Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક લગન, એક અગન : તેરે મેરે બીચ મેં... (પ્રકરણ ૫)

એક લગન, એક અગન : તેરે મેરે બીચ મેં... (પ્રકરણ ૫)

10 May, 2024 05:38 AM IST | Mumbai
Samit (Purvesh) Shroff

મને દુ:ખ દેવામાં નિમિત્ત બનેલાં અદ્વિતીય-રેવાને મારે શું કામ સુખી રહેવા દેવાં જોઈએ?

ઇલસ્ટ્રેશન

વાર્તા સપ્તાહ

ઇલસ્ટ્રેશન


રસિકાનું દિમાગ ધમધમે છે. અદ્વિતીયે કરેલી અવહેલનાને આજે અઠવાડિયું થવા છતાં ઉકળાટ શમ્યો નથી.

અદ્વિતીયે રેવાને પ્રપોઝ કર્યું, રેવાએ હામી ભરી પછી પોતે બિચારી બની ત્યાં રોકાવાનો અર્થ નહોતો. ડ્રાઇવરને તેડાવી રસિકા ત્યાંથી નીકળી ગયેલી. ન અદ્વિતીયે રોકી, ન રેવાએ આગ્રહ કર્યો. કેવાં દુષ્ટ!



ગુજરાતનુ ઓપનિંગ તેણે પાછું ઠેલી દીધું : હવે તો પહેલાં વેરની વસૂલાત! મૅડમને અચાનક શું થયું એ તો જયસ્વાલ પણ જાણી ન શક્યો, પણ ઊખડેલાં રહેતાં શેઠાણીથી સ્ટાફ દૂર રહેવામાં માનતો.


રસિકાને સૌથી વધુ ગુસ્સો જાત પર જાગતો હતો : શા માટે પોતે બે કોડીના જુવાન પર મોહી પરણવાનો ઇરાદો સેવી બેઠી! અદ્વિતીયનું લેવલ રેવા સુધીનું જ હતું એ મારા જેવી હોશિયાર બાઈને કેમ ન સમજાયું? પોતાનો વાંક ખમવા રસિકા ટેવાઈ નહોતી એટલે ગુસ્સો બમણો થઈ અદ્વિતીય-રેવા પર ફંટાતો. પોતે અદ્વિતીયને ચાહતી હોય એવું તો નહોતું જ, પણ જે પુરુષને હું વરવા માગતી હોઉં, તે મને ઠુકરાવી જ કેમ શકે? અને એ પણ જ્યારે હું મારા ભરપૂર જોબનને માણવાનું ખુલ્લું ઇજન આપતી હોઉં ત્યારે! પાછો મને તરછોડી રેવા પાસે દોડી ગયો! સાવ  સામાન્ય સ્તરની છોકરી માટે મારી અવગણના! તે રેવા જ મારા માર્ગમાં કંટકની જેમ આવી. પાછો અદ્વિતીય તેના દુ:ખની કહાણી વર્ણવતો હતો! અરે, એ તો તેના પતિના હાથે વેચાઈ ચૂકી હોત તો સારું થાત.

રેવાનો પતિ.


અને રસિકાની વિચારગતિ થંભી થઈ. ચિત્ત અદ્વિતીયે દેખાડેલી રેવાના ‘પતિ’ સત્યેનની તસવીર પર સ્થિર થયું.

પોતે એક નજરમાં તેને ઓળખી ગયેલી. તે સિક્કિમની હોટેલવાળો ચરણદાસ હતો! પોતાના ગુનાહિત ભૂતકાળને કારણે તે અતડો રહેતો હતો એ હવે સ્પષ્ટ છે.

મને રિજેક્શનનું દુ:ખ દેવામાં અદ્વિતીય-રેવા નિમિત્ત બન્યાં હોય ત્યારે મારે શું કામ તેમને સુખી રહેવા દેવાં જોઈએ? રિવેન્જની રમતમાં રેવાના પતિને હાથો બનાવ્યો હોય તો!

રસિકાની કીકી ચમકી ઊઠી.

