કાંદિવલી-ઈસ્ટના પોલીસ-સ્ટેશનની બહાર જ ઑફિસ ખોલીને આવો ધંધો કરનારાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ છટકું ગોઠવીને સ્કૅમર્સને પકડ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
ઑનલાઇન ગેમિંગમાં લોકોના પૈસા પડાવવા માટે ગરીબોના નામે અકાઉન્ટ્સ બનાવીને સ્કૅમર્સને એ બૅન્ક-અકાઉન્ટ્સ ભાડે આપતી ટોળકી કાંદિવલીમાંથી ઝડપાઈ હતી. થાઇલૅન્ડ, ચીન, દુબઈ, કમ્બોડિયા અને મલેશિયા જેવા દેશોના સ્કૅમર્સ સાથે મળીને કામ કરતી એક મહિલા સહિત પાંચ લોકોની પોલીસ ધરપકડ કરી છે.
કાંદિવલી-ઈસ્ટના પોલીસ-સ્ટેશનની બહાર જ ઑફિસ ખોલીને આવો ધંધો કરનારાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ છટકું ગોઠવીને સ્કૅમર્સને પકડ્યા હતા. પોલીસે ડમી ગ્રાહક બનીને આરોપીઓની કામ કરવાની રીત જાણી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ આરોપીઓ ઝૂંપડપટ્ટીમાં રહેનારા અને દહાડી પર કામ કરનારા ગરીબ લોકોનાં બૅન્કમાં અકાઉન્ટ્સ ખોલાવી આપતા હતા. એની સામે તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરવા માટે તેમને ૧૦,૦૦૦ રૂપિયા આપવામાં આવતા હતા. બૅન્કમાં મોબાઇલ-નંબર આ ટોળકીનો આપવામાં આવતો હતો જેથી વન ટાઇમ પાસવર્ડ (OTP) તેમના મોબાઇલ પર જ આવે. આ રીતે ખોલવામાં આવેલાં અકાઉન્ટ્સ ઑનલાઇન ગેમિંગ તથા અન્ય રીતે સ્કૅમ કરનારને ભાડે આપવામાં આવતાં હતાં. સ્કૅમર્સ સામાન્ય લોકોને આવાં ખાતાંમાં પૈસા ટ્રાન્સફર કરાવતા હોય છે, જેની ખાતું ખોલાવનારને અને ડિજિટલ અરેસ્ટ થનારને ખબર પણ હોતી નથી. પોલીસે આરોપીઓ પાસેથી ૫૦ પાસબુક, સિમ કાર્ડ અને ATM કાર્ડ જપ્ત કર્યાં છે. આ કેસમાં વધુ આરોપીઓ સામેલ હોવાનું જણાતાં પોલીસે એ દિશામાં તપાસ આગળ ચલાવી છે.


