નિર્મલે નજર નાખી અને તેની આંખો પહોળી થઈ ગઈ. તેનો દાવો ખોટો હતો. આ છોકરીને પણ એ જ સ્થળ પર તલ હતો જ્યાં વનિતાને હતો.
ઇલસ્ટ્રેશન
‘નિર્મલ, આ ગવર્નમેન્ટ ડૉક્યુમેન્ટ્સ છે. આનો તો કેવી રીતે વિરોધ કરી શકાય?’
‘સર, આ બધું ફેક છે. આ વનિતા નથી. તમે મારી વાત માનો.’
ADVERTISEMENT
‘હવે તારી વાત માનવાનો પ્રશ્ન જ નથી. આ છોકરી સાબિત કરે છે કે એ જ વનિતા છે, તારી વાઇફ છે.’ સોમચંદે પ્રૅક્ટિકલ વાત કરી, ‘જો તું અત્યારે કોર્ટમાં પણ જાય તો પણ સાબિત થઈ જાય કે આ જ તારી વાઇફ છે.’
વાતો ચાલતી હતી ત્યાં જ મેઇન ડોરની બેલ વાગી અને દરવાજો ખોલવા વનિતા ઊભી થઈ. જોકે તરત જ નિર્મલે તેની સામે આંખો મોટી કરી.
‘આ તારું ઘર નથી. તારે જવાની જરૂર નથી.’
વનિતા જવાબ આપવા માગતી હતી પણ સોમચંદે તેને ઇશારાથી શાંત રહેવા માટે કહ્યું અને ત્યાં સુધીમાં નિર્મલે દરવાજો ખોલી નાખ્યો હતો. સામે એક લેડી ઊભાં હતાં.
‘મંજુલાબહેન, સારું થયું તમે આવી ગયાં...’ સોમચંદ તરફ ઉત્સાહ સાથે નિર્મલ ટર્ન થયો, ‘આ અમારાં પાડોશી છે. અમારી પણ પહેલાંથી તે અહીં રહે છે. તમે તેને પૂછો.’
‘શું પૂછું?’
સોમચંદ કંઈ સમજે કે વધારે કંઈ બોલે એ પહેલાં તો મંજુલાબહેન ઘરમાં દાખલ થયાં અને વનિતા પાસે ગયાં.
‘સવારે ખાંડ લઈ ગઈ હતીને, આ તમારી વાટકી.’
‘નિર્મલ, જવાબ મળી ગયો તને?’
સવાલ સોમચંદે કર્યો પણ નિર્મલની અકળામણ અકબંધ હતી.
‘મંજુલાબહેન, તમે સાચું બોલજો, તમને તમારા ભગવાનના સમ... કહો જોઈએ, આ છોકરી કોણ છે?’
‘વનિતા... એમાં શું ભગવાનના સમ ખાવાના...’
મંજુલાબહેન બહાર નીકળી ગયાં અને નિર્મલે દીવાલ સાથે જોરથી માથું અફળાવ્યું.
‘આ વનિતા નથી. તમે મારી વાત કેમ નથી માનતા?’
‘ઓકે. તું કહે છે તો આપણે તારી વાત સાચી માનીએ. આ વનિતા નથી. હું ઇન્ક્વાયરી કરું છું પણ તું એક કામ કર.’ સોમચંદે નિર્મલને કહ્યું, ‘તું મારા માટે સિગારેટ લઈ આવ. ત્યાં સુધીમાં હું આની ઇન્ક્વાયરી કરું છું.’
‘ના, મારી સામે કરો. મારે આની સચ્ચાઈ જાણવી છે.’
‘હું કહું છુંને, તું અત્યારે જા.’ સોમચંદના શબ્દોમાં અને ચહેરા પર કરડાકી હતી, ‘સિગારેટ લઈને આવ, જા...’
‘અરે પણ, મારે મારા ઘરમાંથી નીકળવાનું?’
‘હા, જો જેલમાં ન જવું હોય તો...’ નિર્મલના ખભા પર હાથ મૂકી સોમચંદ લિફ્ટ સુધી તેની સાથે આવ્યા, ‘બને કે તારી હાજરીમાં આ છોકરીનું નાટક ચાલુ રહે અને તારી ગેરહાજરીમાં સાચું કહી દે. તું જા.’
‘હા... પણ જો આ ખોટાડીને એમ ને એમ જવા નહીં દેતા...’ લિફ્ટમાં દાખલ થતાં પહેલાં નિર્મલે વનિતા સામે જોયું, ‘તને તો છઠ્ઠી યાદ દેવડાવીશ, તું જો...’
lll
‘છે શું આ બધું વનિતા?’
‘સર, કશું નથી. મેં તમને બધાં પ્રૂફ આપ્યાંને, તમને હજી પણ સવાલ છે?’ વનિતાના અવાજમાં શાંતિ હતી, ‘અરે, એ બધાં પ્રૂફ છોડો. પાડોશી આવીને પણ કહી ગયાને, હવે તો તમને વિશ્વાસ આવવો જોઈએને?’
‘નિર્મલ કેમ આવું વર્તે છે?’
વનિતા હજી જવાબ આપે એ પહેલાં ફ્લોર પર લિફ્ટ આવી અને લિફ્ટમાંથી નિર્મલ બહાર નીકળ્યો.
‘સૉરી સર, હું પાછો આવી ગયો પણ મને એક વાત યાદ આવી. હમણાં પાંચ મિનિટમાં પ્રૂવ થઈ જશે કે આ છોકરી વનિતા નથી.’
‘હંમ... બોલ.’
‘સર, વનિતાને લેફ્ટ બ્રેસ્ટની ઉપરની સાઇડ પર મોટો તલ છે. આ છોકરીને ચેક કરો, તેને નહીં હોય...’ નિર્મલ વનિતા તરફ ફર્યો, ‘દેખાડ, અહીં જ દેખાડ એટલે સોમચંદસરને પણ ખબર પડી જાય.’
‘યુ નૉન્સેન્સ...’ હવે વનિતા ગુસ્સે થઈ, ‘તું આ પારકા માણસ સામે મને આવું કરવાનું કહે છે.’
‘હા, કારણ કે વાત તારી ફેકનેસની છે.’ નિર્મલના અવાજમાં જબરદસ્ત જુસ્સો હતો, ‘જો તું સાચી હો તો દેખાડ અને જો તું ખોટી હો તો અત્યારે જ ઘરમાંથી નીકળ. હું, હું તારી સામે કોઈ ઍક્શન નહીં લઉં. આઇ પ્રૉમિસ.’
વનિતા અને સોમચંદ બન્ને
અવાક હતાં.
‘હું તને દેખાડી દઉંને?’
‘ના, મને તારો ભરોસો નથી. જો તલ ન હોય તો તું બહાર આવીને સ્વીકારીશ નહીં ને મારી વાત સર નહીં માને તો... વાત ત્યાંની ત્યાં જ રહેશે.’ નિર્મલની દલીલમાં લૉજિક હતું, ‘અહીં જ થશે, સરની હાજરીમાં...’
વનિતાના ચહેરા પર સ્વાભાવિકપણે ખચકાટ હતો.
‘તને એવું હોય તો હું મોઢું ફેરવી લઉં છું, તું સોમચંદસરને દેખાડી દે...’
‘મને તને દેખાડવામાં પ્રૉબ્લેમ
નથી નિર્મલ, હું આમને... આમને કેવી રીતે દેખાડું?’
‘ન જ દેખાડને, ત્યાં કોઈ તલ છે જ નહીં...’ નિર્મલનો ઉત્સાહ બેવડાયો, ‘ચાલ નીકળ ઘરની બહાર... સીધી બહાર.’
વનિતાએ દરવાજા તરફ પગ ઉપાડ્યો. મેઇન ડોર વનિતાની રાઇટ સાઇડ પર હતું જ્યારે મેઇન ડોરની લેફ્ટ સાઇડ પર રાખેલા કાઉચ પર સોમચંદ બેઠા હતા.
‘જોયું સર, પકડાઈ ગઈને છોકરી...’ નિર્મલે વનિતાને પીઠ પાછળથી સહેજ ધક્કો માર્યો, ‘નીકળ...’
વનિતા દરવાજા સુધી પહોંચી અને ઝાટકા સાથે તેણે સોમચંદ સામે જોયું.
સોમચંદ કંઈ સમજે એ પહેલાં જ વનિતાએ પોતાનું બ્લાઉઝ લેફ્ટ સાઇડથી નીચે ઉતાર્યું, બ્લાઉઝની સાથે અપર-અન્ડરગાર્મેન્ટ પણ નીચે આવ્યું અને વનિતા સોમચંદની સામે ઊભી રહી ગઈ.
સેકન્ડના છઠ્ઠા ભાગમાં જ સોમચંદે નજર ફેરવી અને તેના પગ નિર્મલ તરફ ઊપડ્યા.
સટાક...
‘હરામખોર, છે તલ...’
સોમચંદે વનિતાની સામે જોયું, વનિતા હજી પણ એ જ અવસ્થામાં ઊભી હતી.
‘જો, તું... તું પણ જોઈ લે.’
નિર્મલે નજર નાખી અને તેની આંખો પહોળી થઈ ગઈ. તેનો દાવો ખોટો હતો. આ છોકરીને પણ એ જ સ્થળ પર તલ હતો જ્યાં વનિતાને હતો.
‘નાઓ ગો... જા, જલદી સિગારેટ લઈ આવ.’ સોમચંદે નજર નીચી કરી વનિતાને પણ કહ્યું, ‘બેન, હવે તમારું આ એક્સપોઝર બંધ કરો અને ચૂપચાપ અહીં બેસો.’
lll
‘શું છે આ બધું બેન, મને કંઈ સમજાતું નથી.’ સોમચંદે વાતની શરૂઆત કરી, ‘તમે જે પ્રૂફ આપ્યાં એ બધા પરથી તો પ્રૂવ થાય છે કે તમે જ વનિતા છો. અફકોર્સ, મને ખાતરી નથી પણ અત્યાર સુધી તો તમે બધી જગ્યાએ સાચાં સાબિત થયાં છો પણ નિર્મલ કેમ તમને વનિતા તરીકે સ્વીકારવા તૈયાર નથી?’
‘સર, તેની મેન્ટલ હેલ્થ.’ વનિતાએ વાત કરી, ‘નિર્મલને છેલ્લા છ મહિનાથી મેમરી-લૉસ અને હેલુસિનેશનના અટૅક આવે છે.’
‘હેલુસિનેશન... એ શું હોય?’
‘જે ન હોય એ પણ માનવું. ઇલ્યુઝન જેવું જ પણ જો એની માત્રા વધી જાય તો એ સાઇકોલૉજિકલ બીમારી બની જાય છે.’ વનિતાએ ઊભા થઈને ટીવી-યુનિટ નીચેના ડ્રૉઅરમાંથી ફાઇલ કાઢી, ‘ઑલરેડી તેની ડૉ. ચોકસીની ટ્રીટમેન્ટ પણ ચાલુ છે. દિવસમાં તેણે બે વખત મેડિસિન લેવાની હોય છે, જો એ લેવાનું ભુલાઈ જાય તો તેને હેલુસિનેશનના અટૅક વધી જાય.’
‘તે જે ગોરાઈની વાત કરે છે એનું શું?’
‘સર, ગોરાઈ અમે ગયાં એ સાચું. અમારે ત્યાં ઝઘડો થયો અને હું ત્યાંથી નીકળી ગઈ. એ જે ઝઘડો થયો હતો એ મારા કમબૅક માટેનો હતો. હું ફરીથી ઍક્ટિંગ કરવા માગું છું એ વાતે તેને ગુસ્સો આપ્યો અને તે કંઈ પણ બોલવા લાગ્યો એટલે મને ખરાબ લાગ્યું. હું ત્યાંથી નીકળી ગઈ. મારે ઘરે નહોતું આવવું એટલે હું સીધી પપ્પાના ઘરે ગઈ. મેં ત્યાં કંઈ વાત નથી કરી એ જસ્ટ તમારી જાણ માટે. મને હતું કે સવાર પડતાં સુધીમાં નિર્મલનો ગુસ્સો શાંત થઈ જશે અને મને ફોન કરશે, પણ તેનો ફોન આવ્યો નહીં એટલે હું એક રાત વધારે ત્યાં રોકાઈ અને આજે સવારે આવી તો ઘર બંધ હતું. મેં રસોઈની તૈયારીઓ શરૂ કરી અને ત્યાં જ તમે અને નિર્મલ આવ્યા... બસ, આટલું જ. સર, નિર્મલે દવા નથી લીધી એની આ અસર છે.’
વનિતા કંઈ આગળ બોલે એ પહેલાં તો મેઇન ડોર પર જોર-જોરથી હાથ પછડાવાનું શરૂ થયું અને બહારથી અવાજ આવવા માંડ્યો.
‘આ ખોટી છે સર. મારી કોઈ ટ્રીટમેન્ટ નથી ચાલુ...’
ધાક... ધાક... ધાક...
ફરીથી દરવાજો ખખડ્યો અને વનિતા દરવાજો ખોલવા ઊભી થઈ પણ સોમચંદે તેને ઇશારો કરીને બેસાડી દીધી અને પોતે દરવાજો ખોલ્યો.
‘ગામ ગજાવવાની જરૂર નથી નિર્મલ. શાંતિથી બેસ. આપણે વાત કરીએ.’
‘મારે કોઈ વાત નથી કરવી. હું સાચું કહું છું. મારી કોઈ ટ્રીટમેન્ટ નથી ચાલતી. મેં બહાર ઊભા રહીને તેની બધી વાત સાંભળી. આ કોઈ મોટું ષડ્યંત્ર છે. આ... આ... છોકરી મને ગાંડો સાબિત કરવા માગે છે.’
સોમચંદે ટીપાઈ પર પડેલી ફાઇલ હાથમાં લીધી.
ડૉ. ચોકસીની એ ફાઇલ પણ નિર્મલનું નામ સ્પષ્ટ રીતે લખાયું હતું અને લખ્યું હતું, Severe Delusional Disorder.
સોમચંદ બરાબરના મૂંઝાયા હતા.
કોણ સાચું અને શું સાચું?
આ પ્રકારનો કેસ તેમણે પોતાની આખી કરીઅરમાં ક્યારેય જોયો નહોતો.
એક છોકરો પોતાની વાઇફને શોધવા માટે બે દિવસથી હેરાનપરેશાન હતો, એ જ છોકરો હવે તેની વાઇફને ઓળખવાની ના પાડે છે અને દાવો પણ કરે છે કે આ કોઈ ષડ્યંત્ર છે.
‘સર, તમને મેં બધી વાત કરી દીધી. આમાં મારું શું ષડ્યંત્ર હોવાનું...’ વનિતાએ નિર્મલની સામે જોયું, ‘સૉરી પણ આની પાસે છે શું કે હું લઈ લેવાની, સિવાય કે તેનું દેવું.’
‘ધૅટ્સ નન ઑફ યૉર બિઝનેસ.’ વનિતાને જવાબ આપીને નિર્મલે ફરી સોમચંદ સામે જોયું, ‘સર, હું કહું છું આપણે પોલીસને બોલાવીએ. તે બધેબધું સાચું બોલાવશે. આ છોકરી ચીટર છે. બહુ મોટી ફ્રૉડ છે... તમે પોલીસને બોલાવો. ઇન્સ્પેક્ટર સાવંત તમારા ફ્રેન્ડ છેને, તેને ફોન કરો.’
‘બેન...’ સોમચંદે વનિતા સામે જોયું, ‘તમે પાંચ મિનિટ માટે બહાર જશો, પ્લીઝ...’
કોઈ જાતની દલીલ વિના વનિતા ઊભી થઈ ગઈ.
‘આમ પણ મારે શાક લેવા જવાનું છે, હું શાક લઈને આવું.’
lll
‘જો નિર્મલ, એક વાત યાદ રાખજે. પોલીસને બોલાવી તો હન્ડ્રેડ પર્સન્ટ તું ફસાશે.’
‘અરે, કેવી રીતે? હું આ છોકરીને ઓળખતો જ નથી.’
‘અમે પણ તેને નથી ઓળખતા. પણ તેણે વનિતા હોવાનાં પ્રૂફ આપ્યાંને?’ સોમચંદે લૉજિક સાથે સમજાવ્યું, ‘તું નિર્મલ છો કે નહીં એની મને નથી ખબરને, તું કહે છે એટલે મેં માની લીધું.’
‘અરે હું તમને પ્રૂફ આપુંને સર... હું જ નિર્મલ છું.’
‘શું આપીશ પ્રૂફ?’
‘તમે માગો એ... મારું ડ્રાઇવિંગ લાઇસન્સ, મારો પાસપોર્ટ, મારું આધાર...’
નિર્મલ સમજી ગયો કે સોમચંદ તેને શું કહેવા અને સમજાવવા માગે છે.
‘જો તારા એ ડૉક્યુમેન્ટ્સ પર મારે માનવાનું કે તું નિર્મલ છો તો આ જ વાત આ છોકરીમાં પણ લાગુ પડેને?’ સોમચંદ તર્ક સાથે કહ્યું, ‘તું સાવંતને બોલાવવાનું કહે છે, સાવંત એક મિનિટમાં આવી જશે પણ પછી હું જે કહું છું એ જ વાત સાવંત પણ કરશે અને તારે આ છોકરીને ઘરમાં રાખવી પડશે. તું કંઈ આડુંઅવળું કરીશ તો પછી સીધો પોલીસ-કેસ થશે અને તું સીધો જેલમાં.’
‘મને લાગે છે કે અત્યારે એક જ રસ્તો છે.’ ઊંડો શ્વાસ લેતાં સોમચંદે કહ્યું, ‘તું આ છોકરીની સાથે એ જ રીતે રહે જાણે કે તું તેને ઓળખે છે.’
‘પણ વનિતાને શોધવાનું...’
‘તેને શોધવાનું કામ હું કરું છું. તું એ મારા પર છોડી દે. બસ, તું અત્યારે થોડો સમય શાંતિથી કાઢી નાખ.’ સોમચંદે કહ્યું, ‘બપોર પછી આપણે ફરી મળીએ. ત્યાં સુધીમાં હું કોઈ ને કોઈ રસ્તો શોધી લઈશ.’
‘પ્લીઝ સર. હું સાચું કહું છું આ વનિતા નથી... ’
‘ઍગ્રી, તું અત્યારે શાંતિ રાખ.’
lll
સોમચંદ નીચે ઊતરીને કૅબમાં બેઠા. અત્યારે તેનું દિમાગ પણ ચકરાવે ચડ્યું હતું.
‘વનિતા, તું ક્યાં છો? પ્લીઝ સામે આવ...’
(વધુ આવતી કાલે)


