Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > યહાં કે હમ સિકંદર : મોટા ભાગની સોસાયટીના હોદ્દેદારો મનમાં આવી જ રાઈ ભરીને ચાલતા હોય છે

યહાં કે હમ સિકંદર : મોટા ભાગની સોસાયટીના હોદ્દેદારો મનમાં આવી જ રાઈ ભરીને ચાલતા હોય છે

Published : 24 August, 2023 03:00 PM | IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

સોસાયટી-વીરો એવું ધારતા હોય છે કે માણસો માટે નિયમો નથી, પણ નિયમો માટે ભગવાને માણસ બનાવ્યા છે અને આ જ લપમાં, આ જ લાયમાં એ લોકો આખી સોસાયટીનું જીવવાનું હરામ કરી દે છે

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર


હા, આ ફૅક્ટ છે. સોસાયટીનો કારભાર સંભાળતા હોદ્દેદારોને મળો એટલે તમને પાંચમી મિનિટે ખબર પડી જાય કે મહાશય પોતાની જાતને દેશના વડા પ્રધાન કે પછી રાષ્ટ્રપતિ માની રહ્યા છે અને એવા જ ભ્રમ સાથે આગળ વધી રહ્યા છે, પણ હકીકત સાવ જુદી અને અવળી હોય છે. ઘરમાં મહત્ત્વ પાંચ પૈસાનું ન હોય અને સોસાયટીમાં છપ્પનની છાતી લઈને ફરતા આ સોસાયટી-વીરો એવું ધારતા હોય છે કે માણસો માટે નિયમો નથી, પણ નિયમો માટે ભગવાને માણસ બનાવ્યા છે અને આ જ લપમાં, આ જ લાયમાં એ લોકો આખી સોસાયટીનું જીવવાનું હરામ કરી દે છે. એવી રીતે એ સોસાયટીમાં રાઉન્ડ મારવા નીકળે જાણે ઇન્સ્પેક્શન સમયે સ્કૂલમાં પ્રિન્સિપાલ નીકળ્યા હોય. આ ગાડી કેમ આ રીતે પાર્ક થઈ છે જેવા ક્ષુલ્લક અને ફાલતુ પ્રશ્નોથી લઈને ડસ્ટબીન અહીં નહીં મૂકવા જેવી અર્થહીન ચર્ચાઓમાં પડવું અને સોસાયટીમાં કામ કરતા નેપાલી બહાદુરો પર દાદાગીરી કરવાનું કામ કરવું એ જ આ મહાશયનો ધર્મ હોય છે. જો સોસાયટીમાં કોઈ પ્રશ્ન ઊભો થયો હોય અને એ મહારથી ત્યાં એક જ હાજર હોય તો જાણે સોસાયટી સાથે તેને કોઈ નિસ્બત નથી એ પ્રકારે દેખાડી પતલી ગલી પકડવામાં તેની મહારત હોય છે, પણ કમિટીની મીટિંગમાં તે સતત જડો બનીને લોકોનું લોહી પીએ છે અને લોહી પીધા પછી પણ તેને ચેન પડ્યું ન હોય એ રીતે દરરોજ, વારંવાર, કહો કે દર કલાકે કમિટીના ગ્રુપમાં મેસેજ પર મેસેજ મૂકીને કનડગત ઊભી કરે છે.

માત્ર અને માત્ર સારા લોકોની આગળ નહીં આવવાની નીતિને કારણે આપણે આ પ્રકારના કમિટી-મેમ્બરોને સહન કરવા પડે છે અને આ પ્રકારના મેમ્બરને કામ કરવામાં રસ પણ નથી હોતો, તે તો હેરાનગતિ કરવાના હેતુથી જ ભાગમભાગ કરે છે. તમે જઈને સોસાયટી જોઈ આવો, આ પ્રકારના કમિટી-મેમ્બરથી ખદબદતી અઢળક સોસાયટીઓ તમને જોવા મળશે. જોવા પણ મળશે અને સોસાયટીના રહેવાસીઓ દ્વારા એ લોકોની ત્રાસદી સહન કરતાં પણ તમને જોવા મળશે. સોસાયટી ઍક્ટ વિશે કશું તે જાણતા નથી અને એ જાણવાની દરકાર પણ તેમનામાં હોતી. હોય પણ ક્યાંથી, તેમને તો બસ, માત્ર સિકંદર બનીને ફરવું છે અને જાહેરમાં શો-શા કરવાનું કામ કરવું છે. સોસાયટી ચલાવવી એ જરા પણ નાનું કામ નથી. જો એક નાનકડી સોસાયટી ચલાવવામાં પણ પરસેવો પડી જતો હોય તો જરા વિચાર કરો કે આપણે તો દેશની નુકતેચીની કરતા ફરતા હોઈએ છીએ. જો એ આપણો હક હોય તો અત્યારે, આ તબક્કે સોસાયટીમાં શૅરખાન બનીને ફરનારાઓએ એ પણ સમજવું રહ્યું કે ટીકા માટે તેમણે પણ તૈયાર રહેવું પડે. ટીકા માટે પણ અને એ ટીકા સાંભળીને પોતાનામાં જરૂરી ફેરફારો કરવા માટે પણ.



સોસાયટીના વહીવટ સાથે જોડાયેલા દરેકેદરેક કમિટી-મેમ્બરે સમજવું પડશે કે સોસાયટી છે તો એ સૌ છે, મનમાંથી એ ભ્રમ કાઢી નાખે કે પોતે છે એટલે સોસાયટી છે. સોસાયટીના રહેવાસીઓ માટે નિયમો છે, નહીં કે નિયમો માટે રહેવાસીઓને લાવવામાં આવ્યા હોય. સોસાયટી તમારી જવાબદારી છે, તમારી સલ્તનત નહીં.


યાદ રહે કે આ પ્રશ્ન હવે વિકરાળ થતો જાય છે. સુવિધા આપવાના નામે તેમના દ્વારા કરવામાં આવતો ત્રાસ મોટો થતો જાય છે. એ ત્રાસને રોકવાનું કામ તેમણે જ કરવાનું છે, અન્યથા કોઈ તેમને સોસાયટી ઍક્ટ શીખવશે એવા સમયે સેંકડો પરિવારની હાજરીમાં તેમનું મોઢું લાલ મોઢાવાળી વાંદરી જેવું થઈ જશે. અસ્તુ...


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2023 03:00 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK