ડોલરરાય, આ જીવન મિથ્યા છે અને એ જીવનના ૧૫ દિવસ તમારે વિતાવવાના બાકી છે
ઇલસ્ટ્રેશન
આ વિષય શ્રદ્ધાનો છે.
જો તમને જ્યોતિષશાસ્ત્રમાં શ્રદ્ધા ન હોય તો મહેરબાની કરીને આગળ ન વાંચતા. એ જ રીતે જો તમને ચમત્કારોમાં શ્રદ્ધા ન હોય તો તો મારી ખાસ સલાહ છે કે અહીંથી જ બંધ રાખજો. કારણ કે આ એક કરુણ કથની છે.
ADVERTISEMENT
અને હવે, જે વધ્યા-ઘટ્યા વાચક કે શ્રોતા રહ્યા છે તેમને અપીલ કરું છું કે મારી દર્દભરી દાસ્તાન સાંભળતાં-સાંભળતાં વિધવિધ સંજોગોમાં મારા દર્દના સહભાગી બનવા માટે યથાશક્તિ આંસુ વહાવતા રહેશો. અસ્તુ.
lll
મારું નામ ડોલરરાય સાગરરાય નાણાવટી છે.
આમ, મારા નામકરણની સાથે જ હું બાળપણથી જ ડો.સા. નાણાવટી તરીકે ઓળખાવા લાગ્યો હતો. નિશાળમાં મારા માસ્તરો પણ ‘ડો.સા. નાણાવટી, ઊભો થા!’ કહીને મને બાળપણમાં જ સિનિયર સિટિઝન બનાવી દેતા હતા.
કૉલેજમાં મારા નટખટ સહાધ્યાયીઓ મને મારા પિતાશ્રીના નામમાં સુધારા કરવાનું સૂચન કરતા હતા કે ‘યાર ડો.સા., તારું નામ ખરેખર તો ડોલરરાય બુદ્ધિપ્રકાશ નાણાવટી હોવું જોઈતું હતું!’
બીજા મિત્રએ મારા વર્તનને ધ્યાનમાં રાખીને મારા પિતાશ્રીનું નામ ‘ગમનરાય’ રાખવાનું સૂચન કર્યું હતું, જેથી મારું નામ ‘ડોગ’ નાણાવટી થાય અને પછી હું મુક્તપણે જિંદગીભર ભસી શકું!
ટૂંકમાં, ડોસા એ મારા લમણે લખાયેલું નામ છે. હવે આ નામની લમણાઝીંકમાંથી આગળ વધીને મારી કરુણ કહાની સંભળાવું જે ચમત્કરોથી ભરપૂર છે.
એક સાંજે હું મારી ઑફિસમાંથી નીકળીને સામેની ફુટપાથ પર ચાલતો જઈ રહ્યો હતો ત્યારે મને પાછળથી ‘છૂ...છૂ...છૂ...છૂ’ અવાજ સંભળાયો. મેં પાછળ વળીને જોયું તો એક ઠીંગણા કદનો, વિચિત્ર પહેરવેશવાળો માણસ મારી તરફ આંગળી કરીને મને બોલાવવાનો ઇશારો કરી રહ્યો હતો.
માંડ ચાર ફુટની ઊંચાઈ, કાળો શીતળાનાં ચાઠાંવાળો ચહેરો, માથે સોનેરી બૉર્ડરવાળી ટોપલા જેવી સફેદ પાઘડી, કપાળ પર ત્રણ આડી લીટીવાળું વિશાળ તિલક, કાનમાં વાળીઓ, ખભે ભગવા રંગનો ખેસ અને બગલમાં લાલ કપડામાં વીંટેલી પોથી... સાંજના સોનેરી તડકામાં એ પુરુષ આ લોકનો નહીં પર કોઈ પરલોકનો દેવાંશી પુરુષ લાગી રહ્યો હતો.
તેણે મારી તરફ સ્મિત કર્યું, ‘ડોલરરાય સાગરરાય નાણાવટી?
તમે પોતે?’
મને મારા આખા નામે બોલાવનાર એ ઠીંગણા પુરુષ પર મને માન ઊપજી આવ્યું. કારણ કે કંઈકેટલાં વર્ષે મેં મારું નામ વ્યવસ્થિત રીતે બોલાતું સાંભળ્યું હતું. હું એક અજબ આકર્ષણથી તેની તરફ ખેંચાયો.
‘સામે જીવન વીમા કૉર્પોરેશનમાં સર્વિસ કરો છો?’
‘હા, હા!’
‘ઉંમર ઓગણસાંઠ વર્ષ અગિયાર મહિના ને આઠ દિવસ? ટૂંક સમયમાં નિવૃત્ત થવાના છો?’
‘બિલકુલ સાચું!’ હું ગદ્ગદ થઈ ગયો, ‘પણ તમને ક્યાંથી ખબર?’
‘બેસો!’ તેણે ફુટપાથ પર પાથરેલા એક આસન તરફ આંગળી ચીંધી. હું
બેસી ગયો.
‘જ્યેષ્ઠ પુત્રનું નામ મહેશ, બીજા પુત્રનું નામ જયેશ, એકમાત્ર પુત્રવધૂનું નામ સીમા... ખરું?’ તે મંદ મંદ સ્મિત કરી રહ્યો હતો.
‘ગજબ, ગજબ કહેવાય! તમે... તમે છો કોણ?’
જવાબમાં તેણે કાળા પાટિયા પર એક સુરેખ દૃષ્ટિપાત કર્યો, અહા! ત્યાં લખ્યું હતું,
‘અગમ-નિગમ જ્યોતિષ કાર્યાલય
પ્રો : પ્રકાંડ જ્યોતિષી શ્રી નર્મદાશંકર અગ્નિહોત્રી’
‘પ્રકાંડ જ્યોતિષી શ્રી નર્મદાશંકર અગ્નિહોત્રી?’ મારી આંખો પહોળી થઈ ગઈ. ‘પણ તમે અહીં ફુટપાથ પર બેસીને શું કરો છો?’
‘તારો ભાગ્યોદય!’ તેમણે મંદ મંદ સ્મિત કરતાં, આશીર્વાદની મુદ્રા ધારણ કરીને ઉત્તર આપ્યો.
બસ એ જ ક્ષણે મને ખાતરી
થઈ ગઈ કે વર્ષોથી વાદળોમાં ઘેરાઈ રહેલો મારો ભાગ્યનો સિતારો હવે ચમકવાનો છે!
‘પત્નીના મૃત્યુને લગભગ ૨૦ વર્ષ થયાં? જ્યેષ્ઠ પુત્રનાં લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયાં? અનુજ અર્થાત્ નાના છોકરાની સગાઈ ગયા મહિને થઈ?’
‘હા! હા! હા!’ મારી આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં! આ
પ્રકાંડ જ્યોતિષી મારા વિશે રજેરજ જાણતો હતો!
‘લાવો વત્સ!’ તેમણે હાથ
લાંબો કર્યો.
‘શું?’
‘તારો હાથ!’
મેં તરત મારો હાથ તેમના હાથમાં આપ્યો. મારા હાથની રેખાઓ જોતાં-જોતાં એ પ્રકાંડ જ્યોતિષી વિચારોમાં ખોવાઈ ગયા. ધીમે-ધીમે તેમના ચહેરા પર દુઃખની રેખાઓ પ્રગટ થવા લાગી. મને ચિંતા થવા માંડી.
‘શું છે મહારાજ?’ મેં
ડરતાં-ડરતાં પૂછ્યું.
જવાબ આપવાને બદલે નર્મદાશંકર રડવા જેવા થઈ ગયા. મને ધ્રાસ્કો પડ્યો.
‘પણ વાત શું છે મહારાજ?’
નર્મદાશંકરની આખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. તેઓ ઘોર નિરાશામાં માથું નકારમાં હલાવવા લાગ્યા. ‘મારા હૃદયના ધબકારા વધી ગયા.’
‘અરે કંઈ બોલો
તો ખરા?’
‘કંઈ બોલવા જેવું નથી રહ્યું બેટા!’ કહીને તેમણે મારો હાથ છોડી દીધો અને પછી ખેસથી આંખો લૂછવા લાગ્યા.
‘અરે, એમ તે કંઈ ચાલે? વાત શું છે? બોલો તો ખરા?’
હું એકદમ અધીરો થઈ ગયો. મેં ફરી મારો હાથ તેમના હાથમાં આપ્યો. નર્મદાશંકર ફરી મારા હાથ સામે જોઈ અશ્રુધારા વહાવવા લાગ્યા.
‘જે હોય એ કહી દો પ્લીઝ!’ મારો અવાજ ધ્રૂજી રહ્યો હતો.
‘એક...’ તેમણે એક આંગળી
ઊંચી કરી, ‘એક સો રૂપિયા આપો.’ તેઓ રડમસ અવાજે માત્ર આટલું જ બોલી શક્યા.
મેં તરત જ સોની એક નોટ તેમના હાથમાં મૂકી. તેમણે એ નોટ વડે આંખનાં આંસુ લૂછ્યાં અને નોટ ખિસ્સામાં મૂકી દીધી.
‘ડોલરરાય, તમારા નસીબમાં અપમૃત્યુ છે! તમે... મરી જવાના છો!’ તેમનો અવાજ ધ્રૂજી રહ્યો હતો, ‘ફૂલ ગયું ને ફોરમ રહી...’ તેમણે ડૂસકું ભર્યું, ‘છાપામાં તમારો ફોટો આવશે. આજુબાજુ કાળી બૉર્ડર હશે... નીચે અગરબત્તી અને ફૂલોનો બ્લૉક હશે...’ તેમને ગળે ડૂમો બાઝી ગયો. તેઓ આગળ બોલી ન શક્યા. તેમનો રડતો ચહેરો જોઈને મારા પગ નીચેથી તો જાણે ધરતી ખસી જઈ રહી હતી.
‘નર્મદાશંકર, પ્લીઝ, મને કહો કે હું ક્યારે મરી જવાનો છું?’
‘બહુ જલદી!’ તેમણે ફરી રુદન શરૂ કર્યું, ‘છાપામાં લખ્યું હશે, તમારો હસમુખો ચહેરો અમે ક્યારેય નહીં ભૂલી શકીએ... તમારો દાનેશ્વરી સ્વભાવ...’
‘હું? દાનેશ્વરી?’
‘એક સો રૂપિયા આપો!’ નર્મદાશંકર હજી રડી રહ્યા હતા. મને દયા આવી. મેં તરત ૧૦૦ રૂપિયાની નોટ તેમના હાથમાં મૂકી. તેમણે એ નોટ વડે આંસુ લૂછ્યાં, નાક પણ નોટ વડે જ સાફ કર્યું અને પછી પલળી ગયેલી ગરીબડી નોટને ખિસ્સામાં મૂકી. પણ મારી અધીરાઈનો પાર નહોતો.
‘તમે રડ્યા ના કરો નર્મદાશંકર! મને જલદી કહો, હું ક્યારે મરી જવાનો છું?’
‘એક...’ તેમણે એક આંગળી ઊંચી કરી ડૂસકું ભર્યું.
‘એક વર્ષમાં?’
‘એક...’ તેમણે રડતાં-રડતાં નકારમાં માથું ધુણાવ્યું.
‘એક મહિનામાં?’
એક આંગળી ઊંચી રાખીને, નર્મદાશંકરે વધુ જોરથી ડૂસકું ભર્યું.
‘એક અઠવાડિયામાં?’
માથું ધુણાવી આંગળી ઊંચી રાખીને નર્મદાશંકર કરુણ આક્રંદ કરવા લાગ્યા.
‘એક દિવસમાં? એક કલાકમાં? ના હોય!’ મારો અવાજ ફાટી ગયો.
‘એક...’ તેઓ ડૂસકું રોકીને
માંડ-માંડ બોલ્યા, ‘એક સો રૂપિયાની નોટ આપો!’
‘અં... હં... અ...!’ મારો શ્વાસ હેઠો બેઠો. મેં તરત સો-સોની બે નોટ કાઢી. ‘એક શું, આ બે રાખો.’ મારી ઉત્કંઠાની પરાકાષ્ઠા આવી ચૂકી હતી.
નર્મદાશંકરે બન્ને નોટ વડે આંસુ લૂછ્યાં, નાક સાફ કર્યું, નોટોને ખિસ્સામાં પધરાવી. પછી મારી સામે એક મહાન ફિલસૂફની અદાથી જોઈ રહ્યા.
‘ડોલરરાય, આ જીવન મિથ્યા છે અને એ મિથ્યા જીવનના ફક્ત ૧૫ દિવસ તમારે વિતાવવાના બાકી છે.’ નર્મદાશંકરે ખભે થેલો લટકાવ્યો. પાટિયું સંકેલીને થેલામાં મૂક્યું, ‘બોલ્યું-ચાલ્યું માફ કરજો. જીવતા હશો તો ફરી મળીશું. જરા વાંકા વળો.’
દિગ્મૂઢ થઈ ગયેલો હું આગળ ઝૂક્યો. તેઓ મને ભેટ્યા. મારા ખભે હાથ થપથપાવ્યો. ‘હિંમત રાખજો... અને આવજો.’
‘ક્યાં આવું?’ મને એમ કે આ પ્રકાંડ જ્યોતિષાચાર્ય મને તેમના ઘરે બોલાવવા માગતા હશે, પણ તેઓ બોલ્યા,
‘શક્ય હોય તો આવતા જન્મે અહીં જ આવજો.’
‘આવતા જન્મે?’ હું ધ્રૂજી ગયો.
‘હા, જો આવતા જન્મે મનુષ્યયોનિમાં જન્મ થયો હશે તો જ!’ તેમના ચહેરા પર મારું આવતા જનમનું ભવિષ્ય લખાયેલું હોય એવો મને આભાસ થયો.
મેં કહ્યું, ‘જો મનુષ્યયોનિમાં જન્મ
ન થાય તો?’
‘એનો ઉપાય છે...’ તેઓ બોલ્યા, ‘તમારા સુપુત્રોને કહેજો કે મને આવીને મળે. આપણે બેસ્ટ ક્વૉલિટીનું શ્રાદ્ધ અને તર્પણ વગેરે કરીએ છીએ, વાજબી ભાવે. મારું આ કાર્ડ રાખો.’
તેમણે પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું. તેઓ ફરી મને ભેટ્યા અને છૂટા પડી, આંસુ લૂછતા નર્મદાશંકર જતા રહ્યા.
તેમની વિદાય બાદ મને મારી આંખોની સામે મારી અવસાન-નોંધ દેખાવા લાગી. એ અમદાવાદના છાપાની ટચૂકડી ત્રણ લાઇનો જોઈને મને મારી જાત પર ખરેખર ધિક્કાર છૂટ્યો. અરેરે, મારા જેવા ધુરંધર માણસના મોત પર માત્ર ત્રણ લીટીની અવસાન-નોંધ? ખરેખર મારાં નસીબ જ ફૂટેલાં, નહીંતર હું મુંબઈમાં મર્યો હોત અને ત્યાંના ત્રણેત્રણ છાપાંઓમાં મારી જાજરમાન મરણ-નોંધ છપાવી હોત...
‘મૂળ વીસનગરના રહેવાસી (હાલ કાંદિવલી) સ્વ. શ્રી ડોલરરાય સાગરરાય નાણાવટી (ઉ. વ. ૫૯) દિવંગત થયેલ છે. સ્વ. શ્રી સાગરરાય સોમેશ્વર નાણાવટીના પુત્ર, શ્રી ગુણવંતરાય કેશવરાય, ધીમંતરાય (પાટણવાળા)ના ભાઈ, શ્રી સુમનરાય ચોકસી (ભાવનગરવાળા) હાલ ભિવંડીના જમાઈ, શ્રી સૌમીલભાઈ, હીરાભાઈ જયમલભાઈના સાઢુ, સ્વ. ધર્મપત્ની વીણાવેલી સુમનરાય ચોકસીના પતિ, સ્વ. રાઘવજી દીવાન મોટી કડીકૂઈ (હાલ દક્ષિણ આફ્રિકા) તેમ જ સ્વ. પરાગજી દીવાન (હાલ લંડન)ના ભાણા. ચિ. જયેશ તથા ચિ. મહેશના પિતાજી. ચિ. સીમા મહેશભાઈ નાણાવટીના સસરા તે શ્રી ધનવંતરાય જીવણજી નાણાવટીના વેવાઈ. રાજુ, વિજુ, સુનીલ, સુષ્મા, હીના, તેજસ (લાલુ)ના કાકા. કૌશલ, કિરણ, ભરત, હિરલ (હિના), કૈવલ (ચિન્ટુ), તન્મય (ભોંપુ)ના મામા. બેસણું સવારે ૧૦થી ૧, સાંજે ૪ થી ૭. ઠે : આશા-નિરાશા ફ્લૅટ્સ, વીર સાવરકર માર્ગ, કાંદિવલી (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે.’
‘આહાહા... આવી એક જાજરમાન મરણનોંધ પણ મારા નસીબમાં નથી? મારું હૃદય દ્રવી ઊઠ્યું. મારી આંખોમાંથી એક મોટું બોર જેવડું આંસુ નીકળ્યું અને મારા ગાલ પરથી દદડીને છાપા પર પડ્યું.
અને ચમત્કાર!
છાપા પર જે જગ્યાએ મારું
આંસુ પડ્યું હતું ત્યાં એક અદ્ભુત જાહેરખબર હતી.
‘ચમત્કારી બાબા લાલભુજક્કડનું શહેરમાં આગમન!’
lll
પ્રિય શ્રોતા, હવે પછી જેકંઈ થવાનું છે એ તિલસ્માતી ચમત્કારો અને ભેદભરમથી ભરપૂર હોવા છતાં
અતિ-અતિ કરુણ અને હૃદયદ્રાવક છે.
હૈયે હામ રાખજો!
(ક્રમશઃ)

