વાણીની લાત ને હાથનો માર. કેસરે હેતનો ઘૂંટડો તો કદી ચાખ્યો જ નથી. ગામવાળા પણ કાદંબરીથી આઘેરા રહેતા. વઢકણી બાઈ જોડે પંગો કોણ લે!
ઇલસ્ટ્રેશન
શ્રી ગજાનન જય ગજાનન...
દૂર ક્યાંક લતા મંગેશકરના કંઠમાં ગુંજતી વિઘ્નહર્તા દેવની મંત્રાવલિએ તેની આંખો આપોઆપ બિડાઈ, હાથ જોડાયા. મનોમન જ વરદાન માગી લીધું : મારી પ્રણયનાવડીને હેમખેમ પાર ઉતારજો પ્રભુ!
ADVERTISEMENT
જવાબમાં ઈશ્વરે ‘તથાસ્તુ’ જ કહ્યું હોય એવી રાહત પ્રસરી ગઈ કેસરના રોમ-રોમમાં : આખરે જીવનની આકરી કસોટીમાં માણસ ભગવાન પરના ભરોસે જ પાર પડતો હોય છેને!
ઊંડો શ્વાસ લઈને કેસર વાગોળી રહી:
દક્ષિણ ગુજરાતના ડાંગને અડીને આવેલા હજાર-બે હજારની વસ્તીવાળા તીઘરા ગામે ખેતમજૂરને ત્યાં જન્મેલી દીકરીનું માએ બહુ હેતથી મોંઘું કેસર નામ રાખ્યું, પણ તેના નસીબમાં તો વહાલની અમીરાત પણ નહોતી. વરસેકની હતી ત્યાં માએ પિછોડી તાણી. બીજા જ મહિને બાપે બીજાં લગ્ન કરતાં કેસર તો સાવકી મા કાદંબરીના કડપમાં જ ઊછરી. ધણીને ધાકમાં કરીને કાદંબરીએ સત્તા જમાવી દીધેલી. કેસરને નામથી તો કદી બોલાવી જ નથી, ગાળથી સંબોધીને હુકમો જ છોડ્યા છે : જા, ચૂલે મારા નહાવાનું પાણી મૂક... આંગણામાં કચરો પડ્યો છે એ કોણ તારી મા સ્વર્ગમાંથી આવીને વાળશે?
વાણીની લાત ને હાથનો માર. કેસરે હેતનો ઘૂંટડો તો કદી ચાખ્યો જ નથી. ગામવાળા પણ કાદંબરીથી આઘેરા રહેતા. વઢકણી બાઈ જોડે પંગો કોણ લે!
શરૂ-શરૂમાં કેસર પિતાનો આશરો શોધતી, પણ ત્યાંથી જુદા કારણે જાકારો મળતો : તારી માને ખાઈ ગઈ એમાં મારા નસીબે આ કુલટા માથે પડી!
મા પિતાને પણ નથી ગાંઠતી એ દેખીતું હતું, પણ કુલટા એટલે શું એ કેસરને સમજાતું નહીં. તે વિચારતી : મા ગામતરું કરી ગઈ એમાં મારો શું વાંક!
આઠ વરસની છોકરી ગામના પાદરે આવેલા શિવાલયમાં પોતાનાં આશ્રુ સારી દેતી. તળાવમાંથી પાણી ભરવા બે બેડલાં લઈ આવવાનું થતું. કિનારે જ શિવમંદિર હતું. કેસર માટે તો એ માના ખોળા જેવું બની ગયું. બપોરે મંદિરમાં પૂજારી પણ ન હોય એટલે ગર્ભદ્વારની જાળી પર મુઠ્ઠી ભીડી તે માથું ટેકવીને હૈયાનો ઉભરો ઠાલવી દેતી. કોઈનો સંચાર સંભળાય તો જાતને સંકોરી લેતી.
આવતાં-જતાં રોકાવાનું બીજું ઠેકાણું હતી ગામની પ્રાથમિક શાળા! કાદંબરીએ ધરાર કેસરનો સ્કૂલમાં દાખલો કરાવ્યો નહોતો : આપણે ક્યાં ભણીને સરકાર ચલાવવાની છે? ઘરે મારે કામ ઓછાં છે?
મા સામે વિરોધ ન થાય, પણ ક્લાસની બહાર બેસીને પણ કેસર ઘણું કંઈ શીખતી રહેતી. આમાં ઘરે પહોંચતાં મોડું થાય એટલે મા આગના ગોળા જેવી જ બની ચૂકી હોય, પણ તેની વઢ યા માર સામે પોતાને સાંપડતું અક્ષરજ્ઞાન કેસરને મહામૂલું લાગતું.
બાર વરસની ઉંમરે દૂર બેસતી થયેલી કેસર માટે કાદંબરીએ આંગણામાં સૂવાનો નવો ફતવો કાઢ્યો. મજૂરીથી આવી દારૂની બે પોટલી પેટમાં પધરાવ્યા પછી પિતાને હોશ નથી હોતા ને બાપુના સૂતા પછી બાજુના ફળિયાનો રઘુ આવી કાદંબરી સાથે લપાઈને... એ બધું પોતાના આંખ-કાને ન પડે એ માટે માએ કેસરને બહાર સૂતી કરી એ ન સમજાય એટલી પણ નાદાન નહોતી રહી તે. યૌવનની સાથે તેને સમજની પાંખ પણ ફૂટી હતી. કુલટાનો અર્થ હવે કોઈને પૂછવો પડે એવું ન રહ્યું. રઘુ દારૂની હેરફેર જેવાં ગેરકાયદે કામ કરે છે, આડા ધંધાના આદમીની આવકનું ઠેકાણું નહીં એટલે પણ માની મહેરબાની પર નભે છે એમાં એકમેકની જરૂરિયાત પણ સંતોષાય છે! માને પિતાથી સંતૃપ્તિ ન મળી અને પ્રેમી સાથેની રાસલીલા છતાં તેની ગોદ ન ભરાઈ... શાસ્ત્રોમાં સાચું જ કહેવાયું છે : જૈસી કરની વૈસી ભરની!
‘તું શાસ્ત્રોનો હિસાબ આપે છે!’
સોળની ઉંમરે ફળિયાની કન્યાઓ સાથે દશામાના વ્રતની કથાનું માહાત્મ્ય કહેતી કેસરને સાંભળીને કાદંબરીની મતિ ચકરાઈ ગયેલી.
‘કાકી, કેસર તો ગણિતમાં પણ હોશિયાર છે. રાજપૂત રાજાઓનો ઇતિહાસ તેને મોઢે છે અને દુનિયાની ભૂગોળ અમારાથી વધુ સારી રીતે દોરી જાણે છે!’
કેસર એકલવ્યની જેમ પારંગત થઈ ગઈ છે એ જાણીને કાદંબરીએ ટલ્લા ફોડ્યા : એ તો બધું કહેવાનું! ગુરુદક્ષિણામાં બાઈજીએ પોતાનું જોબન ન ધર્યું હોય એ માનવાને કોઈ કારણ ખરું! આખરે આ દુનિયામાં મફતનું કંઈ નથી મળતું એટલી તો મારા જેવી અભણને પણ જાણ છે!
કાને હાથ દાબી દેવા સિવાય આ વાણીપ્રવાહને ખાળવો બીજી કોઈ રીતે શક્ય નહોતો અને કેસર અપરમાનાં કડવાં વેણને અવગણતાં શીખી ગઈ હતી.
આવામાં બાપે દેશી દારૂના ઝેરથી દમ તોડ્યો. પિતાના મૃત્યુ પર નિ:શ્વાસ જ નાખી શકી કેસર. જ્યારે ધણીના મરવાથી છૂટી હોય એમ કાદંબરીએ રઘુને ખુલ્લેઆમ પોતાના ઘરમાં પરોણો કર્યો અને આવક માટે દીકરીને વિજયનગરના કારખાનામાં મજૂરીએ મોકલવા માંડી.
સાપુતારા-નાશિકના રસ્તે આવેલું વિજયનગર કસબાનું મોટું શહેર ગણાતું. અહીં નાનાં-મોટાં કારખાનાં હતાં એટલે આસપાસનાં ગામોમાંથી રોજના કામદારોની ખાસ્સી અવરજવર રહેતી. તીઘરાથી પણ ઘણા આવતા. પાદરેથી બસ-છકડો જે મળે એ પકડી લેવાનું. મહિનાએકમાં તો કેસરને અપડાઉન ફાવી ગયું, બંગડીના કારખાનાના કામકાજમાં હથોટી કેળવાતી ગઈ. બાર-પંદર કલાક માના ત્રાસથી મુક્તિ મળે એ છોગામાં!
અને કેસરને તો પ્રીતમ પણ એ જ બહાને મળ્યો!
છએક મહિના અગાઉની વાત. કેસર અઢારનો ઉંબરો વળોટી ચૂકેલી. કસબામાં દુર્લભ ગણાય એવો ગોરો વાન, માખણ જેવી કાયાનાં ભર્યાંભાદર્યાં અંગો જુવાનિયાની નજરને લકવો મારી દે છે એની સમજ પછી કેસરે ધાર્યું હોત તો નયનના ઉલાળાથી મુકાદમને ફોસલાવીને વગર હાજરીએ પૂરો પગાર લેતી હોત, છકડાવાળાને પલોટીને હોટેલ-સિનેમાની મોજ માણી હોત. જોકે એવું તો કેસરના સ્વભાવ-સંસ્કારમાં જ ક્યાં હતું? નોકરીનાં બે-અઢી વરસમાં કોઈએ કેસરને અહીંનું તહીં કરતી ભાળી નહોતી. તે આવતી-જતી પણ એકલીઅટૂલી. તે ભલી ને તેનું કામ ભલું. મહિનાની કમાણી પણ ઓવરટાઇમ સહિત માના હાથમાં મૂકી દેવાની.
કદાચ નિયતિ જ એથી રીઝી હશે... તો જ તો અખિલ તેના જીવનમાં આવ્યો!
શરૂ-શરૂમાં તે વિજયનગરના બસમથકે દેખાયો. ત્રીજા-ચોથા દહાડે કેસરના થેલામાં પાણીની બૉટલ જોઈને નજીક આવ્યો : મને તરસ લાગી છે. પરબનું પાણી પીવાય એવું નથી અને ખરીદવા માટે અત્યારે પૈસા નથી... પ્લીઝ, તમારી બૉટલ આપશો?
બાવીસ-ત્રેવીસનો અત્યંત સોહામણો દેખાતો જુવાન કેટલી શાલીનતાથી પૂછે છે! કેસરથી ઇનકાર ન થયો. ત્યારે તો તે પાણી પી, થૅન્ક્સ કહીને નીકળી ગયો, પણ બીજા દહાડે વળી તેને જ ખોજતો દેખાયો : થૅન્ક ગૉડ તમે મળી ગયાં! તમારું પાણી મારા પર ઉધાર છે એટલે આજે મારા તરફથી ભજિયાં ખાવાં જ પડશે...
તેનું સ્મિત, તેનો વિવેક કેસરને સ્પર્શી ગયાં. સાફ ઇનકારને બદલે તેનાથી બોલાઈ ગયું : અત્યારે મારે કારખાનામાં જવાનું હોય છે...
‘તો સાંજે રાખો...’ તેણે હા-નાનો મોકો આપ્યા વિના ઉમેરેલું : હું અહીં જ રાહ જોઈશ...
- અને તે ખરેખર સાંજે રાહ જોતો જોવા મળ્યો. હવે ના પાડવી ઠીક ન ગણાય. ગામની બસ જતી કરીને કેસર ભજિયાં ખાવાં ગઈ એમાં જાણ્યુ કે ITI પાસ કરીને અખિલ બાજુની જ કેમિકલ ફૅક્ટરીમાં ઑપરેટર તરીકે જૉબ કરે છે. તેનું ફણસા ગામ જોકે તીઘરાથી વિરુદ્ધ દિશામાં પડે.
‘પણ અહીંથી તો આપણે સાથે આવ-જા કરી જ શકીએ.’ છૂટા પડતી વેળા અખિલે કહેલું : હું અહીં જ તારી રાહ જોઈશ...
એ રાતે ફળિયામાં સૂતી કેસર આભના તારાને નીરખતી ગઈ એમ એમાં અખિલનો ચહેરો આકાર લેતો ગયો, જે કહેતો હતો : હું તારી રાહ જોઈશ...
સવારે બસમથકે તેને જોતાં જ કેસર મહોરી ઊઠી. સાંજે છૂટવાના સમયે પણ તે ગેટ આગળ ઊભો દેખાયો.
પછી તો એ નિત્યક્રમ થઈ ગયો... સાથે આવતાં-જતાં ક્યારે અંતરના તાર પરોવાઈ ગયા એની સુધ પણ ક્યાં રહી? મેળના ત્રીજા મહિને અખિલે અચાનક જ ગુલાબ ધરીને ‘આઇ લવ યુ’ કહ્યું ને કેસર શરમથી એવી છૂઈમૂઈ થઈ હતી જાણે તેણે ભરબજાર ચૂમી ભરી હોય! તેને ઇનકાર હોય જ નહીં, પણ એમ તો તરત લગ્ન લેવાય એવું પણ ક્યાં હતું?
અખિલને કેસરની સાવકી માના ત્રાસની જાણ હતી એમ તેના સંજોગ પણ તેણે છુપાવ્યા નહોતા : મારે ત્રણ નાની બહેનો છે અને તેમના દહેજ
માટે પિતાજી મારું સગપણ અમારા ગામના જમીનદારની પગે ખોડવાળી દીકરી જોડે કરીને આવક-જાવકનો હિસાબ સેટલ કરવા માગે છે એટલે મારા ઘરે મોકો જોઈને આપણા પ્રણયની વાત મૂકવી પડશે...
અલબત્ત, તેમનો પ્રણય પુરબહારમાં હતો. વિજયનગરમાં તેમને કોઈ ટોકનારું નહોતું અને તેમના ઘરે આની ગંધ પહોંચે એમ નહોતી. છતાં કેસર અખિલને સ્પર્શની છૂટ લેવા દેતી નહીં : તમે ધરવ થશો એવું સુખ આપીશ... પણ લગ્ન પછી!
અખિલ એથી ક્યારેક અકળાઈને બોલી જતો : તો ચાલ ભાગીને પરણી જઈએ... મારે કેટલો સંયમ રાખવો!
કેસર તેને પ્યારથી મનાવી લેતી. ત્યાં હજી બે દિવસ અગાઉ કેસરે કાદંબરીને રઘુને કહેતાં સાંભળી કે દામોદર શેઠ જોડે પેશગી લઈ રાખી છે, હવે બાકીના લાખ-બે લાખ જે આપતો હોય એ લઈને કેસરને તેની જોડે રવાના કર! મારે સાપના ભારાને વધુ મારા માથે નથી રાખવો...
મતલબ, મારી સાવકી માએ તેના હલક્ટ પ્રેમી સાથે મળીને મને કોઈ શેઠિયાને વેચવાનું નક્કી કરી નાખ્યું! કેસર સ્તબ્ધ બનેલી : હું તો ધારતી હતી કે મારા પરણતાં ઘરમાં આવક બંધ થઈ જવાના ભયે કાદંબરી અખિલ સાથે પણ મારાં લગ્ન નહીં થવા દે. તો જુઓ, લાગ આવતાં તેણે તો સોનાના ઈંડાને બદલે આખી મરઘીનો જ સોદો કરી નાખ્યો!
‘વેચાઈ જવા કરતાં હું વખ ઘોળવાનું પસંદ કરીશ અખિલ...’ ગઈ કાલે કારખાનામાં ખાડો પાડીને કેસર-અખિલ આની જ ચર્ચામાં ગૂંથાયેલાં. એમાં અખિલને એક જ માર્ગ સૂઝ્યો : આપણે ભાગીને મુંબઈ જતાં રહીએ.
‘મુંબ...ઈ!’ કેસરનું મોં ખુલ્લું રહી ગયેલું.
‘હા, મુંબઈ. ત્યાં મારા બે-ત્રણ દોસ્ત છે, આપણા રહેવા-કામકાજનો બંદોબસ્ત કરી જ આપશે. મુંબઈમાં કમાણી પણ વધુ હોવાની. બે જણ કમાઈને વરસેકમાં મારા પિતાને ખાતરી કરાવી દઈશું કે બહેનના દહેજને અમે પહોંચી વળીશું તો તેઓ તને વહુ તરીકે ખુશી-ખુશી સ્વીકારી લેશે..’
તોય કેસર તરત સંમત નહોતી થઈ : મુંબઈ કે ક્યાંય પણ, હું પરણ્યા વિના તો તારી સાથે પણ નહીં રહું.
ત્યારે હસીને અખિલે ટપલી મારી હતી : તારું માનસ હું ન જાણું? લગ્નનો પણ બંદોબસ્ત થઈ જશે... અહીંથી નાશિક જતાં શિવગઢ ગામ આવે છે એ મારું મોસાળ. નાનપણમાં ત્યાં ઘણું રહેતા. શિવમંદિરના પૂજારીકાકા સાથે મામાની ઓળખાણ છે. બોલ, શંકર ભગવાનની સાક્ષીએ પૂજારીકાકા આપણા ફેરા ફરાવે એટલું ચાલશે?’
ચાલશે? અરે, મહાદેવ તો મારાં સુખદુખના સાથી રહ્યા છે... નવજીવનની શરૂઆત તેમની નિશ્રામાં થાય એનાથી વધુ રૂડું શું!
- હવે બસ, શુક્રની આજની આ રાત ઢળે એની વાટ જોવાની છે... કાલ સવારે હું કામે જવા નીકળીશ ખરી, પણ પાછી નહીં આવું! વિજયનગરથી અમે શિવગઢની બસ પકડી લઈશું...
આવતી કાલના સુખમાં કેસરની આંખો મીંચાઈ, પણ કાલની કોને ખબર હોય છે?
lll
અને ત્યારે શિવગઢના શિવાલયમાં દાખલ થઈને તેણે પૅન્ટના ગજવામાંથી પડીકું બહાર કાઢ્યું અને એને ખોલતાં જ તેનો ચહેરો હીરાના ઝળહળાટથી ઝગમગી ઊઠ્યો.
(ક્રમશ:)


