જેમ-જેમ દૃશ્યો બદલાતાં ગયાં તેમ-તેમ નીલિમા રાજનની વધુ ને વધુ નજીક આવતી ગઈ
ઇલસ્ટ્રેશન
રાજન હૂડા ઉર્ફે રાજુ ક્રિષ્નનની કોલ્ડ ગેમ બીજા રાઉન્ડમાં પ્રવેશી ચૂકી હતી. મઝાની વાત એ હતી કે હવે ગેમ બે લેવલ પર રમાઈ રહી હતી. એક બ્યુટિફુલ ભોળી આંખોવાળી કિન્નરી કનોજિયા સાથે અને બીજી તેની માદક સ્વરૂપવાન મા નીલિમા સાથે.
રાજને જાણી જોઈને નીલિમાને એકલી પ્રીવ્યુ થિયેટરમાં બોલાવી હતી.
ADVERTISEMENT
સાડાછ વાગતાં એક બ્લૅક શેવરોલે કાર દાખલ થઈ. એ ઊભી રહી પછી એક શોફરે દરવાજો ખોલ્યો. અંદરથી નીલિમા ઊતરી. રાજન જોતો જ રહી ગયો.
નીલિમાનું રૂપ સંમોહિત કરી દેનારું હતું. તેણે બ્લૅક કલરની પારદર્શક શિફોન સાડી પહેરી હતી. જેની આરપાર તેના લો-કટ સ્લીવલેસ બ્લાઉઝમાં જકડાયેલા સ્તનના ઉભાર છેક દૂરથી સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. કમર નીચે છેક ડૂંટી દેખાય એ રીતે તેણે સાડી પહેરી હતી. આંખ પર સોનેરી ઝાંયવાળા ગૉગલ્સ હતા.
નજીક આવીને તેણે હાઈ સોસાયટીની અદામાં રાજનને હળવું આલિંગન આપતાં પોતાનો ગાલ રાજનના ગાલ સાથે ઘસ્યો. નીલિમાનું પરફ્યુમ પણ ઉત્તેજક રીતે મઘમઘી રહ્યું હતું.
રાજને તેને પ્રીવ્યુ થિયેટરમાં દોરી.
‘નાઓ બી પ્રિપેર્ડ નીલિમા...’ રાજને સાઉથ ઇન્ડિયન લહેજામાં કહ્યું, ‘આપ અબ જો દેખનેવાલી હૈ વો... કિન્નરી કા ઑડિશન ટેસ્ટ હૈ!’
નીલિમાને નવાઈ લાગી, ‘કિન્નરી તો ઑડિશન આપી જ
નથી શકી.’
‘એ જ જોવાનું છેને?’ રાજન હસ્યો. ‘છતાં મેં તેનું ઑડિશન લઈ લીધું છે. જસ્ટ વૉચ!’
રાજને સૂચના આપી. તરત જ હૉલમાં અંધારું થઈ ગયું. થોડી જ ક્ષણોમાં પડદા પર કિન્નરીનો ચહેરો દેખાયો. એ ભાવવાહી ગભરુ હરણી જેવી આંખો. એ નર્વસપણે ધ્રૂજતા હોઠ, એ ગભરાટને કારણે કપાળ પર ફૂટી નીકળેલાં પરસેવાનાં બૂંદ...
પહેલો શૉટ જોતાં જ નીલિમાએ રાજનનો હાથ પકડી લીધો. ‘વા...ઉ...!’
એ પછી જેમ-જેમ દૃશ્યો બદલાતાં ગયાં તેમ-તેમ નીલિમા રાજનની વધુ ને વધુ નજીક આવતી ગઈ.
વીસ મિનિટ પછી જ્યારે ફરી લાઇટો ચાલુ થઈ ત્યારે નીલિમા સંપૂર્ણપણે અભિભૂત થઈ ગઈ હતી.
‘રાજુ, યુ આર જિનીયસ! મારી છોકરી મારી નજરો સામે આટલાં વર્ષથી મોટી થઈ રહી છે પણ મને સહેજે ખબર નહોતી કે તેનો ચહેરો આટલો એક્સપ્રેસિવ છે!’
રાજન હસ્યો. ‘કારણ કે તમે તેનાં એક્સપ્રેશન્સ તો મેકઅપ નીચે દાટી દેતાં હતાં.’
‘યુ આર સો રાઇટ.’ નીલિમાએ હળવો નિઃશ્વાસ નાખ્યો. ‘પણ આ તો તેને કહ્યા વિના લીધેલા શૉટ્સ છે. શું તે કૅમેરા સામે ખરેખર આવા શૉટ આપી શકશે?’
‘લાગે છે કે તમે મારી અવૉર્ડ વિનિંગ ફિલ્મ વિશે કંઈ સાંભળ્યું જ નથી.’ રાજને ચહેરા પર બને એટલી ગંભીરતા લાવતાં કહ્યું, ‘મારી એ ‘પ્રતિકારમ’ નામની મલયાલમ ફિલ્મના મુખ્ય ચાર ઍક્ટરો કોણ હતા, ખબર છે? પાગલખાનાના અસલી પાગલો!’
‘રિયલી?’
‘યસ. અને તેમને ખબર સુધ્ધાં નહોતી કે એ લોકો અભિનય કરી રહ્યા છે!’
‘વાઉ...’
‘હું શીખવાડીને ઍક્ટિંગ કરાવવામાં નથી માનતો. આઇ બિલીવ ઇન એક્સ્પીરિયન્સિંગ ધ લાઇફ. મેં તમને અહીં એકલાં બોલાવ્યાં એનું પણ એક કારણ છે...’
નીલિમા એક કાન થઈને સાંભળી રહી હતી.
‘મને ખબર નથી કે તમારી દીકરી કિન્નરી ખરેખર મારી હિરોઇન છે કે નહીં, કારણ કે તે બહુ સુખી ઘરમાં ઊછરી છે. જો તમારે તેને મારી ફિલ્મમાં હિરોઇન તરીકે જોવી હોય તો...’
રાજને જાણી જોઈને વાક્ય અધૂરું મૂક્યું.
‘ના, ના, તમે કહેશો એમ કરશે. કિન્નરી ઇઝ વેરી ઑબિડિયન્ટ ગર્લ... અને તમે તો જિનીયસ છો જ!’
રાજનને આ જ જોઈતું હતું. છતાં તેણે ભાવ ખાધો.
‘યુ સી, મેઇન રોલ મળતો હોય ત્યારે બધા મા-બાપ આવું જ કહેતાં હોય છે. પણ સમજી લો. કિન્નરીએ દુઃખો સહન કરવાં પડશે. તડકામાં રખડવું પડશે, ઝૂંપડપટ્ટીમાં રાતો વિતાવવી પડશે અને યસ, દિવસોના દિવસો સુધી તેને તમારી સાથે ફોન પર વાત પણ કરવા નહીં મળે.’
નીલિમા વિચારમાં પડી ગઈ.
રાજન જાણી જોઈને સીટ પરથી ઊભો થઈ ગયો અને ઝડપથી બહાર નીકળી ગયો. બાલ્કનીમાં જઈ તેણે સિગારેટ સળગાવી...
સિગારેટ અડધી થઈ ગઈ ત્યાં સુધી તેણે પાછળ ફરીને પ્રીવ્યુ થિયેટરમાં બેઠેલી નીલિમા તરફ નજર ન કરી. આખરે સિગારેટ પતવા આવી ત્યારે પાછળથી નીલિમાનો સુંવાળો હાથ તેના મજબૂત ખભા પર સરકીને આગળ આવ્યો. હાથ સાથે નીલિમા તેની સામે આવી. તેણે રાજનની આંખોમાં આંખો પરોવીને પોતાના બન્ને હાથ વડે તેના ખભા પકડીને સ્પષ્ટ રીતે કહ્યું :
‘રાજુ, આઇ ટ્રસ્ટ યુ.’
ગેમ હવે થર્ડ લેવલમાં પહોંચી ગઈ હતી...
lll
રાજને શરૂઆત બહુ સરળ રાખી. ત્રણ-ચાર દિવસ સુધી તેણે કિન્નરીને ટેક્સીની પાછળની સીટ પર બેસાડીને મુંબઈની ભળતી સળતી ગલીઓમાં ફેરવ્યે રાખી. તે કિન્નરી સાથે ખાસ વાત પણ નહોતો કરતો. બલકે આગળની સીટ પર બેસીને સિગારેટે પીધા કરતો હતો.
એ પછી રાજને જરા સખતાઈ શરૂ કરી. કિન્નરીને તેણે ધારાવીની ઝૂંપડપટ્ટીમાં આખો દિવસ ફેરવવાનું શરૂ કર્યું. સવારથી છેક બપોરનો આકરો તડકો ચડે ત્યાં સુધી રાજન ચાલ્યા કરતો. પાછળ-પાછળ કિન્નરીએ ચાલવાનું હતું. બપોરે કોઈ ઠીકઠાક રેસ્ટોરન્ટમાં બેસાડીને તેને ઘરનું ટિફિન ખાવાની છૂટ આપતો હતો. પાણી પણ ઘરનું મિનરલ વૉટર જ. કારણ કે કિન્નરી બીમાર પડી જાય તો આખી ગેમ બંધ પડી જાય.
દસેક દિવસ આ રીતે કિન્નરીને રખડાવતાં તેનો ચહેરો ખાસ્સો બદલાઈ ચૂક્યો હતો. રાજને મેકઅપ કરવાની તો ના પાડી જ હતી, ઉપરથી સાબુ વડે મોં ધોવાની પણ મનાઈ કરી હતી. સૂકા-ફીકા થઈ ગયેલા વાળ અને દસ દિવસ સુધી ઍર-કન્ડિશન વિનાની હવામાં જીવવાને કારણે કિન્નરી ઑલરેડી કોઈ આર્ટ ફિલ્મનું જીવંત પાત્ર લાગવા માંડી હતી.
નીલિમા બહુ ખુશ હતી. રાજનને વારંવાર ફોન કર્યા કરતી હતી. છતાં રાજન ફોન પર તેની સાથે લાંબી વાતો કરવાનું ટાળતો હતો.
lll
‘કાલે તારે આત્મહત્યા કરવાની છે.’ રાજને એક દિવસ કિન્નરી આગળ ધડાકો કર્યો.
કિન્નરીનો ચહેરો અચાનક ફીકો પડી ગયો. ‘આત્મહત્યા?’
‘એટલે રિયલ સુસાઇડ નહીં.’ રાજને કહ્યું ‘બટ યુ હૅવ ટુ અન્ડરસ્ટૅન્ડ યૉર ટ્રૂ ફીલિંગ્સ. આત્મહત્યા કરનાર માણસ કેવી ભયંકર યાતનામાંથી પસાર થાય છે એનો તને સાચો અનુભવ થશે. તારે કોઈ જ ઍક્ટિંગ કરવાની જરૂર નથી. તને જ્યાં પણ રાખવામાં આવી હશે ત્યાં આજુબાજુ ક્યાંક ને ક્યાંક મારા માણસો હાજર હશે. છૂપા કૅમેરા વડે શૂટિંગ થતું રહેશે, પણ તારે એનો વિચાર સુધ્ધાં નથી કરવાનો. સમજી?’
‘તને એક ઝેરની શીશી આપવામાં આવશે. એ અસલી ઝેર નહીં હોય. બટ યસ, તને અસલી ઝેર જેવી પીડા જરૂર થશે. તારા પેટમાં આંટીઓ પડશે, હોઠ સુકાઈ જશે, આંખોના ડોળા ચકળવકળ થશે, ચક્કર આવશે... એમ જ સમજી લે કે મોત તને નજર સામે દેખાશે! બટ બી શ્યૉર, ડૉક્ટરોની એક આખી ટીમ તને બચાવી લેવા ખડે પગે હાજર હશે. ઍક્ચ્યુઅલી તો તને બચાવવાની કશી જરૂર જ નહીં પડે કારણ કે ઝેર બનાવટી હશે... છતાં ફૉર સેફ્ટી. ઓકે?’
કિન્નરીએ આજ્ઞાંકિત વિદ્યાર્થીની જેમ હા ભણી.
‘ઍન્ડ યસ. આ વાત તારે કોઈને કહેવાની નથી. તારી મમ્મીને પણ નહીં. સમજી ગઈ?’
‘યસ. સમજી ગઈ.’ કિન્નરીની આંખોમાં જે આત્મવિશ્વાસની ચમક દેખાઈ એનાથી રાજનને ખાતરી થઈ ગઈ કે કાલે ‘ગેમ ઓવર’ થઈ જવાની...
lll
ગેમ ઓવર કરતાં પહેલાં રાજને ડબલ ગેમનો છેલ્લો મોરચો ખોલ્યો. તેણે નીલિમાને ફોન જોડ્યો.
‘હલો નીલિમા, હાઉ આર યુ?’
‘ઍબ્સલ્યુટ્લી ફાઇન. તમે
કેમ છો?’
‘અચ્છા લિસન...’ રાજને એકદમ હળવાશભર્યા અવાજે કહેવા માંડ્યું. ‘કિન્નરીના શૂટિંગનું પહેલું શેડ્યુલ મોટા ભાગે કાલે પૂરું થઈ જશે. શી હૅઝ બીન જસ્ટ વન્ડરફુલ... લોકો તો દંગ થઈ જશે.’
‘યા?’
‘હા, અને બીજું શેડ્યુલ આપણે ચાર મહિના પછી જ રાખવું પડશે કારણ કે એ દરમિયાન તેણે ખાઈ-પીને તાજામાજા થવાનું છે! ખૂબ જ પાર્ટીઓ કરવાની છે. ખુશ રહેવાનું છે અને કમ સે કમ દસ કિલો વજન વધારવાનું છે. ચાર મહિનાને બદલે છ મહિના થાય તો પણ મને વાંધો નથી.’ રાજન હસ્યો : ‘બસ, મને ખાલી એક જ ટેન્શન છે કે આ છ મહિના દરમિયાન હું કરીશ શું?’
‘એની શું ચિંતા કરો છો? તમે પણ અમારી સાથે પાર્ટીઓ કરોને!’
‘ના...’ રાજને કહ્યું. ‘મારે કિન્નરીથી અલગ થવું જરૂરી છે. કદાચ હું વિદેશમાં ક્યાંક ફરવા
જતો રહું.’
‘તો તમારી ટિકિટો હું બુક કરાવી દઉં? અરે, તમે કહેતા હો તો હું તમારી સાથે ફરવા આવું!’
‘ધૅટ...’ રાજન સહેજ વિચારતો હોય એમ કહ્યું. ‘વુડ બી વન્ડરફુલ... કારણ કે મારી નેક્સ્ટ ફિલ્મ હું એવી સ્ત્રીના પાત્ર પર બનાવવા માગું છું જે એકદમ હિપ્નોટિક રીતે ઉત્તેજક હોય અને...’
‘અને એ સ્ત્રી હું પણ હોઈ શકું! શું કહો છો ક્રિષ્નન!’
‘ઓ માય ગૉડ! વાય ડિડન્ટ આઇ થિન્ક ઑફ ધિસ બિફોર?’ ક્રિષ્નને ઉર્ફે રાજને બનાવટી ઉત્સાહ બતાડતો ચિત્કાર કર્યો. ‘વ્હુઉઉઉ...!’
સામે છેડે નીલિમા ઑલરેડી સાતમા આસમાન પહોંચી ગઈ હતી.
રાજને હવે ડબલ-ગેમની માસ્ટર ચાલ ખેલી નાખી. એ બોલ્યો:
‘લિસન, મારી વાત ધ્યાનથી સાંભળો. મારે તમને નર્ગિસની ‘રાત ઔર દિન’ની DVD બતાડીને ઘણીબધી ચર્ચાઓ કરવી છે. શું તમે કોઈ સારી હોટેલમાં આજની રાત માટે એક સ્વીટ બુક કરી શકો? બિકૉઝ ધ ડિસ્કશન ઇઝ ગોઇંગ ટુ બી વેરી પર્સનલ.’
‘થઈ જશે.’ નીલિમાના અવાજમાં એક માદક ઠંડક આવી ગઈ.
lll
ધ ફાઇનલ ગેમ વૉઝ ઑન...
કિન્નરી આવતી કાલે ‘આત્મહત્યા’ કરવાની હતી. અને એ જ વખતે તેની ગ્લૅમરસ મમ્મી તેની ઍક્ટિંગની ભૂખ ભાંગવા માટે એક હોટેલની રૂમમાં સામે ચાલીને આવવાની હતી!
‘હવે ચોવીસ કલાકમાં બન્ને ગેમ ફિનિશ થઈ જશે...’ રાજનની આંખોમાં ખુન્નસની લાલાશ ઊતરી આવી.

