કોઈ ધનિક નબીરો હોય એવો ઠાઠ સર્જી નાદાન કન્યાને આંજી દઈ મોહપાશમાં જકડી લેતો
ઇલસ્ટ્રેશન
બાય–બાય મુંબઈ!
નેવી ક્રૂઝના વૈભવી જહાજનાં લંગર ઊંચકાયાં અને થોડી મિનિટોમાં મુંબઈનો કાંઠો દૂર થતો લાગ્યો એટલે ડેક પરથી સ્વજનોને હાથ હલાવતા મુસાફરો પણ પોતપોતાની રૂમમાં થાળે પડવા વિખરાવા લાગ્યા.
ADVERTISEMENT
‘જલદી ચેન્જ કરીને અપર ડેક પર આવી જઈએ. કૅપ્ટને પ્રવાસીઓના વેલકમ માટે પાર્ટી રાખી છે, એમાં ડ્રિન્ક્સ ક્રૂઝ કંપની તરફથી ફ્રી છે.’
આમ કહી પત્નીને લગોલગ ખેંચતા પતિને પોતાની બાજુમાંથી પસાર થતો જોઈ શેખરથી હસી જવાયું : આટલી મોંઘી ક્રૂઝમાં આવીને ફ્રી ડ્રિન્કની લાલચ રાખે છે!
પછી તે મોહિનીના કાનમાં ગણગણયો : રૂમમાં જવાની મનેય ઉતાવળ છે, પણ એ તો બીજા જ કામે!
તેના સ્વરમાં રોમૅન્સનો લહેકો હતો, પણ મોહિનીના ચિત્તમાં જુદો જ પડઘો ઊઠ્યો : બીજું કામ એટલે મારી હત્યાનું કામ જને?
નહીં, નહીં. એમ કોઈ અજાણ્યાના ફોને મારે અથરા થવાનું ન હોય. કોઈના કહેવા માત્રથી રાજના જીવનમાં બીજી સ્ત્રી હોય ને તે મારી હત્યા કરવા માગે એવું કેમ માની લેવું? જરૂર આ કોઈ વિઘ્નસંતોષીનું કામ હોવું જોઈએ. હું ઉચાટમાં રહું, વૈભવી સાગરસફર માણી ન શકું, શેખર જોડે ઝઘડો માંડું એવી કામના રાખનારી વ્યક્તિનું જ આ કારસ્તાન હોય નહીં તો તે છેક અમારા નીકળવાના સમયે જ ફોન કેમ કરે? જેથી હું ટૂર માંડવાળ કરવા જીદે ચડું એમાં રાજશેખર સાથે આર યા પારનો ઝઘડો થાય એવી જ મનસા ફોન કરનારની હોવી જોઈએ. એમ તેને ફાવવા ન દેવાય. એટલે તો ધરાર ટૂર પર આવી છું ને રાજને ધરવ થાય એમ ટૂર માણવાની પણ છું!
મોહિની પોતાને જ મનાવતી રહી.
ત્યાં...
‘આ..ઉ..ચ!’ સામેથી આવતી યુવતી જાણે અજાણતાં જ રાજ સાથે અથડાઈ પડી. લાલ રંગનું શૉર્ટ મિડી તેના ગોરા બદન પર ગજબનું શોભતું હતું. લાંબા કેશ હવામાં લહેરાતા હતા. આંખો પર બ્રાઉન ગ્લાસિસ અને નકશીદાર મુખ પરનો કાળો તલ. તેના રૂપ, તેના રુઆબનું શું કહેવું! બે ઘડી તો રાજ પણ પલકારો મારવાનું ભૂલી ગયો.
‘નેવર માઇન્ડ.’ તેના સુરીલા અવાજે રાજશેખરની સમાધિ તૂટી.
‘ખૂબસૂરત જિસ્મોના ટકરાવને હું ગુસ્તાખી ગણતી નથી.’ ચશ્માં ઊંચકી આંખ મિંચકારી તેણે મારકણું સ્મિત વેર્યું એમાં પુરુષને ક્લીનબોલ્ડ કરવાની ક્ષમતા હતી. રાજશેખર સહેજ થોથવાયો, ‘મેં તમને ક્યાંક જોયાં છે...’
