Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > (Un) limited લવ (પ્રકરણ - ૨)

(Un) limited લવ (પ્રકરણ - ૨)

27 December, 2022 12:11 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘હું નથી જતો...’ અમરે તરત જ નિર્ણય લઈ લીધો, ‘બેટર છે કે તું જ જા અને પછી પાછાં આવવાની જરૂર નથી. કૉન્ટ્રૅક્ટ પેપર્સ હું ચેક કરી લઉં છું, તું શાંતિથી ટાઉન જા અને નેક્લેસ લઈને સીધી ઘરે નીકળી જજે. આરતીને હું કાલે આપી દઈશ’

(Un) limited લવ (પ્રકરણ - ૨)

વાર્તા-સપ્તાહ

(Un) limited લવ (પ્રકરણ - ૨)


કાનમાં ન્યુક્લિયર બૉમ્બ ફૂટ્યો હોય એવી ધાક શિખાના કાનમાં પડી ગઈ.
આરતી?! કેવી રીતે એ શક્ય બને?!
અમરનું ધ્યાન કોઈ દિશામાં નહોતું, તે પોતાના મનની વાત કહેવામાં વ્યસ્ત હતો.
‘જો શિખા, આરતીને તારે લીધે હું મળ્યો... અને આરતીની પણ ઇચ્છા હતી કે આ વાતની તને સૌથી પહેલાં ખબર પડે... પણ તે તારાથી ડરતી હતી. તું તેને બધી વાત કરતી હો અને પોતે તને આ વિશે કંઈ જ ન કહ્યું હોય એવા સમયે નૅચરલી એને ડર લાગે પણ... આઇ નો, તું અમારી ફીલિંગ્સ સમજશે.’ 
અમરે પોતાની ચેમ્બરમાંથી જ આરતી બેસતી હતી એ જગ્યા પર જોયું, આરતી પોતાની જગ્યા પર નહોતી. અમરે શિખાને બોલાવ્યા પછી તરત જ ઇન્ટરકૉમ પર આરતીને કહ્યું હતું કે તે અત્યારે શિખા સાથે બધી વાત કરવાનો છે. મે બી, એ જ વાતને લીધે આરતી ત્યાં બેસી રહેવાને બદલે કૅન્ટીનમાં ચાલી ગઈ હોય.

‘શિખા, અગાઉ આપણે એક વાત વાત થઈ હતી. તેં મને તારી લાગણીઓ કહી અને એ પછી મેં પણ તને કહ્યું હતું કે...’ અમરે સહેજ પૉઝ લઈ વાત આગળ વધારી, ‘અત્યારે પણ હું તને એ જ કહેવા માગું છું. યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ ઑર યુ કૅન સે, મોર ધૅન ધૅટ પણ હું નથી માનતો કે આપણે કમ્પૅન્યન તરીકે એકબીજા સાથે બેસ્ટ હોઈએ. એ સમય પછી મેં એ વિશે બહુ વિચાર્યું, મને થયું પણ ખરું કે હું પૉઝિટિવલી ટ્રાય કરું પણ... નો શિખા, મને એવી તારા માટે કોઈ લાગણી થતી નથી.’
શિખાની આંખ સામે એ દિવસ આવી ગયો જ્યારે તેણે અમર સામે પહેલી વાર પ્રેમનો એકરાર કર્યો હતો.
lll



‘અમર, એક વાત કહું...’
‘હા, શ્યૉર...’
‘આઇ લવ યુ...’ સાત દિવસ સુધી મિરરમાં પ્રૅક્ટિસ કર્યા પછી પણ શિખાનો શ્વાસ ફુલાઈ ગયો હતો, ‘આઇ વૉન્ટ ટુ લિવ વિથ યુ...’
ઊંડો શ્વાસ લઈ અમરે પોતાના હાથમાં રહેલાં પેપર્સ ટેબલ પર મૂક્યાં અને શિખા સામે જોયું.
‘લિસન શિખા, આઇ લવ યુ ટુ... બટ નૉટ ધી વે યુ આર લવિંગ મી.’ શિખા અમરને જોઈ રહી, ‘યુ આર હૉટ, ક્વાઇટ બ્યુટિફુલ... અગ્રી. નો ડાઉટ ઑન ધૅટ, પણ કમ્પૅન્યનશિપ માટે મને જે જોઈએ છે એ વાત હું તારામાં નથી જોતો. વન્સ અગેઇન, આઇ એમ એક્સ્ટ્રિમલી સૉરી, પેલી રાતે જે થયું એના માટે બટ, યુ બેટર નો. આપણે બન્નેનો કન્ટ્રોલ નહોતો રહ્યો. એ રાતે પણ મેં તને આ જ કહ્યું હતું અને આજે પણ હું તને એ જ કહું છું.’
શિખાએ અમરના હોઠ પર હાથ મૂકી દીધો.
‘તું રીથિંક કરી શકેને?’


‘શ્યૉર પણ... અત્યારે, આ સમયે તો મને એ જ લાગે છે કે રીથિંક પછી પણ મારો જવાબ આ જ રહેશે. મે બી, કદાચ તે બદલે અને જો તે બદલશે તો હું સામેથી આવીને, બે હાથ જોડીને, ઘૂંટણ પર બેસીને માફી પણ માગીશ પણ...’ અમરે જેન્યુઇનલી ફીલ સાથે કહ્યું, ‘એ સમય સુધી તું રાહ જોતી બેસી રહે એવું હું નથી ઇચ્છતો. ગો અહેડ. આપણે આમ જ આખી લાઇફ સાથે રહેવાનાં છીએ. આઇ પ્રૉમિસ...’
‘ના... પ્રૉમિસ મી...’ શિખાએ ભારપૂર્વક કહ્યું, ‘યુ વિલ રીથિંક...’
‘આઇ પ્રૉમિસ...’
lll

‘અમર, તેં રીથિંક માટે કહ્યું હતું...’
‘હા અને મેં કર્યું પણ ખરું... એક નહીં, દસ વખત વિચાર કર્યો, ફેરવી-ફેરવીને વિચાર કર્યો, પણ શિખા દરેક વખતે મને અંદરથી એક જ જવાબ મળ્યો કે આપણે બન્ને એકબીજા માટે કમ્પૅન્યન તરીકે પ્રૉપર નથી.’
‘ટ્રાય કર્યા વિના...’
શિખાની વાત અમરે કાપી.
‘એ સેક્સ નથી, કમ્પૅન્યનશિપ છે શિખા. સેક્સ તમે અનુભવી શકો, એમાં તમે ટ્રાય કરી શકો, પણ કમ્પૅન્યનશિપ લાગણીની વાત છે. જેને જોઈને તને મા, બહેન, દીકરી સુધ્ધાં યાદ આવી જાય કે તમે જેનામાં આ ત્રણેત્રણ રૂપ જોઈ શકો એ કમ્પૅન્યનશિપ છે, જેની સાથે હો અને તમને દુનિયામાં કોઈની યાદ ન આવે એ કમ્પૅન્યનશિપ. જેને મળ્યા પછી તમને તમારા બેસ્ટ ફ્રેન્ડની પણ જરૂર ન પડે એ કમ્પૅન્યનશિપ...’
અમરના શબ્દો શિખાને હાડોહાડ ઊતરી રહ્યા હતાં.


‘ટુ બી વૅરી ઑનેસ્ટ ઍન્ડ ટ્રાન્સપરન્ટ વિથ યુ...’ અમરના શબ્દોમાં વજન હતું, ‘હું નથી માનતો કે ફિઝિકલ થવાનો અર્થ કમ્પૅન્યનશિપ છે અને હું એ પણ નથી માનતો શિખા કે, કોઈની સાથે સેક્સ કરવાથી તમે લાઇફટાઇમ કમિટમેન્ટ આપી દો છો. ના, એવું બિલકુલ ન હોવું જોઈએ. સેક્સ એ બેવફાઈનું સર્ટિફિકેટ નથી અને હોવું પણ ન જોઈએ. આપણે ત્યાં સેક્સ જેવી બાબતને એટલા રિજિડ થઈને બાંધી લેવામાં આવી છે કે વ્યક્તિ મૅરેજ પછી લિટરલી કોઈની પ્રૉપર્ટી થઈ જાય છે. એવું થોડું હોય, મને કોઈની કંપની ગમી, હું તેની સાથે થોડા સમય માટે રહ્યો એટલે શું મારી વાઇફ માટે કે પછી મારી વાઇફ મારા માટે ડિસઑનેસ્ટ થઈ ગઈ?! નો વે...’
અમરે વધુ એક બૉમ્બ ફોડ્યો.
‘શિખા, તારી અને મારી વચ્ચે જે પેલી રાતે બન્યું હતું એ મેં બધેબધું આરતીને કહી દીધું છે...’
‘વૉટ?!’

‘હા અને એ પણ બે મહિના પહેલાં... મને ખોટું બોલીને રિલેશનશિપ બિલ્ટ નહોતી કરવી...’ 
‘પછી, પછી તેણે શું કહ્યું?’
‘સી વૉઝ ટોટલી ફાઇન...’ અમરે હળવાશ સાથે કહ્યું, ‘તે પોતાની લાઇફની વાત કરવા માગતી હતી, પણ મને એ વાત સાંભળવામાં કોઈ દિલચસ્પી નહોતી. મેં બસ, બે વાત પૂછી. મલ્ટિપલ પાર્ટનર ઑર અ સિંગલ વન...’
અમરની આંખ સામે એ રાત આવી, જે રાતે આરતી સાથે આ બાબતમાં તેની વાત થઈ હતી. આરતીને ડ્રૉપ કરવા માટે તે ઘરે જતો હતો અને આરતીએ તેને મેઇન રોડ પર જ ડ્રૉપ કરવા માટે કહ્યું હતું.
lll

‘લિસન મી ના, અમર...’
‘નો... મને કંઈ નથી સાંભળવું અને મારે જે કહેવું હતું એ મેં તને કહી દીધું, પણ આરતી, આઇ વિશ, આ વાત મારી અને તારી વચ્ચે રહે. શિખાને...’
‘પ્રૉમિસ, ક્યારેય ખબર નહીં પડે.’ આરતીએ કહ્યું, ‘હવે મારી વાત તો સાંભળ...’
‘નો...’ અમરે ફરીથી એ જ કહ્યું, ‘તું મને માત્ર એટલું કહે, એક વ્યક્તિ હતી કે વધારે...’
‘ડોન્ટ બી સિલી...’ આરતીની આંખોમાં ગુસ્સો હતો, ‘ઑબ્વિયશ્લી એક જ વ્યક્તિ અને તું તેને ઓળખે છે. એ...’
‘હવે એક શબ્દ પણ વધારે નહીં, પ્લીઝ...’ અમરે આરતીના મોઢા પર હાથ મૂકી દીધો, ‘જો તું ઇચ્છતી હો કે હું તેના માટે મારા મનમાં કોઈ જાતની ગ્રંથિ ન રાખું...’
આરતીએ હા પાડી એટલે અમરે નજર તેની સામે માંડી.
‘મારા મનનો ભાર પણ હળવો થયો ઍન્ડ આઇ હૉપ, તારા મનનો ભાર પણ હળવો થઈ ગયો...’ આરતીનો હાથ પોતાના હાથમાં લઈ અમરે કહ્યું, ‘આઇ ટોલ્ડ યુ, હું સેક્સને બેવફાઈનું સર્ટિફિકેટ નથી માનતો અને કોઈએ ન માનવું જોઈએ. એ એક એવી સિચુએશન છે જેમાં તમે આગળ વધી ગયા પણ એનો અર્થ બિલકુલ એવો નથી થતો કે તમે તમારા સાથી સાથે અન્યાય કરો છો.’

lll આ પણ વાંચો :  (Un) limited લવ (પ્રકરણ- ૧)

‘તે પોતાની લાઇફની બધી વાત કરવા માગતી હતી પણ મને એ વાત સાંભળવામાં કોઈ દિલચસ્પી નહોતી. મેં બસ, એક વાત પૂછી. મલ્ટિપલ પાર્ટનર ઑર અ સિંગલ વન... તેણે કહ્યું કે સિંગલ. બસ, વાત ત્યાં પૂરી થઈ...’
શિખાના મનમાં અણધારી નિરાંત પ્રસરી. અલબત્ત, એ નિરાંતે મનમાં રહેલી પેલી નિરાશાને મારવાનું કામ બિલકુલ નહોતું કર્યું. મનમાં રહેલી એ નિરાશાને વધારે પ્રબળ બનાવવાનું કામ અમરના આગળના શબ્દોએ કર્યું.
‘મેં ફૅમિલીમાં વાત કરી લીધી છે. પેરન્ટ્સ બહુ રાજી થયા અને સિસ્ટર તો ઑલરેડી આરતીને મળવા આજે જ ઑફિસમાં આવવાનું કહેતી હતી, પણ મેં તેને રોકી એટલે તેણે કહ્યું કે હું આજે ને આજે તેને સિસ્ટર વતી કોઈ સરસ ગિફ્ટ આપી દઉં.’ અમરે શિખા સામે જોયું, ‘નાઉ, યુ હેલ્પ મી... હું આરતીને શું ગિફ્ટ આપું જે તેને પણ ગમે અને મારી સિસ્ટર પણ ખુશ થાય...’
‘હાઉ કૅન આઇ સે...’
‘ઑબ્વિયશ્લી, તું જ કહી શકે. તે તારી ફ્રેન્ડ છે, તમે સાથે રહો છો...’ અમરે ઉત્સાહ સાથે કહ્યું, ‘તું તેને પાંચ વર્ષથી ઓળખે છે. તને ખબર છે, તેની દરેક બીજી વાત તારા નામથી શરૂ થાય. સી ઇઝ હાઈલી ઇમ્પ્રેસ્ડ ફ્રૉમ યુ.’
‘હંમ...’ શિખાએ પૉઝ લીધો, ‘એકાદ દિવસ વિચારવા માટે મળે...’
‘એકાદ નહીં, એક જ...’ અમરે ચોખવટ કરી, ‘કાલ પૂરતી હું સિસ્ટરનો રોકી શકીશ માટે આવતી કાલથી સહેજ પણ મોડું નહીં. રાઇટ?’
શિખાએ હા પાડી અને અમરની ચેમ્બરમાંથી નીકળી ગઈ.
કલાક પછી શિખા પણ ઑફિસમાંથી નીકળી ગઈ. તેના મનમાંથી એક વાત જતી નહોતી. 
અમર અને આરતી?!

ક્યારે, કેમ, કેવી રીતે?
આ શક્ય જ નથી. 
ક્યાં દેશી કહેવાય એવી આરતી અને ક્યાં અમર. કૉર્પોરેટ સેક્ટર જેની વાતો કરતાં થાકતું નથી એ અમર. આઇઆઇએમમાં એજ્યુકેશન લઈ જે અમેરિકા ગયો અને અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં ઇકૉનૉમિક્સ ઍન્ડ માર્કેટિંગ સબ્જેક્ટમાં ગોલ્ડ મેડલ સાથે માસ્ટર્સ કર્યું. ક્યાં આરતી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સામાન્ય પર્સન્ટેજ સાથે પાસ થઈ બી.કૉમ. કરનારી આરતીને મુંબઈનું જે ગ્લૅમર હતું એ જ દેખાડતું હતું કે તેનો જીવનમાં ક્યારેય ઉદ્ધાર થવાનો નથી. આરતીને મુંબઈ મોકલવા તેના પેરેન્ટસ તૈયાર નહોતા, પણ શિખાએ જવાબદારી લીધી અને શિખાના આગ્રહને વશ થઈને, શિખા પર જવાબદારી મૂકીને આરતીને તેના પૅરન્ટ્સે મુંબઈ મોકલી. 
મુંબઈ આવીને તો આરતીએ પહેલી વાર જીન્સ પહેર્યું હતું. મુંબઈ આવીને તો આરતીએ પહેલી વાર સ્લીવલેસ ટી-શર્ટ પહેર્યું અને મુંબઈ આવીને તો આરતીએ પહેલાં બિયરનો ટેસ્ટ કર્યો. અફકોર્સ, ગુજરાતમાં તો આમ પણ દારૂબંધી હતી પણ એમ છતાં, આરતી બિયર ચાખે એવું શિખા ક્યારેય ધારતી નહોતી, પણ આરતીની હિંમત અકલ્પનીય હતી અને એ અકલ્પનીય હિંમતનો અનુભવ શિખાને એ જ રાતે થયો જ્યારે તેણે...

lll આ પણ વાંચો : મંદિર / માણસ

‘શિખા, પ્લીઝ કમ ઇન...’
બીજા દિવસે શિખા જેવી ઑફિસમાં આવી કે અમરનો ઇન્ટરકૉમ આવ્યો અને શિખાએ ચેમ્બરમાં જવું પડ્યું.
‘યાર, ગિફ્ટ...’ અમરે ઉત્સાહ સાથે કહ્યું, ‘ઑફિસે આવવા માટે નીકળ્યો ત્યારે જ સિસ્ટરે યાદ અપાવ્યું અને કીધું પણ છે કે જો આજે આ કામ ન થયું તો આવતી કાલે તે જઈને સીધી આરતી પાસે ઊભી રહી જશે. પ્લીઝ... કરને કંઈક...’
કરવાનું જ છે, ફાઇનલ છે.
આરતીના દિમાગમાં આ શબ્દો આવ્યા પણ હોઠ પર શબ્દો જુદા હતા.
‘યુ સે, શું લેવું છે?’
‘ઍની થિંગ. આઇ ડોન્ટ માઇન્ડ...’ અમર ટોટલી બ્લૅન્ક હતો, ‘યુ સજેસ્ટ...’
‘ગોલ્ડ, ગોલ્ડ ઇઝ બેસ્ટ ફૉર ગિફ્ટ...’ આરતીએ કહ્યું, ‘હું તો કહીશ કે ફૅમિલી પણ રેડી છે તો અમર, તું ગોલ્ડ નેક્લેસ કે પછી રિંગ...’
‘રિંગ નહીં, નેક્લેસ ઇઝ ઓકે.’

‘હા તો નેક્લેસ. એ જ આપવો જોઈએ.’
‘ઓકે, નો ઇશ્યુ. હું શું કરું, તું જ કહે...’
‘ડુ વનથિંગ...’ અમરે ક્રેડિટ કાર્ડ આગળ કર્યું, ‘તું જ જઈને લઈ આવે તો બેસ્ટ છે યાર. ટીબીઝેડ સુધી જઈ આવને...’
‘કૉન્ટ્રૅક્ટ પેપર્સ ફાઇનલ થયાં છે એ મારે ચેક કરવાના છે...’ શિખાએ મનમાં આવી ગયેલા ઉત્સાહને કન્ટ્રોલ કર્યો હતો, ‘બેટર છે કે તું જ જઈ આવે... આમ પણ ટીબીઝેડ દૂર...’
‘હું નથી જતો...’ અમરે તરત જ નિર્ણય લઈ લીધો, ‘બેટર છે કે તું જ જા અને પછી પાછાં આવવાની જરૂર નથી, કૉન્ટ્રૅક્ટ પેપર્સ હું ચેક કરી લઉં છું, તું શાંતિથી ટાઉન જા અને નેક્લેસ લઈને સીધી ઘરે નીકળી જજે. આરતીને હું કાલે આપી દઈશ.’
અમરને ક્યાં ખબર હતી કે કાલે તે આરતીને મળવાનો નથી!

વધુ આવતી કાલે

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2022 12:11 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK