પ્રાચીન અને પરંપરાગત ગરબાની રમઝટ બોલાવવા માટે જાણીતા ગુજરાતના ગૌરવવંતા ગાયકો અને સંગીતકારો પાસેથી જાણીએ ગરબાના મહત્ત્વ, ઇતિહાસ અને પરંપરાની અવનવી વાતો
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે...
નોરતાં આ વખતે પણ સાવ ફિક્કાંફસ છે અને દિલ ખોલીને ગરબે ઘૂમવાનો લહાવો આ વર્ષે મળે એમ નથી ત્યારે એક નજર કરીએ શક્તિપર્વમાં થતા રાસ-ગરબાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પહેલુઓ પર. પ્રાચીન અને પરંપરાગત ગરબાની રમઝટ બોલાવવા માટે જાણીતા ગુજરાતના ગૌરવવંતા ગાયકો અને સંગીતકારો પાસેથી જાણીએ ગરબાના મહત્ત્વ, ઇતિહાસ અને પરંપરાની અવનવી વાતો
આદ્યશક્તિ જગદ જનની માતાજીનાં નવલાં નોરતાં ચાલી રહ્યાં છે. મુંબઈગરાઓ ગરબે ઘૂમવાથી ભલે વંચિત રહી ગયા હોય, ગુજરાતમાં આ વખતે પરંપરાગત રીતે રમાતા શેરી ગરબાની રંગત જામી છે. આનંદ-ઉલ્લાસના આ પર્વ સાથે માતાજીની ભક્તિ–આરાધના–અનુષ્ઠાનનો મહિમા રહેલો છે. હિન્દુ સંસ્કૃતિમાં ધાર્મિક ઉત્સવોનું આગવું મહત્ત્વ રહેલું છે અને એની પાછળ કંઈક ને કંઈક મર્મ છુપાયેલો છે. નોરતાંના નવ દિવસ દરમ્યાન ભક્તો માતાજીની ઉપાસના કરતા હોય છે, ભક્તિ કરતા હોય છે, ગરબે ઘૂમતા હોય છે. નવ દિવસના શક્તિપર્વમાં ગરબે ઘૂમવાનું એ એક પ્રકારની રીચાર્જિંગ ઍક્ટિવિટી છે. વ્યક્તિમાં ઉત્સાહનો સંચાર થાય છે અને એ ઉલ્લાસ સાથે તે ફરી કામે વળગે છે. નોરતાંની આ નવ રાત્રિ દરમ્યાન અંબાજી હોય કે બહુચરાજી હોય, પાવાગઢ હોય કે ચોટીલા હોય, આશાપુરા માતાનો મઢ હોય કે ખોડિયાર માતાજીનું સ્થાનક રાજપરા હોય કે માટેલ હોય - જ્યાં પણ માતાજીનું સ્થાનક હોય ત્યાં જાણે અજબ શક્તિનો સંચાર થયો હોય એવી અનુભૂતિ થતી હોય છે.
નવરાત્રિના આ લોકઉત્સવમાં શા માટે ગરબા ગાઈને ભક્તિ કરવામાં આવે છે? એની પાછળની પરંપરા અને લોકવાયકાઓ શું છે? પ્રાચીન કાળથી ગરબાઓ લખાતા આવ્યા છે અને રમાતા આવ્યા છે. માતાજીને આરાધના કરતા ગરબાઓની રચનામાં અને એની સાથે સંકળાયેલી પરંપરાઓમાં પણ ઇતિહાસ છુપાયેલો છે. ગરબો વાર્તા માંડે છે, ગરબો સંસ્કૃતિની વાત કરે છે, ગરબા દ્વારા માતાજીનું આહવાન કરાય છે, આવકાર અપાય છે. ગરબામાં આસ્થા સમાયેલી છે તો માતાજીને–પ્રભુને મીઠી ફરિયાદ કરતા ગરબા પણ રચાયા છે. માતાજીના ગુણગાન કરતા પ્રાચીન–અર્વાચીન ગરબાઓનો ઇતિહાસ છે તો ગરબા અને રાસમાં ભગવાન શ્રીકૃષ્ણ પણ સમાયેલા છે. નંદલાલાને લઈને અનેક ગરબા અને રાસ રચાયા છે અને લોકભોગ્ય થયા છે.
તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા...
માયાનું મંડળ મા જોગણી, જોગણીએ જગ માંડ્યો હોજી રે જી રે...
અંબા અભયપદ દાયિની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની...
મા પાવા તે ગઢથી ઊતર્યાં મા કાળી રે, વસાવ્યું ચાંપાનેર, પાવાગઢ વાળી રે...
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ, પાય વાગે છે ઘૂઘરીના ઘમકારા...
મા અંબા તે રમવા નીસર્યાં, માએ શો લીધો શણગાર મોરી મા...
માતાજીના ઊંચા મંદિર નીચા મોલ, ઝરૂખડે દીવા બળે રે લોલ....
કેસરિયો રંગ તને લાગ્યો લા ગરબા...
રંગે રમે આનંદે રમે, આજ નવદુર્ગા રંગે રમે....
આસમાની રંગની ચુંદડી રે, રૂડી ચુંદડી રે, માની ચુંદડી લહેરાય...
મારું વનરાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું...
કાન તારી મોરલીયે મોહીને ગરવો ઘેલો કીધો...
આશા ભરેલ અમે આવિયાને મારે વ્હાલે રમાડ્યા રાસ રે...
રમતો ભમતો જાય, આજ માનો ગરબો રમતો જાય...
હે તારો ગઢ રે ચોટીલો બતાવ મોરી મા, ગઢ ચોટીલે રમે ચામુંડા મા...
સાચી રે મારી સતરે ભવાની મા, અંબા ભવાની મા, હું તો તારી સેવા કરીશ મૈયા લાલ...
ઘોર અંધારી રે રાતલડીમાં નિસર્યા ચાર અસવાર...
ઊંચા, ઊંચા રે માડી તારા ડુંગરા રે લોલ, ડુંગર ઉપર ટહુકે ઝીણા મોર કે ગરબે રમવા આવજો રે લોલ...
આવા તો કંઈકેટલાય પ્રાચીન ગરબાઓ માતાજીને પ્રાર્થના કરતા, માતાજીની ભક્તિ કરતા, માતાજીના શણગાર દર્શનના, માતાજીની આરાધના કરતા, માતાજીના ગુણગાન કરતા લખાયા છે અને ગવાતા આવ્યા છે ત્યારે ગરબાની પૌરાણિક પરંપરા, ગરબાનું મહત્ત્વ અને ગરબાની વાત આપણા લોકગાયકો, લોકગાયિકા અને સંગીતકાર કહી રહ્યાં છે. તેમની પાસેથી શક્તિની ભક્તિ કરતા ગરબા વિશે જાણીએ.
માતાજીમાં અપાર આસ્થા ધરાવતા અવિનાશજીને
ભક્તિ દ્વારા શબ્દો સૂઝતા અને ગરબા રચાતા
માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો....
માતાજીની આરાધના કરતી આ અમર રચના આજે પણ લોકહૈયે વસેલી છે. ગુજરાતના ગૌરવ સમા અવિનાશ વ્યાસે માતાજીની ભક્તિ–ઉપાસના કરતા અનેક ગરબાઓ રચ્યા છે. અંબાજી માતામાં અવિનાશજીને અપાર શ્રદ્ધા હતી અને એટલે જ તેમણે રચેલા ગરબાઓમાં માતાજી પ્રત્યેનો ભક્તિભાવ જોવા મળે છે. અવિનાશ વ્યાસના ગરબાઓ લોકભોગ્ય બન્યા છે એની વાત કરતાં તેમના પુત્ર અને જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસ કહે છે, ‘ગરબા એ ગુજરાતની સંસ્કૃતિ છે. નવરાત્રિના પ્રસંગમાં માતાજીને યાદ કરી આરતી ગાઈને ગરબા ગવાય છે ત્યારે માતાજી પોતે ગરબે ઘૂમવા આવે છે. ગરબાનું મહત્ત્વ એ રીતે વધી જાય છે. મારા પિતાજીએ ઘણા ગરબા લખ્યા એ લોકોને ખૂબ પસંદ પડ્યા છે. મારા પિતાજીની માતાજી પ્રત્યે અપાર ભક્તિ હતી અને એટલે જ તેમને શબ્દો સૂઝતા હતા. મને તેઓ કહેતા કે માતાજીની પ્રેરણાથી જ આ ગરબા લખાય છે. અંબાજી માતા પ્રત્યે તેમને શ્રદ્ધા અને ભક્તિ હતી એટલે માતાજી એમને સુઝાડતા અને માતાજીની પ્રેરણાથી તેઓ ગરબા લખતા અને એ પ્રચલિત થયા છે. નવરાત્રિમાં ગરબા ગવાય છે એમાં ૭૦થી ૭૫ ટકા ગરબા તેમના ગવાય છે. ગરબામાં તેમનું યોગદાન બહુ જ છે. ‘હું પ્રગટું છું પણ દીપ નથી, હું ઝબકું છું પણ જ્યોત નથી. હું એવું અલૌકિક કાંક છું, માતા જગદંબાની આંખ છું’, ‘એક હરતું ને ફરતું મંદિર મારો ગરબો, કોઈ દેવતાઈ સૂરની શિબિર મારો ગરબો...’ પિતાજીએ આવા અનેક ગરબા રચ્યા છે.’
મુંબઈ જેમની કર્મભૂમિ રહી છે એવા અવિનાશ વ્યાસ અંબાજી દર્શન કરવા અચૂક જાય એની વાત કરતાં ગૌરાંગ વ્યાસ કહે છે, ‘દર ભાઈબીજના દિવસે તેઓ અચૂક અંબાજી દર્શન કરવા જાય. મને યાદ છે કે તેઓ ૪૦ વર્ષ સુધી સતત દર્શન કરવા ગયા છે. દર દિવાળીએ અમદાવાદ આવે. તેઓ એકલા નહોતા આવતા. ફિલ્મઉદ્યોગના કલાકારોને લઈને આવતા અને અંબાજી દર્શન કરવા લઈ જતા. ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રીટા ભાદુરી, અસરાની, વિદ્યા સિંહા અને ઘણાબધા કલાકારોને તેઓ અંબાજી દર્શન કરવા લઈ જતા અને બધાને કહેતા હતા કે તમે અંબાજી માતાજીમાં શ્રદ્ધા રાખો, કલ્યાણ થઈ જશે. કલાકારો સાથે પિતાજી પણ અંબે માતાજીનાં દર્શન કરતા અને સાંજે મંદિરમાં કાર્યક્રમ કરતા હતા. નવરાત્રિમાં પિતાજી એક કાર્યક્રમ કરતા હતા. મુંબઈમાં ભગિની સમાજ સંસ્થાના નવરાત્રિ કાર્યક્રમમાં એક દિવસ ગરબા કરતા હતા.’
ADVERTISEMENT
અસ્સલ સ્વરૂપ, પરંપરાગત ઢાળ સાથે ભાવપૂર્વક ગવાય તે માતાજીના ગરબા : હેમંત ચૌહાણ
સંતવાણી અને ડાયરાથી માંડીને ગરબાના કાર્યક્રમોમાં ભાવિકોને પોતાના આગવા કંઠની હલકથી મોજ કરાવતા અને ભક્તિભાવમાં એકાકાર કરાવી દેતા ગુજરાતના ગૌરવવંતા લોકગાયક હેમંત ચૌહાણનું નામ આપણા માટે અજાણ્યું નથી. હાથમાં એકતારો લઈને પ્રભુને ભજતા કે પછી હાર્મોનિયમ પર ઋજુતાથી આંગળીઓ ફેરવીને જેઓ ગરબામાં જમાવટ કરે છે અને જેમની ગાયકી પર લોકો મંત્રમુગ્ધ બની રહ્યા છે એવા અલૌકિક કંઠના માલિક હેમંત ચૌહાણ કહે છે, ‘માતાજીના ભક્તિભાવ સાથે નવરાત્રિ પર્વની ઉજવણી થાય છે ત્યારે અસ્સલ સ્વરૂપમાં અને ઢંગમાં ભાવપૂર્વક ગવાય તે માતાજીના ગરબા કહેવાય. બાકી બધાં ગીત કહેવાય. પરંપરાગત રીતે જે ઢાળ છે એમાં ભક્તિભાવવાળા શબ્દો સાથે મર્યાદાથી ગરબા ગવાય તે ગરબો. ગરબો અને ગીત એક નથી, પણ ગરબાના નામે ગીતો ગવાય છે. ગામડાંઓમાં ગરબો બનાવ્યો હોય, એમાં દીવો પ્રગટાવ્યો હોય, માતાજીના ગરબા ગવાતા હોય અને બધા એકસાથે ગરબે ઘૂમતા હોય. ગામડાંઓમાં ગરબો બંધાય. શેરીના અને ગામના લોકો વચ્ચે ગરબો ગવાતો એટલે એમાં પોતીકાપણું લાગે. બધા સાથે હોય, એક શેરીના હોય એટલે આપણા જ બધા આસપાસ હોય. ગામડાંઓમાં અમે ગરબાના કાર્યક્રમ માટે જઈએ તો ગામઆખાનો આંટો મારતા હોય એવા મોટા રાઉન્ડમાં લોકો ભક્તિથી ગરબે ઘૂમતા હોય છે. ઘણી બહેનો માથે ફૂલનો ગરબો મૂકીને રમતી હોય છે અને એ ગરબામાં માતાજીની પધરામણી થતી હોય છે. એક બહેન ગરબો લઈને ફરતી હોય તે એક કલાકે ફરી પાછી ગરબે ઘૂમતી દેખાય એટલા મોટા ગરબાના રાઉન્ડ થતા હોય છે.’
હેમંત ચૌહાણે ગાયેલો ‘પંખીડા તું ઊડી જાજે પાવાગઢ રે...’ ગરબો પ્રચલિત થયો અને આજે પણ લોકો ઉત્સાહ સાથે એ ગાય છે. એ સહિતના ગરબા વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘પંખીડાવાળો ગરબો છે એ બધાને ગમી ગયો છે, પણ મૂલ્યાંકન કરાવાય તો બીજા ગરબા પણ ચડી જાય એવા છે. બીજા ઘણા સુંદર ગરબા છે, પણ લોકોને એની ખબર નથી હોતી.’
કૃષ્ણ ગરબાની વાત કરતાં હેમંત ચૌહાણ કહે છે, ‘ગોકુળ અષ્ટમી પર શ્રીકૃષ્ણનાં ગીતો ગાવામાં આવતા એને પુરુષો ગાતા. એને ગરબી કહે. બહેનો ગાય એને ગરબા કહે. રાધાજી આદ્યશક્તિનું સ્વરૂપ છે એટલે એ રીતે શ્રીકૃષ્ણનો ગરબામાં સમાવેશ થયો હશે. પહેલાં નવરાત્રિમાં રામલીલા ભજવાતી હતી. લોકો નવ દિવસ ફ્રી હોય. કામ ન થાય, ખેતરે ન જાય અને રાત્રે રામલીલા જુએ. હવે સ્વરૂપ બદલાયું છે અને સગવડપૂર્વક પાર્ટી-પ્લૉટોમાં ગરબા થાય છે, પણ ભાવ ગરબાનો હોય છે.
જોકે કોરોના છે એટલે આપણી પરંપરા હતી એ શેરીગરબાને છૂટ આપી છે.’
અંબાજી માતા પરની અપાર આસ્થામાંથી અવિનાશ વ્યાસને ગરબા રચવાની પ્રેરણા મળતી
માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો....
માતાજીની આરાધના કરતી આ અમર રચના આજે પણ લોકહૈયે વસેલી છે. ગુજરાતના ગૌરવ સમા અવિનાશ વ્યાસે માતાજીની ભક્તિ–ઉપાસના કરતા અનેક ગરબાઓ રચ્યા છે. અંબાજી માતામાં અવિનાશજીને અપાર શ્રદ્ધા હતી અને એટલે જ તેમની રચનાઓમાં માતાજી પ્રત્યેનો ભક્તિભાવ જોવા મળે છે. અવિનાશ વ્યાસના ગરબાઓ કેમ લોકભોગ્ય બન્યાં એની વાત કરતાં તેમના પુત્ર અને જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસ કહે છે, ‘ગરબા એ ગુજરાતની સંસ્કૃતિ છે. નવરાત્રિના પ્રસંગમાં માતાજીને યાદ કરી આરતી ગાઈને ગરબા ગવાય છે ત્યારે માતાજી પોતે ગરબે ઘૂમવા આવે છે. ગરબાનું મહત્ત્વ એ રીતે વધી જાય છે. મારા પિતાજીની માતાજી પ્રત્યે અપાર ભક્તિ હતી અને એટલે જ તેમને શબ્દો સૂઝતા હતા. મને તેઓ કહેતા કે માતાજીની પ્રેરણાથી જ આ ગરબા લખાય છે. અંબાજી માતા પ્રત્યે તેમને શ્રદ્ધા અને ભક્તિ હતી એટલે માતાજી પ્રેરણા આપતા અને તેઓ ગરબા લખતા. નવરાત્રિમાં ગરબા ગવાય છે એમાં ૭૦થી ૭૫ ટકા ગરબા તેમના ગવાય છે. ગરબામાં તેમનું યોગદાન બહુ જ છે. ‘હું પ્રગટું છું પણ દીપ નથી, હું ઝબકું છું પણ જ્યોત નથી. હું એવું અલૌકિક કાંક છું, માતા જગદંબાની આંખ છું’, ‘એક હરતું ને ફરતું મંદિર મારો ગરબો, કોઈ દેવતાઈ સૂરની શિબિર મારો ગરબો...’ પિતાજીએ આવા અનેક ગરબા રચ્યા છે.’
મુંબઈ જેમની કર્મભૂમિ રહી છે એવા અવિનાશ વ્યાસ અંબાજી દર્શન કરવા અચૂક જાય એની વાત કરતાં ગૌરાંગ વ્યાસ કહે છે, ‘દર ભાઈબીજના દિવસે તેઓ અચૂક અંબાજી દર્શન કરવા જાય. મને યાદ છે કે તેઓ ૪૦ વર્ષ સુધી સતત દર્શન કરવા ગયા છે. દર દિવાળીએ અમદાવાદ આવે. તેઓ એકલા નહોતા આવતા. ફિલ્મઉદ્યોગના કલાકારોને લઈને આવતા અને અંબાજી દર્શન કરવા લઈ જતા. ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રીટા ભાદુરી, અસરાની, વિદ્યા સિંહા અને ઘણાબધા કલાકારોને તેઓ અંબાજી દર્શન કરવા લઈ જતા અને બધાને કહેતા હતા કે તમે અંબાજી માતામાં શ્રદ્ધા રાખો, કલ્યાણ થઈ જશે. કલાકારો સાથે પિતાજી પણ અંબે માતાજીનાં દર્શન કરતા અને સાંજે મંદિરમાં કાર્યક્રમ કરતા હતા. નવરાત્રિમાં પિતાજી એક કાર્યક્રમ કરતા હતા.’
ટ્રેડિશન ભુલાવી ના જોઈએ, એ સાચવવાની જવાબદારી નેક્સ્ટ જનરેશનની છે : વત્સલા પાટીલ
જોનાર બદલાય એટલે કલાકારોને ૧૦ વસ્તુ વિચારીને ગાવાનું થાય : અનુપમ વ્યાસ
પરંપરાગત રીતે ગવાતા સ્થાનિક ગરબાઓ બહાર આવ્યા એની માહિતી આપતાં અનુપમ વ્યાસ કહે છે, ‘અર્વાચીન અને પ્રાચીન ગરબા માતાજીની ભક્તિ અને આરાધના સાથે સંકળાયેલા છે. ગુજરાતમાં નવું, સારું અને સ્વચ્છ એ ગુજરાતની પ્રજાએ સ્વીકાર્યું છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક નામાંકિત કલાકારોએ જે-તે વિસ્તારમાં ગવાતા સ્થાનિક ગરબા ગાયા જેના વિશે સ્થાનિક સિવાય અન્ય વિસ્તારના લોકોને ખબર નહોતી. જ્યારે આ કલાકારોએ તે ગરબા ગાયા ત્યારે ખબર પડી કે આ તો વર્ષો જૂના ગરબા છે અને જે-તે વિસ્તારમાં વર્ષોથી ગવાય છે. એવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ એવા કેટલાય ગરબા હતા જે એક સમય સુધી સૌરાષ્ટ્ર પૂરતા સીમિત હતા, પણ નામાંકિત કલાકારોના આવવાથી તે ગરબાને બળ મળ્યું અને જે-તે પ્રદેશથી તે ગરબા બહાર આવ્યા. એ કમ્પોઝિશનો પર લોકોનું ધ્યાન ગયું જે આદિકાળથી ગવાતાં હતાં જ્યારે માઇક પણ નહોતું. લોકો એ જમાનામાં તાળીઓના તાલથી ગરબા ગાતા હતા. આજના ગાયકો અને સંગીતકારો અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટ્સ સાથે એ ગરબા ગાય છે અને જે મૉડિફિકેશન થયું છે એ ગુજરાતની પ્રજાએ સહર્ષ સ્વીકાર્યું છે.’
સગર્ભાને ગરબે ઘૂમવા ખાસ કહેવાતું, કેમ કે તે માતાજીની ઑરાથી પોષિત થતી : અતુલ પુરોહિત
પરંપરાગત રીતે થતા શેરી ગરબામાં આજે પણ જેમનું નામ ગુંજે છે અને સૂર, શબ્દ, લય, તાલ સાથે ગરબામાં આગવી રંગત જમાવતા અતુલ પુરોહિતના અષાઢી કંઠેથી ગવાતા માતાજીના ગરબામાં સૌકોઈ મન મૂકીને ગરબે ઘૂમે છે. જેમના કંઠેથી ગવાતા ગરબામાં ન માત્ર ઘૂમવા પરંતુ સાંભળવા પણ ભાવિકો આવે છે તે લોકગાયક અતુલ પુરોહિત ગરબાની પૌરાણિક પરંપરા વિશે વાત કરતાં કહે છે, ‘પૌરાણિક પરંપરા એવી છે કે માના અનુષ્ઠાનરૂપે ગરબા કરાતા હોય છે. પહેલાંના સમયમાં માથે ઘડો મૂકીને ચપટી લઈને બહેનો ગરબો કરતી હતી. એ જમાનામાં સગર્ભાને ગરબે ઘૂમવા ખાસ કહેવામાં આવતું હતું, કેમ કે તે ગરબાની આસપાસ ગરબે ઘૂમે તો માતાજીની ઑરાથી પોષાતી થાય. દરેક બહેન ગરબે ઘૂમે એટલે માતાજીના આશીર્વાદ મળે. બ્રહ્માંડમાં ગરબો થાય છે, પાતાળમાં ગરબો થાય છે. ગરબો ચલિત શક્તિ સ્વરૂપે છે. ગરબે ફરવું એટલે માની પ્રદક્ષિણા કરવી. એનાથી માતાજીની શક્તિ–ભક્તિ મળે છે. ગરબાનું આ મહત્ત્વ રહેલું છે. મૂળ માતાજીનું નૃત્ય કરતું સ્વરૂપ છે એને અનુલક્ષીને ગરબા થાય છે.’
ગરબામાં ઇતિહાસ પણ સમાયો છે એની વાત કરતાં અતુલ પુરોહિત કહે છે, ‘આનંદનો ગરબો છે એમાં બહુચર માતાનો ઇતિહાસ છે. એમાં દેવી ભાગવદ પણ છે. આપણા કંઈકેટલાય ગરબાઓમાં ઇતિહાસ સમાયો છે. ‘ધન્ય મા તું જોગણી, ધન્ય મા ભવાની, પૃથ્વી પહેલાં તમારો વાસ...’ આ ગરબો કહે છે કે કંઈ નહોતું ત્યારે માતૃત્વ હતું અને એમાંથી બ્રહ્માંડની રચના થઈ છે.’
નવરાત્રિના દિવસો હોય કે પછી સામાન્ય દિવસોમાં ગરબાનો કાર્યક્રમ હોય, ગુજરાત કે ભારતમાં કે પછી વિદેશોમાં ગરબાના કાર્યક્રમમાં શક્ય હોય ત્યાં સુધી પરંપરાગત રીતે સ્ટેજ પર બેસીને જ માતાજીના ગરબા ગાતા અતુલ પુરોહિત કહે છે, ‘હું સ્ટેજ પર ઊભા રહીને ગરબા ગાતો નથી. વિદેશમાં પણ નીચે બેસીને જ ગરબાનો કાર્યક્રમ કરું છું. આ પરંપરા છેલ્લા શ્વાસ સુધી પકડી રાખીશ, કેમ કે એ સાચી ધરોહર છે. વિદેશમાં પણ ખેલૈયાઓ વડોદરાની જેમ પદ્ધતિથી એક જ સર્કલમાં ગરબે રમે છે. પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને તેમ જ પગરખાં પહેર્યા વગર તેઓ ગરબે ઘૂમે છે.’

