‘હૈદરના મોબાઇલ પર એક ઓટીપી જશે, એ જવો ન જોઈએ.’ સોમચંદે ફોન પર જ ડિમાન્ડ કરી, ‘એ ઓટીપી જલદી મને આપ...’
ઇલસ્ટ્રેશન
‘હૈદર ક્યાંય ગયો નથી... કન્ફર્મ. હૈદર અહીં જ છે અને કાં તો તે આ ઘટના પછી મુંબઈની બહાર ગયો છે.’
અડધી રાતે સિરાજની ઑફિસમાં દાખલ થયા પછી સોમચંદને ત્રણ એવી વાત ખબર પડી જેના આધારે હવે તેની સામે કેસ ક્લિયર થવા માંડ્યો હતો.
ADVERTISEMENT
‘આવું માની લેવાનું કોઈ કારણ?’
‘હા... ચોક્કસ કારણ છે. તું જો...’ ઑફિસનું લૅપટૉપ ગર્ગ તરફ ફેરવીને સોમચંદે કહ્યું, ‘સાંજે સાડાસાત વાગ્યે સિરાજ ઘરની બહાર નીકળે છે અને એ જ રાતે સાડાઆઠ વાગ્યે તેનો પાર્ટનર ફરવા માટે મુંબઈની બહાર જાય છે. ફરવા પણ ક્યાં ગયો? તો કહે માથેરાન... ગર્ગ, તું જરા વિચાર તો કર. ચોમાસાના દિવસોમાં કયો બળદ પોતાની ગાડી લઈને માથેરાન જવા માટે નીકળે અને કયા ગધેડાને માથેરાનની ઑથોરિટી ગાડી સાથે ઉપર જવા દે...’
સોમચંદ પાસે હજી પણ આર્ગ્યુમેન્ટ હતી.
‘મુંબઈમાં જ રહેતા બે પાર્ટનર વચ્ચે આમ પણ દરરોજ મળવાનું થતું હોય. મેસેજ પર અને વૉટ્સઍપ પર વાતો થતી હોય. એ પછી પણ હૈદર વેકેશન પર જાય છે એ વાત પોતાના પાર્ટનરને ઈ-મેઇલથી કહે છે.’
‘કૉર્પોરેટાઇઝેશન?’
સોમચંદ ડાબા હાથની મિડલ ફિંગર દેખાડી.
‘આ એ પ્રજા નથી જે કૉર્પોરેટાઇઝેશનમાં માનતી હોય... અને તું જો...’ સોમચંદે આખી ઑફિસ તરફ ઇશારો કર્યો, ‘આમાં એક પણ સ્ટાફ આવીને બેસતો હોય એવું લાગે છે?! ઑફિસ કૉર્પોરેટ ત્યારે બને જ્યારે એમાં પાંચ-પંદરનો સ્ટાફ હોય.’
સોમચંદની રેકૉર્ડ હૈદર પર અટકી ગઈ હતી.
‘કન્ફર્મ, હૈદર આ કેસમાં વધારે જાણે છે અને તેણે એ જ કારણે આખી વાત એવી રીતે ઊભી કરી છે જેથી એવું લાગે કે પોતે આ ઘટના સમયે દૂર હતો.’
‘ઉપાડીએ હૈદરને...’ ગર્ગે કહ્યું, ‘ઍડ્રેસ તો તેનાં અબ્બુ-અમ્મી પાસેથી આરામથી મળી જશે.’
‘એની જરૂર નથી...’ લૅપટૉપનું એક ફોલ્ડર ખોલતાં સોમચંદે કહ્યું, ‘ઑલરેડી સ્કૅન કરેલું આધાર કાર્ડ અહીં છે જ...’
સોમચંદે સ્ક્રીન પર આધાર કાર્ડ ઓપન કર્યું અને પછી મોબાઇલમાં એનો ફોટો પાડતાં ગર્ગને કહ્યું, ‘બકા, કામ થઈ ગયું... આ હરામખોરે રમત કરી છે.’
‘શાની રમત?’
‘એક મિનિટ...’
સોમચંદ ઇન્ટરનેટ પર ખાંખાંખોળા કરવા માંડ્યા. દોઢેક મિનિટ ચાલેલી એ રમત પછી તરત જ તેણે મોબાઇલ ઑપરેટરને ફોન કર્યો.
‘હૈદરના મોબાઇલ પર એક ઓટીપી જશે, એ જવો ન જોઈએ.’ સોમચંદે ફોન પર જ ડિમાન્ડ કરી, ‘એ ઓટીપી જલદી મને આપ...’
‘સર, મારી જૉબ...’
‘જાય તો ટેન્શન નહીં કરતો. મારે ત્યાં આમ પણ હાઉસ-હેલ્પર નથી. તને જૉબ આપી દઈશ, આ જ સૅલેરી સાથે.’ સોમચંદે મોબાઇલ સ્પીકર પર કર્યો, ‘જલદી ઓટીપી આપ...’
‘ટૂ... વન... ઝીરો... ફોર...’
‘ચાલુ રાખ ફોન...’
સોમચંદે ઇન્ટરનેટ બ્રાઉઝરમાં ઓટીપી એન્ટર કર્યો અને બીજી જ સેકન્ડમાં તેની સ્ક્રીન પર ડાઉનલોડનો ઑપ્શન ખૂલી ગયો.
‘ડન...’ ડાઉનલોડ પૂરું થયું એટલે સોમચંદે નવો ફોટો પાડ્યો, ‘જો આ...’
ગર્ગે હવે સોમચંદના મોબાઇલ પર નજર કરી.
‘આ છે હૈદરનું સાચું આધાર કાર્ડ... હૈદરે લૅપટૉપમાં જે આધાર કાર્ડ રાખ્યું હતું એમાં તેણે ફોટોશૉપથી ચેડાં કર્યાં છે અને એકસરખા દેખાતા ફોન્ટ્સનો ઉપયોગ કરીને પોતાનું ઍડ્રેસ ચેન્જ કર્યું છે, પણ ઓરિજિનલ આધાર કાર્ડમાં તેનું ઍડ્રેસ વિજયનગરનું છે... મોસ્ટ્લી એ જ જગ્યાનું જ્યાં સિરાજનું મર્ડર થયું છે.’
‘હૈદર જાણતો હતો કે અહીં પોલીસ આવશે...’ લૅપટૉપ બંધ કરતાં સોમચંદે કહ્યું, ‘એ જ કારણે તેણે આ ઘાલમેલ કરી છે...’
‘પણ તને કેવી રીતે ખબર પડી?’
‘સિમ્પલ છે યાર...’ સોમચંદે ફેક આધાર કાર્ડ ઝૂમ કર્યું, ‘જો તેણે બધેબધી ઇન્ફર્મેશન નવા ફોન્ટ્સથી લખી હોત તો ખબર ન પડી હોત, પણ તેણે નામ અને બર્થ-ડેટ એ જ રહેવાં દીધાં અને માત્ર ઍડ્રેસમાં ચેડાં કર્યાં. ધ્યાનથી જો... ઓરિજિનલ ફોન્ટ બ્લૅક નથી, એમાં ટેન પર્સન્ટ વાઇટ કલર હોય એ પ્રકારના ગ્રે છે, પણ હૈદરે જે નવા ફોન્ટ્સ વાપર્યા એ બ્લૉક છે... ઝૂમ કરીએ તો જ આ ડિફરન્સ ધ્યાનમાં આવે છે.’
‘જિનીયસ યાર...’ ગર્ગથી અનાયાસ જ બોલી જવાયું, ‘આટલું બારીકાઈથી જોવાનું તો કોઈને સૂઝે નહીં...’
‘હા, પણ ગુમ થયાની ફરિયાદ આવ્યા પછી જે-તે વ્યક્તિના મોબાઇલનું લોકેશન ચેક કરવાનું તો કોઈને પણ સૂઝવું જોઈએ...’ સોમચંદના શબ્દોમાં ટોણો હતો, ‘જો એ સમયસર સૂઝ્યું હોત તો કદાચ લાશના ટુકડાઓની પ્રક્રિયા ચાલતી હતી એ જ સમયે પોલીસના હાથમાં હૈદર આવી ગયો હોત.’
ગર્ગ પાસે કોઈ જવાબ નહોતો. તેને ખબર હતી કે ડિપાર્ટમેન્ટની આ ભૂલ હવે તેણે આવતાં દસેક વર્ષ તો મિનિમમ સાંભળવાની હતી.
lll
ખટાક...
ઘર ખૂલ્યું ત્યારે અંદરથી તીવ્ર ખુશ્બૂ બહાર ખેંચાઈ આવી. સોમચંદ એ ખૂશ્બૂને પારખી ગયા. એ બખૂરની ખુશ્બૂ હતી જે સામાન્ય રીતે મુસ્લિમ, મેમણ, ખોજા અને વહોરાના પરિવારમાં વધારે વપરાતો હોય છે. વિશ્વનો સૌથી શ્રેષ્ઠ બખૂર આરબ એમિરેટ્સમાં મળે છે અને એની એક કિલોની કિંમત પચાસ-સાઠ હજાર રૂપિયા સુધીની હોય છે, પણ એ બખૂરમાં ગૅરન્ટી કે તમે તમારા ઘરમાં એનો ધૂપ કરો એટલે એક એકરમાં ફેલાયેલી આખી સોસાયટીમાં એ પ્રસરી જાય.
બખૂરની ખુશ્બૂની જે તીવ્રતા હતી એના પરથી એટલો અણસાર આવતો હતો કે એ ધૂપ હમણાં જ કરવામાં આવ્યો હતો.
ગર્ગ ઘરમાં આગળ વધ્યો જ્યારે સોમચંદ ખુશ્બૂને છાતીમાં ભરતાં બખૂર જ્યાં કરવામાં આવ્યો હતો એ જગ્યાને શોધતો આગળ વધ્યો. બખૂરદાની ડ્રૉઇંગરૂમમાં ક્યાંય દેખાઈ નહીં એટલે સોમચંદ ખુશ્બૂની આંગળીએ બેડરૂમમાં ગયો. બેડરૂમમાં ક્વીન સાઇઝનો એક બેડ હતો અને એની સામે ટીવી હતું, જેની નીચે કાપડ કાપવાનું ઑટોમૅટિક કટર પડ્યું હતું. સોમચંદે ખિસ્સામાંથી રૂમાલ બહાર કાઢીને એ કટરને હાથમાં લઈ એની બ્લેડનું નિરીક્ષણ શરૂ કર્યું.
‘ગર્ગ...’ કટર હાથમાં લઈને સોમચંદ ઇન્સ્પેક્ટર પાસે પહોંચ્યા, ‘આ જ ઘરમાં સિરાજના ટુકડા થયા છે... ચેક...’
બ્લેડના ચોક્કસ ભાગ તરફ સોમચંદે આંગળી કરી.
‘બ્લેડની ધાર અહીંથી વળી છે... જે દેખાડે છે કે આ કટરનો ઉપયોગ એવું કશું કાપવા માટે થયું છે જે એની બ્લેડ સુધ્ધાંને વાળી દે...’
‘હાડકાં...’ ગર્ગે કહ્યું, ‘બૉડીનાં અમુક બોન તો ત્રણ અને ચાર બ્લેડ પછી પણ તૂટતાં નથી હોતાં, તને તો ખબર જ છે...’
‘હં...’ સોમચંદે ગર્ગની સામે જોયું, ‘જો પેલા દિવસે મોબાઇલ લોકેશન ચેક કર્યું હોત તો ગૅરન્ટેડ સિરાજની બૉડીએ આ બધું સહન ન કરવું પડ્યું હોત...’
ગર્ગ પાસે કોઈ જવાબ નહોતો અને જો એ હોત તો સોમચંદ પાસે એ સાંભળવાનો સમય પણ નહોતો.
lll
‘ફાસ્ટ ચલાવ યાર...’ સોમચંદે ગર્ગને કહ્યું અને સાથોસાથ ફોન પર પણ વાત ચાલુ રાખી, ‘ફોટો મોકલ્યો છે, પણ ફોટોનું ટેન્શન છોડો. ફક્ત ઇન્ડિગોને એટલું ઇન્ફૉર્મ કરો કે હૈદર મુસ્તાન નામના માણસને બોર્ડ ન કરવા દે.’
‘તે નીકળી ગયો તો પણ આપણે તેને પકડી શકીશું. તે દુબઈ જાય છે અને દુબઈ સાથે આપણી ટ્રીટી...’
‘દુબઈ સાથે ટ્રીટી છે, ઓમાન સાથે નથી... ઍન્ડ ફૉર કાઇન્ડ ઇન્ફર્મેશન, દુબઈથી હૈદર તરત જ ઓમાનની ફ્લાઇટ લેવાનો છે...’
‘યાર, એક વાત તો કહે...’ ગર્ગે સોમચંદને પૂછ્યું, ‘તને ડસ્ટબિન ફેંદવાની આદત કયા કેસથી પડી? યુઝ્અલી કોઈ એવી જગ્યા જોતું નથી હોતું અને તું...’
‘બ્રેક...’ સોમચંદે રીતસર રાડ પાડી, ‘ઊભી રાખ ગાડી.’
‘કેમ શું થયું?’
જવાબ આપવાને બદલે સોમચંદે મોબાઇલની ફોટો ગૅલરીમાં રહેલા ફોટો ઝૂમ કરી ચેક કરવાનું શરૂ કર્યું.
‘શું થયું કહે તો ખરો...’
સોમચંદે કોઈ જવાબ આપ્યો નહીં એટલે ગર્ગની આંખો સામે આખો ઘટનાક્રમ પસાર થવા માંડ્યો.
lll
ઘરમાં ગયા પછી સોમચંદ જે બેડરૂમ ચેક કરતો હતો એ બેડરૂમમાંથી કટર મળ્યું જેની બ્લેડ કહેતી હતી કે સિરાજના બૉડીના ટુકડા કરવામાં એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કટર કબજામાં લઈને સોમચંદે રૂમ ફરીથી ચેક કરવાનું શરૂ કર્યું અને ચેક કરતાં-કરતાં જ સોમચંદના ધ્યાનમાં ડસ્ટબિન આવી. એ ખોલીને જોતાં એમાંથી તેને ફાડી નાખવામાં આવેલી ફ્લાઇટની ટિકિટ મળી, જે આજની એટલે કે શુક્રવાર સાંજની હતી. સોમચંદ અને ગર્ગ તરત જ બન્ને ઍરપોર્ટ જવા માટે નીકળ્યા અને અચાનક સોમચંદે ગાડી રોકાવી દીધી.
‘હૈદર ફરીથી આપણને ઉલ્લુ બનાવે છે...’ એક ફોટો ઝૂમ કરીને સોમચંદે મોબાઇલ ગર્ગ સામે ધર્યો, ‘તે અત્યારે બીજા મર્ડરના પ્લાનમાં છે...’
ગર્ગે મોબાઇલની સ્ક્રીન પર નજર કરી.
સ્ક્રીન પર ડસ્ટબિન હતી, જેના તળિયે વળી ગયેલી કૅપ્સ્યુલ હતી અને એની બાજુમાં ખાલી થયેલી એક બૉટલ હતી.
‘આ સાઇનાઇડની બૉટલ છે...’ સોમચંદે કહ્યું, ‘વાંચ ધ્યાનથી, એમાં લખ્યું છે કે જ્વેલરી શૉપના લાઇસન્સ સાથે જ આ બૉટલ આપવી. સોનું પ્યૉર કરવા માટે સાઇનાઇડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.’
‘પણ હવે મર્ડર... કોનું?’
‘ચાન્સ લઈએ, કદાચ આપણને એની ખબર હોય...’
મોબાઇલ પર નંબર ડાયલ કરતાં સોમચંદે ફોન કાન પર લગાડ્યો.
‘જયંતી...’ સામેથી ના આવી કે તરત સોમચંદે કહ્યું, ‘જુઓ, ખોટું બોલવાની જરૂર નથી. તમારા હિતની વાત છે. અત્યારે તમારો જીવ જોખમમાં છે. સિરાજનું મર્ડર થઈ ગયું છે અને હૈદર હવે તમને...’
‘તમે કોણ?’
ગભરાયેલા અવાજે સામેથી સવાલ પુછાયો એટલે સોમચંદને થોડી નિરાંત થઈ.
‘હું પોલીસ ઇન્સ્પેક્ટર ગર્ગ વાત કરું છું. તમે માત્ર એટલી હેલ્પ કરો કે ઘરની બહાર નીકળીને તમારા ગેટ પર ઊભા રહી જાઓ. જરૂરી છે કે તમે પબ્લિક-પ્લેસ પર રહો.’
ફોન કટ કરીને સોમચંદે તરત જ મોબાઇલ ઑપરેટરને ફોન લગાડ્યો.
‘હમણાં મેં જે નંબર પર વાત કરી છે એનું મને કરન્ટ લોકેશન, એક્ઝૅક્ટ લૅન્ડમાર્ક સાથે જોઈએ છે. લૅન્ડમાર્ક મળે એના માટે જ એક મિનિટથી લાંબી વાત કરી છે, મને કોઈ ગોટાળો ન જોઈએ...’
સામેથી લૅન્ડમાર્ક મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ એટલી વારમાં સોમચંદે ગર્ગને કહીને પોલીસ સ્ટેશનની ટીમને તહેનાત કરાવી દીધી. જેવું લોકેશન અને લૅન્ડમાર્ક સોમચંદ સાથે શૅર થયાં કે તરત એ ટીમ ત્યાં જવા માટે રવાના થઈ અને અડધો કલાકમાં હૈદરની અરેસ્ટ કરવામાં આવી. સ્વાભાવિક રીતે જ હૈદર ગુનો માનવા તૈયાર નહોતો; પણ તેને જબરદસ્તી સાથે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો, જ્યાં તેણે ગુનો અને ગુનો કરવાનું કારણ બન્ને સ્વીકારી લીધાં.
lll
‘જયંતીની ફૅમિલી સાથે દુશ્મની લઈને મેં મૅરેજ કર્યાં અને હવે જયંતીને સિરાજ સાથે એક્સ્ટ્રા-મૅરિટલ રિલેશન હતા.’ હૈદરે સચ્ચાઈ કહી દીધી, ‘સિરાજ મને ટૂર પર મોકલીને જયંતી સાથે રહેતો. હું બધું ચલાવી લેત, પણ જે સમયે મને ખબર પડી કે જયંતી પ્રેગ્નન્ટ છે એ સમયે મારી કમાન છટકી ગઈ. ચાર મહિનાથી મારે મારી વાઇફ સાથે કોઈ ફિઝિકલ રિલેશન નહોતા અને જયંતી કહેતી હતી કે તે બાળક મારું છે. દારૂના નશામાં અમારી વચ્ચે ફિઝિકલ રિલેશન બંધાયા અને તે પ્રેગ્નન્ટ...’
બાળકના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક દવા પોતે લાવ્યો છે એવું ખોટું કહીને હૈદર જયંતીને સાઇનાઇડ આપવાનો હતો અને એ પછી પોતે કાયમ માટે મુંબઈ છોડીને નીકળી જવાનો હતો.
lll
‘પ્રશ્ન તો મનમાં ઘણા છે, પણ એક વાત ખાસ જાણવી છે કે આ જયંતીની તને ખબર કેમ પડી?’
‘સિમ્પલ છે. સિરાજના લૅપટૉપમાં એ જયંતીનું આધાર કાર્ડ પણ હતું. પહેલાં મનમાં થયું કે સિરાજે શું કામ પાર્ટનરની વાઇફનું આધાર કાર્ડ પોતાના લૅપટૉપમાં રાખવું પડે? થોડું વધારે જોયું તો જયંતીના એવા ફોટો પણ જોયા જે સોશ્યલ મીડિયા પરથી સિરાજે ડાઉનલોડ કર્યા હોય... પાર્ટનરની વાઇફના ફોટો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી ડાઉનલોડ કરવાનો એક જ અર્થ નીકળે કે કાં તો સિરાજ વન-વે અફેર ધરાવે છે અને કાં તો બન્ને વચ્ચે કોઈ લફરું છે...’ સોમચંદે ગાડીમાંથી ઊતરતાં કહ્યું, ‘આપણે સાચી દિશામાં હતા. બન્ને વચ્ચે અફેર હતું...’
સંપૂર્ણ


