જે રાતે અમારી વચ્ચે ઝઘડો થયો એ રાતે જ મેં નક્કી કરી લીધું કે હું વૈશાલીને જીવતી નહીં છોડું
ઇલસ્ટ્રેશન
પ્રેશર કુકર!
પ્રેશર કુકર પાસે બેસીને સોફિયા શું કહેવા માગે છે?
ADVERTISEMENT
ન તો એના માસ્ટરને આ વાત સમજાઈ કે ન તો ઇન્સ્પેક્ટર પંડિતને આ વાત સમજાઈ. પ્રેશર કુકર સાથે બન્ને પોલીસ-સ્ટેશન પહોંચ્યા હતા અને પ્રેશર કુકર ટેબલ પર રાખીને તે બન્ને સતત એને ઘૂરતા હતા.
‘સોફિયા જે કહેવા માગે છે એ ક્લિયર છે. એ ભૂલ ન કરે એવું હું દૃઢપણે માનું છું...’ માસ્ટરે સોફિયાનો પક્ષ લેતાં કહ્યું, ‘વૈશાલી વિશે આ કુકર કંઈક તો જાણે છે. શું એ સવાલ છે.’
‘હંમ... અને આપણે એનો જ જવાબ શોધવાનો છે.’ ઇન્સ્પેક્ટર પંડિતે માસ્ટર સામે જોયું, ‘બીજી બધી વાત ભૂલીને મને કહો, સોફિયાના વર્તન પછી એ જે રીતે જઈને કુકર પાસે બેઠી એનું તારણ તમે શું કાઢો?’
માસ્ટર જવાબ આપે એ પહેલાં ઇન્સ્પેક્ટરે ચોખવટ પણ કરી લીધી.
‘એક પણ જાતની વાતમાં કેસથી ઇન્ફ્લુન્સ થયા વિના જવાબ આપજો. કુકર અને વૈશાલીને શો સંબંધ હોઈ શકે?’
‘હંમ...’ માસ્ટરે ઊંડો શ્વાસ લીધો, ‘સોફિયા કહેવા માગે છે કે વૈશાલી છેલ્લે કુકરમાં ગઈ હતી!’
‘એટલે?’
‘એટલે એમ કે વૈશાલીને મારીને કદાચ કુકરમાં ભરવામાં આવી હશે...’
અરેરાટી છૂટે એવો જવાબ હતો પણ એ અરેરાટીને દબાવીને પહેલાં ઘટનાના અંતિમ સુધી પહોંચવાનું હતું. ઇન્સ્પેક્ટર પંડિતે એ જ કર્યું.
lll
‘હવે કંઈ જવાબ આપવો છે તારે કે પછી...’
ઇન્સ્પેક્ટર પંડિતનો અવાજ સાંભળીને કસ્ટડીમાં બેઠેલા સંજયે નજર ઊંચી કરી અને તેની આંખો પહોળી થઈ.
‘મને... મને નથી ખબર.’ પહેલી વાર સંજયના અવાજમાં ધ્રુજારી હતી, ‘મારે, મારે વકીલ સાથે વાત કરવી છે. તમે મને ઇલ્લીગલી પકડીને રાખ્યો છે.’
‘કોઈ વકીલ મળવાનો નથી... કારણ, તું હવે બહાર જઈ શકવાનો નથી.’ પંડિત સંજયની નજીક આવ્યા, ‘આ કુકરનો ફૉરેન્સિક રિપોર્ટ આવી ગયો છે. હજી કહું છું, કો-ઑપરેટ કરીશ તો લાભમાં રહીશ.’
સંજય ચૂપ રહ્યો અને પંડિતનો ગુસ્સો બેકાબૂ થયો. તેણે કુકર ઉપાડીને સંજયની પીઠ પર ઠોક્યું.
‘ક્યાં છે વૈશાલી?’
‘તમને મળી નહીં?’
‘હજી, હજી સવાલ કરે છે?’
પંડિતે ફરી કુકર ઉપાડ્યું. આ વખતે તેણે કુકર સંજયની સાથળ પર ઝીંક્યું હતું. થર્ડ ડિગ્રીની ખાસિયત છે. આરોપીને માર ત્યાં જ મારવો જ્યાં હાડકાં પર માંસનું પ્રમાણ મહત્તમ હોય.
‘તારા વિરુદ્ધ એકેક પુરાવા ભેગા કરી લીધા છે સંજય. સીધો કેસ ફાઇલ થશે તો તારો છોકરો ને છોકરી રખડી પડશે. એનો તો વિચાર કર...’ સંજયનો ચહેરો હાથમાં લઈને પંડિત ચિલ્લાયા, ‘ક્યાં છે વૈશાલી?’
‘તમારી દયા આવે છે સાહેબ...’ મારની પીડા વચ્ચે પણ સંજયના ચહેરા પર સ્માઇલ હતું, ‘વિચારો, હજી સુધી તમે વૈશાલીને શોધી નથી શક્યા. તેના વિશે પૂછવા તમારે મારી પાસે આવવું પડે છે. છેને મારી જીત!’
સંજયની વાત સો ટકા સાચી હતી.
કડીઓ મળતી હતી અને એ પછી પણ વૈશાલી વિશે દૂર-દૂર સુધી કંઈ ખબર નહોતી પડી રહી.
‘કબૂલ કરું તારી જીત તો મને શું ફાયદો?’
‘જવા દેવાનો...’
સંજયની શરત સાંભળીને ઇન્સ્પેક્ટર પંડિતે ઘસીને ના પાડી દીધી.
‘શક્ય જ નથી... છોડીશ નહીં તને.’
‘પકડી રાખીને શું કરશો?’ કણસતી અવસ્થામાં સંજય ભીંતસરસો થયો, ‘બધી વાત કરી દઉં તો પણ તમે મને પકડી નથી શકવાના. ગૅરન્ટી, મારવી છે શરત?’
ઇન્સ્પેક્ટર પંડિતને હવે સંજયમાં રસ પડતો હતો. જોકે તે જવાબ આપે એ પહેલાં જ સંજય ફોજદારે શરત પણ કહી દીધી.
‘હું છૂટી જાઉં એટલે તમારે મારે ત્યાં જમવા આવવાનું... હું મટન બિરયાની બહુ સરસ બનાવું છું.’
‘ડન...’
lll
થયું પણ એવું જ.
સંજય ફોજદાર શરત જીતી ગયો. માત્ર શકના આધાર પર તેની અટકાયત કરવાની કોર્ટે ના પાડી દીધી અને ત્રણ મહિના પછી સંજય છૂટી ગયો. છૂટ્યાની સાંજે જ સંજયે ઇન્સ્પેક્ટર પંડિતને ઘરે જમવા બોલાવ્યા અને ઇન્સ્પેક્ટર પંડિત પહોંચી પણ ગયા.
‘જમવાનું શરૂ કરતાં પહેલાં હવે મારી એક શરત છે, વૈશાલી ક્યાં છે એ તારે કહેવું પડશે...’
‘જમી લો, પછી બધી વાત કરીશ...’ સંજયે પોતાના માથા પર હાથ મૂક્યો, ‘મારાં બન્ને બાળકોના સમ. જમી લો પછી બધું કહીશ...’
lll
ઓહિયા...
‘ફૂડ બહુ સરસ બનાવ્યું હતું...’ મસમોટો ઓડકાર ખાઈને ઇન્સ્પેક્ટર પંડિતે શરત યાદ દેવડાવી, ‘હવે કહે, વૈશાલી ક્યાં છે?’
‘આખી વૈશાલીનું તો કેવી રીતે કહું... પણ હા...’ હાથ સાફ કરતાં સંજયે કહ્યું, ‘વૈશાલીની સાથળ અત્યારે તમારા પેટમાં છે! મટન બિરયાનીના સ્વરૂપમાં...’
ઇન્સ્પેક્ટર પંડિતને ઊબકો આવી ગયો.
‘અરે, પહેલાં પૂરી વાત તો સાંભળો...’ બાથરૂમ તરફ ભાગતા પંડિતનો હાથ પકડી સંજયે કહ્યું, ‘કંઈ નહીં થાય... બેસો, બેસો...’
પરાણે હાથ પકડીને સંજયે પંડિતને સોફા પર બેસાડ્યા.
‘બન્યું એમાં એવું કે... તમારી પેલી ડૉગ છેક કુકર સુધી પહોંચી અને ત્યાં અટકી ગઈ પણ જો એ ફ્રિજ સુધી ગઈ હોત તો તમને એમાંથી સમારેલા વૈશાલીના માંસના ટુકડા મળ્યા હોત અને તમે એ DNA માટે મોકલીને મને પકડી શક્યા હોત પણ એવું થયું નહીં અને હું આઝાદ થઈને ફરી તમારી માટે શેફ બની ગયો. તમે વૈશાલીના છેલ્લા અંશ પણ જમી ગયા.’ સંજય ફોજદારના ચહેરા પર વિકૃત સ્માઇલ હતું, ‘આખી વાત કહું. જે રાતે અમારી વચ્ચે ઝઘડો થયો એ રાતે જ મેં નક્કી કરી લીધું કે હું વૈશાલીને જીવતી નહીં છોડું. બસ, મેં મારું કામ શરૂ કર્યું. એ રાતે વૈશાલી કિચનમાં કામ કરતી હતી એ વખતે હું અંદર ગયો અને મેં પ્રેમથી તેને ગળાફાંસો આપી દીધો. વૈશાલીનું ‘રામ બોલો ભાઈ રામ’ થઈ ગયું. પ્લાન તો પહેલેથી જ ગોઠવી રાખ્યો હતો. પ્લાનને કારણે તો હું ચાર લોકોને જોઈએ એના કરતાં ડબલ એટલે આઠ લોકોનું કુકર લઈ આવ્યો હતો.’
lll
વૈશાલીનો જીવ ચાલતો નથી એ ચકાસી લીધા પછી સંજય ફોજદાર પાછળના ફળિયામાં રાખવામાં આવતા ભંગારમાંથી ડ્રિલ અને ઇલેક્ટ્રિક કટર લઈ આવ્યો. પ્લાન ક્લિયર હતો અને પ્લાન મુજબ જ તેણે પહેલેથી દીકરા અને દીકરીને બહેનની ઘરે મોકલી દીધાં હતાં. ઘરમાં પોતે એકલો હતો એટલે સંજયે ચૅમ્પિયન્સ ટ્રોફીની ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયાની મૅચ ફુલ વૉલ્યુમ સાથે જોવાનું શરૂ કર્યું અને સાથોસાથ કટર અને ડ્રિલથી વૈશાલીને કાપવાનું શરૂ કર્યું.
સંજય વૈશાલીને એ જ રીતે કાપી જે રીતે મટન માર્કેટમાં બકરાઓ કપાતા હોય છે. સિયાચીન પર ફરજ બજાવી ચૂકેલા એક્સ-આર્મીમૅને ઘણી વાર ત્યાં રહીને આ પ્રકારે બકરાઓ કાપીને રાંધ્યા હતા એટલે સિફતપૂર્વક તેણે વૈશાલીના ડેડ-બૉડીને કાપ્યું અને એમાંથી હાડકાંઓ જુદાં પાડવાનું શરૂ કર્યું.
lll
‘એનો નિકાલ કેવી રીતે કર્યો?’
‘સિમ્પલ છે સાહેબ, ઍસિડ. સલ્ફ્યુરિક ઍસિડ જો ઓરિજિનલ હોય તો હાડકાં સહિત આખેઆખા માણસને ગાળી નાખે...’ સંજયના ચહેરા પર નિષ્ઠુરતા હતી, ‘એ પછી પણ મેં સહેજ પણ રિસ્ક લીધું નહીં. તમને ન ખબર હોય તો કહું. ઍસિડથી બાળેલાં હાડકાંના પાણીને જો તમે સેફ્ટી ટૅન્કમાં એટલે કે ફ્લશ કરીને મળ જ્યાં જમા થતો હોય એ જગ્યામાં નાખી દો તો ચોવીસ કલાકમાં મળમાં રહેલી જીવાત એને ખાઈ જાય. મેં એ જ કર્યું. જે હાડકાં નીકળતાં ગયાં એ બધાંને ઍસિડની ડોલમાં નાખતો ગયો, હાડકાં ઓગળતાં ગયાં અને જરૂર પડે એટલે એ લિક્વિડ ફ્લશ કરતો રહ્યો. મારી પાસે વધારે સમય નહોતો અને મારે આજુબાજુવાળાની બહુ ચિંતા કરવી નહોતી. આમ પણ આજુબાજુમાં મારવાડી જૈનોની વસ્તી મોટી સંખ્યામાં, અમારા ઘરમાંથી નૉનવેજની બદબૂની એ લોકોને આદત હતી એટલે મેં બીજો લાભ એ લીધો.’
lll
વૈશાલીના શરીરમાંથી નીકળેલા માંસને કુકરમાં નાખીને સંજય ફોજદારે એને બાફવાનું શરૂ કરી દીધું. માંસ જેમ-જેમ બફાતું ગયું એમ-એમ એની બદબૂ ચારે તરફ ફેલાવાની શરૂ થઈ, પણ મરાઠીના ઘરમાંથી આવતી આ બદબૂ સૌકોઈ માટે કાયમી હતી એટલે સંજયને જઈને કહેવાને બદલે એ લોકોએ પોતપોતાનાં બારી-બારણાં બંધ કરવાનું પસંદ કર્યું.
lll
‘એ... એ બાફવાનું કારણ શું?’
ઇન્સ્પેક્ટર પંડિતે સવાલ કર્યો ત્યારે પણ તેમને ઊબકા આવતા હતા.
‘ગુડ ક્વેશ્ચન સાહેબ...’ સંજયની સમજાવટમાં નિર્દયતા હતી, ‘માણસના માંસ અને ભેંસ-બળદના માંસમાં એક ફરક હોય છે. અમે એને ‘મોટાનું’ માંસ કહીએ. આ જે મોટાનું માંસ હોય એ રતાશ પડતું હોય પણ માણસનું માંસ પિન્ક કલરનું હોય. એને તમે બાફો તો એ રતાશ પકડે પણ જો તમારે મોટા જેવું માંસ દેખાડવું હોય તો એ માંસને તમારે લાલ કલર સાથે ભેળવી દેવું પડે. મેં પણ એ જ કર્યું. આપણે ચિકન-લૉલીપૉપ બનાવતી વખતે કઈ રીતે એને અલગ-અલગ મસાલા સાથે ગૂંદી નાખીએ છીએ એ જ રીતે મેં વૈશાલીના માંસને ખાવાના લાલ કલરમાં ગૂંદી નાખ્યું. માંસને બરાબર કલર ચડી ગયો એ પછી મેં એ માંસ બાફ્યું, જે દેખાવે ડિટ્ટો મટન જેવું લાગવા માંડ્યું.’
‘એટલુંબધું માંસ તેં કોને-કોને ખવડાવ્યું?’
‘હા, એ પણ છે, પણ સાહેબ મને એક ફાયદો થયો.’ સંજયની નિષ્ઠુરતા અકબંધ હતી, ‘વૈશાલી દૂબળી હતી એટલે બહુ માંસ નહોતું નીકળ્યું. પંદરેક કિલો નીકળ્યું હશે. બીજાં જે ઑર્ગન હતાં એ બધાંને મેં ઍસિડમાં ઓગાળી નાખ્યાં અને બાકીનું જે માંસ હતું સૌથી પહેલાં મેં મારી દીકરી અને દીકરા સાથે ખાધું. એ પછી મેં મટન બિરયાની બનાવી મારી બહેનને ત્યાં મોકલી. એ લોકોએ પણ ખાધી અને પછી મેં મારા ફ્રેન્ડ્સને પણ મોકલાવી. એ માંસ ખાલી કરતાં પરસેવો છૂટી ગયો. એ પછી પણ થોડું માંસ વધ્યું હતું, જેનો આજે ફાઇનલી નિકાલ થયો.’
‘તું એવું કેમ ધારે છે કે હવે તારી હું અરેસ્ટ નહીં કરું?’
પંડિતે મોબાઇલ બહાર કાઢ્યો અને સ્ક્રીન દેખાડી.
‘જોઈ લે, રેકૉર્ડિંગ ચાલુ છે. તારી બધી વાત મોબાઇલમાં રેકૉર્ડ થઈ છે.’
‘અરે બાપરે... હું તો ડરી ગયો...’ ડ્રામા કરતાં સંજય ખડખડાટ હસી પડ્યો, ‘કરો મારી અરેસ્ટ, મને વાંધો નથી પણ આ વખતે પણ હું છૂટી જઈશ એ કન્ફર્મ છે. છૂટીશ કેવી રીતે એ કહું તમને?’
સવાલ કર્યા પછી સંજયે જ કહી દીધું, ‘કહી જ દઉં, તમે સાંભળી લો. તમે મર્ડરની વાત કરો છો અને મર્ડર માટે નિયમ છે કે લાશ મળવી જોઈએ. કમ્પલ્સરી છે. આ કેસમાં હવે લાશ તો છે નહીં સાહેબ. વિચારો, લાશ નહીં હોય તો તમે કહેશો શું અને પુરવાર શું કરશો કે મર્ડર થયું છે.’
‘તારું સ્ટેટમેન્ટ છે, તેં બધાને વૈશાલી ખવડાવી દીધી...’
‘સ્ટેટમેન્ટ નહીં, અત્યાચાર પછી બોલાયેલી વાત.’ સંજય નફ્ફટાઈ સાથે કહ્યું, ‘હું પુરવાર કરીશ કે મને છોડ્યા પછી રાતે આપ સાહેબશ્રી ઘરે આવ્યા અને મને ધમકાવીને આ બધું મારી પાસે બોલાવ્યું... અને રેકૉર્ડિંગ વખતે મારી સાથે એવી જ રીતે વાત કરાવી જાણે કે હું તમારી સાથે વાત કરતો હોઉં. પેલા કોણ છે તમારા ફ્રેન્ડ, ડ્રામા-રાઇટર...’
નામ યાદ કરીને સંજય ફોજદારે કહ્યું, ‘પ્રવીણ સોલંકી. હું કહીશ કે તમે તેની પાસે આ સ્ક્રિપ્ટ લખાવીને આવ્યા હતા.’
ઇન્સ્પેક્ટર પંડિતને ખબર નહોતી પડવી કે હવે શું કહેવું, શું કરવું.
‘સાહેબ, જમ્યા પછી રેડ વાઇન પીધી હોય તો ખાવાનું બધું પચી જાય.’ રેડ વાઇનની બૉટલ ટેબલ પર મૂકતાં સંજયે કહ્યું, ‘જમીન પર જે થોડું બ્લડ હતું એ બધું આમાં ભરી લીધું છે, કદાચ તમને ભાવે...’
ઇન્સ્પેક્ટર પંડિત સંજયને જોઈ રહ્યા.
તેની સામે માણસ નહીં, હેવાન હતો જેણે સત્યને માત આપી હતી.
(સમાપ્ત)

