Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ટેલિવિઝન કી કલ, આજ ઔર કલ

ટેલિવિઝન કી કલ, આજ ઔર કલ

21 November, 2021 02:07 PM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

નવાં ફૂટી નીકળેલાં ઓટીટી પ્લૅટફૉર્મ્સને કારણે ટીવીનું ભવિષ્ય જોખમમાં મુકાયાની વાતો થાય છે ત્યારે જાણીએ ટીવી નામના ઇડિયટ બૉક્સનો ઉદય કઈ રીતે થયો અને હજી થોડાંક વર્ષો સુધી ટીવીને ઊની આંચ પણ કેમ નથી આવી શકે એમ...

ટેલિવિઝન કી કલ, આજ ઔર કલ

ટેલિવિઝન કી કલ, આજ ઔર કલ


લગભગ દરેક ઘરમાં એક સમયે અનિવાર્ય ગણાવા લાગેલું આ ડિવાઇસ હવે ઓટીટી માધ્યમોને કારણે સાઇડલાઇન થઈ રહ્યું છે. નવાં ફૂટી નીકળેલાં ઓટીટી પ્લૅટફૉર્મ્સને કારણે ટીવીનું ભવિષ્ય જોખમમાં મુકાયાની વાતો થાય છે ત્યારે જાણીએ ટીવી નામના ઇડિયટ બૉક્સનો ઉદય કઈ રીતે થયો અને હજી થોડાંક વર્ષો સુધી ટીવીને ઊની આંચ પણ કેમ નથી આવી શકે એમ...

જ્યારે કોઈ પણ નવી વસ્તુ આવે ત્યારે સૌથી પહેલો વિચાર એ આવે કે હવે જૂની વસ્તુનો કોઈ ભાવ નહીં પૂછે. જ્યારથી ઓટીટી પ્લૅટફૉર્મ્સની બોલબાલા વધી છે ત્યારથી ઘણા લોકોને એમ લાગવા માંડ્યું છે કે હવે ટીવીનો કોઈ ભાવ નહીં પૂછે. એમાંય કોરોનાના લૉકડાઉનમાં જ્યારે ટીવી-સિરિયલો પર પર લૉકડાઉન લાગુ પડેલું અને ટીવી પર નવું કન્ટેન્ટ આવતું બંધ થઈ ગયું ત્યારે તો એવું જ લાગવા લાગેલું કે બસ, હવે તો ટીવીનું ભવિષ્ય પૂરું. પરંતુ સાવ એવું નથી એ તો આપણને આગળની ચર્ચા દ્વારા માલૂમ પડશે જ. પરંતુ આજે વર્લ્ડ ટેલિવિઝન ડેના દિવસે ફરી એવા ભૂતકાળમાં ડોકિયું કરવું છે જેનો મહત્તમ હિસ્સો આજે ૧૦૦ વર્ષનો સમયગાળો વીતી જવા છતાં કદાચ અજાણ્યો છે.
ટેલિવિઝન વિશેની સામાન્ય સમજ એવી છે કે ટેલિવિઝનનની શોધ ૧૯૨૫ની સાલમાં જૉન લોગી બેઅર્ડ દ્વારા કરવામાં આવી હતી જેમને વિશ્વ જે. એલ. બેઅર્ડના નામથી વધુ બહેતર રીતે ઓળખે છે. ટેલિવિઝન દૂરની વસ્તુઓનો વિડિયો સૅટેલાઇટ દ્વારા આપણા સુધી પહોંચાડે છે. ટેલિવિઝનનું પહેલું બ્રૉડકાસ્ટિંગ સ્ટેશન ૧૯૨૮ની સાલમાં અમેરિકામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું અને વિશ્વની સૌથી જૂની, સૌથી મોટી અને સૌથી જાણીતી બ્રૉડકાસ્ટિંગ કંપની બીબીસી દ્વારા ૧૯૩૦ની સાલમાં પહેલી વાર ટેલિવિઝન પરથી પ્રસારણ કરવામાં આવ્યું હતું. ૧૯૩૬ની સાલ સુધી તો ટેલિવિઝન પાસે પણ આપણા આજની મોબાઇલ સ્ક્રીન કરતાં થોડી જ મોટી એટલે કે માત્ર ૧૨ ઇંચની જ સ્ક્રીન હતી અને એને લાકડાના એક મોટા બૉક્સમાં ફિટ કરવામાં આવતું. ‘ટેલિવિઝન’ આ શબ્દનો પહેલી વાર ઉપયોગ રશિયાના એક વૈજ્ઞાનિક કૉન્સ્ટેટીન પર્સકીએ કર્યો હતો. અને ત્યાર બાદ એનો નવો શબ્દ આવ્યો ‘ટીવી’, જે પહેલી વાર ૧૯૪૮ની સાલમાં બોલાયો કે વપરાયો હતો. ટેલી અને વિઝનના શૉર્ટફૉર્મ તરીકે ‘ટીવી’ શબ્દ ઉપયોગમાં આવવો શરૂ થયો. ૧૯૬૦નું એ વર્ષ જ્યારે આખાય વિશ્વમાં કુલ ૧૦૦ મિલ્યન કરતાં વધુ લોકો આ ટીવી નામના ઉપકરણના માલિક બની ચૂક્યા હતા અને ભારતમાં તો એ છેક ૧૯૫૯ની સાલમાં આવ્યું હતું. 
આટલી સામાન્ય સમજ કે જાણકારી લગભગ આપણા બધા પાસે જ છે. પરંતુ જો અમે એમ કહીએ કે આપણી આ જાણકારી ખોટી કે અધૂરી છે તો? વિશ્વાસ નથી બેસતો? લો તો તમને આ ટેલિવિઝન વિશેની ટકોરાબંધ સાચી માહિતી આજે વર્લ્ડ ટેલિવિઝન ડેના દિવસે જણાવીએ. અચ્છા, સાથે જ એ વાત પણ ખરીને કે આપણને ટીવીના આવિષ્કાર અને આધુનિકીકરણની આ રીતની ઘણી માહિતી છે. બટન દબાવતાંની સાથે આજે જે ટીવી સેટ ચાલુ થઈ જાય છે. એના રિમોટ કન્ટ્રોલની શોધ હ્યુજીન પોલી દ્વારા કરવામાં આવી હતી એવી સામાન્ય જાણકારી પણ આપણને છે. પરંતુ શું હ્યુજીન પોલી દ્વારા શોધાયેલા રિમોટનો સીધો જ ઉપયોગ ટેલિવિઝન સાથે થવા માંડ્યો હતો? કદાચ નહીં. રિમોટ કન્ટ્રોલની શોધ ક્યારે અને કઈ રીતે થઈ એની ખાસ જાણકારી આપણી પાસે નથી અથવા આપણે ક્યારેય એ જાણવા પ્રત્યે લક્ષ્ય સેવ્યું નથી ખરુંને? પણ અફસોસ નહીં કરતા, આજે ૨૦૨૧ના વર્લ્ડ ટેલિવિઝન ડેએ આપણે એ અફસોસને જાણકારી કે જ્ઞાનમાં પરિવર્તિત કરી લેવાનો પ્રયત્ન કરીશું. સામાન્ય સમજ જે વાસ્તવમાં ગેરસમજ છે.
ટીવી શોધાયું એ પહેલાં...
ટેલિવિઝનની શોધ વાસ્તવમાં ૧૯૨૫ની સાલમાં નહીં પરંતુ ૧૯૨૦ની સાલમાં થઈ હતી. હા, એની શોધ જે. એલ. બેઅર્ડ દ્વારા જ કરવામાં આવી હતી એ વાત સાચી, પરંતુ ૧૯૨૦ની સાલમાં એ એક મેકૅનિકલ ડિવાઇસ તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું અને એ ‘બેઅર્ડ મેકૅનિકલ મૉડલ બી’ તરીકે ઓળખાતું, જેમાં લાકડાના એક મોટા બૉક્સમાં જમણી બાજુ ગોળાકારમાં એક નાની સ્ક્રીન હતી જેમાં એ સ્ક્રીનની પાછળના લાકડાના બૉક્સમાં ગોળ ફરતી એક ડિસ્ક હતી જેમાં કાળી પટ્ટી વીંટાળી હોય અને એ ગોળ-ગોળ ફરતી હોય (અસલના જમાનામાં થિયેટર્સમાં ફિલ્મો દેખાડતી જે રીલ્સ આવી હતી એવી જ), જેને નીપકાવ ડિસ્ક કહેવામાં આવતી. ત્યાર બાદ લાકડાનું એ બૉક્સ ઑક્ટેગોન શેપમાં તૈયાર થયું અને ચોરસ બૉક્સ બદલાઈ ગયું, જેને ઑક્ટેગોન ટેલિવિઝન કહેવામાં આવતું. પરંતુ નાના અમથા ગોળાકારમાં દેખાતી એ સ્ક્રીનમાં પિક્ચર ક્વૉલિટી આજની સરખામણીએ ખૂબ જ ખરાબ હતી. એ સ્ક્રીન પર દેખાતા પિક્ચરમાં ૩૦ સ્કૅન લાઇન્સ પડતી હતી, જેને કારણે પિક્ચર સાફ ન દેખાતું. ૧૯૩૦ની સાલમાં એ ‘બેઅર્ડ ટેલિવિઝર’ તરીકે એક ઇલેક્ટ્રૉનિક ડિવાઇસમાં પરિવર્તિત થયું અને ટેલિવિઝન બૉક્સની ડિઝાઇન પણ વધુ બહેતર અને વધુ આધુનિક બનાવવામાં આવી. આ વર્ષ સુધીમાં ૩૦ સ્કૅન લાઇન્સથી આપણે પ્રગતિ કરીને ૧૦૦ સ્કૅન લાઇન્સ સુધી પહોંચી ચૂક્યા હતા, જેને કારણે દેખાતા ચિત્રની ક્વૉલિટી વધુ જોવા યોગ્ય અને વધુ માણવા યોગ્ય બની.‍ આ સમય દરમિયાન ટેલિવિઝનને નવું નામ મળી ચૂક્યું હતું ‘એમીવિઝર.’ ત્યાર બાદ ૧૦૦ સ્કૅન લાઇન્સ પણ હટી ગઈ અને ૪૦૫ સ્કૅન લાઇન્સવાળું ક્લિયર પિક્ચર વિઝન આપણને મળ્યું. આ સમય સુધી ટેલિવિઝનને એની બનાવટનાં મૉડલ્સના નામના આધારે લોકો ઓળખતા થઈ ચૂક્યા હતા અને ૪૦૫ સ્કૅન લાઇન્સવાળું એ મૉડલ ‘માર્કોની ઈએમઆઇ’ તરીકે ઓળખાતું. પરંતુ હજી આ ૧૯૩૦-’૩૫ની સાલ સુધી ટીવીની સ્ક્રીન એક નાના ગોળાકારમાં જ હતી. છેક ૧૯૪૦ની સાલમાં ટેલિવિઝનને એની ચોરસ સ્ક્રીન મળી. ‘ફાડા’ જેમાં ચોરસ સ્ક્રીન હતી, હાયર રેઝોલ્યુશન હતું અને ૪૮૦ સ્કૅન લાઇન્સવાળું વધુ બહેતર, વધુ ક્લિયર પિક્ચર દેખાતું હતું. 
હા, આપણી એ સમજ અને જાણકારી સાચી છે કે એ જમાનામાં ટેલિવિઝનની સ્ક્રીન માત્ર ૧૨ ઇંચની હતી. પરંતુ ૧૯૪૦ની સાલમાં જ્યારે ટેલિવિઝનને પોતાની ચોરસ સ્ક્રીન મળી ચૂકી હતી ત્યારે સીઆરટી સ્ક્રીન પર ૧૨ ઇંચથી વધુ મોટું પિક્ચર કે એ માટેની સ્ક્રીન બનાવવી મુશ્કેલ હતી. આથી ૧૯૪૦ની સાલમાં ટેલિવિઝન માટે પ્રોજેક્શન ટેક્નિકનો ઉપયોગ શરૂ થયો અને પ્રોજેક્ટર ટીવી બનાવવામાં આવ્યાં જેની સ્ક્રીન ૧૨ ઇંચ કરતાં ક્યાંય મોટી હતી! 
ક્રાન્તિનો એ દાયકો
એક દૃષ્ટિએ જોઈએ તો ટેલિવિઝન માટે ૧૯૪૦થી ૧૯૫૦નો સમય એક ક્રાન્તિનો દાયકો હતો એમ કહી શકાય. આ સમયગાળા દરમિયાન જ જનરલ ઇલેક્ટ્રિક જેને આજે આપણે બધા GE તરીકેની એક જાણીતી બ્રૅન્ડ તરીકે ઓળખીએ છીએ તેમણે ટેલિવિઝન બનાવવા માંડ્યાં હતાં અને ૧૯૫૦ની સાલમાં ઝીનથ કે ઝેનિથ કંપની દ્વારા પહેલી વાર વાયર રિમોટ કન્ટ્રોલ બનાવવામાં આવ્યું હતું જેને કંપનીએ ‘લેઝી બોન્સ’ નામ આપ્યું હતું (આપણા આળસુ બનવાની પ્રક્રિયાની શરૂઆત... હી ..હી...). અને આ જ સમય દરમિયાન ઝીનથ દ્વારા જ એનટીએસસી કલર સ્ટાન્ડર્ડની પણ શરૂઆત થઈ. એટલે આમ તો બ્લૅક ઍન્ડ વાઇટ જ, પણ યાદ છે પ્લેન બ્લૅક ઍન્ડ વાઇટની જગ્યાએ પેલું બ્લુ અને બ્રાઉન બેઝ બ્લૅક ઍન્ડ વાઇટનો ઑપ્શન આવતો? બસ, એ જ. ઝીનથના આ ટેલિવિઝન (રિમોટ અને એનટીએસસી કલર સ્ટાન્ડર્ડવાળા)ની એ સમયે વેચાણ કિંમત હતી ૩૦ અમેરિકન ડૉલર! ત્યાર બાદ ૧૯૫૫ની સાલમાં ઝીનથ કંપનીએ એમાં વધુ આવિષ્કારને સ્થાન આપ્યું અને ફ્લૅશ લાઇટવાળા રિમોટ કન્ટ્રોલ બનાવ્યા. મતલબ કે રિમોટ એક ટૉર્ચ જેવાં હતાં. તમે ટીવીને જે કમાન્ડ આપવા માગતા હોય, ટેલિવિઝન બૉક્સ પર સ્થાપિત એ બટન પર હાથમાં પકડેલી ટૉર્ચ (રિમોટ કન્ટ્રોલ) દ્વારા ફ્લૅશ લાઇટ પાડવાની એટલે એ કમાન્ડ પ્રમાણે કામ થાય. મતલબ કે વૉલ્યુમ વધારવું હોય તો પ્લસ વૉલ્યુમના બટન પર રિમોટ દ્વારા પ્રકાશ ફેંકવો પડે! આજે આ સમયમાં આ વાંચવું કે ઇમૅજિન કરવું કેવું હાસ્યાસ્પદ લાગે નહીં? પરંતુ ૧૯૫૫ની સાલમાં સાચે જ આવા રિમોટનો આવિષ્કાર થયો હતો. ત્યાર બાદ ઝીનથે જ અલ્ટ્રાસાઉન્ડ રિમોટનો પણ આવિષ્કાર કર્યો, જે રિમોટમાં બટન આવતાં અને એ દબાવતાં એમાંથી અલ્ટ્રાસાઉન્ડ નીકળતો જે સામે મૂકવામાં આવેલા ટેલિવિઝન સેટ પર ઝિલાતો અને એ પ્રમાણે કમાન્ડ કામ કરતા. ઑન-ઑફ, લેફ્ટ, રાઇટ, મ્યુટ જેવાં બટનોવાળા આ રિમોટનું ઝીનથે નામ આપ્યું હતું ‘સ્પેસ કમાન્ડર’ જેની ટૅગલાઇન હતી ‘યુ ઍન્ડ ધ સેટ બટ સ્પેસ’. 
કલર સ્ક્રીન 
આ સમય સુધીમાં ઝીનથ, જીઈ અને બુશ જેવી કંપનીઓ ટીવી બનાવવા માંડી હતી. મતલબ કે ગ્રાહકો પાસે કયું ટીવી લેવું એની ચૉઇસ આવવા માંડી હતી અને છેક ૧૯૬૦ની સાલથી ટેલિવિઝનને એની મુખ્ય મેકઅપ કિટ મળી એટલે કે કલર સ્ક્રીન મળી. હવે રંગીન ટેલિવિઝન ઉપલબ્ધ હતું! ૧૯૭૦ની સાલ પછીના ટેલિવિઝન આધુનિકીકરણ અને નવીનીકરણ તો આપણે બધા જ જાણીએ છીએ, કારણ કે આ સમય દરમિયાન ભારતમાં પણ ટેલિવિઝન ઠીકઠાક પ્રખ્યાત અને ઉપયોગમાં લેવાતાં થઈ ચૂક્યાં હતાં. આ સમયગાળા દરમિયાન ટીવી ગ્રાહકની જરૂરિયાત પ્રમાણેના ડિઝાઇનવાળાં બનવા અને ખરીદાવા માંડ્યાં હતાં. ‘કેથોર રે ટ્યુબ’ (સીઆરટી)નો ઉપયોગ થતો હોવાથી એ સમયનાં ટેલિવિઝન મોટા-મોટા લાકડાના બૉક્સવાળાં બનતાં હતાં જે આજે તો હવે એલઈડી અને એલસીડી જેવી પાતળી સ્ક્રીનમાં પરિવર્તિત થઈ ચૂક્યાં છે. અને એમાં આજના દિવસ સુધી તો ‘સ્ટૂઅર્ટ હ્યુજ પ્રેસ્ટિજ એચડી સુપ્રીમ રોઝ એડિશન’ વિશ્વનું સૌથી આધુનિક અને સૌથી મોંઘુ ટીવી છે જેની કિંમત ૨.૨૫ મિલ્યન ડૉલર છે!
ભારતમાં અને ભારતનું ટીવી
ભારતમાં તો ટેલિવિઝન આવ્યું છેક ૧૯૫૮ની સાલમાં અને પહેલી વાર ટેલિવિઝન પ્રસારણ થયું હતું દિલ્હીમાં ૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૯ની સાલમાં અને એ સમયે ટેલિવિઝન બ્રૉડકાસ્ટિંગ એ ઑલ ઇન્ડિયા રેડિયોના જ એક હિસ્સા તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તે સમયે પહેલા ટેલિવિઝન બ્રૉડકાસ્ટિંગ તરીકે ભારતીય ટેલિવિઝન યુગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમય દરમિયાન ભારતમાં ટેલિવિઝન પ્રસારણ કરનારી ચૅનલનું નામ રાખવામાં આવ્યું હતું ‘ટેલિવિઝન ઇન્ડિયા’ એનું નામ ‘દૂરદર્શન’ તો છેક ૧૯૭૬ની સાલમાં થયું હતું. અને આપણામાંથી કોઈને ધ્યાન છે જ્યારે આપણા દેશમાં ટેલિવિઝનનની શરૂઆત થઈ ત્યારે પ્રસારણ કેટલું કરવામાં આવતું હતું? આ વિશેનું હવે પછીનું વાક્ય વાંચીને આજના નવા યુગની આંખો અને મોઢું નક્કી પહોળાં થઈ જવાનાં અને હસવું આવવા માંડશે. તમે નહીં માનો, પણ જ્યારે ભારતમાં ટેલિવિઝનનનું પ્રસારણ શરૂ થયું હતું ત્યારે ટેલિવિઝન ઇન્ડિયા દ્વારા અઠવાડિયાના ત્રણ દિવસ અને એ પણ માત્ર અડધો કલાક ટીવી પ્રસારણ કરવામાં આવતું હતું! ૧૯૭૫ની સાલ સુધીમાં તો ભારતનાં હજી માત્ર સાત જ શહેરોમાં ટેલિવિઝન પ્રસારણ સેવા શરૂ થઈ હતી. બાપ રે, આજના આ યુગને જોતાં તો આ બન્ને વાક્યો સાચે જ આશ્ચર્ય પમાડનારાં લાગે એવાં છેને? પણ આ હકીકત છે મિત્રો.
ભારતમાં કલર ટેલિવિઝન તો છેક ૧૯૮૨ની સાલમાં આવ્યાં, ત્યાં સુધી આપણા વડીલો બધા બ્લૅક ઍન્ડ વાઇટ ટીવી જ જોવા ટેવાયેલા હતા અને ૧૯૬૯ની એ સાલ જ્યારે ટેલિવિઝન જોનારા શ્રોતાઓની બાબતમાં એક નવો અને અનોખો ઇતિહાસ સરજાયો હતો. જી હા, ૧૯૬૯ની સાલમાં ‘અપોલો ઇલેવન મિશન’ પહેલો પ્રોગ્રામ બ્રૉડકાસ્ટ થયો જેને વિશ્વભરના ૬૦૦ મિલ્યન લોકોએ નિહાળ્યો હતો! ટેલિવિઝન ઇતિહાસમાં કોઈ એક બ્રૉકાસ્ટને આટલી મોટી વ્યુઅરશિપ મળી એ પોતાનામાં એક નવો વિશ્વવિક્રમ હતો.
પણ આ ૧૯૬૯ની સાલ પહેલાં આપણે ભારત લેવલ પર ટેલિવિઝનના વિશ્વમાં પ્રગતિ જરૂર શરૂ કરી દીધી હતી. ૧૯૬૫ની સાલમાં ટેલિવિઝન ઇન્ડિયા દ્વારા એનું પહેલું ન્યુઝ બુલેટિન શરૂ કરી દેવામાં આવ્યું હતું જે પાંચ મિનિટનું બુલેટિન હતું અને ભારતના પહેલા ટેલિવિઝન ન્યુઝ રીડર હતાં પ્રતિમા પુરી. ૧ એપ્રિલ, ૧૯૭૬ની સાલમાં ઑલ ઇન્ડિયા રેડિયોથી ટેલિવિઝન ઇન્ડિયા છુટૂં પડ્યું અને એને નવું નામ મળ્યું દૂરદર્શન.  
૧૯૮૦ની આસપાસનો સમય ફરી ટેલિવિઝન જગતમાં એક ક્રાન્તિનો સમય થઈને આવ્યો હતો જ્યારે ટેલિવિઝનની સાથે-સાથે વીસીઆર અને વિડિયો ગેમ્સ જેવી ચીજો પણ આવવા માંડી હતી, જેને કારણે ટીવી વધુ પ્રખ્યાત, વધુ વહાલું અને વધુ વપરાતું થયું.
આંકડાશાસ્ત્રની ભાષામાં આપણે ટેલિવિઝનનો વિકાસ અને ફેલાવો કેવો રહ્યો છે એ જાણવાનો પ્રયત્ન કરીએ તો એમ કહી શકાય કે ફિલ્મો જેટલી ઝડપે વિકસી છે એના કરતાં છગણી વધુ ઝડપે ટેલિવિઝન અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી વિકસી છે. એન્ટરટેઇનમેન્ટથી લઈને ઍડ્વર્ટાઇઝમેન્ટ સુધીના મામલામાં ટેલિવિઝન વર્ષોથી માગ કરતાં ઓછી સપ્લાયનો મામલો રહ્યો છે. ૧૯૭૬થી ૧૯૯૦ના સમય દરમિયાન જ્યાં ભારતમાં માત્ર એ બે ચૅનલ્સ હતી એની સરખામણીએ આજે ૬૫૦ કરતાં વધુ ચૅનલ્સ ચૉઇસ તરીકે તમારી નજર સામે અને રિમોટના બટન પર ઉપલબ્ધ છે.
યાદ છે ઍન્ટેના અને દૂરદર્શન?
‘એ આવ્યું?’ ‘ના ખરખર... ખરખર થાય છે...’ ‘હવે આવ્યું?’ ‘ના હજી નથી આવ્યું, તને કહ્યું ને ડાબી તરફ ફેરવને તો આવશે...’ આવા સંવાદો આજની મોબાઇલ ઓટીટીવાળી પેઢીને ક્યારેય નહીં સમજાય, ખરુંને? યાદ છે, એ જમાનો હતો જ્યારે આવા સંવાદો મોટા બરાડાવાળા અવાજ સાથે લગભગ આપણા બધાના જ ઘરમાં દર બે-ત્રણ દિવસે સંભળાતા. હા સહી પકડે હૈં... ત્રણ કે પાંચ ઍલ્યુમિનિયમની પાઇપ ત્યાર બાદ એક બન્ને તરફથી યુ શેપમાં વાળેલી અને ત્યાર બાદ એક સીધી સૌથી મોટી પાઇપ આ પાંચ કે સાત પાઇપ જે એક સળિયા પર લગાવવામાં આવી હોય અને આપણા જીવનની એ સમયે સૌથી મહત્ત્વની એવી આ ચીજને (ક્યારેક તો પત્ની કે પ્રેમિકા કરતાં પણ વધુ મહત્ત્વની) એક વાયર સાથે જોડી ઘરની ટેરેસ પર ઊંચે ફિટ કરવામાં આવી હોય જેને આપણે બધા ટીવીના ઍન્ટેના તરીકે ઓળખતા. એ મહામૂલું ઍન્ટેના ક્યારેક એના પર કાગડો કે કોઈ પક્ષી બેસવાથી, જોરદાર પવન ફૂંકાવાથી કે પતંગની દોરી એમાં ભેરવાઈ જવાથી રિસાઈ જતું અને આપણે એને મનાવવા માટે નિતનવાં પ્રલોભનો દ્વારા મંડી પડતા. ક્યારેક એને દક્ષિણ દિશા હાથ ધરતા તો ક્યારેક ઉત્તર તરફનું દૃશ્ય ભેટમાં આપતા, ક્યારેક પૂર્વ તો ક્યારેક પશ્ચિમ. જયાં સુધી મહામંડલેશ્વર, મહાપ્રભુ એવા અલભ્ય ફળદાયી હઠીલા ઍન્ટેના દેવને ગમતીલી દિશામાં ફેરવી મનાવી નહીં લઈએ ત્યાં સુધી એ ટીવી પ્રસારણને દૃશ્યમાન બનાવવાની કૃપા વરસાવતા નહીં આપણે ટેરેસ પર ઊભા રહી નીચે ઘરમાં ટીવી સામે ઊભેલાં ભાઈ-બહેન, મિત્ર કે પપ્પા-મમ્મીને પૂછતાં રહેતાં ‘એ આવ્યું?’ નીચેથી કહે ‘ના’ આ ‘ના’ જ્યારે ‘હા’માં પરિવર્તિત થાય ત્યારે ઍન્ટેના દેવની કૃપા વરસી ગણાય, સાચુંને? 
હવે આજે આ માત્ર એક વાગોળવાલાયક કહાની રહી ગઈ છે. આ સમય દરમિયાન માત્ર એક જ ચૅનલ હતી જે સરકાર દ્વારા પ્રસારિત કરવામાં આવતી, દૂરદર્શન. દૂરદર્શનનું નામ પડે એટલે બે ટેલિવિઝન શ્રેણી યાદ આવ્યા વિના રહે નહીં. રામાયણ અને મહાભારત. શ્રદ્ધા ગણો કે અંધશ્રદ્ધા પરંતુ એ સમય એવો સમય હતો જ્યારે ટેલિવિઝન પૂજનીય પણ બન્યાં હતાં. રામાયણ શરૂ થવા પહેલાં લોકો ટીવીની સામે દીવા અને અગરબત્તી પણ કરતા અને ફૂલ ચડાવી પૂજા પણ કરતા! ૨૫ જાન્યુઆરી, ૧૯૮૭ જ્યારે રામાયણ સિરિયલનું પ્રસારણ શરૂ થયું હતું. અને ત્યાર બાદ બીજી ઑક્ટોબર, ૧૯૮૮ના દિવસે શરૂ થઈ હતી મહાભારત. પરંતુ દૂરદર્શન આ બે સિરિયલો સિવાય બીજી પણ અને યાદો આપણને આપી ચૂક્યું છે. જેમ કે દર બુધવારે છાયાગીત અને શુક્રવારે ચિત્રહાર. રવિવારની સાંજે સ્પાઇડરમૅન અને ત્યાર બાદ ફિલ્મનું પ્રસારણ તો વળી નુક્કડ, બુનિયાદ, યે જો હૈ જિંદગી, મુંગેરીલાલ કે હસીન સપને, હમલોગ, માલગુડી ડેઝ અને જસપાલ ભટ્ટીનો ફ્લૉપ શો જેવી ટેલિવિઝન શ્રેણીઓ દૂરદર્શને અમર બનાવે છે. ત્યાર બાદ કેબલ ટીવી આવ્યું અને ઍન્ટેના દેવતાની પૂજા રચના અને વિનવણી-ફેરવણીની આપણી તપસાધના ઓછી અને પછી તો લગભગ બંધ થઈ ગઈ. બાકી એ પહેલાં તો જે મહાનુભાવના હાથે ઍન્ટેના ફેરવવાથી પ્રસારણ પાછું આવ્યું હોય એ મહાશયને તો ઑસ્કર કે ગ્રેમી અવૉર્ડ જીતી લીધા જેટલું પોતાના પર ગૌરવ થતું. થતું કે નહીં, સાચું કહેજો.
મહાબદલાવનો સમય
૧૯૯૧ની સાલ જ્યારે પી. વી. નરસિંહરાવની સરકાર દ્વારા અર્થતંત્રમાં લિબરલાઇઝેશનની શરૂઆત થઈ. આઝાદ ભારતના ઇતિહાસમાં આ સમય દરમિયાન સાચા અર્થમાં ફાઇનૅન્શિયલ અને સોશ્યલ રિફોર્મ્સની શરૂઆત થઈ હતી એમ કહી શકાય. નવી ઇકૉનૉમિક પૉલિસી દ્વારા દેશને ત્રણ નવી પાંખો મળી હતી. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. આ જ રિફોર્મ્સમાં બ્રૉડકાસ્ટિંગ ઍન્ડ કમ્યુનિકેશન લૉમાં પણ ફેરફાર થયા અને ટેલિવિઝન પ્રસારણ માત્ર સરકાર એટલે કે દૂરદર્શનના હસ્તક જ નહીં રહેતાં નવી પ્રાઇવેટ ચૅનલ્સને પણ પરવાનગી મળી, જેને કારણે આ ક્ષેત્ર જે વ્યાપારની દૃષ્ટિએ હજી અનટચ્ડ જ રહ્યું હતું ત્યાં નવી અનેક ચૅનલ્સ પ્રવેશી અને પ્રાઇવેટ ચૅનલ્સ વચ્ચે આખો એક નવો જ હરીફાઈનો દોર શરૂ થયો. આ સમય ફરી એક વાર ટેલિવિઝન અને એના ઇતિહાસ માટે મહત્ત્વનો સાબિત થયો. ઝી, સ્ટાર ત્યાર બાદ સોની, કલર્સ વગેરે અનેક દેશી અને વિદેશી ચૅનલ્સે જબરદસ્ત ઝડપથી અને જબરદસ્ત ક્રીએટિવિટી સાથે ભારતનાં ઘરોમાં ટેલિવિઝન દ્વારા સ્થાન જમાવવા માંડ્યું. 
ટેલિવિઝન ચૅનલ્સ અને ઓટીટી 
પહેલાં ટેલિવિઝન એક કાચા કુંવારા યુવાન જેવું હતું જેની સાથે કોઈ પરિવાર કે સગાંવહાલાં જોડાયાં નહોતાં. ત્યાર બાદ વીસીઆર અને વિડીયો ગેમ્સ જેવા મિત્રો આવ્યા અને ત્યાર બાદ ડિશ ઍન્ટેના (જેને આપણે કેબલ ટીવી તરીકે ઓળખાતા હતા) સાથે તો જાણે ટેલિવિઝને સપ્તપદીના ફેરા જ ફરી લીધા હોય એમ બન્ને જોડાઈ ગયા. એક સમય તો એવો આવી ગયો હતો કે જાણે ડિશ એટલે કે કેબલ કનેક્શન વિના ટીવીનું અસ્તિત્વ જ આપણે વિચારી નહીં શકીએ. 
ડિશ ટીવી કેબલ કનેક્શનને કારણે આપણા ઘરના ટીવી સેટનું ગ્લોબલાઇઝેશન થઈ ગયું. હૉલીવુડની ફિલ્મોથી લઈને આફ્રિકાનાં જંગલો સુધીની લટાર ઘેરબેઠાં આપણે મારી આવવા માંડ્યા. આ સમય સુધી હજી ટેલિવિઝન પણ આપણો ૨૪ કલાકનો સાથી બની શકે એવો કોઈને ખ્યાલ નહોતો. અને શરૂઆતનો સમય એટલે કે સમજી લોને ૧૯૯૩-’૯૪થી લગભગ ૨૦૦૦ની સાલ સુધીના સમયમાં ટેલિવિઝન અને એ વિશેની માન્યતાઓની બાબતમાં રીતસર બે ભાગ પડી ગયા. કેટલાક લોકોને ટેલિવિઝન હવે સાચા અર્થમાં ‘ઇડિયટ બૉક્સ’ લાગવા માંડ્યું હતું; કારણ કે કુટુંબ સાથે બેસીને સમય વિતાવે, છોકરાઓ સાંજ થતા ભણવા બેસે એવી બધી આદતો ટીવીને કારણે છૂટવા માંડી હતી. જ્યારે બીજો એક મત એવું માનતો હતો કે ટેલિવિઝન હવે સાચે જ એન્ટરટેઇનમેન્ટની સાથે-સાથે માહિતીઓ અને જ્ઞાનનો ખજાનો બનતું જાય છે.
ડિશ કે કેબલ ટીવી પલટાયું અંગત ડિશ ઍન્ટેનામાં અને હવે ડિશ ઍન્ટેના, સેટપ બૉક્સ જ નહીં ટેલિવિઝન સેટ પણ પર્સનલ થવા માંડ્યાં. એક સમયગાળો એવો આવી ગયો કે જ્યારે હવે ઘરોમાં માત્ર ડ્રૉઇંગ રૂમમાં જ ટીવી હોય એવું રહ્યું નહીં. હવે વડીલોની રૂમમાં જુદું ટીવી, યુગલના બેડરૂમમાં અલગ ટીવી અને એટલું જ નહીં, વળી બાળકોની રૂમમાં પણ ટેલિવિઝન સેટ કબજો જમાવવા માંડ્યા (ઇડિયટ બૉક્સ ઇડિયટ બનતું ગયું કે એનો ઉપયોગ કરવાવાળા આપણે, એ આખો એક અલગ ચર્ચાનો વિષય છે). પરંતુ લોકો હવે એ સ્વીકારવા માંડ્યા હતા કે ટીવી નામનું આ નિર્જીવ પ્રાણી જે કોઈ સજીવ કરતાં વધુ મહત્ત્વ આપણી રોજિંદી જિંદગીમાં ધરાવે છે એને હવે આપણી રોજબરોજની લાઇફથી અળગું કરવું મુશ્કેલ જ નહીં, અશક્ય છે.