જાહેર જનતાજોગ નોંધ

વિશેષમાં જણાવવાનું કે નીચે આપેલી તસવીરમાં દેખાતો જુવાન ફ્રોડ છે. માસૂમ કન્યાઓને ફોસલાવી પરણી તેમને વેચી દેનારો બદમાશ દુલ્હો છે. ફૅમિલી મેમ્બર્સ તરીકે ભાડૂતી લોકોને હાયર કરી ખેલ માંડે છે. અમને સત્યેન ચૌબે તરીકે ભટકાયેલો શખસ ફલાણી તારીખથી ગોવામાંથી ગાયબ છે. જે કોઈને તેનો પત્તો મળે તેણે નીચેના મોબાઇલ નંબર પર તાત્કાલિક સંપર્ક સાધવા વિનતી. આની પાકી માહિતી આપનારને યોગ્ય વળતર પણ આપવામાં આવશે... લખાણની મધ્યમાં સત્યેનની તસવીર અને છેવટે પોતાના કૉન્ટૅક્ટ નંબર સાથે ત્રણ દિવસથી ગુજરાતી તેમ જ અંગ્રેજીમાં છપાતી જાહેરખબર પર વધુ એક વાર નજર ફેંકી અદ્વિતીયે ઊંડો શ્વાસ લીધો : ખાસ તો બીજી કોઈ રેવા તેનો શિકાર ન બને એટલા પૂરતું સત્યેનની ભાળ કાઢવાની જહેમત ઉઠાવી છે. રેવાને એનો આનંદ.

રેવાના સ્મરણે અદ્વિતીયના ચહેરા પર મહોબતનો

ખુમાર છવાયો.

પ્રણયના એકરારમાં રસિકાનો મલિન ઇરાદો ભાગ ભજવી ગયો... રસિકાને મારા દેહની લાલસા હતી એ સત્ય અડધી રાતે પ્રકાશ્યું ને બીજું કંઈ ન સૂઝતાં બહાર દોડી જઈ પોતે રેવા સમક્ષ પરણવાનો પ્રસ્તાવ મૂકી દીધો! આને પોતાનું અપમાન સમજી રસિકા રાતોરાત ગામ છોડી ગઈ તો ભલે ગઈ, મને કે રેવાને તેની ક્યાં પરવાહ હતી?

બીજા દિવસે સુરત ગયાં, મામી તો મામી જ રહ્યાં, પણ મામાએ અંતરના આશિષ આપ્યા. આવતા મહિનાનું લગ્નનું મુહૂર્ત કઢાવી પોતે મુંબઈ પરત થઈ સત્યેન અંગેની જાહેરાતની ગોઠવણ કરી, બૅન્કના નોટિસ બોર્ડ પર પણ એનું કટિંગ મૂક્યું છે.

હવે જોઈએ, આગળ શું થાય છે!

‘સત્યેન, કૅચ!’

પરોઢ વેળા લાચુંગ હોટેલની પહેલા માળની બાલ્કનીમાંથી જાજરમાન મહિલાએ ફેંકેલો દડો નદીમાંથી પમ્પ વાટે પાણી ભરતા મૅનેજરે ઝીલી લીધો, પછી કળતર જેવું થયું : અહીં મારું નામ ચરણદાસ છે, રસિકા મૅડમે મને સત્યેન કહી કેમ સંબોધ્યો!

ત્યાં તો બાલ્કનીની સીડી ઊતરી રસિકાએ હાથમાંનું છાપું ધર્યું, ‘આ જો, રેવાએ તને શોધવા જાહેરાત છપાવી છે!’

હેં! અંગ્રેજી અખબારની જાહેરખબર વાંચતાં સત્યેને હોઠ કરડ્યો. નાની વયે અનાથ બન્યા પછી કૉલેજકાળમાં ખોટી સંગતે આડા રસ્તે ફંટાઈ જવાનો સાચું પૂછો તો અફસોસે નહોતો. છોકરીને  ફસાવીને વેચાણના ધંધામાં ઘડાઈ ગયેલો.

ગોવામાં દાવ ઊલટો પડ્યો. કોઈક રીતે મારો ભેદ જાણી ગયેલી રેવા સાથેની ઝપાઝપીમાં ગોવાની ખાડીમાં ખાબક્યા પછીય પોતે ઊગર્યો એ નસીબ જને!

છતાં ખુલ્લા થવામાં એક જોખમ મોટું હતું. મારા પાશમાંથી છટકેલી રેવા પોલીસમાં ગઈ હોય એનો ડર નહોતો, પણ જેની સાથે રેવાનો સોદો કરી ઍડ્વાન્સ લીધેલા તે લોકો ભારે ખતરનાક છે.

નૉર્થ ગોવામાં અમારી રાહ જોતા રફીક-સહદેવે તપાસ આદરી હશે, એમાં પુલ પર ગાડી છોડી હું રેવા સાથે અજાણ વાટે નીકળી ગયાનું ધારી તેમણે મને દગાબાજ ધારી લીધો હોય કે પછી રેવાની સંભવિત પોલીસ-ફરિયાદનું જાણી મને પતાવવામાં જ તેમને સલામતી લાગે.

તેમનાથી બચવું હોય તો અજાણ વાટે ઊતરી જવામાં શાણપણ હતું ને અહીં ચરણદાસ તરીકે ગોઠી ગયું હતું.

એમાં હવે રેવાની આ જાહેરખબર. આના રસ્તે રફીક-સહદેવને મારી ભાળ મળી તો છાપે ચડેલા પ્યાદાને પતાવી દેતાં તેમને કેટલી વાર?

અને પહેલાં તો છાપામાં રેવાની જાહેરાત મને દેખાડી રસિકા શું કરવા માગે છે એ જાણવું જોઈએ. બાઈ રફીક-સહદેવની ગૅન્ગની હોત તો આવતાં જ ગોળીથી કામ લીધું હોત. ગુનેગારને ઝડપવાની ખૂજલી થઈ હોય તો પોલીસને તેડાવી હોત. મતલબ થોડા જ દહાડામાં પાછી લાચુંગ આવેલી

આ રસિકામૅડમનો ઇરાદો જુદો જ છે.

‘હું તને રેવા સુપરત કરવા માગું છું.’ રસિકાએ પહેલું પત્તું નાખ્યું.

‘હેં!’

‘અદ્વિતીયભાઈ, કેમ છો? હું મેઘના.’

મંગળની સાંજે બૅન્કની જૉબથી પરત થયેલો અદ્વિતીય ફ્રેશ થઈ રહ્યો કે ફોન રણક્યો. માહિમની શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં મેઘનાબહેનનું સૅલેરી અકાઉન્ટ અદ્વિતીયની શાખામાં હતું.  પ્રૌઢ વયનાં મેઘનાબહેન સાથે ખબરઅંતરનો વહેવાર ખરો.

‘આજે હું બૅન્ક આવેલી, નીકળતી વેળા તમારા નોટિસ બોર્ડ પર મેં

જાહેરાત જોઈ...’

અદ્વિતીય ટટ્ટાર થયો.

‘તસવીરનો શખસ ક્યાંક જોયો હોય એવું લાગ્યું, તરત તો મને સ્ટ્રાઇક ન થયું, પણ ઘરે આવી ભેજું કસતાં ક્લૂ મળી. ગયા મહિને અમે સિક્કિમ ફરવા ગયેલાં. તમે જેને સત્યેન તરીકે ઓળખાવો છો તેને મેં લાચુંગની હોટેલના મૅનેજર ચરણદાસ તરીકે જોયાનું સાંભરે છે... વાતને મહિનાનો સમય થયો એટલે હું બહુ શ્યૉર તો નથી, છતાં તમારે ત્યાં તપાસ કરવી જોઈએ, એટલું તો હું ચોક્કસ કહી શકું.’

‘અફકોર્સ!’

તેમનો આભાર માની અદ્વિતીયે ફ્લાઇટની ભાળ કાઢી. સુરતથી બાય ઍર કલકત્તા પહોંચી ત્યાંથી ગૅન્ગટોકની

કને​ક્ટિંગ ફ્લાઇટ લઈ વહેલામાં વહેલું પહોંચાય એમ હતું. ટિકિટ કન્ફર્મ કરી તેણે રેવાને અપડેટ કરી, ‘હું ત્યાં આવું છું. યુ બી રેડી!’

રેવાએ દમ ભીડ્યો. આખરે સત્યેનનો પત્તો મળ્યો ખરો... ફાઇનલી.

ફાઇનલી!

મંગળની એ જ મધરાતે રસિકાએ કાર રેવાના ઘર આગળ

ઊભી રાખી.

હવે કેવળ બે-પાંચ મિનિટનો ખેલ છે. તેણે પડખે બેઠેલા સત્યેન સાથે

નજર મેળવી.

રેવાને સુપરત કરવાનો પ્રસ્તાવ પહેલાં તો તેને સમજાયો નહોતો : ‘આમાં તમને શું ફાયદો?’

તેને વિશ્વાસમાં લેવા પોતાનું વેર ખોલવું પડ્યું : ‘જેના મોહવશ અદ્વિતીયે મને ઠોકર મારી તે રેવા લાપતા બનતાં અદ્વિતીય બાકીની જિંદગી દુ:ખસાગરમાં ડૂબેલો રહે એ તેની સજા, રેવાને શરીરના ધંધાનું દોજખ મળે એ તેનો દંડ...’  કહી સત્યેનને સમજાવેલું, ‘આમાં તારો ફાયદો એ કે રેવાને વેચી તું તારા વિરુદ્ધનો એકમાત્ર પુરાવો મિટાવી અદ્વિતીયને કોર્ટમાં ઘસડી શકે. બેઉએ મળી મને ગોવાની ખાડીમાં ડુબાડવા ચાહ્યોની સ્ટોરી ઘડી રેવાના ગુમ થવાનો આરોપ પણ તેના પર થોપી શકે.’

સત્યેનને એમાં રસ નહોતો, પણ રેવાને રફીક-સહદેવના હવાલે કરી પોતાને સેફ કરી શકાય, અત્યારે તો એ પૂરતું ને મહત્ત્વનું હતું. રેવાનો વર્તમાન જાણ્યા પછી તે સહજ-સરળ પણ લાગતું હતું. આજે સવારે રસિકામૅડમ જોડે મુંબઈ ઊતરી રફીકની ભાળ કાઢી પોતે રેવાની સોંપણીનું પ્રૉમિસ પણ આપ્યું છે, પછી હું આઝાદ!

‘લેટ્સ ગો.’

બેઉ કારમાંથી નીકળ્યાં. રસિકા આગળ રહી. આખો મહોલ્લો જંપી ગયો છે. દરવાજાની કડી ઠોકીશ એટલે રેવા બારણું તો ઉઘાડશે, મને જોઈ નવાઈ પામશે. એવો જ મારી પાછળ રહેલો સત્યેન પ્રગટી તેને ભડકાવી દેશે. એની એક ચૉપે રેવા બેભાન બને કે તેને ગાડીમાં નાખી અમે છૂ! વસઈના વળાંકે મારે સત્યેન-રેવાને ડ્રૉપ કરવાનાં છે. સવાર પડે એ પહેલાં તમારી દુનિયા ઊજડી જવાની – અદ્વિતીય-રેવા.

રસિકાની ચાલ જબરદસ્ત હતી, પણ ગણતરીમાં એ એક જ જગ્યાએ ચૂકી ને એ ભૂલ જ ભારે પડવાની હતી!

તેણે દરવાજો ઠોક્યો. રેવાએ અદ્વિતીય આવી ગયાની આશામાં બારણું ઉઘાડ્યું. રસિકાને જોઈ ખંચકાઈ. રાક્ષસની જેમ પ્રગટેલા સત્યેનને ભાળી હળવી ચીસ સરી ગઈ.

‘એક વાર તું મને હાથતાળી આપી ગઈ રેવા... પણ તારા નસીબમાં

વેચાવાનું જ છે!’

આટલું કહી સત્યેન રેવાને બેહોશ કરવા ગરદને ચૉપ ફટકારવા જાય

છે કે - ભઉ-ભઉ! કરતો શેરુ મેડીનાં પગથિયાં કુદાવતો નીચે આવી સત્યેન સામો થઈ ગયો.

આ કૂતરો કેમ મારાથી ધ્યાન બહાર રહ્યો? રસિકા ઓછપાઈ, સત્યેનના કપાળની નસ ફૂલી ગઈ.

‘શેરુ હેલ્પ!’ રેવાએ મદદની પોકાર નાખતાં શેરુએ ઊછળીને સત્યેનના કાંડે દાંત માર્યો. સત્યેનની રાડ સરી ગઈ. પછી તો બે બળિયા બાથે વળગતાં હોય એમ એમની વચ્ચે જંગ જાગ્યો. રેવા હતપ્રભ ઊભી હતી. કૂતરાના ભઉ-ભઉથી આખો મહોલ્લો જાગી જશે... અકળાતી રસિકાએ આમતેમ જોયું, પછી દોડીને રસોડામાંથી છૂરી લઈ આવી. લાગ મળે કે કૂતરાની ગરદનમાં જ ખૂંતાડી દઉં!

સત્યેન-શેરુની ફાઇટ પર નજર ટાંપી રહેલી તેણે એક તબક્કે છૂરીનો જોરથી ઘા કર્યો, પણ એ જ વખતે સત્યેનના વારથી શેરુ પાછળ હટતાં ચાકુ સીધું સત્યેનના પેટમાં ખૂંપ્યું!

બાપ રે! સત્યેનને ઘૂંટણિયે પડતો જોઈ રેવા પૂતળા જેવી થઈ, શેરુ હાંફી રહ્યો. ધ્રૂજતી રસિકા બહાર ભાગી : હવે તો છટકવામાં જ સલામતી છે!

પણ શેરુ એમ જવા દે! પાછળ પડેલા શેરુથી ભડકતી રસિકાએ આંગણામાં ગડથોલિયું ખાધું. એવો જ શેરુનો પંજો ચહેરા પર પડ્યો.

અને એ જ ક્ષણે મુંબઈથી કારમાં નીકળેલો અદ્વિતીય આંગણે આવી ઊભો!

કથાના ઉપસંહારમાં એટલું કે

પહેલાં તો સત્યેન-રસિકાને હૉસ્પિટલ ભેગાં કરવાં પડ્યાં અને પછી પોલીસ પિક્ચરમાં આવી. ડૉગ-બાઇટ અને ચાકુની ઈજામાંથી માંડ સર્વાઇવ

થયેલા સત્યેનમાં પોલીસની થર્ડ ડિગ્રી ઝેલવાની ક્ષમતા નહોતી. તેણે વટાણા વેર્યા. રફીક-સહદેવથી શરૂ કરી ટ્રાફિકિંગનું મોટું રૅકેટ ઝડપાયું. દરેકને ઘટતી સજા થઈ.

‘વેરની અગન હારી, પ્રણયની લગન જીતી’, કોર્ટમાં આમનેસામને થયેલાં અદ્વિતીય-રેવાએ કહેતાં રસિકાની ગરદન ઝૂકી ગયેલી. શેરુના આક્રમણથી પોતાનું નંદવાયેલું રૂપ નિહાળી આમેય રસિકાનો આત્મવિશ્વાસ છિન્નભિન્ન થઈ ચૂકેલો, એમાં કોર્ટે ફટકારેલી સજા પછી માનસિક સંતુલન ડામાડોળ થઈ ગયું. બે વરસે જેલમાંથી બહાર નીકળીનેય તે કશું કરી શકવાની નહીં!

આ બધાથી અલિપ્ત થઈ

રેવા-અદ્વિતીય પરણ્યાં, તેમનાં લગ્નમાં શેરુનો કંઈ વટ! રેવા-અદ્વિતીયનો સંસાર સદા સુખદ મઘમઘતો રહેવાનો એ ઉમેરવાની જરૂર ખરી?

(સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2024 05:38 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK