દોઢ મહિનામાં તો એ કેમિકલ્સના કારણે લાશ સાવ ઓગળીને હાડપિંજર જેવી થઈ જાય!
ઇલસ્ટ્રેશન
મહેશ ભંડારકરની લાશ જોયા પછી તેની મા બોલી કે ‘ના, આ લાશ મારા દીકરાની છે જ નહીં, કેમ કે તેના જમણા પગની બે આંગળીઓ કપાઈ ગયેલી હતી.’
એ સાંભળતાં જ કુંદનકુમારને ચક્કર આવી ગયાં. તે ત્યાં જ, હૉસ્પિટલના મૉર્ગરૂમમાં ઢળી પડ્યા!
ADVERTISEMENT
ઇન્સ્પેક્ટર કાત્રેનો આખો મૂડ મરી ગયો. તેમણે મોં બગાડીને હવાલદારને કહ્યું : ‘અબી ઉઠાઓ ઇસ ટકલે કો ઔર ઍમ્બ્યુલન્સ કા બન્દોબસ્ત કરો. ઔર હાં...’
કાત્રે અટક્યા. તેમણે મહેશ ભંડારકરની મા, એટલે કે અહલ્યાબાઈ તરફ જોઈને પૂછ્યું, ‘આપ તો ઠીક હૈં ના?’
અહલ્યાબાઈની ગરદન હજી ડાબે-જમણે હલી રહી હતી. આંખોના ડોળા હજી ડાબે-જમણે ફરી રહ્યા હતા. લાકડી પકડેલો હાથ પણ ધ્રૂજી રહ્યો હતો પરંતુ એ ડોશીના હોઠ મક્કમતાથી બિડાયેલા હતા. તે બોલી :
‘માઝી કાળજી કરુ નકા. મલા હે સાંગા...’ એ સ્ત્રી મરાઠીમાં બોલી, ‘મારા દીકરાને કોણે મારી નાખ્યો એ તું મને શોધી આપીશ?’
કાત્રેનું તો કામ જ એ હતુંને! કાત્રેએ હવાલદારને કહ્યું, ‘માજીને પોલીસ સ્ટેશને લઈ જાઓ, ચા-નાસ્તો કરાવો. અને જો તેમની ઇચ્છા હોય તો તેમની પસંદની હોટેલમાં આરામ કરવા જવા દેજો, પાકું સરનામું લઈને.’
‘જી સાહેબ.’
કાત્રેએ હવે પોલીસ સ્ટેશનમાં ફોન લગાડ્યો. ‘જરા પેલી ગુમ થવાની ફરિયાદમાં જોઈને કહો, આ મહેશ ભંડારકર કઈ કેમિકલ ફૅક્ટરીના પાર્ટનર હતા...’
lll
અડધા કલાક પછી અંધેરી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી ‘સ્ટર્લિંગ કેમિકલ્સ’ પ્રાઇવેટ લિમિટેડની ફૅક્ટરીના ગેટ પાસે ઇન્સ્પેક્ટર કાત્રેની જીપ આવીને ઊભી હતી.
પોલીસની જીપ જોઈને ગેટકીપર હાંફળો-ફાંફળો થઈને ગેટ ખોલવા દોડ્યો. ગેટ ખોલીને તે સલામ મારતો ઊભો રહ્યો.
‘ક્યા નામ હૈ?’
‘જી બહાદુર, શાબજી.’
‘બહાદુર, તારી બહાદુરી બતાડવાનો સમય આવી ગયો છે. ગેટની ડ્યુટી બીજા કોઈને સોંપીને જીપમાં બેસી જા.’
જીપ અંદર દાખલ થઈ. ઑફિસ બિલ્ડિંગમાં દાખલ થતાં જ કાત્રે ફરી વળ્યા, ‘યહાં પ્લાન્ટ ઇન્ચાર્જ કૌન હૈ? કેમિકલ એન્જિનિયર્સ કૌન-કૌન હૈ? ક્યા-ક્યા કેમિકલ બનતે હૈં? ઉન સબકા પરમિશન કિધર હૈ?’
બિચારો સ્ટાફ દોડતો થઈ ગયો. મૅનેજર ફફડી ગયો. ‘સર, ક્યા હુઆ હૈ? કોઈ રેઇડ હો રહી હૈ? હમારે સાબ અભી યહાં પર નહીં હૈ.’
‘તમારા સાહેબને ચક્કર આવી ગયાં છે એટલે એ કોઈ મોંઘી હૉસ્પિટલના બિસ્તર પર ઑક્સિજન માસ્ક લગાડીને સૂતા હશે. પણ તમે જાગી જાઓ. અહીં એક મર્ડર થયું છે!’
‘મર્ડર?’ આ શબ્દ પડતાં જ સૌના જીવ અધ્ધર થઈ ગયા.
‘અહીં કોણ આવે છે, ક્યારે આવે છે અને ક્યારે જાય છે એનું કોઈ રજિસ્ટર રાખ્યું છે ખરું? CCTVનાં ફુટેજ કેટલા દિવસ સુધી સાચવી રાખવાનો રિવાજ છે? સિક્યૉરિટી ઇન્ચાર્જને બોલાવો... ’
કાત્રે ભલે શરીરે પાતળા સરખા હોય અને ભલે તેમનો અવાજ તીણો હોય પરંતુ તેમનો રુઆબ જ એવો તીખો અને કડક હતો કે બધા ખડેપગે હાજર થવા લાગ્યા.
‘પહેલાં તો મને આખી ફૅક્ટરી બતાડો. કોણ આવે છે મારી સાથે? કોઈ ટેક્નિકલ માણસને મોકલો...’
કાત્રે આખી ફૅક્ટરીમાં ફરી વળ્યા. ક્યાં શું કેમિકલ બને છે, એ શા કામમાં આવે છે એવા ડઝન જાતના સવાલો તીરની માફક છૂટતા રહ્યા. સાથે-સાથે કાત્રે એટલી જ ઝડપથી આખા પ્લાન્ટમાં ચાલતા હતા. બિચારો સ્ટાફ પાછળ-પાછળ અડબડિયાં ખાતો રહ્યો...
lll
‘હં..’ પૂરી બે કલાકની ‘ઝડતી’ પછી કાત્રે ‘મહેશ ભંડારકર’ની તકતીવાળી ખાલી કૅબિનમાં ટેબલ પર બન્ને પગ ચડાવીને બેઠા હતા.
સામે ઊભેલો આખો સ્ટાફ ફફડી રહ્યો હતો. કાત્રેના તીખા સવાલો હજી બંધ થતા નહોતા :
‘જે રાત્રે એટલે કે દોઢેક મહિના પહેલાં, પહેલી નવેમ્બરની રાત્રે જ્યારે બેસતું વર્ષ હતું એ જ રાતનાં CCTV ફુટેજ કેમ ગાયબ છે?’
‘સર,’ સિક્યૉરિટી ઇન્ચાર્જ ડરતાં-ડરતાં બોલ્યો. ‘એના આગલા દિવસે જ, એટલે કે દિવાળીના દિવસે જ સિસ્ટમમાં ફૉલ્ટ થયો હતો. અમે રિપેરિંગ માટે માણસ પણ બોલાવ્યો હતો. વેકેશન હતુંને એટલે એ ભાઈબીજના દિવસે આવ્યો હતો. એનું બિલ પણ હશે.’
કાત્રેને સહેજ હસવું આવ્યું. પછી અચાનક પૂછ્યું, ‘એ રાત્રે ગેટ પરની નાઇટ ડ્યુટી કોની હતી?’
‘સર, આ બહાદુરની. કેમ કે મહિને-મહિને શિફ્ટો બદલાતી રહે છે.’
‘વાહ બહાદુર! જરા અહીં આવીશ?’ કાત્રે બહાદુરના ખભે હાથ મૂકીને તેને કૅબિનની અંદર જ બનેલા પર્સનલ વૉશરૂમમાં લઈ ગયા!
બહાર ઊભેલા લોકો ફફડી રહ્યા હતા. સાલું આ તો પૂછપરછ કરવાની અજબ ટાઇપની રીત છે!
બન્ને પાંચ મિનિટ પછી બહાર આવ્યા ત્યારે બહાદુરનો ચહેરો ફીકો પડી ગયેલો હતો! કાત્રે બોલ્યા :
‘ઓકે, હવે પ્લાન્ટ એન્જિનિયર મારી સાથે આવે. જોડે બે મજૂરો પણ આવશે...’
પ્લાન્ટ એન્જિનિયર ધ્રૂજતા પગે આગળ આવ્યા. કાત્રે તેના ખભે હાથ મૂકીને બોલ્યા, ‘એન્જિનિયર સાહેબ, મને તમારા પ્લાન્ટની એવી એક ટાંકી બતાડો જેમાં સૌથી ગંદું અને જલદ કેમિકલ સ્ટોર થતું હોય અને જેની સાફસફાઈ વર્ષે એકાદ વાર માંડ થતી હોય...’
વધુ એકાદ કલાકની માથાકૂટ પછી કાત્રેને જે જોઈતું હતું એ મળી ગયું હતું!
એ હતું એક હાડપિંજર!
lll
થોડા દિવસ પછી ઇન્સ્પેક્ટર કાત્રે જોગેશ્વરી પોલીસ સ્ટેશનના લૉકઅપમાં કુંદનકુમારની સામે
બેઠા હતા.
‘કુંદનકુમાર, જ્યારે તમે મને પહેલી જ મુલાકાતમાં આ લાશનો કબજો લેવા માટે એક લાખ રૂપિયાની ઑફર કરી ત્યારે જ હું સમજી ગયો હતો કે દાળમાં કંઈક કાળું છે.’
કુંદનકુમારની બોલતી બંધ હતી. બોલી રહ્યા હતા ઇન્સ્પેક્ટર કાત્રે...
‘તમે કદાચ જાણતા નહીં હો, પણ આખા મુંબઈના પોલીસ ફોર્સમાં ઇન્સ્પેક્ટર કાત્રે જેવું ચોખ્ખું નામ કોઈનું નથી. હવે તો તમે ચારે તરફથી ફસાઈ ગયા છો. દોઢેક મહિના પહેલાં જ્યારે તમે તમારા પાર્ટનરના લાપતા થવાની ફરિયાદ નોંધાવી ત્યારે તમે એમ સમજતા હશો કે પોલીસ મહેશ ભંડારકરને ક્યાંથી શોધી શકવાની છે રાઇટ?’
કુંદનકુમાર રાઇટ કે રૉન્ગનો જવાબ આપવા માટે કાબેલ નહોતા. કાત્રેએ આગળ ચલાવ્યું :
‘પણ સાહેબ, અમે તમારી ફૅક્ટરીના વર્કરોની જ સૌથી પહેલાં પૂછપરછ કરી હતી કે મહેશ ભંડારકર સૌથી છેલ્લે ક્યાં અને કોની સાથે જોવા મળ્યા હતા? અમને જાણવા મળ્યું કે નવેમ્બર મહિનાની પહેલી તારીખે જ્યારે તમારી ફૅક્ટરીમાં નવા વર્ષની રજા હતી ત્યારે એ સૂમસામ ફૅક્ટરીમાં તમે તમારા પાર્ટનરને મળવા બોલાવ્યા હતા... તમે તમારી કારમાં આવ્યા હતા અને તમારા પાર્ટનર ટૅક્સીમાં આવ્યા હતા.’
આટલું બોલીને અટકેલા કાત્રેના હોઠ પર વિચિત્ર સ્મિત આવ્યું :
‘...કારણ કે અચાનક તેમની કારમાં બબ્બે ટાયરોમાં પંક્ચર પડી ગયાં હતાં! નવાઈની વાત કહેવાય નહીં? એટલું જ નહીં, નવા વર્ષની રાત્રે મોડે સુધી તમે બન્ને ફૅક્ટરીમાં હતા. તમારા ચોકીદારે રાતના એક વાગ્યા સુધી તમારી કૅબિનની લાઇટો ચાલુ હતી એ જોયું હતું. પણ...’
કુંદનલાલ ચૂપચાપ સાંભળી રહ્યા હતા.
‘એ પછી રાત્રે લગભગ સવાવાગ્યે તમે કાર લઈને બહાર જતા રહ્યા હતા. કારના કાચ ચડાવેલા હતા એટલે એમાં મહેશ ભંડારકર હતા કે કેમ એ ચોકીદાર પણ કહી શકતો નથી.’
હવે કુંદનકુમાર સળવળી ઊઠ્યા :
‘ઑફકોર્સ, મહેશ ભંડારકર મારી સાથે જ હતો. મેં તેને તેના ફ્લૅટ પર મારી જાતે ઉતાર્યો છે.’
‘એમ? તો પછીની સવારે મહેશ ભંડારકરને તેમના અપાર્ટમેન્ટમાં કોઈએ જોયા કેમ નહીં?’
‘મને શી ખબર? કદાચ એ રાત્રે જ મહેશ ક્યાંક ચાલ્યો ગયો હશે.’
‘ક્યાંક નહીં, સ્વર્ગમાં!’ ઇન્સ્પેક્ટર કાત્રે બોલ્યા, ‘કારણ કે એ રાત્રે ફૅક્ટરીમાં જ તમે મહેશ ભંડારકરને કોઈ ભારે ઓજાર વડે મારીને બેહોશ કરી નાખ્યો હતો. પછી એના ગળામાં ગરણી મૂકીને તમે તમારી ફૅક્ટરીમાં જ બનતું કોઈ ઝેરી રસાયણ પીવડાવીને મારી નાખ્યો હતો. અને ત્યાર બાદ તમે જાતે જ તેને ઘસડીને તમારી ફૅક્ટરીના કેમિકલ કચરાનો નિકાલ કરવાના પ્લાન્ટની વિશાળ ટાંકીમાં ધકેલી દીધા હતા.’
‘શું બકવાસ કરો છો?’
‘બકવાસ નહીં, હકીકત છે. અમે એ ટાંકીમાંથી મહેશ ભંડારકરની લાશ શોધી કાઢી છે.’
‘અચ્છા! અને તમે શી રીતે કહી શકો કે એ મારા પાર્ટનરની જ લાશ છે?’ કુંદનકુમાર છાતી કાઢીને બોલ્યા, ‘કારણ કે દોઢ મહિનામાં તો એ કેમિકલ્સના કારણે લાશ સાવ ઓગળીને હાડપિંજર જેવી થઈ જાય!’
‘અને આ વાતની તમને ખબર હતી!’ કાત્રે હસ્યા.
‘પણ કુંદનકુમાર, તમને એ વાતની ખબર નહોતી કે તમારા પાર્ટનરના જમણા પગની બે આંગળીનાં હાડકાં જ કપાઈ ગયેલાં હતાં!’
કુંદનકુમાર હવે ચૂપ થઈ ગયા. છેવટે ધૂંધવાઈને તે બોલી ઊઠ્યા, ‘પણ મને એ તો કહો કે હું મારા જ પાર્ટનરનું ખૂન શા માટે કરું?’
‘શા માટે?’ ઇન્સ્પેક્ટર કાત્રે ફરી હસ્યા. ‘મિસ્ટર મહેશ ભંડારકર જુવાન હતા. હૅન્ડસમ હતા અને... મારા સાહેબ, મુંબઈમાં ઘણા લોકો જાણતા હતા કે તમારી રૂપાળી પત્ની રેશમા સાથે તેને સુંવાળા સંબંધો હતા... આટલા દિવસો સુધી અમે પૂછપરછ કરવામાં જખ નથી મારી! અને એટલે જ તમે તેને મોકો શોધીને પતાવી નાખ્યો મિસ્ટર કુંદનકુમાર...’
ઇન્સ્પેક્ટર કાત્રેએ છેલ્લે કુંદનકુમારની સરનેમ કહી, ‘સૂદ!’
lll
મુંબઈના એક આલીશાન બંગલામાં થોડા દિવસો પછી એક રંગીન પાર્ટી ચાલી રહી હતી. સૌમ્ય સંગીતના તાલે મુંબઈનાં ધનિક યુગલો ડાન્સ કરી રહ્યાં હતાં.
સોફા પર બેઠેલી રેશમા સૂદ પાસે જઈને તેની દિલ્હીથી આવેલી મોટી બહેન બીનાએ પોતાનું ઢમઢોલ જેવું શરીર સોફા પર ગોઠવતાં પૂછ્યું :
‘ડિયર રેશમા, તારો હસબન્ડ જેલમાંથી ક્યારે છૂટશે?’
‘જ્યારે તેને સમજ પડશે કે પેલો બનાવટી મહેશ ભંડારકર આવ્યો ક્યાંથી અને મુંબઈના હાઇવે પર તેની ખોપડી ફાટી શી રીતે ગઈ... ત્યારે જ!’
‘પણ મારી વહાલી બહેન,’ બીનાએ તેની બહેન રેશમાને પૂછ્યું, ‘તને કયા હિસાબે ખાતરી હતી કે તારો હસબન્ડ આ બનાવટી મહેશ ભંડારકરની લાશના છટકામાં ફસાઈ જશે?’
રેશમા થોડી વાર સુધી કંઈ ન બોલી. પછી ગ્લાસમાંથી વાઇનની ચૂસકી લઈને તેણે કહ્યું :
‘બીના, મારી વહાલી મોટી બહેન, મહેશ ભંડારકરની જમણા પગની બે આંગળીઓ નથી એ વાતની મારા હસબન્ડને ક્યાંથી ખબર હોય? એ તો હું જ જાણતી હોઉંને?’
રેશમાએ આંખ મિચકારી.
(સમાપ્ત)

