સંગીત સૌની ભીતર એક પ્રકાશ પ્રગટાવે છે અને આપણા ગાઢ અંધકારભર્યા દિવસોમાં પણ સંગીત આનંદ અને હાસ્ય પ્રસરાવી શકે છે.
પ્રતીકાત્મક તસવીર
વસંત પંચમીને દિવસે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરવા આસ્થાળુઓ ઊમટ્યા હતા. એ જ દિવસે અમેરિકામાં ભારતીય મૂળનાં ૭૧ વર્ષનાં અમેરિકન બિઝનેસ લીડર અને સંગીત-આરાધક ચંદ્રિકા ટંડનને તેમના મ્યુઝિક આલબમ ત્રિવેણી માટે બેસ્ટ ન્યુ એજ ઍમ્બિયન્ટ ઓર ચૅન્ટનો ગ્રૅમી અવૉર્ડ મળ્યો. વેદિક મંત્રો, ધ્યાનસાધના માટે પ્રેરક સંગીત અને વર્લ્ડ મ્યુઝિકનું આ આલબમ ઇનર હીલિંગ માટે બનાવાયું છે. એમાં એક ઑસ્ટ્રેલિયન અને એક જપાની સંગીતકારના સંગીતની સંગાથે એક ભારતીયના મુખેથી વહે છે વેદિક મંત્રોચ્ચાર! કેવો સુંદર જોગોનુજોગ! ગ્રૅમી અવૉર્ડ સ્વીકારતી વખતે ચંદ્રિકા ટંડને કહ્યું, સંગીત પ્રેમ છે. સંગીત સૌની ભીતર એક પ્રકાશ પ્રગટાવે છે અને આપણા ગાઢ અંધકારભર્યા દિવસોમાં પણ સંગીત આનંદ અને હાસ્ય પ્રસરાવી શકે છે. તેમણે સૌના જીવન પ્રેમ, પ્રસન્નતા અને હાસ્યથી લીંપાયેલાં રહે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
એ વાંચી મને થોડા જ દિવસ પર વાંચેલું પુસ્તક ‘સૂરયોગીનું સૂરોપનિષદ’ યાદ આવી ગયું. ડેન્ટિસ્ટ સુનીલ શાસ્ત્રી લિખિત આ પુસ્તકમાં સંગીતને પરમ તત્ત્વ રૂપે આરાધનાર, પામનાર અને વહેંચનાર અસાધારણ ગુરુમા અન્નપૂર્ણાદેવી તથા તેમના પિતા અને ગુરુ બાબા અલ્લાઉદ્દીન ખાનની અનન્ય સંગીતપ્રીતિ, સાધના અને માનવીય મૂલ્યોના સંસ્કારવારસાની વિરાસતનું આલેખન છે.
ADVERTISEMENT
શિષ્યને પસંદ કરવામાં અન્નપૂર્ણાદેવી માત્ર તેની લગન, નિષ્ઠા અને ક્ષમતા જ જોતાં. આળસ, અહમ કે ઍટિટ્યુડ બિલકુલ ચલાવે નહીં. કોઈ પણ ફીઝ લીધા વિના શીખવે. પણ સંગીત પ્રત્યેનું કમિટમેન્ટ શત પ્રતિશત જોઈએ. બેદરકારી કે સંગીત સાથે નીતિમત્તા, માનવતાના પાયાના સંસ્કાર પણ સીંચતાં. એ વાંચતાં સંગીતની ઊંચાઈ અને ઊંડાણનો અહેસાસ થયો હતો. ચંદ્રિકા ટંડનના શબ્દો સાંભળતાં એ તાજી થઈ ગઈ.
ઉસ્તાદ અલ્લાઉદ્દીનજી છ વર્ષના હતા ત્યારે સ્કૂલ જવાને બદલે એક શિવમંદિરમાં બેસીને ત્યાં ચાલતાં ભજન-કીર્તન સાંભળતા. આઠ વર્ષની ઉંમરે સંગીતની શોધમાં ઘર છોડીને નીકળી ગયેલા. કલકત્તા ને અન્ય સ્થળોએ ભટકીને અનેક જ્ઞાની ગુરુઓ પાસેથી સંગીતનું જ્ઞાન મેળવ્યું. ૨૮-૨૯ વાદ્યો વગાડતા. તેમણે નવાં વાદ્યો પણ બનાવ્યાં. આકરી સાધના થકી ગુરુઓના પણ ગુરુ બન્યા. પદ્મભૂષણ, સંગીત નાટક અકાદમી અવૉર્ડ અને બીજાં અસંખ્ય સન્માનોથી નવાજાયેલા બાબા ૧૦૨ વર્ષના થયા ત્યારે કોઈએ પૂછ્યું કે આટલી સિદ્ધિઓ પછી કેવું ફીલ કરો છો? ત્યારે તેમણે કહેલું: બેટા, અભી સંગીત કી થોડી સમઝ આને લગી હૈ તબ જાને કા વક્ત આ ગયા!’ કઈ કક્ષાની વિનમ્રતા! ખરેખર, સંનિષ્ઠ સાધના સંગીતને તપની કક્ષાએ લઈ જાય છે અને ભીતરને અજવાળે છે.
- તરુ મેઘાણી કજારિયા
(પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે)