તે વધુ ખુલ્લું હસી, ‘મને પહેલી વાર જોનારા આવું જ કહેતા હોય છે.’ પછી ખભા ઉલાળ્યા, ‘એમાં મારાં આન્ટી વ્યારાના હર હાઇનેસ નિર્મળાદેવીનો અબજોનો વારસો મળ્યા પછી મને ઓળખનારા ગલીએ-ગલીએ મળી આવે છે.’
અબજોનો વારસો! રાજની આંખો પહોળી થઈ અને એ જોઈ બાજુમાં ઊભેલી મોહિનીએ હોઠ કરડ્યો.
‘ઍનીવે, તમારા જેવો હૅન્ડસમ પુરુષ ખોટું બોલે એને હું ખોટા અર્થમાં નથી લેતી.’ તે પાણી-પાણી કરી દેતું હસી, ‘નોટ ડાઉન. માયસેલ્ફ ન્યારા. સ્વીટ-નંબર ૧૦૨૬, ટેન્થ ફ્લોર.’
‘ઓહ, ગ્રેટ. અમે એ જ બિલ્ડિંગમાં નવમા માળે છીએ.’
‘સી યુ ધેન! તમને જાણવા-માણવાનું મને ગમશે.’ તેણે વળી આંખ મિંચકારી, ‘યુ નો વૉટ આઇ મીન!’
કહી રાજશેખરના પેટમાં હળવો મુક્કો વીંઝી તે આગળ વધી ગઈ.
‘હવે તમે પણ ચાલો!’ મોહિનીએ પૂતળા જેવા થયેલા રાજને ખેંચ્યો. તેની દાઝ દેખીતી હતી. રાજે ‘અમે’ શબ્દ વાપર્યો, સાથે હું ઊભી હતી, મારા ગળામા મંગળસૂત્ર લટકે છે ને આ બધું છતાંય એ ફટાકડી રાજને માણવાનું બોલી ગઈ એ કેવી નફ્ફટાઈ. નિર્લજ્જ. મહારાણી આન્ટીનો વારસો મળ્યો એટલે અપલક્ષણો પણ ઐયાશ રાજવી જેવાં જ છે.
રાજ હજીયે પાછો વળી ન્યારાને જોઈ લેતો હતો એથી ચચરાટી વધી : શુભચિંતકના ફોન છતાં શેખુના જીવનમાં બીજી સ્ત્રી નથી એવું મન મનાવી હું ક્રૂઝ પર આવી, પણ આ ન્યારા તો ક્યાંક એ બીજી સ્ત્રી ન બની જાયને!
આખરે તેની પાસે અબજોનો વારસો છે ને રાજને વારસો ધરાવતી સ્ત્રીમાં રસ પડે છે એ મારાથી વધુ કોણ જાણે!
રૂમમાં સેટ થઈ રાજ બાથ લેવા ગયો કે કૅબિનનો ઇન્ટરકૉમ રણક્યો. અહીં કોણ હશે! કદાચ સાંજની પાર્ટીની કોઈ અપડેટ માટે રિસેપ્શન પરથી ફોન હશે એમ માની મોહિનીએ કૉલ રિસીવ કર્યો કે...
‘જોઈ લીધી તમારી સૌતનને?’
આ તો એ જ ઘોઘરા અવાજવાળો શુભચિંતક. મોહિની તંગ થઈ. એ શિપ પર પણ છે? અમારા પર નજર રાખી રહ્યો છે? પણ શું કામ? રાજનું કોઈ લફરું હોય, તે મને મારવા માગતો પણ હોય તો એથી કોઈ બીજી વ્યક્તિને શું ફેર પડવો જોઈએ? ક્રાઇમ રોકવાની ઇચ્છા હોય તો પોલીસમાં જાય, મારા હિતેચ્છુ બનવા પાછળ તેની કોઈક ગણતરી હોવી જોઈએ.
‘મારી સૌતનને છોડો, મને બચાવવામાં તમને શું રસ છે?’
તે સહેજ હસ્યો હોય એવું લાગ્યું.
‘બચાવવાનું મન થાય એટલાં તમે અમીર તો છો જ!’ સામેથી કહેવાયું, ‘અને એ દોલત તમારા પહેલા સ્વર્ગસ્થ પતિ થકી છે એની પણ મને જાણ છે.’
મોહિની સમસમી ગઈ. એકાએક એવું લાગ્યું જાણે કોઈ તેને નિર્વસ્ત્ર કરવાની મઝા માણી રહ્યું છે. તેના હોઠ વંકાયા, ‘તમે તો મારા પર PhD કર્યું લાગે છે.’
‘ડબલ PhD કહો, મૅડમ!’ શુભચિંતકના બોલમાં ધાર ભળી, ‘મને તો નૈનિતાલના કહેવાતા અકસ્માત પાછળનું રહસ્ય પણ માલૂમ છે!’
કૉલ કટ થયો. મોહિની થીજી ગઈ.
નૈનિતાલના કહેવાતા અકસ્માત પાછળનું રહસ્ય...
‘નો!’ તે ચિલ્લાઈ. ટેબલ પર પડેલું વાઝ ઉઠાવી ફર્શ પર પછાડ્યું.
lll
‘દિલ દીવાના...’
શનિની વહેલી સવારના કુમળા તડકામાં અપર ડેક પર ઊભેલી તે લતાનું ગીત ગણગણી રહી. આમ તો લક્ઝરી લાઇનરમાં અગાઉ પણ મુસાફરી કરવાનું બન્યું છે, પણ આ વખતની વાત જ ઓર છે!
તેના ચહેરા પર પ્રણયની મુગ્ધતા પ્રસરી ગઈ.
‘ચિંતા ન કરો સગુણાબહેન, તમારી લજ્જાનો લગ્નયોગ ભલે મોડો હોય, તે રાજરાણીનું સુખ પામશે એમાં મીનમેખ નથી!’
ત્રીસના ઉંબરે ઊભેલી એકની એક દીકરીનાં લગ્નની ચિંતા સ્વાભાવિકપણે માને રહેતી અને ગામજોશી તેમને હંમેશાં આશ્વસ્ત કરતા : ધીરજ રાખજો, તમારી દીકરીના ભાગ્યમાં સુખની કમી નથી.
પવનથી ફરફરતા વાળ સંકોરી લજ્જા વાગોળી રહી.
મુંબઈના ગર્ભશ્રીમંત કુટુંબના પહેલા કન્યારત્ન તરીકે અત્યંત લાડકોડમાં ઊછરેલી લજ્જાના સંસ્કાર બંધારણમાં કહેવાપણું નહોતું. સગુણાબહેને તેને વાતવહેવારમાં કેળવી એમ મનોહરભાઈએ ભણતર કરતાં ગણતર પર વધુ ફોકસ રાખ્યું. બિઝનેસના કામે તેમણે દેશવિદેશ ઘૂમવું પડતું, એમાં લજ્જાના સ્કૂલ ટાઇમટેબલની પરવા ન કરતાં તેઓ તેને પોતાની સાથે લઈ જતા : દુનિયા ઘૂમવાથી તારા જ્ઞાનની ક્ષિતિજો વધુ વિસ્તરશે.
પરિણામે લજ્જામાં દુનિયાને જોવાની દૃષ્ટિ કેળવાઈ. થોડી મોટી થયા પછી પિતા વેપારની મીટિંગ્સમાં વ્યસ્ત હોય ત્યારે એ જે-તે પ્રદેશ ખૂંદવા નીકળી પડતી, એમાંથી વિવિધ કલા-સંસ્કૃતિને જાણવાનો શોખ વિકસ્યો. કૉલેજ પત્યા પછી તે વિડિયોઝ મૂકતી થઈ. ધીરે-ધીરે ટ્રાવેલ-બ્લૉગર તરીકે તે એવી જામી કે આજે તેના સવાબે કરોડ જેટલા તો ફૉલોઅર્સ છે! વરલી ખાતેની વિલાના આઉટહાઉસમાં તેણે પોતાની નાનકડી ઑફિસ રાખી છે. વિડિયોના મિક્સિંગ, એડિટિંગ માટે બે જણનો સ્ટાફ, સાધનો રાખ્યાં છે. બાકી ટ્રાવેલ તો તે એકલી જ કરે. શરૂમાં સગુણાબહેનને તેની ફડક રહેતી, પણ પછી દીકરીની ખબરદારીમાં વિશ્વાસ બેસી ગયો. હા, તેમને લજ્જાનાં લગ્નની ચિંતા રહેતી ખરી. લજ્જાનેય કોઈની થવાનાં અરમાન હતાં એમાં કોરા હૈયે દસ્તક અણધારી પડી...
