પહેલા તબક્કામાં BDD ચાલના ૫૫૬ પરિવારનાં નવાં ઘર તૈયાર
BDD ચાલ પહેલાં કેવી હતી અને હવે કેવી થઈ ગઈ છે એ જુઓ. તસવીર : કીર્તિ સુર્વે પરાડે.
મુંબઈની ઓળખ જેવી બની ગયેલી BDD (બૉમ્બે ડેવલપમેન્ટ ડિરેક્ટરેટ) ચાલનાં જર્જરિત મકાનો તોડીને એની જગ્યાએ નવાં ગગનચુંબી મકાનો બનાવીને એનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. ગઈ કાલે સ્વતંત્રતાદિવસના આગલા દિવસે માટુંગાના યશવંત નાટ્યમંદિરમાં આયોજિત કરાયેલા કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પહેલા તબક્કાના ૫૫૬ ફ્લૅટઓનર્સને તેમના ફ્લૅટની ચાવી આપતાં આખા માહોલમાં ખુશી વ્યાપી ગઈ હતી અને ફ્લૅટઓનર્સના ચહેરા પર એનો આનંદ છલકાતો જોવા મળ્યો હતો. ઑક્ટોબર-નવેમ્બરમાં બીજા તબક્કામાં અને ડિસેમ્બરમાં ત્રીજા તબક્કામાં બાકીના ફ્લૅટઓનર્સને પઝેશન આપવામાં આવશે એમ પણ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

ADVERTISEMENT
ગઈ કાલના સમારોહમાં પ્રતીકરૂપે ૧૬ પરિવારોને નવા ઘરની ચાવી આપવામાં આવી હતી.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘BDD ચાલના રીડેવલપમેન્ટનું કામ છેલ્લાં ૨૦-૨૫ વર્ષથી અનેક કારણોને લઈને રખડી ગયું હતું. સરકારે આ પ્રોજેક્ટ માટે અન્ય કોઈ બિલ્ડરની નિમણૂક ન કરતાં મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથૉરિટી (MHADA) દ્વારા જ આખરે એ ડેવલપ કરાવવાનો નિર્ણય લીધો હતો અને ત્યાર બાદ કામ શરૂ કર્યું હતું. જગ્યાનો સર્વોત્તમ ઉપયોગ, સૌરઊર્જા, રેઇન વૉટર હાર્વેસ્ટિંગ, સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ જેવી આધુનિક સુવિધાઓ આ પ્રોજેક્ટમાં આપવામાં આવી છે. આજે પહેલા તબક્કાના ૫૫૬ ફ્લૅટધારકોને ચાવી આપવામાં આવી રહી છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં બાકીના ફ્લૅટઓનર્સને ચાવી આપવામાં આવશે.’
૧૬૦ સ્ક્વેર ફુટની સિંગલ રૂમ સામે ૫૦૦ સ્ક્વેર ફુટનો 2 BHKનો ફ્લૅટ મળ્યો છે


