માટુંગામાં રહેતાં સુશીલાબહેન ગુડકા શૅરબજાર પર નજર રાખીને રોકાણ કરે છે, બૅન્કનાં કામ જાતે કરે છે અને ઘરની બધી જવાબદારી પણ સંભાળે છે
સુશીલાબહેન ગુડકા
જીવન અને શૅરમાર્કેટ બન્નેનો ગ્રાફ ક્યારેય સીધો નથી ચાલતો. ક્યારેક તેજી આવે તો ક્યારેક કડાકો બોલી જાય. કડાકો કંઈક નવું શીખવાડે અને તેજી આગળ વધવા પ્રેરિત કરે. જીવનનું પણ એવું જ છે. જીવનનો દરેક ઉતાર આપણને કંઈક શીખવાડતો હોય અને ચડાવ જીવનને રાજીખુશીથી જીવવા પ્રેરિત કરતો હોય. માટુંગામાં રહેતાં ૮૦ વર્ષના સુશીલાબહેન ગુડકા શૅરબજાર અને જીવન બન્નેને સારી રીતે સમજે છે. એટલે જ જીવનના સંબંધોમાં કે શૅરબજારમાં રોકાણ કઈ રીતે કરવું જેથી ફાયદો થાય એની તેમને સારી સમજ છે.
શૅરબજારનાં જાણકાર
ADVERTISEMENT
સામાન્ય રીતે શૅરબજારમાં મહિલાઓની સરખામણીમાં પુરુષો વધુ કાર્યરત હોય છે. જોકે સમય સાથે વર્કિંગ મહિલાઓ પણ શૅરબજારમાં રસ લેતી થઈ છે પણ આજથી બે દાયકા પહેલાં એવું નહોતું. આજે પણ ઘણી મૉડર્ન યુવતીઓને શૅરબજારમાં એટલી ગતાગમ પડતી નથી હોતી અથવા તો રસ હોતો નથી. એવામાં સુશીલાબહેન ૮૦ વર્ષની ઉંમરે પણ શૅરનો પોર્ટફોલિયો સંભાળે છે. અફકોર્સ, આ કામ તેઓ બ્રોકરના માધ્યમથી કરે છે. તેઓ કહે છે, ‘મારા ઘરે સવારે નવ વાગ્યાથી લઈને સાડાત્રણ વાગ્યા સુધી ટીવીમાં લાઇવ માર્કેટ-અપડેટ્સ જ ચાલતી હોય. હું તેને ફોન કરીને સજેસ્ટ કરું કે આ શૅર લે અને આટલો નફો થાય ત્યારે વેચી દેજે. મને કોઈ પિક્ચર જોવાં ન ગમે. બાકી આખો દિવસ ટીવીમાં CNBC, ઝી બિઝનેસ જ ચાલુ હોય. હું શૉર્ટ ટર્મ અને લૉન્ગ ટર્મ બન્નેમાં ઇન્વેસ્ટ કરું.’ શૅરબજારમાં રસ લેવાની શરૂઆત સુશીલાબહેને આજથી લગભગ ૨૦ વર્ષ પહેલાં કરી હતી. એના વિશે માહિતી આપતાં તેઓ કહે છે, ‘મારા હસબન્ડ લીલાધર ૨૦૦પમાં હાર્ટ-અટૅકથી ગુજરી ગયા હતા. તેમની મંગલદાસ માર્કેટમાં કાપડની દુકાન હતી. સાઇડમાં તેઓ શૅરમાર્કેટનું પણ કરતા. તેમના ગયા પછી કાપડની દુકાન બંધ કરી દીધેલી. મારા દીકરાએ એ સમયે હજી જૉબ કરવાનું શરૂ કર્યું નહોતું એટલે હું ટીવી જોઈ-જોઈને શૅરબજારમાં રસ લેતાં અને રોકાણના નિર્ણયો લેતાં શીખી. મારા હસબન્ડ જીવતા હતા ત્યાં સુધી તો મને શૅરબજારની ABCD પણ નહોતી આવડતી. બૅન્કનાં બધાં કામ પણ તેઓ જ કરતા. હું કોઈ દિવસ એનું પગથિયું પણ નહોતી ચડી. જોકે તેમના અચાનક ગુજરી ગયા બાદ બૅન્કનાં કામકાજ પણ મેં જાતે શીખી લીધાં.’
ઘરકામમાં પણ જબરાં
૮૦ વર્ષની ઉંમરમાં વ્યક્તિ પોતાનું પણ ધ્યાન રાખી શકતી ન હોય ત્યારે સુશીલાબહેન પોતાનું તો ધ્યાન રાખી જ લે છે અને ઘરનું કામ પણ જાતે કરી લે છે. પોતાના દૈનિક જીવન વિશે માહિતી આપતાં તેઓ કહે છે, ‘હું મારા દીકરા સાથે રહું છું. એટલે અમારા બન્નેનું ત્રણેય ટાઇમનું જમવાનું બનાવવાનું, માર્કેટમાં જઈને ફળો-શાકભાજી લાવવાનું, ઘરની સફાઈ કરવાની એ બધાં જ કામ હું જાતે કરું છું. ફક્ત ઝાડુ-પોતાં અને વાસણ માટે મેઇડ રાખી છે. મારું બિલ્ડિંગ પણ ખૂબ જૂનું છે. લિફ્ટ નથી. અમે ત્રીજા માળે રહીએ છીએ એટલે મારે દિવસમાં બે-ત્રણ વાર પણ કામ માટે નીચે ઊતરવું પડે તો વાંધો ન આવે. ઘરના રેગ્યુલર કામ સિવાય પણ વારતહેવારે કે નૉર્મલ દિવસોમાં ખાવા માટેના બુંદીના લાડવા, મોહનથાળ, મગજ, નાનખટાઈ, ચૂરમાના લાડુ, અડદિયા વગેરે જેવાં મિષ્ટાન પણ બનાવી લઉં છે.’

પરિવાર સાથે સુશીલાબહેન ગુડકા.
એકદમ ફિટ ઍન્ડ ફાઇન
આ ઉંમરે પણ સુશીલાબહેનનું સ્વાસ્થ્ય ખૂબ સારું છે. સ્વસ્થ રહેવા માટે તેઓ કોઈ ડાયટ કે યોગ કંઈ કરે છે? એનો જવાબ આપતાં કરે છે, ‘ઘરનું કામ જ મારા માટે તો એક્સરસાઇઝ છે અને એવું કોઈ ખાસ ડાયટ નથી. હા, મેં મારા જીવનમાં કોઈ દિવસ ચા પીધી નથી. એનો ટેસ્ટ કેવો હોય એ પણ મને નથી ખબર. મને દૂધ અને દૂધમાંથી બનેલી મીઠાઈઓ ખૂબ ભાવે. સવાર અને સાંજ મને દૂધ જોઈએ જ અને એમાં સ્વાદ માટે ડ્રાયફૂટ, મસાલાવાળું દૂધ પીઉં. દૂધની મીઠાઈમાં બાસુંદી, રસમલાઈ, રસગુલ્લા ભાવે. મોટા ભાગે હું ઘરનું જ ખાવાનું ખાઉં. વર્ષમાં કોઈક વાર હોટેલમાં ખાવા જવાનું થાય એ જુદી વાત છે. ભોજનમાં જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણના મસાલા નાખીને જ જમવાનું બનાવું. મોળું કે ઓછા તેલવાળું ખાવાનું એવું કંઈ નહીં. માપસરનું બધું જ ખાઓ. મારો કોઈ ફૅમિલી ડૉક્ટર જ નથી. મારા જીવનમાં મેં એક પણ ટૅબ્લેટ લીધી નથી. મને ગોળી ગળતાં પણ નથી આવડતી. ઘણી વાર ગોળી ગળાઈ જાય ને ઘણી વાર પાછી આવે. મારા ઘરમાં મેં ગરમ પાણીની શેક કરવાની થેલી કે કશું જ નથી રાખ્યું.’
પારિવારિક જીવન
સુશીલાબહેન આ ઉંમરે આર્થિક વ્યવહાર કરી જાણે છે, પણ જીવનનાં ૬૦ વર્ષ તેમણે એક ગૃહિણી તરીકે જ વિતાવ્યાં છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું ૧૯ વર્ષની વયે પરણીને સાસરે આવી ગઈ હતી. મારા હસબન્ડ થઈને ચાર ભાઈઓ હતા અને એમાં મારા હસબન્ડ સૌથી નાના ભાઈ હતા. મારા એક જેઠનો પરિવાર ગામમાં રહેતો હતો. તેમને આઠ સંતાનો હતાં. તેમને ખેતીવાડી હતી, પણ પૂરતી નહોતી એટલે વારાફરતી તેમનાં સંતાનોને અહીં અમારી સાથે રાખીને ભણાવ્યાં, લગ્ન કરાવીને આપ્યાં. બધાના ઘરે એક-એક બાળક થયું ત્યાં સુધી મારા ઘરેથી વહેવાર થયો. એ સિવાય મારાં પણ ત્રણ સંતાનો છે એટલે ઘરની જવાબદારીઓ વચ્ચે એક ગૃહિણી તરીકે જ મારું જીવન વીત્યું છે.’ સુશીલાબહેન એમ્બ્રૉઇડરીમાં પણ માસ્ટર છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારો ઉછેર મુંબઈમાં જ થયેલો છે. મેં રુઇઆ કૉલેજમાંથી બારમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. આગળ મને ગ્રૅજ્યુએશન કરવાની ઇચ્છા હતી પણ પપ્પાની મંજૂરી મળી નહીં. બારમા ધોરણ પછી મેં એક વર્ષનો ગવર્નમેન્ટનો એમ્બ્રૉઇડરીનો કોર્સ કર્યો હતો. સ્કૂલની જેમ બપોરે બારથી પાંચ વાગ્યે ત્યાં શીખવા જવાનું હોય. પરણ્યા પછી પણ મારું એમ્બ્રૉઇરીનું કંઈ ને કંઈ કામ ચાલુ જ હોય. મારી દીકરીઓને આણામાં મેં જાતે એમ્બ્રૉઇરીવાળા ડિઝાઇનર ચણિયા તૈયાર કરીને આપ્યા છે. અત્યાર પણ નજીકમાં ક્યાંક એક્ઝિબિશન લાગ્યું હોય તો હું જોવા જાઉં એ જાણવા કે આજકાલ કેવી ડિઝાઇન ટ્રેન્ડમાં છે. ભલે મારે ખરીદવાનું કંઈ ન હોય તો પણ જોવા જવું ગમે.’
જીવનનો ઉત્સાહ જળવાયેલો
સુશીલાબહેનની બે દીકરીઓ દીપ્તિ અને અવનિ પરણીને સાસરે ઠરીઠામ છે. તેમના ઘરે પણ સંતાનો છે. હાલમાં સુશીલાબહેન તેમના દીકરા કૌતુક સાથે રહે છે. સુશીલાબહેનનો આ ઉંમરે પણ જીવન જીવવાનો ઉત્સાહ કાયમ છે. તેમને તૈયાર થવાનો ઘણો શોખ છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મને તૈયાર થવું ગમે. આજની તારીખમાં પણ પ્રસંગ હોય ત્યારે લિપસ્ટિક લગાવીને જ હું ઘરેથી નીકળું. મને સાડી સાથે મૅચિંગ હેરક્લિપ એ બધું પણ ગમે. મારી બસ એટલી ઇચ્છા છે કે હું પોતે મારી રીતે બધું કરી શકું ત્યાં સુધી મારે જીવવું છે. મારે કોઈના આધારે નથી જીવવું.’