પહલગામમાં આતંકીઓએ ધરમ પૂછી સુહાગણોનું સિંદૂર મિટાવ્યું. એના બદલારૂપે ભારતે પાકિસ્તાનમાં તબાહી ફેલાવી. એની યશગાથા માંડવા લજ્જા તંગ વાતાવરણમાં કાશ્મીર પહોંચી હતી. ખીણપ્રદેશમાં વિડિયો બનાવતી વેળા તેના કૅમેરામાં બે ચહેરા એવા ઝડપાયા જેની સૂરત પહલગામના હુમલાખોરોને મળતી હતી.
તરત તો લજ્જાના ધ્યાનમાં નહોતું આવ્યું. રૂમ પર પરત થઈ રેકૉર્ડિંગ નિહાળતી વેળા નજરને ખટકો લાગ્યો, દિમાગમાં ટિક-ટિક થવા લાગી.
ભલે અજાણતાં જ, પણ મને તેમની ક્લુ મળી છે એ કોઈક જવાબદાર વ્યક્તિ સુધી પહોંચાડવી ઘટે. કાશ્મીરનું ઍરબેઝ નજીક છે, ત્યાંના કોઈ અધિકારીને માહિતી આપી દેવી ઘટે.
અને તે ઉતાવળે ઑફિસર્સ કૉલોની પહોંચી, ગાર્ડે તેને અવકાશ સાથે મેળવી...
અવકાશ. આ એક નામે લજ્જાએ ઉરજોમાં તોફાન અનુભવ્યું.
કૉલોનીની મેસમાં મળવા આવેલો અવકાશ જાણે પરીકથામાંથી કોઈ રાજકુમાર ચાલ્યો આવતો હોય એવો રૂપાળો લાગ્યો હતો. તેની પૂછપરછમાં થોડું કુતૂહલ, થોડી શંકા ડોકાતી હતી પણ વિડિયોના ફુટેજ જોયા પછી આળસ મરડી ડાલામથ્થો તરાપ મારવા તત્પર બને એવી સ્ફૂર્તિમાં લજ્જાને મેસમાં જ રોકાવાનું કહી ભાગ્યો હતો.
તેના ગયા પછી લજ્જાને અહેસાસ થયો કે તે મારો મોબાઇલ પણ લઈ ગયો છે ને ચાર પહેરેદારનો ચોકીપહેરો મૂકતો ગયો છે!
એક વાર તો સમસમી જવાયું પણ પછી અવકાશની સાવધાની ગમી: ત્યારે તો મેં ખોટા માણસ સમક્ષ ભેદ નથી ખોલ્યો!
જોકે છેક પરોઢિયે પરત થયેલા અવકાશ પાસે ફતેહના ખબર નહોતા : બદમાશ અમારા પહોંચવા પહેલાં છટકી ગયા! પણ તમારી ઇન્ફર્મેશન સાચી હતી, તમારી દેશદાઝને સલામ...
દિલથી બોલાયેલા તેના શબ્દો સ્પર્શી ગયા.
‘મને ખાતરી છે અવકાશ કે તમારા જેવા બહાદુર સૈનિકો દેશના દુશ્મનને આજે નહીં તો કાલે ભોંયમાં ભંડારી દેવાના..’ ગંભીર ભાવે કહી લજ્જા મલકી હતી: બાકી તમારે મને નજરકેદમાં રાખવાનું બાનું ચૂકવવું નહીં જોઈએ?
અવકાશ સ્મિત ફરકાવી રહી ગયો. તેના સોહામણા વ્યક્તિત્વમાં ઉદાસીનો લસરકો કેમ લાગે છે!
જવા દેને, તારે અજાણ્યા પુરુષમાં રસ લેવાની શી જરૂર! હજી તો લજ્જાનું હૈયું આવા શબ્દો ખોળે એ પહેલાં પહેલ થઈ ગઈ, ‘બોલો, સાંજે બહાર ક્યાંક મળીએ?’
પોતાની પહેલની લજ્જાને પણ નવાઈ લાગી, પણ તેણે કહ્યું ન હોત તો અવકાશથી તો પહેલ થવાની જ નહોતી.
- એ એક પહેલ આજે મને વેશપલટા સુધી દોરી ગઈ છે....
અને અત્યારે, ઊંડો શ્વાસ લેતી લજ્જાની નજર પૂલ પર ગઈ. સ્વિમિંગ સૂટમાં તરવા આવેલા રાજશેખરને જોઈ તેણે ડ્રેસની પટ્ટી જરા સરકાવી : શિકાર સામે છે લજ્જા, તેને ફસાવવા હવે ન્યારાની ભૂમિકામાં આવી જાઓ!
lll
‘હાય હૅન્ડસમ!’
પૂલની પાળી પરથી આવેલા સાદે રાજશેખરનું ધ્યાન ખેંચાયું : ઓહ, આ તો રૉયલ પ્રિન્સેસ!
‘પ્રિન્સેસ નહીં હની, હર હાઇનેસની લીગલ હેર (વારસદાર).’ ન્યારા (લજજા)એ ડ્રેસની પટ્ટી સરખી કરતાં માદક સ્મિત આપ્યું.
રાજશેખરની ભીતર સનસનાટી મચી ગઈ. અબજોની વારસદારના ઇશારા સમજાય છે. આખરે ક્રૂઝ પર બધા જામ-જોબનની મસ્તી માણવા જ આવ્યા હોય છે.
રાજશેખર પાળી પર હાથ મૂકી બહાર આવ્યો. મારો પાણીભીનો મર્દાના દેહ ન્યારાની પ્યાસ ભડકાવતો હશે એ વિચારે તેને ગલીપચી થઈ.
મીઠી જુબાન અને મારકણો દેહ - પોતાની મૂડીથી રાજશેખર બરાબર વાકેફ હતો. બાકી કોઈ મૂડી હતી જ ક્યારે? મૂળ સુરતનો તે કૉલેજમાં આવતા સુધીમાં એને વટાવી પોતાનું કામ કાઢતો રહેતો. તેને મામૂલી એસ્કોર્ટ નહોતું બનવું. એને બદલે કોઈ અમીર સ્ત્રીને ભોળવી આખું જીવન વૈભવ-વિલાસ કેમ ન માણવા!
એટલે ઉછીના રૂપિયા લઈ તે વેકેશનમાં હિલ સ્ટેશનમાં ધામા નાખતો. પોતે જાણે કોઈ ધનિક નબીરો હોય એવો ઠાઠ સર્જી નાદાન કન્યાને આંજી દઈ મોહપાશમાં જકડી લેતો. ધીરજનાં મીઠાં ફળ જેવી મોહિની તેના ઝાંસામાં આવી.
પણ હુસ્નપરી જેવી ન્યારાની સોબતમાં પત્નીને શું કામ સંભારવી? તે ન્યારાની નિકટ સરક્યો.
દૂરબીનથી એ દૃશ્ય જોતા પુરુષના હોઠો પર ખિલાવટ આવી. તેણે લૉબીમાં આવી કૉમન ઇન્ટરકૉમ પરથી ફોન જોડ્યો: મિસિસ રાજ? તમારા પતિની પ્રેમલીલા જોવી હોય તો પૂલ-સાઇડ પર આવી જાઓ...
અને કૉલ કટ થયો.
(વધુ આવતી કાલે)

