મેડિકલ, એન્જિનિયરિંગ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ જેવા જુદા-જુદા પ્રોફેશન સાથે જોડાયેલા પાંચ મિત્રોમાં સૌથી કૉમન બાબત હતી ક્રીએટિવિટી અને આઇડિયાઝ. વ્યવસાયની સાથે-સાથે પોતાના પૅશનને વળગી રહેવા તેમણે થીમ બેઝ્ડ પાર્ટી ઑર્ગેનાઇઝ કરવાનું શરૂ કર્યું છે
આદિત્ય શુક્લ, વિરાલી વ્યાસ, મલ્હાર સોની, મિલોની માસ્ટર, રાજ લાડવા
મુંબઈની લાઇફ હવે પાટે ચડી ગઈ છે. બર્થ-ડે પાર્ટી સહિતની ઇવેન્ટ્સ પ્લાન થવા લાગી છે. બે વર્ષના પ્રતિબંધ બાદ તમે પણ સેલિબ્રેશનનો મૂડ બનાવી લીધો હોય તો મલાડ-કાંદિવલી વિસ્તારમાં રહેતા અને થોડા સમય પહેલાં જ ધ શટર સ્ટોરીઝ નામની ઇવેન્ટ કંપની ખોલનારા પાંચ મિત્રોની ક્રીએટિવિટી કામ લાગશે. મલ્હાર સોની, વિરાલી વ્યાસ, મિલોની માસ્ટર, આદિત્ય શુક્લ અને રાજ લાડવા પાસે પાર્ટીને સ્પેશ્યલ બનાવવા માટેના એક સે બઢકર એક આઇડિયાઝ છે. કોવિડ દરમિયાન ઇવેન્ટ પ્લાનરોના કામધંધાને ખાસ્સી અસર થઈ હતી. અનેક લોકોને આ વ્યવસાયને બાય-બાય કરવાનો વારો આવ્યો હતો ત્યારે જુદા-જુદા ક્ષેત્રમાંથી આવતા યુવાનોને ઇવેન્ટ કંપની ખોલવાનો વિચાર કેમ આવ્યો એ જાણીએ.
ફ્લૅશબૅક સ્ટોરી | પ્રોફેશનલી મલ્હાર આર્ટિસ્ટ મૅનેજર છે. ફોટોગ્રાફીમાં ડિપ્લોમા કર્યા બાદ બૉલીવુડ સ્ટાર્સના ઘરે આયોજિત બર્થ-ડે પાર્ટીમાં ફોટોશૂટનું કામ મળવા લાગતાં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઘણા કૉન્ટૅક્ટ ડેવલપ થયા. કોવિડ દરમિયાન કામકાજને અસર થઈ હતી પરંતુ જેવી લાઇફ ટ્રૅક પર આવી તેને સૌથી પહેલાં વિચાર આવ્યો કે હવે ડબલ જોશથી કામ કરવું પડશે. તે કહે છે, ‘સેલિબ્રિટીઝની બર્થ-ડે પાર્ટીમાં ફોટોગ્રાફીના અનુભવને પૅશન સાથે જોડી દીધો. અંદરખાને ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપની ખોલવાની ઇચ્છા હતી. બચ્ચાંઓની બર્થ-ડે પાર્ટીમાં ડેકોરેશનનું આગવું મહત્ત્વ હોય છે. મારી પાસે આઇડિયાઝ હતા અને પૅશન પણ તેથી ઇવેન્ટ કંપની ખોલવાનું નક્કી કર્યું. આ બિઝનેસમાં મૅનપાવર જોઈએ. મારા જેવા પૅશનેટ મિત્રો સાથે વાત કરી જોઈ. મિલોની સાથે જૂની મિત્રતા હોવાથી પહેલાં એની એન્ટ્રી થઈ. તબક્કાવાર ચાર ફ્રેન્ડ જોડાયા. દરેક ફ્રેન્ડ જુદા ક્ષેત્રમાંથી આવે છે. મિલોની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. આદિત્ય એન્જિનિયરિંગના ફીલ્ડમાં છે, જ્યારે રાજ એમબીએ કરે છે. બધાની પોતાની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. ખાસ કરીને વિરાલીની જર્ની પ્રેરણાદાયી છે.’
વ્યવસાયે ડેન્ટિસ્ટ વિરાલી વ્યાસ ધ શટર સ્ટોરીઝ સાથે કઈ રીતે જોડાઈ એ વિશે વાત કરતાં કહે છે, ‘નાનપણથી ડૉક્ટર બનવાનું સ્વપ્ન જોયું હતું. ડેન્ટિસ્ટની સ્ટડીનાં પ્રથમ ત્રણ વર્ષ સરસ નીકળી ગયા બાદ અચાનક માઇગ્રેનની સમસ્યા શરૂ થઈ ગઈ. સખત માથાનો દુખાવો રહેતો હોવાથી સ્ટડી પર ફોકસ ન કરી શકી. ઇન ફૅક્ટ, કોઈ કામ બરાબર થાય નહીં. ન્યુરોસર્જ્યનની સલાહથી અઢી વર્ષનો લાંબો બ્રેક લેવો પડ્યો. આ રીતે ભણવાનું હોલ્ડ પર રહી જતાં ડિપ્રેશનમાં ચાલી ગઈ. યંગ એજથી ફૅશન સ્ટાઇલિંગનો ક્રેઝ પણ હતો. ડિપ્રેશનમાંથી બહાર નીકળવામાં મારા પૅશને હેલ્પ કરી. વૉર્ડરોબમાં જેટલાં વસ્ત્રો હતાં, વારાફરતી પહેરીને સ્ટાઇલિંગના વિડિયો બનાવી સોશ્યલ મીડિયા પર અપલોડ કરતી હતી. મલ્હાર મને મોટિવેટ કરતો. એ વખતે કલ્પના પણ નહોતી કે ભવિષ્યમાં પૅશન અને પ્રોફેશનને એકસાથે હૅન્ડલ કરીશ. ડિપ્રેશન બાદ ભણવાનું પૂરું કર્યું અને પછી ક્લિનિક શરૂ થઈ જતાં સ્ટાઇલિંગ અને ક્રીએટિવિટી માટે સમય નહોતો મળતો. મલ્હારે સ્ટાર્ટઅપ વિશે વાત કરતાં ઉત્સાહમાં આવી ગઈ. હેક્ટિક લાઇફમાંથી રિલૅક્સ થવા તેમ જ શોખને બરકરાર રાખવાના ઇરાદાથી આ પ્રોજેક્ટમાં જોડાઈ. સ્ટાર્ટઅપમાં મારી એન્ટ્રી છેલ્લે થઈ છે.’
થીમ બેઝ્ડ પ્રોજેક્ટ | મિત્રોની ભૂમિકા અને સ્ટાર્ટઅપની ખાસિયત વિશે વાત કરતાં મલ્હાર કહે છે, ‘સ્ટાર્ટઅપનો ઓરિજિનલ વિચાર મારો હતો અને હું ફાઉન્ડર છું. ક્લાયન્ટ્સ શોધવાનું કામ પણ મારું છે. વિરાલી પાસે ડિઝાઇનિંગના અફલાતૂન આઇડિયાઝ છે. મિલોની હોમ ડેકોરમાં એક્સપર્ટ છે. આદિત્ય અને રાજ મૅનપાવર છે. તેઓ આઇડિયાઝને એક્ઝિક્યુટ કરવામાં હેલ્પ કરે છે. થોડા મહિના પહેલાં બર્થ-ડે પાર્ટી માટે હાઉસ ડેકોરના પ્રોજેક્ટ સાથે સ્ટાર્ટ કર્યું હતું. માત્ર થીમ બેઝ્ડ પાર્ટીનું કામ હાથમાં લેતા હોવાથી વાઇડ રેન્જ ઑફ ઑપ્શન્સ છે. સામાન્ય રીતે ઇવેન્ટ પ્લાનર્સ બર્થ-ડે પાર્ટીમાં બૅકડ્રૉપ બલૂન્સનો આપી દે છે. અમારું ફોકસ લૅવિશ પાર્ટી ઑર્ગેનાઇઝ કરવાનું છે. બધા કરે એ કરવામાં શું મજા આવે? ક્લાયન્ટ્સને જંગલ સફારી, અન્ડર ઓશન, સર્કસ, વિન્ટર લૅન્ડ જેવી એક્સક્લુઝિવ થીમ ઑફર કરીએ છીએ. શટર સ્ટોરીઝના બૅનરમાં ડેકોર કરેલી પાર્ટી તમને રિયલિટી સાથે કનેક્ટ કરશે. તમે ખરેખર એવી જગ્યાએ હો એવું ફીલ કરશો. થોડા દિવસ પહેલાં મર્મેડ થીમ કરી હતી. આ પાર્ટી માટે મર્મેડ અને ઍક્વેરિયમ ઊભાં કર્યાં હતાં. હાલમાં ફ્રોઝન મૂવી આધારિત થીમ પાર્ટી માટેની તૈયારી કરી રહ્યા છીએ. વાસ્તવમાં ક્રીએટિવિટી અમારું પૅશન છે. રોજબરોજની પ્રોફેશનલ લાઇફમાંથી રિલૅક્સ થવાનો જરિયો છે. દરેક ફ્રેન્ડે પોતાના પ્રોફેશન સાથે બૅલૅન્સ કરીને કામ કરવાનું હોવાથી મહિનામાં એક અથવા બે મહિને ત્રણ પ્રોજેક્ટ હાથમાં લઈએ છીએ. સેમ એરિયામાં રેસિડન્સ અને સેમ એજ ગ્રુપના કારણે મજાનું ટ્યુનિંગ બેસી ગયું છે.’


