Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દિવ્યાંગોના પ્રશ્નોના સમાધાન માટે આમરણ ઉપવાસ પર બેસતાં આ ભાઈ અચકાયા નહીં

દિવ્યાંગોના પ્રશ્નોના સમાધાન માટે આમરણ ઉપવાસ પર બેસતાં આ ભાઈ અચકાયા નહીં

23 February, 2024 12:48 PM IST | Mumbai
Darshini Vashi

આજ સુધીમાં કનુભાઈને અનેક સન્માન અને અવૉર્ડ મળી ચૂક્યાં છે. ​પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા હતા એ સમયગાળા દરમિયાન તેમને શ્રેષ્ઠ એમ્પ્લૉયરના અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કનુભાઈ ટેલર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે

કનુભાઈ ટેલર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે


બસભાડામાં રાહત, રાજ્ય પરિવહનની બસોમાં અનામત બેઠકો, રોજગારીની તકો, સામાજિક સંસ્થાનું સર્જન, ​ફિ​ઝિયોથેરપી સેન્ટર, તાલીમ કેન્દ્રો જેવી પાર વગરની સગવડો દિવ્યાંગો માટે ઊભી કરીને કનુભાઈ ટેલર ગુજરાતના લાખો લોકોના તારણહાર બન્યા છે. તેમના દ્વારા કરવામાં આવી રહેલાં સત્કાર્યોની પ્રશંસા દેશમાં જ નહીં, દુનિયાભરમાં થઈ રહી છે

ભગવદ્‍ગીતા | શ્ળોક ૫૮ | અધ્યાય ૧૮



मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि । 
अथ चेत्त्वमहङ्कारान्न श्रोष्यसि विनङ्क्ष्यसि॥


અર્થાત્: કેવી રીતે જીદ અને અહમ્‍ને અવગણીને જીવનમાં નિષ્ફળતા રોકી શકાય છે એ સમજાવે છે ગીતાનો આ શ્ળોક. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘જ્યારે તમે સંપૂર્ણ ભાવથી સમર્પણ કરો છો ત્યારે દરેક સમસ્યાનો સામનો સરળતાથી કરી શકશો. અભિમાનને કારણે તમે ઉપદેશને અવગણો ત્યારે જ વિનાશ આવે છે.’ ટૂંકમા દરેક પરિસ્થિતિમાં અહમ્‍ને છોડીને સમર્પણની ભાવના અપનાવો. અમુક કામ ભગવાનની મરજી પર છોડી દો. જ્યારે પોતાના અહમ્ અને જીદ સાથે કર્મ કરો છો ત્યારે એ કામ પરિણામલક્ષી હોતું નથી.

કનુભાઈ ટેલર


દિવ્યાંગોના મસીહા  
પદ્‍મશ્રી  ૨૦૧૧ 

मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं ।
यत्कृपा तमहं वन्दे परमानन्द माधवम् ॥

આ શ્ળોક પદ્‍મશ્રી ડૉ. કનુભાઈ ટેલરને સંપૂર્ણપણે લાગુ પડે છે. બાળપણથી જ શારીરિક પડકારોનો સામનો કરનારા કનુભાઈને પોતાના જેવા લાખો લોકોનો વિચાર આવ્યો અને શરૂ થઈ સેવાની અનોખી યાત્રા. મક્કમતા અને દૃઢ નિશ્ચય સાથે તેમણે દિવ્યાંગોનું જીવન સરળ બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરી દીધી. એક પછી એક આવતા તમામ અવરોધોને દૂર કરીને તેમણે આખરે દિવ્યાંગોની ઘણી સગવડો અને સવલતો પૂરી કરી. રાષ્ટ્રીય સ્તરે જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનેક સન્માનો મેળવનારા આ અનોખા વ્યક્તિત્વ પાસેથી થોડીક પ્રેરણા મેળવીશું તો પણ આપણું જીવન સફળ થઈ જશે.

વિચાર કેવી રીતે આવ્યો?
ખેડા જિલ્લામાં જન્મેલા પણ હાલ વર્ષોથી સુરતમાં વસવાટ કરી રહેલા ૬૭ વર્ષના કનુભાઈ ટેલરની જર્ની રસપ્રદ છે. મારા માટે નહીં પણ મારા જેવા તમામ માટે મારે કામ કરવું છે એ વિચાર કેવી રીતે આવ્યો એ વિશે કનુભાઈ કહે છે, ‘બાળપણમાં માંદગીને લીધે બન્ને પગમાં નિષ્ક્રિયતા આવી ગઈ હતી. અમારી આર્થિક સ્થિતિ પણ એટલી સારી નહોતી કે મને કોઈ વિશેષ સેવા મળી શકે. એટલે શાળાકીય જીવનમાં ઘણી તકલીફો પડેલી. ત્યાર બાદ હું ૧૯૭૫માં કૉલેજ ગયો ત્યારે યુનિવર્સિટીમાં રમતગમતની સ્પર્ધાઓ થતી, પણ અમારા જેવા શારીરિક રીતે અક્ષમ લોકોને એમાં ભાગ લેવા દેતા નહીં. એટલે મેં મારા પ્રિન્સિપાલને કહ્યું કે સાહેબ, આપણી કૉલેજમાં ચારથી પાંચ મારા જેવા વિદ્યાર્થીઓ છે, અમે પણ ભાગ લઈ શકીએ એવું કંઈક કરોને. તેમણે કહ્યું કે આ તો યુનિવર્સિટીના ઉપકુલપતિ નક્કી કરે. એટલે હું તેમને મળવા ગયો. પહેલાં તો તેમણે ના પાડી, પણ પછી મારી મક્કમતા જોઈને મને હા પાડી. યુનિવર્સિટીની દરેક કૉલેજમાં લેટર મોકલવામાં આવ્યો કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રમત રાખવામાં આવી છે એટલે દરેક જણને ભાગ લેવા વિનંતી. રમતગમતનો દિવસ આવ્યો, પણ જોયું તો મારી કૉલેજના દિવ્યાંગ વિદ્યાર્થીઓ સિવાય બીજી કોઈ કૉલેજના વિદ્યાર્થીઓ હાજર નહોતા. મેં તપાસ કરાવી તો ખબર પડી કે તેમને મેદાન સુધી પહોંચવામાં ખૂબ અડચણ પડે એમ હતું. એસટી બસમાં ચડવાથી લઈને બેસવા સુધીની તકલીફો હતી. રવિવારે દિવ્યાંગોને બસમાં ચડાવવા માટે કોઈ હોય નહીં એટલે તેમણે આવવાનું ટાળ્યું હતું.’

આમરણ ઉપવાસ કર્યા
બસની તકલીફને લીધે દિવ્યાંગોને ઘણી બધી મુશ્કેલી આવી રહી છે અેનો ઉકેલ લાવવા માટે મેં એસટી બસના બોર્ડમાં પત્ર લખ્યો એમ જણાવીને કનુભાઈ કહે છે, ‘એક વર્ષ સુધી પત્ર લખ્યા, પણ કોઈ જવાબ આવ્યો નહીં એટલે મેં આમરણ ઉપવાસ શરૂ કરી દીધા. ઉપવાસ જેમ-જેમ આગળ વધતા ગયા તેમ-તેમ લોકોનું ધ્યાન ખેંચાતું ગયું. લોકો સમજવા લાગ્યા કે આ તો સારી ભાવના સાથે ઉપવાસ કરી રહ્યા છે એટલે વધુ ને વધુ લોકો મને સપોર્ટ કરવા લાગ્યા. આ વાત કેન્દ્ર સરકાર સુધી પહોંચી અને આખરે તેમણે ઉપવાસના અ​ગિયારમા દિવસે મારી અરજી સ્વીકારીને એસટી બસમાં આગળની ત્રણ સીટ વિકલાંગો માટે અનામત રાખવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ દિવ્યાંગોની ટિ​કિટના દરમાં પણ રાહત અપાવવા હું લડત લડ્યો જેની અરજી પણ સ્વીકારવામાં આવી.’

રોજી-રોટીની વ્યવસ્થા 
ટ્રાન્સપોર્ટેશનમાં પડતી મુશ્કેલીઓનો તો હલ નીકળી ગયો, પણ વિકલાંગોને રોજી-રોટી મળી રહે એવું કંઈ કરવું જોઈએ એ વિચાર આવ્યો. એનો શું રસ્તો શોધ્યો એ વિશે કનુભાઈ કહે છે, ‘મેં દિવ્યાંગ ભાઈઓ માટે ‘બંધુ પ્રિન્ટિંગ પ્રેસ` નામનું પ્રેસ શરૂ કર્યું. એમાં કેટલાક ફિઝિકલી ચૅલેન્જ્ડ લોકોને પ્રિન્ટિંગની તાલીમ આપી. આ સાથે હજારો વિકલાંગોને આત્મનિર્ભર બનાવવાની સફરની શરૂઆત થઈ ગઈ. આ ઉપરાંત શિક્ષણ, વ્યાવસાયિક તાલીમ અને પુનર્વસન ક્ષેત્રે દિવ્યાંગ લોકોના કલ્યાણ માટે ભારતના દિવ્યાંગ કલ્યાણ ટ્રસ્ટની સ્થાપના કરી. ટ્રસ્ટ હેઠળ શાળા, ફિઝિયોથેરપી સેન્ટર, વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર, છોકરાઓ અને છોકરીઓનાં છાત્રાલયો અને પુનર્વસવાટ કેન્દ્રનો વિકાસ કર્યો. આજની તારીખમાં પણ તેમના હિત માટે અસંખ્ય કાર્યો કરી રહ્યો છું.’

વિશ્વસ્તરે લેવાયેલી નોંધ
આજ સુધીમાં કનુભાઈને અનેક સન્માન અને અવૉર્ડ મળી ચૂક્યાં છે. ​પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા હતા એ સમયગાળા દરમિયાન તેમને શ્રેષ્ઠ એમ્પ્લૉયરના અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરકાર તરફથી ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ તેમને મળ્યો છે. ભારત સરકારે ૨૦૧૧માં ગણતંત્ર દિવસના સન્માનની યાદીમાં પદ્‍મશ્રી માટે તેમને સામેલ કર્યા હતા. આ પછી ૨૦૧૩માં તેમને ગૉડફ્રે ફિલિપ્સ બ્રેવરી નૅશનલ અવૉર્ડ મળ્યો. ચેમ્બર ઑફ કૉમર્સ ઇન્ટરનૅશનલ માયામી (યુએસએ)નો પણ અવૉર્ડ તેમને મળ્યો છે. આ સન્માન માટેનો પ્રતિભાવ આપતાં તેઓ કહે છે, ‘આ સન્માનો મને નહીં પણ મારા જેવા અનેક દિવ્યાંગોને મળેલું સન્માન છે. શારીરિક સંઘર્ષ વચ્ચે સામાજિક સંઘર્ષ ન કરવો પડે એવું આપણે સૌ કરી શકીએ અને એના માટે ક્યારેય કોઈ બાબત પડકારજનક હોય તો પણ એને પાર કરી શકાય એ જ વાત હું હંમેશાં મારા મિત્રોને કહેતો હોઉં છું. દિવ્યાંગો પણ ખૂબ કૅપેબલ છે અને તેમને પૂરતી તક મળવી જોઈએ એ જ વાતને મેં હંમેશાં લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી છે.’

આજે દિવ્યાંગોના હિતમાં ઘણાં કાર્યો કરવામાં આવી રહ્યાં છે જેમાં સરકારની પણ ઘણી મદદ હોય છે. સરકારની અને અમારા જેવા સેવકોની મદદની સાથે સામાન્ય જનતાની પણ મદદ મળશે તો દિવ્યાંગો હજી પણ પ્રગતિ કરશે અને દેશને વૈશ્વિક સ્તરે નવા મુકામ પર લઈ જશે. 

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2024 12:48 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK