અરે ભાઈ, તમારે ત્યાંની પેલી ૮૧ લાખના હીરાની લૂંટ થઈને? એમાં અમે એક શકમંદને પકડ્યો છે
ઇલસ્ટ્રેશન
‘આલેલે... અજય કામાણી સિવાય બીજી માછલીયુંય છે આખા કેસમાં?’
કૉન્સ્ટેબલ ગિધુભાઈને ચટપટી લાગી હતી. એક તો સૌરાષ્ટ્રના પોતાના વતનથી દૂર છેક સુરતમાં બદલી થઈ હતી. છેલ્લાં ચાર-ચાર વર્ષથી પાછા રાજકોટમાં બદલી કરાવવા માટે મથી ચૂક્યા હતા પણ મેળ પડતો નહોતો.
ADVERTISEMENT
ગિધુભાઈને એમ કે જો આ ૮૧ લાખના હીરાની લૂંટ અને પેલા ગંગાધરના ખૂનનો કેસ ઉકેલવામાં પોતાની કામગીરીનાં વખાણ થાય તો રાજકોટમાં ટ્રાન્સફર લેવાનું ચક્કર ચલાવી શકાય.
‘ગિધુભાઈ...’ ઇન્સ્પેક્ટર દેસાઈએ પોલીસ-સ્ટેશનની ઘડિયાળમાં નજર કરતાં કહ્યું, ‘રાતના સાડાબાર થવા આવ્યા. તમારે ઘરે નથી જવું?’
‘હવે ઘીરે જાઈને સું મોટા કાંદા કાઢવા છે? આંયા આવડો આ રોબરી અને મર્ડરનો આરોપી ઝડપાણો છે, અને તમે કિયો છો એમ, આ તો બચાડો પ્યાદું છે! અસલી ખેલાડીઓ તો કોઈ બીજા જ છે! તો ઈને ગોતી લઈંને?’
‘કેમ કરીને ગોતશો?’ દેસાઈ હસ્યા. ‘આ જેનો ફોન-નંબર રાજશેખરના મોબાઈલમાં નીકળ્યો છે એ અજય કામાણી નામનો માણસ મણિનગરમાં રહે છે પણ...’
‘ઈના હાંધા ક્યાંક તો આ કેસમાં અડતા જ હૈશેને?’
‘હા, પણ અહીં બેઠાં-બેઠાં એની ખબર શી રીતે પડે?’
‘કેમ નો પડે?’ ગિધુભાઈ ટટ્ટાર થઈ ગયા. ‘સાહેબ, મારો સાળો અમદાવાદમાં હેડ કૉન્સ્ટેબલ છે. ઈ બવ પોંચેલી માયા છે. ઈને ફોન કરું તો ઓલ્યા અજય કામાણીની હંધીય કૂંડળીયું ગોતી દ્યે!’
‘પણ તમારા સાળા સાહેબ, હાલ તો ઘરે ઊંઘતા હશેને?’
‘હોય કાંઈ? ઇને નાઇટ ડ્યુટી છે! કારણ સું...’ ગિધુભાઈ હવાલદારે આંખ મિચકારી ‘બૂટલેગરુનો હંધોય કારભાર રાતના જ હાલતો હોયને? મારો સાળો એમનું...’
‘બસ બસ.’ દેસાઈએ હાથ ઊંચો કરતાં ગિધુભાઈને અટકાવ્યા. ‘તમે તમારા સાળાને ફોન લગાડો.’
lll
બીજા દિવસે જ્યારે વરાછા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર દેસાઈ ખાસ્સા અગિયાર વાગ્યે દાખલ થયા ત્યારે હવાલદાર ગિધુભાઈ જાણે ક્યારના તેમની રાહ જોતા હોય એમ ઊભા થતાંની સાથે જ સલામ ઠોકતાં બોલ્યા :
‘સાહેબ, હવે ઓલ્યા રાજસેખરિયાનું સું કરવું છે? એનો FIR લખી દંવ? કેમ કે ઓલ્યા અમદાવાદવાળા અજય કામાણીમાં કાંઈ ઝાઝું લેવા જેવું નથી.’
‘અચ્છા?’ દેસાઈ બોલ્યા. ‘શું રિપોર્ટ છે તમારા સાળાનો?’
‘કાંઈ ખાસ નંઈ. મણિનગરમાં ઇનો મોટો બંગલો છે. એની વાઇફ બવ બ્યુટિફુલ છે. આમ ફેસબુકમાં ઈના ફોટા જોતાં કૅટરિના કૈફ જેવી લાગે છે. એમાંય ગુલાબી સાડીમાં...’
‘ગુલાબી સાડીમાંથી બહાર નીકળો ગિધુભાઈ!’ દેસાઈ સાહેબ અકળાયા. ‘અજય કામાણીનું શું છે?’
‘હા, કામાણીને? ઇને કેમિકલનો બિઝનેસ છે. કમાઈ બેઠેલી પાર્ટી છે. ત્રણ-ત્રણ કાર છે, બે બાઇક છે. ત્રણ વાર બૅન્ગકૉક જઈ આયવો છે. સોખીન માણસ છે. બસ, એ સિવાય ઝાઝું કાંઈ નથી.’
દેસાઈ ગિધુભાઈ સામે જોતા રહ્યા. ‘તમને આટલાં વરસોથી પ્રમોશન કેમ નથી મળ્યું એનું આ જ કારણ છે! અરે, અજય કામાણીની તપાસ શેના માટે કરવાની હતી? કે એની આ હીરાની લૂંટ સાથે શું લિન્ક છે.’
‘ઇ જ તો હમજાતું નથીને! ઈ કામાણી આ રાજસેખરને પાંચ લાખ દેવા હાટું કેમ તૈયાર થઈ ગ્યો?’
‘અરે, જે કંપનીમાંથી ડાયમન્ડની લૂંટ થઈ એની સાથે આ કામાણીનું શું કનેક્શન છે? એની તપાસ કરાવોને?’
‘લો બોલો, ઈ તો ર’ઈ જ ગ્યું! હમણાં મારા સાળાને ધંધે લગાડું!’
lll
દરમ્યાનમાં ઇન્સ્પેક્ટર દેસાઈએ પોતાની રીતે તપાસ કરાવી હતી. આમાં એક માહિતી એવી હતી કે ડાયમન્ડ ડીલરના પાર્ટનરોએ વીમા કંપની આગળ ૮૧ લાખના હીરાની લૂંટનો ક્લેમ નોંધાવ્યો છે.
‘હમ્મ... પેલી બાજુ ડાયમન્ડ ડીલરો ૮૧ લાખના લૂંટાઈ ગયેલા હીરાનો ઇન્શ્યૉરન્સ ક્લેમ નોંધાવીને બેઠા છે. અને અહીં જે માણસ જીવના જોખમે એ હીરા ચોરીને કસ્ટડીમાં ઝડપાયેલો છે તેની પાસે તો તમામ નકલી હીરા છે! મતલબ કે દયા...’
ઇન્સ્પેક્ટર દેસાઈ ટીવી-સિરિયલના ACP પ્રદ્યુમ્નની જેમ દાઢી ઉપર આંગળીઓ રમાડતાં બબડ્યા : ‘કુછ તો ગડબડ હૈ!’
ઇન્સ્પેક્ટર દેસાઈએ ગરમાગરમ મસાલેદાર ચાનો ઑર્ડર કર્યો. ચા આવી પછી ધીમે-ધીમે એના ઘૂંટડા ગળામાં ઉતારતાં તે મનોમન આખી શતરંજનાં પ્યાદાં તપાસી રહ્યા હતા. છેવટે તેમણે ચપટી વગાડી :
‘સીધા વજીરને જ પૂછી લઈએને?’
ઇન્સ્પેક્ટર દેસાઈએ અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના ઇન-ચાર્જ ઇન્સ્પેક્ટર ડી. કે. રાઠોડને ફોન લગાડ્યો.
‘નમસ્તે રાઠોડ સાહેબ! સુરત વરાછા પોલીસ સ્ટેશનથી દેસાઈ બોલું. જયહિંદ સર!’
‘અરે! સર...? સાહેબ? આવું બધું છોડીને બોલો બોલો દેસાઈ, શું હતું?’
‘અરે ભાઈ, તમારે ત્યાંની પેલી ૮૧ લાખના હીરાની લૂંટ થઈને? એમાં અમે એક શકમંદને પકડ્યો છે.’
‘શું વાત કરો છો! અરે દેસાઈ સાહેબ, તમે મારું બહુ મોટું કામ કરી નાખ્યું!’
‘સાવ એવું નથી, કેમ કે તેનો ફેસ બરાબર મૅચ નથી થતો. અને સાલા પાસેથી મુદ્દામાલ પણ નથી મળ્યો!’
‘અરે મુદ્દામાલને મારો ગોળી! મુજરીમ હાથમાં છેને? તો કેસ બની જશે અને ફેસ બહુ મૅચ નહીં થતો હોય તો ડંડા મારી-મારીને ફેસ પણ બની જશે!’
‘સમજી ગયો... પણ...’ દેસાઈ જાણીજોઈને અચકાયા. પછી હિન્ટ આપતા હોય એમ બોલ્યા, ‘આમાં મને કંઈ મળે એવું ખરું?’
‘અરે તમે આંકડો પાડોને! બધું થઈ પડશે. એક્યાશી લાખનો ક્લેમ છે.’
‘સમજી ગયો.’ દેસાઈએ વધુ એક હિન્ટ આપવા માટે પોતાનો અવાજ ધીમો કરી નાખ્યો. ‘યાર રાઠોડ, લોચો એ છે કે જે શખ્સને પકડ્યો છે એનું નામ પણ રાજશેખર છે.’
‘તે છે જને? એમાં લોચો શું છે?’
‘લોચો એ છે કે તેના કહેવા મુજબ તેના દોસ્તનું નામ પણ ગંગાધર છે!’
‘તે છે જને! એમાં લોચો શું છેએએ?’
‘લોચો એ જ કે...’ દેસાઈએ મોં ઉપર હાથ રાખીને મોબાઇલમાં ધીમા અવાજે કહ્યું, ‘તે કંઈક જાણતો લાગે છે! તમે ભલે ડંડા મારીને તેનું કન્ફેશન લખાવી લો, પણ સાલો કોર્ટમાં વટાણા વેરવા લાગ્યો તો?’
સામે છેડેથી રાઠોડ બે ક્ષણ માટે અટક્યા. પછી બોલ્યા, ‘દેસાઈ, જો એ શખ્સને સુરતથી અમદાવાદ લાવતાં અધવચ્ચે ક્યાંક પેશાબ લાગે... અને એ કોઈ કૉન્સ્ટેબલની ગન છીનવવા જાય અને...’
‘સમજી ગયો...’ દેસાઈ હવે ખરેખર સમજી ગયા હતા.
lll
‘લ્યો સાયેબ! આખું કનેક્સન હાથ લાગી ગ્યું!’
બે કલાક પછી આવેલા હવાલદાર ગિધુભાઈએ દેસાઈને રિપોર્ટ આપ્યો. ‘ઓલ્યો કામાણી ને ઓલી ડાયમન્ડ કંપનીના ભાગીદાર વિમલ સેદાણીને બવ પાકી ભાઈબંધી છે! બન્ને હારે-હારે જ ત્રણ-ત્રણ વાર બૅન્ગકૉક જઈ આયવા છે. વિમલ સેદાણીની બૈરીનો ફેસબુકમાં ફોટો જોવો તો ઈ હાવ કચરા જેવી છે પણ...’
‘સેદાણી... સેદાણીની શી ડીટેલ છે?’
‘હા, ઈ સેદાણી રિયોને? ઈને ઑનલાઇન સટ્ટાની બૂરી લત છે. કિયે છે કે ઈ હાલમાં બવ મોટ્ટા લૉસમાં ઘરી ગ્યો છે. એક વાર તો ઉઘરાણીવાલા ગુન્ડાવ ઇના ઘરે આવીને ઘઘલાવી ગ્યા’તા!’
આ સાંભળતાં જ ઇન્સ્પેક્ટર દેસાઈની આંખો ચમકી ઊઠી. તેમણે તરત જ અજય કામાણીને ફોન લગાડ્યો.
‘હા, બોલો રાજશેખર?’ સામેથી અવાજ આવ્યો. પણ જવાબ દેસાઈએ આપ્યો :
‘રાજશેખર નહીં, ઇન્સ્પેક્ટર દેસાઈ બોલું છું, વરાછા પોલીસ સ્ટેશનથી! તારું રાજશેખર નામનું પ્યાદું હાલમાં મારા પોલીસ-સ્ટેશનની કસ્ટડીમાં છે અને એ બધા જ વટાણા વેરવા તૈયાર છે! તેની ગનમાંથી જે ગોળી છૂટી એ અને ગંગાધરની બૉડીમાંથી મળેલી ગોળીઓ એક જ ગનમાંથી નથી છૂટી એ તો ફૉરેન્સિક લૅબમાં આસાનીથી પ્રૂવ થઈ જશે! હવે બોલ, શું કરવાનું છે? રાજશેખરને જીવતો રાખવાનો છે કે પછી...’
સામે છેડે બે ક્ષણ માટે ચૂપકીદી છવાઈ ગઈ. પછી તે બોલ્યો, ‘સર, તમે જ કહોને?’
‘દસ લાખ.’ દેસાઈ બોલ્યા. ‘સુરતની કોઈ ગટરમાંથી રાજશેખરની લાશ મળશે પોલીસને.’
‘મંજૂર છે. પેમેન્ટ શી રીતે મોકલું?’
‘જણાવું છું!’ દેસાઈએ ફોન મૂક્યો. પછી હવાલદાર ગિધુભાઈને કહ્યું, ‘કોઈ બેનામી ગુમશુદા વ્યક્તિની લાશ શોધો જેથી આ બિચારા રાજશેખરને મોઢે ચૂપ રહેવાની પટ્ટી મારીને પાછો બિહાર મોકલી શકાય... હેમખેમ.’
દેસાઈ સાહેબે ‘હેમખેમ’ શબ્દ પર ભાર મૂક્યો હતો.
lll
‘કાંઈ હમજાણું નંઈ દેસાઈ સાયેબ.’ હવાલદાર ગિધુભાઈ હજી ઊભા-ઊભા માથું ખંજવાળી રહ્યા હતા.
‘ઝટ સમજાય એવું નથી. છતાં સમજાવું.’ દેસાઈએ કહ્યું ‘તમારા સાળાએ બહુ કામની ઇન્ફર્મેશન
આપી હતી ગિધુભાઈ! કેમ કે ઑનલાઇન સટ્ટાની લતમાં પેલી અમદાવાદની કંપનીનો પાર્ટનર વિમલ સેદાણી બહુ મોટા લૉસમાં ઊતરી ગયો હતો. એટલે તેણે તેના દોસ્ત અજય કામાણીને સાધ્યો...’
દેસાઈએ ચાના કપમાંથી ચુસકી લેતાં વાત આગળ વધારી ‘અજય કામાણીએ પેલા બિહારી સિક્યૉરિટીવાળા ગંગાધરને લાલચ આપી કે ૯૦ લાખના હીરા જો તું લૂંટી આવે તો તને અને તારા સાથીદારને બે-બે લાખ રૂપિયા આપું. શરત એટલી જ કે આખી વાતમાં મારું નામ તારા સાથીદારને પણ નહીં કહેવાનું. બિચારા વખાના માર્યા બે બિહારી જુવાનો આ લાલચમાં ફસાઈ ગયા. પણ...’
દેસાઈએ બીજી ચુસકી લેતાં કહ્યું, ‘પેલા ૮૧ લાખના હીરા તો નકલી જ હતા? આપણે જાણીએ છીએ. પરંતુ આખા ખેલનો કોઈ જાણકાર બચે નહીં એટલા માટે રાજશેખર હીરા લૂંટીને ભાગ્યો કે તરત જ વિમલ સેદાણીએ ગંગાધરને છાતીમાં ગોળીઓ મારી દીધી... જેનો આરોપ રાજશેખર પર જ આવવાનો હતો...
જો રાજશેખર પકડાઈ ગયો હોત તો અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં FIR થઈ જાત અને રાજશેખર જેલમાં ગયો હોત. પણ નસીબજોગે તે આપણા હાથમાં આવી ગયો!
તેના હીરા નકલી છે એ વાત પણ ખૂલી ગઈ! ઉપરથી મેં દમ ભિડાવ્યો કે ફૉરેન્સિક રિપોર્ટમાં ગંગાધરની છાતીમાં ગયેલી ગોળીઓ કોઈ બીજી રિવૉલ્વરની છે, તો વિમલ સેદાણી જ જેલમાં જાત! એટલે ‘સુપારી’ એવી અપાઈ ગઈ કે રાજશેખરને પણ મારી નાખવો!’
‘હમજી ગ્યો સાયેબ!’ ગિધુભાઈ બોલી ઊઠ્યા. ‘પણ આવડા આ રાજસેખરને તમે છોડી દ્યો છો તો ઈ વટાણા નંઈ વેરે?’
‘શું કામ વેરે?’ દેસાઈ હસ્યા. ‘પેલા દસ લાખમાંથી તેને આપણે ચાર લાખ દઈશું.’
‘અને બાકીના?’ ગિધુભાઈએ હથેળી ખંજવાળતાં પૂછ્યું.
દેસાઈ બોલ્યા, ‘તમારે રાજકોટ બદલી કરાવવી હતીને? એ થઈ જશે... બહુ લાલચ સારી નહીં.’
(સમાપ્ત)

