Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક્સપેક્ટ પ્રૉબ્લેમ: શ્રીમદ ભગવદ્ગીતામાં કહેવાયેલી આ સહજ અને સરળ વાતને કેમ આપણે સ્વીકારતા નથી?

એક્સપેક્ટ પ્રૉબ્લેમ: શ્રીમદ ભગવદ્ગીતામાં કહેવાયેલી આ સહજ અને સરળ વાતને કેમ આપણે સ્વીકારતા નથી?

28 January, 2023 07:59 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

ભાષા અને સંદર્ભ જુદાં હતાં, પણ વાત તો આ જ હતી. જી હા, એક્સપેક્ટ પ્રૉબ્લેમ. મતલબ કે સમય તમારી ધારણા અનુસાર નહીં ચાલે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

Column

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


એક્સપેક્ટ પ્રૉબ્લેમ. 
સેલ્ફ હેલ્પ કલ્ચર દ્વારા પૉઝિટિવિટીનો આજે ઓવરડોઝ આપવામાં આવી રહ્યો છે અને વ્યક્તિ ડૅડ્રીમિંગ કરતો થઈ જાય એ સ્તરે તેને વાસ્તવિકતાથી દૂર કરવામાં આવી રહ્યો છે ત્યારે મારા દ્વારા કહેવામાં આવી રહેલા આ બે શબ્દો ઘણાને પેટમાં ચૂંક ઊપડાવશે, પણ યસ, હું રિપીટ કરું છું, એક્સપેક્ટ પ્રૉબ્લેમ. આ મારા ઘરના શબ્દો નથી. હવામાંથી પણ આ શબ્દો લઈને તમારી સમક્ષ મૂકવાનું સાહસ કે દુઃસાહસ નથી કરતો. શ્રીમદ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને પણ આ કહેલું. 
ભાષા અને સંદર્ભ જુદાં હતાં, પણ વાત તો આ જ હતી. જી હા, એક્સપેક્ટ પ્રૉબ્લેમ. મતલબ કે સમય તમારી ધારણા અનુસાર નહીં ચાલે. સમય બદલાશે જેમ ઋતુઓ એકધારી નથી રહેતી. શિયાળો, ઉનાળો અને ચોમાસું પણ આવે છે અને વધુ કકળાટ કર્યા વિના એને પ્રકૃતિનો ક્રમ ગણીને આપણે સ્વીકારી લઈએ છીએ, કારણ કે આપણે ઉનાળામાં ગરમીને એક્સપેક્ટ કરીએ છીએ. ચોમાસામાં વરસાદ જ આવે એની અપેક્ષા આપણને છે અને એટલો તડામાર વરસાદ હોય, પાણી ભરાય, ફ્લાઇટ કૅન્સલ થાય તો પણ એનો સ્વીકાર કરી લઈએ છીએ. બસ એ જ રીતે જીવનમાં ધાર્યું ન હોય એવી દિશાઓમાંથી સમસ્યા આવશે જ, જો એવી અપેક્ષા હોય તો આવેલી સમસ્યા હૃદયનો ભાર બનીને તમને નિષ્ક્રિય નહીં થવા દે. અપેક્ષા હોય ત્યારે સ્વીકાર ઝડપથી થાય અને એ દિશામાં હવે કરવું શું એ વિશે કામ પણ ઝડપથી શરૂ થાય. 
શ્રીમદ ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાં ૧૪મો શ્લોક છે, જેમાં શ્રીકૃષ્ણ કહે છે કે ‘હે કુન્તીપુત્ર, ઇન્દ્રિય અને એના વિષયો થકી જે સુખ અને દુઃખનો અનુભવ આપણે કરીએ છીએ એ ક્ષણભંગુર છે, જેમ શિયાળો-ઉનાળો આવે છે અને જાય છે. મનુષ્યએ સુખ-દુઃખના એ સંજોગોમાં વિચલિત થયા વિના સ્થિરતા સાથે એનો સામનો કરવો જોઈએ.’
જુઓ સાહેબ, બહુ સ્પષ્ટતાપૂર્વક એક વાત મગજમાં ઠસાવી દો કે જીવન એક દ્વંદ્વ છે. ડ્યુલિટી એનો સ્વભાવ છે અને સતત ગતિ એ એની પર્સનાલિટી છે. ક્યારેક વિશ્વ તમને સુંદર લાગશે તો ક્યારેક તમને એમાં પારાવાર ક્રૂરતા દેખાશે. ક્યારેક તમને પ્રકૃતિની ભવ્યતા દેખાશે તો ક્યારેક તમને કુદરતની બર્બરતા પણ દેખાશે. જેમ સિક્કો એક અને બાજુ બે છે એમ જીવનની પણ બે બાજુ હંમેશાં રહે જ છે. વ્યક્તિગત હું ગતિનો માણસ છું અને સતત મનમાં કંઈક નવું, કંઈક પ્રગતીશિલ, કંઈક બહેતર કરવાની દિશામાં સક્રિય હોઉં છું એ પછી પણ મારા ધાર્યા પ્રમાણે દરેક વખતે સંજોગો ન ચાલે. તો શું એ સમયે મનમાં નકારાત્મકતાનું ચણતર શરૂ કરું? ત્યાં મને ભગવદ્ગીતા કામ લાગી છે. ખરેખર, ખૂબ કામ લાગી છે. ડગલે ને પગલે શ્રીમદ ભગવદ્ગીતા ખરેખર ભગવાનની વાણી હોય અને તમને રાહ ચીંધવાનું કામ કરતી હોય એવો અનુભવ કરાવશે. નિયમિત વાંચન શરૂ કરો એનું. બહુ મજા આવશે. 
ખરેખર કહું છું. ચાણક્યની જેમ જ યુદ્ધભૂમિ પર ભગવાન શ્રીકૃષ્ણએ કહેલા આ શબ્દો જીવનમાં તમને ક્યારેય કર્તવ્યોથી પલાયન કરવા નહીં દે, તો સાથે જ દુષ્કર સંજોગોમાં હતાશામાં ડૂબવા પણ નહીં દે, કારણ કે એ પહેલેથી જ કહી દે છે કે ‘એક્સપેક્ટ પ્રૉબ્લેમ.’


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2023 07:59 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK