરી છે દહિસરમાં રહેતાં પિકેશ દોશી અને કિંજલ ગાંધીની. કિંજલ અને પિકેશનાં લગ્નને ૧૯ વર્ષ થઈ ગયાં છે, પણ હજીયે તેમના વચ્ચેનો પ્રેમ તાજો જ હોય એવું લાગે જ્યારે તેઓ ગરબાના મેદાનમાં સાથે ગરમે ઘૂમતાં હોય.

પ્રથમ મુલાકાત



પિકેશ અને કિંજલ વચ્ચેનો પ્રેમ હજી યુવાનીના દિવસો જેવો છે. કિંજલ કહે છે, ‘અમને બન્નેને ગરબા રમવાનો ગાંડો શોખ છે એટલે દર વર્ષે સોસાયટીની નવરાત્રિમાં અમે રેડી થઈને ગરબા રમવા અચૂક જઈએ. અમે સાથે ગરબા રમીએ ત્યારે અમારી પહેલી મુલાકાતની યાદો તાજી થઈ જાય જે વીતતાં વર્ષો સાથે અમારા સંબંધોને વધુ મજબૂત બનાવે છે.’


ભૂતકાળમાં સરી પડતાં કિંજલ પહેલી મુલાકાત વિશે કહે છે, ‘મેં હજી દસમું ધોરણ પૂરું કર્યું હતું. હું જૈન છું. અમારાં પર્યુષણ ચાલુ હતાં. એ દરમિયાન એક દિવસ ગરબાનું આયોજન થયું હતું. મારો એક કઝિન મને તેની સાથે ગરબા રમવા માટે લઈ ગયો. તેની સાથે તેનો એક મિત્ર પણ હતો, જે પિકેશ હતો. એ રીતે હું અને પિકેશ મળ્યાં.’

ગરબા રમતી વખતે મનડાં કઈ રીતે મળી ગયાં એની વાત કરતાં કિંજલ કહે છે, ‘મને અને પિકેશને બન્નેને ખૂબ સરસ ગરબા રમતાં આવડતું હતું. અમને સાથે ગરબા રમતાં જોઈને ત્યાં ઘણા લોકોએ એવું ધારી લીધું કે અમે કપલ છીએ. હું અને પિકેશ એકબીજા પ્રત્યે એટલે આકર્ષિત થયાં હતાં કારણ કે અમને બન્નેને ગરબા રમવાનો ખૂબ શોખ હતો. એટલે એ દિવસ પછીથી અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ હતી.’


કિંજલ અને પિકેશ એકબીજાને પસંદ કરવા લાગ્યાં હતાં એટલે મુલાકાતના બે મહિનામાં જ પિકેશે કિંજલને પ્રપોઝ કરી દીધું. આ વિશે વાત કરતાં કિંજલ કહે છે, ‘દિવાળીનો સમયગાળો હતો. પિકેશ પરિવાર સાથે ધર્મસ્થળે દર્શન માટે ગયો હતો. તેણે માતા સામે મને મેળવવા માટે પ્રાર્થના કરી હતી અને મુંબઈ પરત ફર્યા બાદ મને તેના મનની વાત જણાવી દીધી.’

લવ-સ્ટોરીમાં આવ્યો બ્રેક

કિંજલ અને પિકેશની ગાડી સરસ ચાલી રહી હતી, પણ થોડા મહિનામાં જ એમાં બ્રેક લાગી ગઈ. એવું તે વળી શું થયું હતું એ જણાવતાં કિંજલ કહે છે, ‘પિકેશના ઘરે પર્સનલ પ્રૉબ્લમ થઈ ગયો હતો. એટલે તેણે મારી સાથે બ્રેકઅપ કરી લીધેલું. અફકોર્સ જે છોકરો તમને સામેથી પ્રપોઝ કરે અને પછી થોડા જ મહિનામાં આ રીતે તમને છોડીને ચાલ્યો જાય તો દુઃખ તો થાય જ. એ વખતે અમારા ફ્રેન્ડસર્કલમાં બધાને ખબર હતી કે હું અને પિકેશ સાથે છીએ. અમારા બ્રેકઅપની ખબર તેમના માટે પણ શૉકિંગ હતી. એ પછીથી અમારી વચ્ચે વાતચીત કે કોઈ પણ જાતનો સંપર્ક રહ્યો નહોતો.’

વાતને આગળ વધારતાં કિંજલ કહે છે, ‘હું બારમા ધોરણમાં હતી ત્યારે મારા પપ્પાને અચાનક પૅરૅલિસિસ થઈ ગયેલો એટલે મારા પર આર્થિક જવાબદારી આવી ગયેલી. મારો ભાઈ પણ હજી નાનો હતો. એટલે મેં ભણવાની સાથે જ નોકરી કરવાનું શરૂ કરી દીધું હતું. સાથે જ મેં કરસપૉન્ડન્સથી BA પાસ કર્યું. એટલે હું મારા જીવનમાં વ્યસ્ત થઈ ગઈ હતી. બીજી બાજુ પિકેશ પણ તેની કારકિર્દી બનાવવામાં લાગેલો હતો.’

ફરી મુલાકાત થઈ

વર્ષો વીતી રહ્યાં હતાં ત્યાં એક દિવસ ફરી કિંજલ અને પિકેશનો ભેટો થઈ ગયો. એ વિશે જણાવતાં કિંજલ કહે છે, ‘અમારા એરિયામાં જ જૈન દેરાસરનો પ્રાણપ્રતિષ્ઠાનો સમારોહ હતો. હું અને પિકેશ અમે બન્ને એક જ એરિયાનાં હતાં. મને ખબર હતી કે એ ફંક્શનમાં પિકેશ હશે જ. તેનો પરિવાર આ બધાં કામોમાં આગળ પડતો હતો. એટલે હું એ ફંક્શનમાં જવા ઇચ્છતી નહોતી. જોકે એ ફંક્શન મહત્ત્વનું હોવાથી મારી ફૅમિલીએ મને ત્યાં જવા માટે ફોર્સ કર્યો એટલે મારે ત્યાં જવું પડ્યું. હું પંડાલમાં જેવી એન્ટર થઈ ત્યાં સૌથી પહેલાં મેં જેને જોયો એ પિકેશ હતો.’

આટલાં વર્ષે ભેટો થયા બાદ વાત

આગળ કઈ રીતે વધી એ જણાવતાં કિંજલ કહે છે, ‘એ સમયે પિકેશે મારી સાથે ફરી વાતચીત શરૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ હું ઘણા દિવસો સુધી તેને ટાળતી રહી. એ સમયે મારા મનમાં તેના પ્રત્યેની નારાજગી દૂર થઈ નહોતી. જોકે એમ છતાં પિકેશે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા એટલે મારું મન પણ પીગળવા લાગ્યું. મનમાં એક એવો પણ વિચાર હતો કે કદાચ ભગવાનની

પણ ઇચ્છા હશે કે અમે જીવનમાં સાથે આગળ વધીએ. અમે બન્નેએ ફરી વાતચીત શરૂ કરી. એ પછી તેણે મને લગ્ન કરવા માટે પૂછ્યું અને મેં હા પાડી.’

આટલાં વર્ષોના લગ્નજીવનમાં પતિ-પત્ની એકબીજાની કઈ વાતને પસંદ કરે છે એ વિશે જણાવતાં કિંજલ કહે છે, ‘પિકેશ એવી વ્ય​ક્તિ છે જે સ્વભાવથી એકદમ સરળ છે. તે વધારે પડતા રોમૅન્ટિક નથી પણ પરિવાર માટે તે બધું જ કરી છૂટવા માટે તૈયાર થઈ જાય. એવી જ રીતે તેમને મારો હેલ્પિંગ અને કૅરિંગ નેચર ખૂબ ગમે છે. અમારી વચ્ચે એક અલગ લેવલનું બૉન્ડિંગ અને અન્ડરસ્ટૅન્ડિંગ છે જે જીવનનાં દરેક સુખ-દુઃખમાંથી સાથે આગળ વધતાં રહેવા માટે પ્રેરિત કરે છે.’

પિકેશ અને કિંજલને બે સંતાનો છે. મોટી દીકરી સિયા ૧૮ વર્ષની છે, જેણે બારમાની પરીક્ષા પાસ કરી છે. નાનો દીકરો આરવ નવ વર્ષનો છે, જે અત્યારે ચોથા ધોરણમાં ભણે છે. પિકેશનો કૉર્પોરેટ ગિફ્ટિંગનો પોતાનો બિઝનેસ છે. કિંજલ વર્ષોથી હાઉસવાઇફ જ હતાં પણ છેલ્લાં બે વર્ષથી ગરબાના ક્લાસ લેવાનું શરૂ કર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2025 01:55 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK