સોનમ જ્યારે-જ્યારે હોટેલની બહાર નીકળે છે ત્યારે-ત્યારે તે મોબાઇલ પર હોય છે
ઇલસ્ટ્રેશન
‘ત્રણ ટીમ ક્લિયર...’ ફોન પૂરો કરી ડિટેક્ટિવ સોમચંદે હાજર રહેલા પોલીસકર્મીઓની સામે જોયું, ‘કોઈ ડાઉટ?’
‘નો સર.’
ADVERTISEMENT
મિલિટરી ડિસિપ્લિન સાથે જવાબ આવ્યો અને સોમચંદ ફરી સ્ક્રીન તરફ ફર્યા.
‘ચોથી ટીમ...’ સોમચંદે બોલવાનું અને બોર્ડ પર લખવાનું શરૂ કર્યું, ‘ચોથી ટીમનું કામ રહેશે લોકલ લોકોને મળવાનું અને તેમની પાસેથી રાજા અને સોનમની માહિતી કઢાવવાનું. આપણે અહીં લોકલ લોકોની વ્યાખ્યા ક્લિયર કરીએ. સૌથી પહેલા ફેઝમાં આપણે માથેરાનના જ લોકલ લોકોને લઈશું અને એ પછી પણ આપણે બોરીવલી તરફ આવતા જઈશું એટલે કે પહેલાં માથેરાન, એમાં કશું જાણવા ન મળે તો આપણે કર્જત, નવી મુંબઈ અને એવી રીતે બૅક થઈને બોરીવલી સુધી આવીશું પણ મને ખાતરી છે કે લોકલ એટલે કે માથેરાનના લોકો પાસેથી આપણને ઘણુંખરું જાણવા મળી જશે.’
‘ક્લિયર?’
આ વખતે ‘યસ’નો જવાબ આવ્યો કે બીજી જ સેકન્ડે સોમચંદે સામે બેઠેલા પોલીસકર્મીઓને કહ્યું, ‘આ કામમાં માથેરાન પોલીસ સૌથી વધારે સારી રીતે કામ કરી શકશે. તેણે એક પણ જાતના ડેટાનો સપોર્ટ લીધા વિના પોતાના સોર્સને કામે લગાડવાના રહેશે અને રાજા-સોનમની મૅક્સિમમ માહિતી કઢાવવાની રહેશે.’
‘ડન, સર.’
ઇન્સ્પેક્ટર સંજય સોલંકીએ જવાબ આપ્યો કે તરત ડિટેક્ટિવ સોમચંદ બોર્ડ તરફ ફર્યા અને બોલ્યાઃ ‘હવે વાત પાંચમી ટીમની. આ પાંચમી ટીમે રાજા અને સોનમના સોશ્યલ કૉન્ટૅક્ટ્સ ચેક કરવાના છે. સોશ્યલ કૉન્ટૅક્ટ્સ એટલે આજના સમયમાં સોશ્યલ મીડિયા. આરામથી એ અકાઉન્ટ હૅક કરો અને જાણો કે એ બન્નેએ સોશ્યલ મીડિયા પર શું-શું કર્યું છે? બધી ઇન્ફર્મેશન લીધા પછી મને એ તમામ માહિતી આપવાની છે. આ પાંચમી ટીમે બહુ દોડધામ નથી કરવાની, એણે ઑફિસમાં બેસીને કામ કરવાનું છે પણ આ કામમાં એક્સપર્ટ જોઈશે એટલે આ ટીમમાં માત્ર એ જ લોકો રહેશે જે અંગ્રેજી લખી-વાંચી શકે છે.’
સોમચંદ પોલીસ-કર્મચારીઓ સામે ફર્યા.
‘રાજા હવે હયાત નથી. એમાં કોઈ ડાઉટ નથી કે જે ડૅડબોડી છે એ રાજાનું નહીં હોય એટલે એવું ધારી શકાય કે રાજાના સોશ્યલ મીડિયાને બદલે સોનમ, જે ગુમ છે એના સોશ્યલ મીડિયાનાં તમામ અકાઉન્ટ ચેક કરવામાં આવે. સોશ્યલ મીડિયા ઉપરાંત જો એવું લાગે તો વૉટ્સઍપ પર પણ ફોકસ કરવાનું છે.’
‘સર, વૉટ્સઍપ પર તરત જ ઇન્ફર્મેશન મળશે.’
‘ના, આ કેસમાં એવું બને એવું લાગતું નથી.’ પુછાયેલા સવાલનો જવાબ આપતાં સોમચંદે કહ્યું, ‘જો સોનમ આ કેસમાં ઇન્વૉલ્વ્ડ હશે તો તેણે વૉટ્સઍપનો ઉપયોગ નહીં કર્યો હોય. અફકોર્સ, આ મારું માનવું છે. બને કે હું ખોટો પણ હોઉં, પણ વૉટ્સઍપનો ઉપયોગ હવે લોકો પર્સનલ વાત કરવા માટે નથી કરતા. બધાને હવે એવું લાગવા માંડ્યું છે કે વૉટ્સઍપ અને સિમ્પલ ટેક્સ્ટ મેસેજ સમાન છે અને તમે જુઓ, બન્નેમાં ફીચર્સ હવે સરખાં જ છે. ઍનિવેઝ, વૉટ્સઍપ આપણે જોઈશું પણ એ માટે તરત જ સમય નહીં બગાડીએ. પહેલાં તો આપણે સોશ્યલ મીડિયા અને જો બીજાં કોઈ મેસેન્જર વાપરવામાં આવતાં હોય તો એના પર જ ધ્યાન આપીશું.’
સોમચંદે હરિસિંહની સામે જોયું.
‘પાંચેય ટીમના મેમ્બર નક્કી કરી મને એનું એક લિસ્ટ આપો. બધી ટીમ એકસાથે કામ કરશે અને મને ડિરેક્ટ રિપોર્ટિંગ કરશે. જ્યાં સુધી નવી સૂચના ન મળે ત્યાં સુધી આપણે આ બૅન્ક્વેટ હૉલને આપણી ઑફિસ ગણીશું. સોશ્યલ મીડિયા ટીમ માટે અહીં જ અરેન્જમેન્ટ કરવાની છે.’
‘પણ સર, સિસ્ટમ...’
‘બસ, પાંચ મિનિટમાં પહોંચવી જોઈએ.’ સોમચંદે પોતાની રિસ્ટ-વૉચમાં જોયું, ‘સાઇબર સેલમાંથી એક્સપર્ટ્સ લઈને આવે છે અને એ લોકો પણ અહીં જ રહેશે. અકાઉન્ટ હૅક કરવામાં કદાચ ટીમને હેલ્પની જરૂર પડે.’
lll
‘સર, ફોન કોનો હતો?’ હરિસિંહે પૂછ્યા પછી નમ્રતા પણ દર્શાવી, ‘તમે ચાલુ મીટિંગે ફોન અટેન્ડ નથી કરતા પણ ફોન અટેન્ડ કર્યો અને એમાં કશું બોલ્યા પણ નહીં, બસ માત્ર વાત સાંભળી એટલે પૂછું છું.’
‘ડાહ્યાભાઈ કોટેચાનો.’ સોમચંદના ફેસ પર સ્માઇલ હતું, ‘ધમકાવવા ફોન હતો. ધમકી સામે ઊંચો અવાજ કર્યો હોત તો ટીમ મેમ્બર્સનું મૉરલ તૂટ્યું હોત...’
‘કેસ બંધ કરવાનું કહે છે?’
‘હા... ને મને જે કામની ના પાડવામાં આવે એ કરવામાં બહુ આનંદ આવે.’ સોમચંદે કામનું અનુસંધાન જોડતાં કહ્યું, ‘ટીમ કામ પર લાગી ગઈ?’
‘હા સર.’ હરિસિંહે પૅડ ખોલ્યું અને રિપોર્ટ આપવાનું શરૂ કર્યું, ‘પહેલી ટીમ ટાઇમલાઇન તૈયાર કરવામાં લાગી છે પણ એમાં જરા વાર લાગશે.’
‘વાર નહીં લાગે, જ્યાં સુધી આરોપી ક્લિયર નહીં થાય ત્યાં સુધી એ બનવાની જ નથી.’ સોમચંદે પૂછ્યું, ‘સેકન્ડ ટીમના શું રિપોર્ટ?’
‘સર, બોરીવલી ડાહ્યાભાઈ કોટેચાના ફ્લૅટ, એના ફ્લોર પર અને આખી સોસાયટી સહિત ત્યાં કુલ બાર કૅમેરા છે. એને હજી સુધી ટચ નથી કર્યા પણ એ સિવાયના એટલે કે રાજા અને સોનમ રવાના થયાં ત્યારથી માથેરાન સુધીમાં અંદાજે બે હજાર કૅમેરા છે. કૅમેરાની સંખ્યા વધારે છે એટલે આપણે આ ટીમમાં બે ટીમ બનાવી છે. એક ટીમ માથેરાનના CCTV કૅમેરા ચેક કરે છે તો બીજી ટીમ કર્જતથી બોરીવલી તરફના કૅમેરા ચેક કરવાનું કામ કરે છે. સર, કર્જત પાસે ઑલરેડી ડાહ્યાભાઈ કોટેચાની એક સાઇટ ચાલે છે.’
‘મિસ્ટર કોટેચા એ દિવસે ત્યાં હતા?’
‘ના, બીજા દિવસે ત્યાં હતા. ફુલ ડેટા હજી નથી આવ્યો, પણ બેઝિક ડીટેલમાં એટલી ખબર પડી છે કે તે સાઇટ વિઝિટ પર ગયા હતા અને બપોર સુધી તો ત્યાં જ હતા એટલે પૉસિબલ છે કે તે લેટ ઈવનિંગના ત્યાંથી નીકળ્યા હોય.’
‘હંમ... માથેરાનના CCTV ફુટેજમાં કંઈ ખાસ વાત...’
‘એક છે સર.’
મોબાઇલમાં CCTV ફુટેજ ઓપન કરતાં હરિસિંહે સોમચંદ સામે મોબાઇલ ધર્યો અને કૉમેન્ટરી પણ ચાલુ રાખી.
‘રાજા અને સોનમનું બુકિંગ જે હોટેલમાં થયું હતું એ રૂમ સોનમને ગમ્યો નહીં એટલે રાજાએ બુકિંગ કૅન્સલ કરીને બીજી હોટેલ... માથેરાન પૅલેસમાં રૂમ બુક કર્યો.’
‘માથેરાન પૅલેસ... એટલે પેલો પારસીનો બંગલો છે એ જને?’
‘હા સર.’ હરિસિંહે કહ્યું, ‘ત્યાં રાજા અને સોનમ ગયાં ત્યારે એન્ટર થતાં જ બન્ને કોઈ સામે સ્માઇલ કરતાં આગળ વધ્યાં.’
‘એમાં કંઈ નવી વાત નથી. આ નવી જનરેશનમાં આ એક સારી આદત છે. આંખ મળે તો એ અજાણ્યાની સામે પણ સ્માઇલ આપી દે.’ સોમચંદે કહ્યું, ‘ઇમ્પોર્ટન્ટ એ છે કે રાજા અને સોનમે હોટેલ શું કામ બદલાવી? રાજા કરોડપતિનો દીકરો છે, તેણે કોઈ ફાલતુ હોટેલ તો ન જ કરી હોય. જો એ હોટેલ સારી હોય તો પારસીના ભૂતિયા લાગતા બંગલામાં જવાનું કારણ...’
સોમચંદની આંખમાં ચમક આવી ગઈ.
‘હરિ, ચેક કર. રાજા અને સોનમ જે હોટેલમાં ઊતર્યા ત્યાં બીજા કોઈ રૂમ ખાલી હતા કે નહીં.’
જવાબ આપ્યા વિના હરિસિંહ સીધો જ કામ પર લાગ્યો અને અડધી જ મિનિટમાં જવાબ મળી ગયો.
‘ના, પછીના બે દિવસ આખી હોટેલ બુક હતી, એમાં બીજા રૂમ ખાલી નહોતા.’
‘યસ... આ કારણ હોઈ શકે.’ સોમચંદનું એક્સાઇટમેન્ટ અપર લેવલ પર હતું, ‘આપણે આ વાતને બેઝ બનાવીને તપાસ આગળ વધારીએ. માથેરાન પૅલેસના એકેક CCTV કૅમેરા ચેક કર. ક્યાંક કોઈ એવી વાત જોવા મળવી જોઈએ જેમાં રાજા કે સોનમનું બિહેવિયર બીજા સાથે જરા શંકાસ્પદ હોય. એક કામ કર...’
સોમચંદે તરત નિર્ણય લીધો.
‘એ તમામ CCTVનું ઍક્સેસ આપણને અહીં મળે એવું પણ કર. ટીમ ભલે પોતાની રીતે તપાસ કરે, આપણે અહીં ક્રૉસ-ચેક કરીએ.’
વીસ મિનિટમાં માથેરાન પૅલેસના સર્વર રૂમનું કનેક્શન મુંબઈના બૅન્ક્વેટમાં મળી ગયું હતું અને સોમચંદ-હરિસિંહ કામ પર લાગી ગયા હતા.
lll
‘હરિસિંહ, જો આ... સોનમ જ્યારે-જ્યારે હોટેલની બહાર નીકળે છે ત્યારે-ત્યારે તે મોબાઇલ પર હોય છે.’
‘સર, એમાં નવાઈ જેવું શું છે? આ તો મારી પણ રૂટીન આદત છે.’
‘આદત હોવી અને એ આદતના કારણે બીજા લોકોનું અલર્ટ થવું એ બન્ને જુદી વાત છેને...’ સોમચંદે સ્ક્રીન પર દેખાડતાં કહ્યું, ‘આ જો પહેલા દિવસનાં વિઝ્યુઅલ્સ, સોનમ સૌથી પહેલી બહાર આવી. તે મોબાઇલમાં મેસેજ ટાઇપ કરે છે અને હવે જો... ’
અડધી મિનિટમાં હોટેલના બીજા રૂમમાંથી ત્રણ છોકરાઓ બહાર આવ્યા.
‘હવે આ જો... આ છે પહેલા દિવસની સાંજનાં વિઝ્યુઅલ્સ...’
સોમચંદે શંકા દર્શાવી હતી એવું જ જોવા મળ્યું.
સોનમ બહાર આવી. આ વખતે તે ફોન પર વાત કરતી હતી. સોનમના બહાર આવ્યાની અડધી જ મિનિટમાં એ જ ત્રણ છોકરાઓ બહાર આવ્યા અને ગેટ તરફ આગળ વધી ગયા.
‘હરિ, આવું ઑલમોસ્ટ રોજ બન્યું છે.’
‘સર, એનો અર્થ એવો પણ થઈ શકે ને કે આ છોકરાઓ હરામખોર હતા.’ હરિસિંહે કહ્યું, ‘આવા લીચડ આજકાલ બહુ વધી ગયા છે. એકલી છોકરી જુએ કે તરત લાળ પાડતાં આજુબાજુમાં ફરવા માંડે.’
‘તારે દીકરી છે?’ હરિસિંહે હા પાડી કે તરત સોમચંદે કહ્યું, ‘દીકરી સારી ને સાચી છે એવું માનવું એ પિતાની લાગણી હોઈ શકે પણ દીકરી ખોટી દિશામાં છે કે નહીં એ જોતાં રહેવું એ એક પિતાની ફરજ છે.’
વાતમાં ગંભીરતા ઉમેરાઈ જાય એ પહેલાં સોમચંદે વિષય બદલી સોનમનો ટૉપિક પકડી લીધો.
‘તું કહે છે એવી રીતે આ છોકરાઓ લીચડ હોઈ શકે પણ આપણે જે જગ્યા પર છીએ ત્યાંથી તમામની દરેક હરકતને શંકા સાથે જોવી પણ જરૂરી છે.’ સોમચંદે ઇન્સ્ટ્રક્શન આપતાં કહ્યું, ‘તાત્કાલિક બે કામ કર. એક, ટીમ-નંબર ત્રણને કહે કે મને સોનમનો તમામ મોબાઇલ ડેટા આપે. ટાઇમિંગ સાથે અને ટીમ-નંબર એકને આ ત્રણ છોકરાઓના ફોટો કે વિઝ્યુઅલ્સ મોકલીને પૂછ કે આ છોકરાઓ બીજે ક્યાંય તેમને જોવા મળે છે કે નહીં.’
‘યસ સર.’
lll
‘સર, સોનમ કે રાજાના મોબાઇલમાં કંઈ એવું નથી જેના માટે શંકા કરી શકાય.’ ટીમ લીડરે સોમચંદને કહ્યું, ‘સોશ્યલ મીડિયા ટીમ સાથે કો-ઑર્ડિનેશન નથી કર્યું એટલે તેમનો રિપોર્ટ તમે લઈ લેજો, પણ મોબાઇલ કૉલ્સ અને મેસેજની વાત કરીએ તો સર, એક પણ વખત સોનમે કોઈ સાથે લાંબો કૉલ નથી ચલાવ્યો.’
હાથમાં રહેલા પેપરને ખોલતાં ત્રીજી ટીમના લીડરે અપડેટ આપવાનું શરૂ કર્યું.
‘સોનમે આ ત્રણ દિવસ દરમ્યાન તેનાં સાસુ એટલે કે રંજનબહેન સાથે બાર વખત વાત કરી છે. ગુરુવારે સોનમ ઉપવાસ કરે છે તો એની પણ એ બન્નેને વાત થઈ અને સોનમે ઉપવાસ કર્યો તો રંજનબહેન તેના પર ગુસ્સે પણ થયાં.’
‘બીજા કોને-કોને સોનમે ફોન કર્યા?’
‘ચાર વાર પોતાના ભાઈને, બે વખત સસરા ડાહ્યાભાઈ કોટેચાને અને એક વખત રાજા અને ડાહ્યાભાઈની ઑફિસમાં...’
‘કેમ, ત્યાં શું ફોન કરવાની જરૂર પડી?’
ટ્રાન્સ-સ્ક્રિપ્ટ હાથમાં લેતાં ટીમ લીડરે કહ્યું, ‘ડાહ્યાભાઈનો ફોન લાગતો નહોતો એટલે આ ફોન થયો છે. ફોન ૧૪ સેકન્ડ ચાલ્યો છે, જેમાં માત્ર એટલી વાત થઈ છે કે પપ્પા આવી ગયા? જવાબમાં કહેવામાં આવ્યું કે મીટિંગમાં છે એટલે સોનમે કહ્યું કે તેમને મેસેજ આપજો કે અમે ટ્રાવેલ કરીએ છીએ, ફોન ન લાગે તો ટેન્શન ન કરે. હવે રૂબરૂ મળીશું.’
ટ્રાવેલ કરીએ છીએ, ફોન ન લાગે તો ટેન્શન કરે નહીં.
‘આ ફોન પછી કોઈ ફોન...’
‘ના, આ ફોન પછી સોનમ-રાજાનો મોબાઇલ સ્વિચ ઑફ થયો અને એ પછી બન્ને ગુમ થયાં...’
કોઇન્સિડન્ટ કે પછી કોડવર્ડ?
સોમચંદનું દિમાગ કામે લાગી ગયું.
(ક્રમશઃ)