પરંતુ જેમ બદલાવ એ જ સૃષ્ટિનો એકમાત્ર નિયમ છે તેમ આપાણી ભીતર આકાર લેતી આ લાગણી કે માન્યતા ખૂબ જ ઓછા સમયમાં બદલાવા માંડી અને ફૅમિલી એન્ટરટેઇનમેન્ટ પીરસતું ટેલિવિઝન પર્સનલ એન્ટરટેઇનર બન્યું અને ત્યાર બાદ ખૂબ ઓછા સમયમાં ખૂબ જ ઝડપથી જાણે ટેલિવિઝનની જગ્યા મોબાઇલ ફોન્સ લેવા માંડ્યા. ભારતની પહેલી ઓટીટી ચૅનલ ટીવીએફ પ્લે શરૂ થઈ અને ત્યાર બાદ હૉટસ્ટાર જેવી ટીવી ચૅનલ્સ કોઑર્ડિનેટર ચૅનલ મોબાઇલ ફોનમાં જ આવવા માંડી. પર્સનલ એન્ટરટેઇનમેન્ટ હવે સાચે જ એટલું પર્સનલ બની ગયું હતું કે એમાં કોઈની દખલઅંદાજી મંજૂર નહોતી. આપણી માન્યતા ફરી એક વાર બદલાવા માંડી. હવે આપણને લાગવા માંડ્યું કે ટીવીના જમાના હવે ગયા. મોબાઇલ ફોન દેખાય છે જ નાનો, બાકી એ મોટો રાક્ષસ બનીને આ ટીવીને અને એના જમાનાને પણ નક્કી ગળી જવાનો. પણ પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત.



કોણ ટકશે, કોણ ટકાવશે?
પણ આવી બધી પરિસ્થિતિઓનું એવું છે કે જ્યાં સુધી રૂબરૂ સંવાદ નહીં થાય ત્યાં સુધી સાચો અહેવાલ મળે નહીં. અને ટેલિવિઝન હોય કે મોબાઇલ કે ઓટીટી; આખરે તો એ દરેકની અંગત ચૉઇસ હોય છે જે સમાજની ચૉઇસ બદલી શકે અથવા બદલાઈ રહી છે એમ કહેવડાવી શકે. પરંતુ એક વાત ચોક્કસ કે ટેલિવિઝન એમ કંઈ આપણા જીવનમાંથી કે આપણને છોડી જાય એવું કદાચ શક્ય નહીં પણ બને.


ટીવી જ બેસ્ટ એન્ટરટેઇનર છે
મોબાઇલ અને ઓટીટી આવ્યા પછી શરૂઆતના સમયમાં ટીવી થોડું ઓછું જોતા હતા પરંતુ જે સ્થાન ટીવીનું છે એ કોઈ ઓટીટી ચૅનલ હજી તો લઈ શકી નથી, કારણ કે હવે તો ઓટીટી એટલે ઍડલ્ટ કન્ટેન્ટ એવું જ લાગવા માંડ્યું છે મને. અમારા ઘરમાં મારાં સાસુ છે, સસરા છે, દીકરો છે. નેટફ્લિક્સ અને ઍમેઝૉન પ્રાઇમનું અમે સબસ્ક્રિપ્શન પણ લીધું છે પરંતુ ટીવી પર એ ક્યારેય જોઈ શકાય નહીં એ ખૂબ શરૂઆતમાં સમજાઈ ગયું હતું. આથી જો બધાએ  ભેગા મળી જોવું હોય તો અમારે માટે તો ટીવી જ બેસ્ટ એન્ટરટેઇનર છે.
- નિકી દેસાઈ, ઘાટકોપર

અમારા માટે તો ટીવી જ તારણહાર
મારે માટે ઓટીટી નકામું છે. સંસ્કાર અને આસ્થા ચૅનલ ક્યાં ઓટીટી પર આવે છે અને મારા પૌત્ર સાથે વાત થાય એટલે સમજાય છે કે ઓટીટી પર મારધાડ અને ખૂનખરાબા સિવાય બીજું કાંઈ જ દેખાડતા નથી. એવા ઓટીટીનું અમારે શું કામ?
- જ્યોતિ ધાનાણી, સિનિયર સિટિઝન, માટુંગા

ઓટીટીનો રંગ ચડતાં હજી વાર લાગશે
હવે ઓટીટીનો રંગ જરૂર લાગ્યો છે, પણ ટીવી સાવ ભુલાઈ જાય એ વાતને વર્ષોની વાર છે. મારા માટે નેટફ્લિક્સ ફૉર ચાઇલ્ડ અને ઍમેઝૉન ફૉર કિડ પપ્પાએ શરૂ કરાવી આપ્યું છે પણ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ કે ‘વાગલે કી દુનિયા’ એના પર ક્યાં આવે છે? એ માટે તો ટીવી જ જોઈએને! મારા દાદા સાથે હું રોજ સાડાઆઠ થાય એટલે રિમોટ હાથમાં લઈને બેસી જાઉં છું.
- મહર્ષિ દવે, વર્સોવા

સવાર-સાંજ એક ક્લાક ન્યુઝ તો જોઈએ જ...
ટીવી અને મારે સંબંધ ખૂબ પુરાણા છે. મારો વર્ષોનો નિયમ રહ્યો છે. સવારે એક કલાક ન્યુઝ લેવાના અને સાંજે એક કલાક ન્યુઝ લેવાના. પેપર વાંચો, ઓટીટી જુઓ કે રેડિયો પર ગીતો અને આરજેને સાંભળો, પણ જે ન્યુઝ ટેલિવિઝન દ્વારા મળે છે એ આમાંનું કોઈ જ માધ્યમ પૂરું પાડી શકે એમ નથી એ વાત ચોક્કસ. અને ક્રિકેટ હોય ત્યારે ટીવી છોડાય? ના, જરા પણ નહીં.
- અલ્પેશ પટેલ, બોરીવલી

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2021 02:07 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK