આસપાસમાં સાંભળનારા લોકોને બધું સમજાતું હોય છે! અને સમજી જનારામાંથી માણસો આપણા નથી હોતા.
ઇલસ્ટ્રેશન
જોગેશ્વરી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કાત્રે એકવડિયા બાંધાના હતા. એક તો પાતળું સરખું શરીર, ઉપરથી હાઇટ પણ ઓછી. પોલીસમાં ભરતી થવા માટે જે મિનિમમ જરૂરિયાત હોય એટલી જ હાઇટ.
એમાંય કાત્રેનો અવાજ તીણો. ફોનમાં તો રીતસર કાનમાં કંઈ ઘૂસી ગયું હોય એ રીતે ચચરે. આટલું ઓછું હોય એમ ઇન્સ્પેક્ટર કાત્રે ચશ્માં પહેરતા હતા એ પણ જૂની સ્ટાઇલનાં જાડી ફ્રેમવાળાં.
પરંતુ ઇન્સ્પેક્ટર કાત્રેની આંખોમાં કંઈક અલગ જ વાત હતી. તેમની આંખો એક જ વારમાં ઘણુંબધું વાંચી લેતી હતી...
દોઢેક મહિના પહેલાં મહેશ ભંડારકર નામના ત્રીસેક વર્ષના યુવાનનો ગુમ થયાનો રિપોર્ટ તેમની સામે હતો. એમાં જે ફોટો હતો એ ફોટો સાથે લાશના ચહેરાને સરખાવવાનો કશો મતલબ જ નહોતો કેમ કે લાશની ખોપડી ખૂબ જ ખરાબ રીતે ફાટી ગઈ હતી.
હા, શરીરની ઊંચાઈ, બાંધો, ચામડીનો રંગ વગેરે લગભગ મૅચ થાય એવું લાગતું હતું. પરંતુ આખો કેસ જોતાં જ કાત્રેની આંખો સળવળ થવા લાગી હતી.
મામલો ગરબડ તો છે જ. પણ સાલી, ગરબડ શું છે એ હજી સમજાતું નથી. એક માણસની લાશ મુંબઈથી છેક ત્રીસેક કિલોમીટર દૂરથી મળે છે. તેના માથાની દશા જોતાં લાગે છે કે કાં તો કોઈકે તેનું માથું ભારે પદાર્થથી ફોડી નાખ્યું છે અથવા તેના માથા પરથી કોઈ વાહનનું ટાયર ફરી વળ્યું છે...
એથી પણ મોટો સવાલ એ હતો કે આ માણસ અહીં પહોંચ્યો શી રીતે? આસપાસમાં તેનું કોઈ વાહન મળ્યું નથી. મતલબ કે તે અહીં કોઈ બીજા વાહનમાં આવ્યો હતો. અહીં ઊતરી ગયો... અથવા અહીં ઉતારવામાં આવ્યો...
સૌથી મોટો સવાલ એ હતો કે તેની પાસે જે બૅગ હતી એમાં બેચાર જોડી કપડાં ઉપરાંત માત્ર બે-ચાર ડઝન વિઝિટિંગ કાર્ડ્સ જ કેમ હતાં? બૅગમાં આ માણસનાં બે જોડી કપડાં ઉપરાંત પગનાં મોજાં, અન્ડરગાર્મેન્ટ્સ, હાથરૂમાલ, મોબાઇલ કે ઈવન બૉલપેન પણ કેમ નહોતી?
‘કુછ તો ગડબડ હૈ...’ કાત્રે બબડી રહ્યા હતા.
lll
જોકે કાત્રેને ક્યાં ખબર હતી કે મિસિસ રેશમા સૂદ નામની એક હરીભરી કાયા ધરાવતી મૅડમ જ્યારે તેની મોટી બહેન બીના જોડે એકાદ મહિનો વિતાવવા માટે દિલ્હી ગઈ હતી ત્યાં જ તેને આ યુવાનનો ભેટો થઈ ગયો હતો?
કાત્રેને એ પણ ક્યાં ખબર હતી કે એ રેશમા સૂદને આ યુવાનમાં એટલોબધો રસ પડી ગયો હતો કે તેણે આ યુવાનની તેની રોમા અસ્થાના નામની બૉસને ચાર લાખ રૂપિયા ચૂકવીને બે મહિના માટે ‘ભાડે ફેરવવા’ માટે પોતાની સાથે મુંબઈ લઈ આવી હતી?
અને ઇન્સ્પેક્ટર કાત્રેને તો અંદાજ પણ ક્યાંથી હોય કે આ જે યુવાનનું માથું ફાટી ગયું છે તેનું સાચું નામ જોગિન્દર છે અને એ બિચારો ‘મેલ સેક્સવર્કર’ની અત્યંત પ્રાઇવેટ નોકરી કરી રહ્યો હતો?
એમાંય કાત્રેએ જ્યારે કુંદનકુમારને ફોન કર્યો અને કુંદનકુમાર આ લાશનો વહીવટ કરી નાખવા માટે ઉતાવળા થઈ રહ્યા હતા એ જોઈને તેમને દાળમાં જે ‘કાળું’ હતું એ તો તરત નજરે ચડી ગયું હતું!
lll
કુંદનકુમાર કહી રહ્યા હતા:
‘સાહેબ, એ બધું તો બરાબર છે, પણ મોત થયાને ઘણા કલાક વીતી ગયા છે. હવે વધારે વખત સુધી લાશને સાચવી રાખવી ઠીક ન કહેવાય. બને એટલી ઝડપથી અમારે મહેશની અંતિમ ક્રિયા પતાવી દેવી છે.’
‘એ માટે પણ મહેશ ભંડારકરનાં સગાંવહાલાંની જરૂર તો પડશેને?’ ઇન્સ્પેક્ટર કાત્રે બોલ્યા. ‘તમને તો એટલા માટે બોલાવ્યા કે તેમના ખોવાયાની કમ્પ્લેઇન્ટ તમે જ લખાવી હતી. બાકી લાશનો કબજો તો ભંડારકરનાં સગાંવહાલાંને જ અપાશે.’
‘યુ આર રાઇટ, પણ મુશ્કેલી એ છે કે મહેશ ભંડારકરના સ્વજનોમાં તેની એક મા જ છે. અને તે છેક કોલ્હાપુર પાસેના એક ગામડામાં રહે છે. મારા પાર્ટનર યુવાન હતા એટલે લગ્ન પણ નહોતાં કર્યાં. અને જો તેમની માને બોલાવવા રહીશું તો છેક કાલ પર વાત જશે.’
‘તો?’ ઇન્સ્પેક્ટર કાત્રે બોલ્યા. ‘કાલે આવજો, બીજુંશું?’
‘એક મિનિટ ઇન્સ્પેક્ટર સાહેબ,’ કુંદનકુમારે ઇશારો કરોને તેમને જરી સાઇડમાં બોલાવ્યા. ‘વાત એમ છે કે મહેશ ભંડારકરની મા જરા અસ્થિર મગજનાં છે. તેમને જો આવી ફાટેલી ખોપડીવાળી લાશ બતાડીશું તો બિચારી ડોશી સાવ ગાંડી થઈ જશે. તમે જરા સમજો.’
‘શું સમજું?’
કુંદનકુમારે આમતેમ જોઈને ધીમા અવાજે કહ્યું, ‘તમને જે જોઈતું હશે એ મળી જશે. પણ પ્લીઝ, લાશ આજે મળી જાય એવું કરો.’
‘એવું થાય નહીંને?’ ઇન્સ્પેક્ટર કાત્રેએ મોં બગાડતાં કુંદનકુમારનો હાથ છોડાવ્યો. ‘રૂલ્સ એટલે રૂલ્સ સાહેબ.’
‘અરે રૂલ્સની તો...’ કુંદનકુમારે તેમની ટાલ પર હાથ ફેરવતાં મગજની ગરમી કાબૂમાં રાખી. ‘રૂલ્સની તો બધી ખબર તમને જ હોયને! એની ક્યાં ના છે? પણ જરા માનવતાની રીતે વાત કરોને?’
‘જુઓ સાહેબ, અમારે તો રોજના ખૂનખરાબા, ચોરીચપાટી અને હરામખોરી સાથે જ પનારો પાડવાનો હોય છે. એટલે માનવતા-ફાનવતા શેને કહેવાય એની મને કોઈ સમજણ જ નથી.’
‘સમજણ હું તમને પાડુંને?’ કુંદનકુમારે હવે શાંતિથી પોતાની ટાલ પર હાથ ફે૨વતાં ધીમા અવાજે કહ્યું, ‘એક લાખ રૂપિયા ચાલશે?’
‘એક લાખ?’ ઇન્સ્પેક્ટર કાત્રે જરા ચમક્યા, પણ પોતાના ચહેરાના હાવભાવ કોઈ જોઈ ન જાય એ રીતે તેમણે મોં પર હાથ ફેરવતાં કહ્યું, ‘તમે મને બપોરે ત્રણ વાગ્યે મળોને, પોલીસ-સ્ટેશને?’
lll
બરાબર ત્રણના ટકોરે કુંદનકુમાર જોગેશ્વરી પોલીસ સ્ટેશને હાજર હતા. ઇન્સ્પેક્ટર કાત્રેએ ત્રાંસી નજરે જોઈ લીધું કે કુંદનકુમાર આવી ગયા છે, પણ બરાબર એક કલાક સુધી તેમને બહાર જ બેસાડી રાખ્યા. આખરે લાગ્યું કે હવે લોઢું બરાબર ગરમ થયું છે ત્યારે હથોડો મારવા માટે તેમને અંદર બોલાવ્યા.
જેવા કુંદનકુમાર અંદર આવ્યા કે તરત જ ઇન્સ્પેક્ટર કાત્રેએ માથું ધુણાવવા માંડ્યું, ‘મિસ્ટર કુંદનકુમાર, બહુ મુશ્કેલી છે.’
‘શું મુશ્કેલી છે?’ કુંદનકુમારના ટાલવાળા કપાળ પર કરચલીઓ પડી.
‘મુશ્કેલી એ છે કે લાશ સગાંવહાલાં સિવાય બીજા કોઈને આપી શકાય નહીં.’
‘અરે સાહેબ, બધું તમારા હાથમાં છે. કંઈક રસ્તો કાઢોને!’ કુંદનકુમાર બોલ્યા.
‘રસ્તો તો કાઢીએ પણ એમાં અડચણો ઘણી છે. એક બુલડોઝરથી કામ નહીં ચાલે.’
‘તો બે મગાવોને? અરે ત્રણ મગાવો! તમે બુલડોઝરોની ચિંતા ન કરો. એની વ્યવસ્થા હું કરી દઈશ, બોલો પાંચ બુલડોઝરથી તો રસ્તો ક્લિયર થઈ જશેને?’
‘તમે યાર, જરા ધીમે બોલો!’ ઇન્સ્પેક્ટર કાત્રેએ ઇશારો કરતાં કહ્યું, ‘આસપાસમાં સાંભળનારા લોકોને પણ બધું સમજાતું હોય છે! અને સમજી જનારામાંથી બધા માણસો આપણા નથી હોતા.’
‘જી સમજી ગયો. તો હવે શું કરું?’
‘બસ, બે-ત્રણ કલાક વેઇટ કરો. પ્રોસીજરમાં એટલો ટાઇમ તો લાગશે.’
‘બે કલાક?’ કુંદનકુમાર ઊંચાનીચા થઈ ગયા. ‘ત્યાં સુધીમાં તો સાંજ પડી જશે. પછી લાશને સ્મશાને લઈ જવાની, બધી વિધિઓ કરવાની...’
‘સાહેબ, અહીંનો રસ્તો સાફ કરાવવા માટે તમે પાંચ બુલડોઝરો લાવી શકો છો તો સ્મશાન શું ચીજ છે? ત્યાં તમે જરા અમથો ધક્કો મારશો તો રાતના બાર વાગ્યે પણ સ્મશાનના દરવાજા ખૂલી જશે.’
કુંદનકુમાર હસ્યા. ઇન્સ્પેક્ટર સાથે હાથ મિલાવીને તે ઊભા થયા. ‘તમારા ફોનની રાહ જોઉં છું. મોબાઇલ પર રિંગ આપશોને?’ કુંદનકુમારે કાર્ડ આપતાં કહ્યું.
પણ પછી ઇન્સ્પેક્ટર કાત્રેને ફોન કરવાની જરૂર જ ન પડી. કુંદનકુમારના જ ફોન આવતા રહ્યા. દર વખતે તેમનું ટેન્શન વધતું જતું હતું. છેક રાત્રે બાર વાગ્યે ઇન્સ્પેક્ટર કાત્રેએ કહી દીધું, ‘સૉરી મિસ્ટર કુંદનકુમાર, તમારે રાહ જોવી જ પડશે. કોલ્હાપુરથી મહેશ ભંડારકરની મા આવી રહી છે.’
lll
મહેશ ભંડારકરની માને સંદેશો મોકલવામાં આવ્યો હતો. તે છેક કોલ્હાપુરથી અહીં આવે ત્યાં સુધી માત્ર અને માત્ર રાહ જ જોવાની હતી.
પરંતુ ભંડારકરની મા સવારે સાડાઆઠ વાગ્યે પહોંચી ખરી. તે ટૅક્સીમાં આવી હતી. સાથે એક નોકર જેવો માણસ હતો.
કારનો દરવાજો નોકરે જ ખોલ્યો. અંદરથી ધ્રૂજતા હાથે લાકડીના ટેકા સાથે ભંડારકરનાં માતુશ્રી નીકળ્યાં. કુંદનકુમારે સાચું જ કહ્યું હતું, બાઈ જરા મગજની અસ્થિર જ લાગતી હતી.
જાડાં ચશ્માંની નીચે એની મોટા ડોળાવાળી આંખો વારંવાર ડાબે-જમણે ફર્યા કરતી હતી. સાથે-સાથે ગરદન પણ ડાબે-જમણે હલતી રહેતી હતી. તેમણે હાથનું નેજવું કરીને વારંવાર પોલીસ સ્ટેશનનું પાટિયું જોયું. એ જ રીતે નજીક આવીને ઇન્સ્પેક્ટર કાત્રેને ધારી-ધારીને જોયે રાખ્યું.
ધ્રૂજતા અવાજે તે બાઈ બોલી, ‘ક્યાં છે મારો દીકરો?’
ઇન્સ્પેક્ટર કાત્રેએ કહ્યું, ‘એના માટે તમને હૉસ્પિટલમાં લઈ જવાં પડશે, પણ તમે મન મક્કમ રાખજો.’
lll
સવારે સાડાનવે હૉસ્પિટલના મૉર્ગરૂમમાંથી મહેશ ભંડારકરની પોસ્ટમૉર્ટમ કરેલી લાશ બહાર કાઢવામાં આવી. ઇન્સ્પેક્ટર કાત્રેએ તેની માના ખભા પર હાથ મૂકતાં કહ્યું, ‘માજી, ધીરજ રાખો. સૌથી પહેલાં તો લાશને બરાબર જોઈને કહો કે એ તમારો દીકરો જ છેને?’
અહલ્યાબાઈ ભંડારકર ધાર્યા કરતાં વધારે મક્કમ ઔરત નીકળી.
લાશની ખોપડી ફાટી ગઈ હતી. આખા શરીર પર વાઢકાપ કર્યા પછી ટાંકાઓ મારેલા હતા છતાં તે ધારી-ધારીને લાશને જોતી રહી. પછી તે એકદમ દૃઢ અવાજે બોલી :
‘ના, આ મારો દીકરો નથી!’
રૂમમાં સન્નાટો છવાઈ ગયો. કુંદનકુમાર તેમની ટાલ પર બાઝેલાં પરસેવાનાં ટીપાં લૂછતાં બોલ્યા,‘અહલ્યાબાઈ, જરા ધ્યાનથી જુઓ. ભલે ચહેરો ન ઓળખાય, પણ શરીરના બાંધા પરથી તો ખ્યાલ આવેને?’
‘શરી૨ જોઈને જ કહું છું.’ અહલ્યાબાઈએ પગના પંજા તરફ આંગળી ચીંધતાં બોલ્યાં, ‘મારા દીકરાના જમણા પગની બે આંગળીઓ બાળપણમાં જ કપાઈ ગઈ હતી!’
અચાનક કોણ જાણે શું થયું, આ સાંભળતાં જ કુંદનકુમારને ચક્કર આવી ગયાં અને તે ગબડી પડ્યા!
(ક્રમશઃ)

