વૈશાલી હયાત નથી પણ સાહેબ, ભૂલતા નહીં; લાશ મળે નહીં ત્યાં સુધી મર્ડર પુરવાર નથી થતું
ઇલસ્ટ્રેશન
‘મને નથી ખબર...’
ત્રીજા દિવસે પણ સંજય ફોજદારનો એ જ જવાબ હતો. છેલ્લા સાઠ કલાકમાં તેણે થર્ડ ડિગ્રી પણ જોઈ લીધી હતી અને થર્ડ ડિગ્રી દરમ્યાન કાનમાં કીડા પડે એવી ગાળો પણ તેણે સાંભળી લીધી હતી. એમ છતાં પણ સંજય ટસનો મસ નહોતો થયો.
ADVERTISEMENT
‘મારવાનું છોડીને મારી નાખો સાહેબ, પણ મને નથી ખબર વૈશાલી ક્યાં છે.’
‘સંજય, તને બધી ખબર છે ને મને પણ ખબર છે...’ ઇન્સ્પેક્ટર પંડિતે કહ્યું, ‘આર્મીનું બૅકગ્રાઉન્ડ અત્યારે તને કામ લાગે છે. થર્ડ ડિગ્રી કે બીજા કોઈ પ્રકારનું ટૉર્ચર તને અસર નથી કરવાનું.’
‘તો મહેનત શું કામ કરો છો?’ સંજય સહેજ હસ્યો, ‘વૈશાલીને શોધવામાં આટલો સમય વાપરશો તો કોઈ રિઝલ્ટ આવશે. મારી પાસે તમને કંઈ મળવાનું નથી.’
‘તને ખબર છે વૈશાલી ક્યાં છે.’ સંજયની જડતાથી અકળાયેલા ઇન્સ્પેક્ટર પંડિતે ઑલમોસ્ટ ચીસ પાડતાં કહ્યું, ‘વૈશાલીને ગુમ કરવામાં તારા સિવાય બીજા કોઈનો હાથ નથી અને એ પણ કહી દઉં તને, વૈશાલી અત્યારે કદાચ હયાત પણ નથી...’
‘સાચું... તમે કહો છો એ સાવ સાચું. વૈશાલી હયાત નથી પણ સાહેબ, ભૂલતા નહીં લાશ મળે નહીં ત્યાં સુધી મર્ડર પુરવાર નથી થતું.’ થર્ડ ડિગ્રીના કારણે સંજયના પગ ધ્રૂજતા હતા, ‘જાઓ, જઈને લાશ શોધો. લાશ મળ્યા પછી કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરું. ગુનો કબૂલી લઈશ... પણ જાઓ જઈને પહેલાં ડેડ બૉડી લઈ આવો.’
lll
‘સર, ડૉગ સ્ક્વૉડની હેલ્પ લેવી છે?’ ફ્રસ્ટ્રેટ ઇન્સ્પેક્ટર પંડિતને સજેશન આપતાં કૉન્સ્ટેબલ દલપત ધોત્રેએ પૂછ્યું, ‘હવે તો આ માણસ આપણા કબજામાં છે. તે ક્યાંય કોઈ જાતનાં ચેડાં નહીં કરી શકે.’
‘અગાઉથી ચેડાં કરી લીધાં હોય એનું શું દલપત?’ પંડિતે શંકા વ્યક્ત કરી, ‘સંજયે જે કર્યું છે એ ગુસ્સા કે આવેગમાં કર્યું હોય એવું લાગતું નથી. તેણે કાં તો બધો પ્લાન પહેલાં બનાવી લીધો હતો અને કાં તો ઘટના પછી તેણે એકદમ શાંત ચિત્તે પ્લાન ઊભો કર્યો છે એટલે નથી લાગતું કે આપણે ઘરમાંથી કંઈ મેળવી શકીએ.’
‘ટ્રાય કરવામાં...’
દલપતની વાતમાં તરત જ સહમત થતાં ઇન્સ્પેક્ટર પંડિતે નિર્ણય લઈ લીધો.
‘રાઇટ... આપણે ટ્રાય તો કરી જ લેવી જોઈએ. બોલાવી લે ડૉગ સ્ક્વૉડને.’
પંદર જ મિનિટમાં ડૉગ સ્ક્વૉડ ગોરાઈ જવા રવાના થઈ અને પંડિત પોતાના કાફલા સાથે પોલીસ-સ્ટેશનથી સંજયના ઘરે જવા માટે નીકળી ગયા. નીકળતી વખતે પંડિતને મનમાં નહોતું કે અનાયાસે તે પુરાવાની નજીક પહોંચી રહ્યા છે.
પુરાવાની અને સાથોસાથ કન્ફ્યુઝનની પણ નજીક.
lll
‘આ ઘરની બહાર જઈ કેમ નથી રહી?’
ડૉગ સ્ક્વૉડની હોનહાર ગણાતી સોફિયાને લાવવામાં આવી હતી. મિસિંગ પર્સનને શોધવામાં સોફિયા સૌથી માહેર કહેવાતી. ડ્યુટી જૉઇન કર્યા પછી સોફિયાને જેટલા પણ મિસિંગ કેસ આપવામાં આવ્યા હતા એ તમામ કેસમાં સોફિયાએ સો ટકા રિઝલ્ટ આપ્યું હતું. બહુ ઓછા લોકોને ખબર હશે પણ ડૉગ સ્ક્વૉડમાં રહેલા ડૉગ્સને ખાસ પ્રકારની ટ્રેઇનિંગ આપવામાં આવતી હોય છે. કેટલાક ડૉગ્સને ડ્રગ્સ પકડવા માટે ખાસ ટ્રેઇન કરવામાં આવે છે તો કેટલાક મર્ડર મિસ્ટરી સૉલ્વ કરવામાં એક્સપર્ટ બને છે. કેટલાક ડૉગને સામાન શોધી લાવવામાં માસ્ટરી મળે છે તો કેટલાકને મિસિંગ વ્યક્તિને શોધવામાં એક્સપર્ટીઝ મળે છે. સોફિયા એવી જ એક્સપર્ટ હતી, તે મિસિંગ પર્સનને શોધી લાવવામાં માહેર હતી. પણ આજે, આજે સોફિયા કંઈક ગજબનાક રીતે ઘરમાં અટવાઈ ગઈ હતી.
ઘરમાં લાવવામાં આવતાં પહેલાં સોફિયાને એ અલગ-અલગ વસ્તુઓ સૂંઘાડવામાં આવી જે વૈશાલી નિયમિત રીતે વાપરતી હતી. એ વસ્તુ થકી સોફિયાએ વૈશાલીની ગંધ લીધી અને પછી ઘરમાં ફરવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે સોફિયાએ આખું ઘર ફર્યું અને પછી હૉલમાં આવીને સોફિયા બેસી ગઈ.
‘હેય સોફિયા... ગો.’ સોફિયાના માસ્ટરે સોફિયા પાસે જઈને એને કહ્યું, ‘ગો ફાસ્ટ સોફિયા...’
લૅબ્રૅડોર ડૉગી સોફિયાએ માસ્ટરની સામે જોયું, ઊભી થઈ અને ફરી એ જ કામ કર્યું જે એ અગાઉ કરી ચૂકી હતી. આખું ઘર ફરી વળી અને પછી હૉલમાં આવીને એ ફરી ચૂપચાપ બેસી ગઈ.
‘આ ઘરની બહાર જઈ કેમ નથી રહી?’
ઇન્સ્પેક્ટર પંડિતે માસ્ટરની સામે જોયું અને માસ્ટરે અર્થઘટન કર્યું.
‘એણે જે વાસ લીધી છે એ ખુશ્બૂ અત્યારે વાતાવરણમાં એને મળતી નથી.’
‘મીન્સ?’
‘ઘટના ગયા ગુરુવારની છે અને ખુશ્બૂ સામાન્ય રીતે ત્રણ-ચાર દિવસથી વધારે વાતાવરણમાં રહે નહીં.’ માસ્ટરે ચોખવટ કરી, ‘એમ પણ બને કે રોજ ઘરમાં વૈશાલીનો હસબન્ડ દીવાબત્તી કરતો હોય કે પરફ્યુમ લગાડતો હોય, જેને લીધે વૈશાલીની જે સ્પેસિફિક ખુશ્બૂ છે એ અત્યારે ઘરમાં રહી ન હોય. જો સોફિયાને ઘટનાના એકાદ દિવસ પછી લાવ્યા હોત તો કદાચ એ...’
‘તો પણ કંઈ ન થયું હોત...’
ઇન્સ્પેક્ટર પંડિતને પોતે ઘરમાં આવ્યા એ સમયનું વાતાવરણ યાદ આવી ગયું.
lll
‘ઘરમાં ખુશ્બૂ બહુ સરસ આવે છે.’
‘રૂમ ફ્રેશનરની ખુશ્બૂ છે...’ સંજયે જવાબ આપ્યો હતો, ‘અમારા ઘરમાં એ હંમેશાં ચાલુ જ રહે.’
સંજયની નજર જે દિશામાં હતી એ દિશામાં ઇન્સ્પેક્ટર પંડિતે જોયું. દીવાલ પર ઍર-ફ્રેશનરનું નાનું મશીન હતું, જે દર પાંચ મિનિટ એક સ્પ્રે કરતું હતું.
lll
ઇન્સ્પેક્ટર પંડિતની નજર એ જ દીવાલ પર ગઈ જ્યાં એ મશીન રાખવામાં આવ્યું હતું. મશીન હજી પણ અકબંધ હતું. પંડિત ઉતાવળા પગલે મશીન પાસે ગયા અને તેમણે મશીન હાથમાં લીધું. બે વાત ક્લિયર હતી. કાં તો મશીન વૈશાલી ગુમ થયા પછી લેવામાં આવ્યું છે પણ એ સંભાવના નહીંવત્ ત્યારે બનતી હતી જ્યારે સંજયનો પ્લાન જોવામાં આવે. સંજયે બધું પહેલેથી નક્કી કર્યું હોય તો તેણે આ ઑટોમેટિક ઍર-ફ્રેશનર પણ પહેલાં જ ખરીદી લીધું હોય એવું બની શકે.
મશીન પર સ્ટિકર હશે એવું ધારીને પંડિતે મશીનની ત્રણ દિશામાં જોયું અને પછી તેણે બૉટમ એરિયામાં પણ જોઈ લીધું. મશીન પર ક્યાંય કોઈ સ્ટિકર નહોતું.
આવું કઈ રીતે બની શકે?
ટીવી પર જોયેલી આ જ કંપનીનાં ઑટોમૅટિક ઍર-ફ્રેશનર મશીનની ઍડમાં તો એવું કહેતા હોય છે કે છ મહિનાની પીસ બદલાવી આપવાની ગૅરન્ટી આપે છે તો શું કસ્ટમર છ મહિના સુધી બૉક્સ સાચવી રાખે?
યસ...
ઇન્સ્પેક્ટર પંડિતની આંખો પહોળી થઈ.
LED બલ્બ જેવી જ રીત અહીં, આ મશીનમાં વાપરવામાં આવતી હોઈ શકે છે. LED બલ્બ ખરીદો તો દુકાનદાર બલ્બની બૉર્ડર પર માર્કર પેનથી ખરીદીની તારીખ લખી નાખે છે. બને કે આ મશીનમાં પણ એવું જ થયું હોય.
ઇન્સ્પેક્ટર પંડિતે ફરીથી મશીન પર નજર નાખી પણ બ્લૅક કલરના મશીન પર નરી આંખે કોઈ તારીખ દેખાઈ નહીં એટલે પંડિત મશીન લઈને સૂર્યપ્રકાશમાં આવ્યા અને તેમણે ૩૬૦ ડિગ્રીમાં મશીન ફેરવ્યું અને એક જગ્યા પર માર્કર પેનની નોંધ દેખાઈ.
જાન્યુઆરી, ૨૦૨પ.
આ માણસે પર્ફેક્ટ પ્લાનિંગ કર્યું છે!
lll
‘હવે આ સોફિયા કંઈક ઇન્ડિકેશન આપે એવું થઈ શકે?’
‘હા, પૉસિબલ છે.’ માસ્ટરે ઇન્સ્પેક્ટર પંડિતને કહ્યું, ‘જો વૈશાલીની પર્ફેક્ટ ખુશ્બૂ મળે તો પૉસિબલ છે, પણ એ ચીજ એવી હોવી જોઈએ જેને બીજા કોઈએ ટચ ન કરી હોય. જો એવી આઇટમ હોય તો...’
‘છે, એવી આઇટમ છે.’ પંડિતે વૈશાલીના બેડરૂમ તરફ નજર કરી, ‘વેઇટ...’
પંડિત તરત જ વૈશાલીના રૂમમાં ગયા. રૂમમાં જઈને તેમણે વૉર્ડરોબ ખોલ્યો કે બીજી જ ક્ષણે પંડિતને હાશકારો નીકળી ગયો.
હાશ...
lll
‘આ ટ્રાય કરો...’ સોફિયાના માસ્ટરના હાથમાં વૈશાલીનાં અન્ડરગાર્મેન્ટ્સ મૂકતાં ઇન્સ્પેક્ટર પંડિતે કહ્યું, ‘અહીં સુધી સંજયનું દિમાગ નહીં ચાલ્યું હોય એની મને ખાતરી છે. ટ્રાય કરો...’
માસ્ટરે પહેલાં સોફિયાને વૈશાલીનાં ઉપરનાં અન્ડરગાર્મેન્ટ્સ સૂંઘાડ્યાં અને પછી નીચેનું આંતરવસ્ત્ર. સોનિયાની હરકતમાં ચેન્જ આવવાનું શરૂ થયું. પહેલાં સોનિયા પોતાના આગળના પગ પર ઊભી થઈ અને તેણે આજુબાજુમાં નજર કરી, પછી એ ફરી માસ્ટરના હાથમાં રહેલાં આંતરવસ્ત્રો તરફ ઝૂકી અને એણે એ કપડાંમાં રહેલી વૈશાલીની વાસને ફેફસાંમાં ભરી. હવે જાણે કે માસ્ટરને સંદેશો આપવાનો હોય એમ સોફિયા જોરથી ભસી અને પછી એ ઊભી થઈ ગઈ.
‘યસ બેટા, ગો... ફાઇન્ડ હર...’
માસ્ટરે સોફિયાને છૂટી મૂકી ઇન્સ્પેક્ટર પંડિત સામે જોયું.
‘મોસ્ટ્લી કામ થઈ ગયું.’
પંડિતના ચહેરા પર ચમક આવી અને માસ્ટર આગળ વધતી સોફિયાની પાછળ જવા માંડ્યા. પંડિતે પણ સોફિયાની પાછળ પગ ઉપાડ્યા.
lll
હરકતમાં આવેલી સોફિયા પહેલાં દોડતી વૈશાલીના રૂમ તરફ ભાગી. પહેલા માળે આવેલા રૂમમાં સોફિયાએ ચક્કર માર્યું અને પછી વૉર્ડરોબ સામે જોઈને એ થોડું ભસી. ઇન્સ્પેક્ટર પંડિત કંઈ કહેવા માટે માસ્ટર તરફ આગળ વધ્યા કે તરત હાથના ઇશારે માસ્ટરે તેમને રોકી દીધા. માસ્ટરની નજર માત્ર સોફિયા પર હતી. વૉર્ડરોબ સામે ભસેલી સોફિયા ત્યાંથી મૂવ થઈ વૈશાલીના બેડરૂમની બહાર નીકળી.
‘સોફિયા કહે છે કે તમે એ કપડાં આ કબાટમાંથી લીધાં.’
પંડિતનો જવાબ સાંભળવાની તસ્દી લીધા વિના જ માસ્ટર પણ સોફિયાની પાછળ બહાર નીકળી ગયા. માસ્ટરની પાછળ બહાર નીકળતાં ઇન્સ્પેક્ટર પંડિતની ચાલમાં ઝડપ આવી ગઈ, જે હવે મળનારી સફળતાની આશા દર્શાવતી હતી.
lll
રૂમમાંથી બહાર આવેલી સોફિયા પહેલાં હૉલના દરેક ખૂણામાં ફરી અને એ પછી એ ત્યાંથી નીકળીને કિચનમાં ગઈ. કિચનમાં ઊભા રહીને સોફિયાએ ગેસના ચૂલા તરફ ઘુરકિયાં કર્યાં, પછી એ આગળ વધતી ઘરના પાછળના ભાગ તરફ ગઈ. સોફિયાના ઇશારા સમજતા જતા માસ્ટરે આવીને પાછળ ઊભા રહી ગયેલા ઇન્સ્પેક્ટર પંડિતને કહ્યું.
‘એ લેડીને ગૅસના ચૂલા સાથે કંઈક નિસબત છે.’
‘શું?’
‘ખબર પડે એટલે કહું...’
સોફિયાની પાછળ પહોંચી ગયેલા માસ્ટરે નજર સોફિયા પરથી હટાવી નહોતી. સોફિયા ઘરના પાછળના ભાગમાં ફળિયામાં સહેજ ફરી અને પછી એક ખૂણામાં પડેલા ભંગાર જેવા સામાન પાસે ગઈ. પહેલાં એણે સામાન સામે જોયું અને પછી એણે માસ્ટર સામે જોયું.
‘ગો બેટા... ગો...’ માસ્ટરે કહ્યું, ‘આઇ ઍમ હિઅર... ગો.’
જાણે કે માસ્ટરના સધિયારાની રાહ જોતી હોય એમ જેવું માસ્ટરે આગળ વધવાનું કહ્યું કે તરત સોફિયા એ ભંગાર જેવા સામાન પર તરાપ મારી પોતાના આગળના પગથી એ સામાન વેરવિખેર કરી નાખ્યો. ઇન્સ્પેક્ટર પંડિત માટે આ તાજ્જુબની વાત હતી. તેમણે માસ્ટરની પાછળથી ગરદન બહાર કાઢી સોફિયાની હરકત નોંધવાનું શરૂ કર્યું.
સામાન ફેંદીને સોફિયાએ પાછળ જોયું અને પછી એ દોડતી ફરી ઘરમાં ગઈ. માસ્ટર પણ દોડતા એની પાછળ ગયા. ત્યાં સુધીમાં હૉલમાં પહોંચી ગયેલી સોફિયા એક જગ્યાએ ગોળ-ગોળ ફરવા માંડી. ત્રણેક રાઉન્ડ માર્યા પછી સોફિયાએ ઝાટકા સાથે ઉપર જોઈ ખાતરી કરી કે એના માસ્ટર ત્યાં જ છે.
‘છું હું... તું જા...’
સોફિયા દોડી અને ફરી ગૅસના ચૂલા પાસે જઈને ઊભી રહી. ત્યાં ભસવા માંડી. માસ્ટર કંઈ કહે કે પૂછે એ પહેલાં સોફિયા કિચનમાં ચક્કર લગાવતી કંઈક શોધવા માંડી. અડધી મિનિટની એ પ્રક્રિયા પછી સોફિયા એક વાસણ સામે જોઈને જોર-જોરથી ભસવા માંડી અને પછી એ જગ્યાએ એ બેસી ગઈ.
માસ્ટર અને ઇન્સ્પેક્ટર પંડિતની નજર એ વાસણ પર સ્ટોર થઈ.
એ કુકર હતું, પ્રેશર કુકર!
(ક્રમશઃ)

