Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આજનાં બાળકોને ‘ના’ નથી પાડી શકાતી!

આજનાં બાળકોને ‘ના’ નથી પાડી શકાતી!

28 April, 2023 04:52 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

જે તેમને કરવું છે એમાં નન્નો ભણવાથી ક્યારેક ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે. આવું કેમ છે અને એનો ઉપાય શું એ વિશે સમજવાની કોશિશ કરીએ

પ્રતીકાત્મક તસવીર

પેરન્ટિંગ ટિપ્સ

પ્રતીકાત્મક તસવીર


એક સમય હતો જ્યારે માતા-પિતા બાળકોને એક વાર ના પાડતાં અને તેમની એ કામ કરવાની હિંમત જ ન થતી. આજકાલ ઊંધું છે. જેની ના પાડો એ તેમને પહેલાં કરવું હોય છે. બે વર્ષથી લઈને ૨૦ વર્ષ સુધીનાં મોટા ભાગનાં બાળકો સાથે આ તકલીફ નડી રહી છે કે તેમને કોઈ પણ બાબતે ના નથી પાડી શકાતી. જે તેમને કરવું છે એમાં નન્નો ભણવાથી ક્યારેક ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે. આવું કેમ છે અને એનો ઉપાય શું એ વિશે સમજવાની કોશિશ કરીએ

કિસ્સો ૧   સ્નેહાની બે વર્ષની દીકરી જીનેશા ખૂબ મસ્તીખોર છે. તેને જેટલી પણ વાર સમજાવો કે કિચનમાં બૉલથી નહીં રમવાનું તે જાણી જોઈને કિચનમાં બૉલ લઈને જ આવશે. સ્નેહાએ બધા પેંતરા અજમાવી જોયા. પહેલાં સમજાવ્યું કે આ બૉલથી બહાર રમવાનું, કિચનમાં નહીં ઓકે? તો ઓકે કહીને તેણે બૉલ જોરથી કિચનમાં ફેંક્યો. સ્નેહાએ તેના વર્તન પર ગુસ્સો કર્યો. તેને ધમકાવી કે જો બૉલ કિચનમાં આવ્યો તો... પાંચ મિનીટ ચૂપ બેસી ગયા પછી જીનેશા ધીમેકથી કિચનમાં આવી. મમ્મીને પ્રેમથી બોલાવી. સ્નેહાને લાગ્યું કે સૉરી કહેવા આવી હશે એટલે એ જેવી તેના તરફ ફરી કે તેણે ધીમેકથી બૉલ ફરી કિચનમાં ફેંક્યો. એ જોવા માટે કે સ્નેહા શું કરશે? કોઈ કહી શકે કે બે વર્ષની છોકરી કેટલી હદે તેની માની સહનશક્તિને લલકારતી હતી? 
કિસ્સો ૨   ૨૦ વર્ષના આદિને  સ્ટાર્ટ-અપનું ઘેલું ઊપડ્યું છે. ‌તેના પિતા અનિલભાઈએ પોતે બિઝનેસમાં ઘણો લૉસ કરી ચૂક્યા છે એટલે પોતે આદિને ના પાડે છે કે અનુભવ વગર આટલા મોટા રિસ્ક ન લઈ શકાય. પહેલાં નોકરી કરી લે. ૪-૫ વર્ષના અનુભવ પછી વિચારીશું. આદિ પહેલાં બિઝનેસ માટે એટલો સિરિયસ નહોતો જેટલો અનિલભાઈની ના પછી થઈ ગયો. હવે આદિ દરરોજ પપ્પા સાથે લડે છે કે તેને ઇન્વેસ્ટમેન્ટ જોઈએ જ છે. પપ્પાની ‘ના’ને ‘હા’માં કેમ બદલાવવી એ તેના જીવનનો ટાસ્ક બની ગયો છે. ‘ના’ શબ્દ સાંભળવો, પચાવવો અને એને અનુસરવો જે પાછલી પેઢીનાં બાળકોને આવડતો હતો એ આજનાં બાળકોને નથી આવડતો એ સત્ય દરેક પેરન્ટે અનુભવ્યું છે. બે વર્ષથી લઈને ૨૦ વર્ષ સુધીનાં બાળકોને માતા-પિતાના મોઢેથી ‘ના’ નથી સાંભળવી હોતી. તેમની દરેક ડિમાન્ડ કે દરેક કૃત્યને સ્વીકૃતિની ‘હા’ જ સાંભળવી હોય છે. પરંતુ એ અશક્ય છે. બાળકની દરેક વાતમાં હા નથી પાડી શકાતી પણ ના પણ ન પાડી શકાતી હોય એવી પરિસ્થિતિ કેમ જન્મે છે? એ ‘ના’ની અસ્વીકૃતિનું શું કારણ? એ બધા વિશે થોડું ઊંડાણથી વિચારીએ. 


સાઇકોલૉજી 

બાળકોને ‘ના’ કેમ નથી પાડી શકાતી? એનો જવાબ આપતાં કૉન્શિયસ પેરન્ટિંગ કોચ દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘આજનું પેરન્ટિંગ બાળકને ઘણી છૂટછાટ આપે છે. પોતાની રીતે વિકસવાની તક આપે છે. આજના પેરન્ટ્સ જડતાથી કોઈ વસ્તુ બાળકો પર લાદતા નથી. પહેલેથી તેને એક એવી સ્પેસ આપવામાં આવી છે જેમાં તેના પોતાના સ્વતંત્ર વિચારોને મૂકી શકે. એટલે જ્યારે તમે તેને ના પાડો છો ત્યારે તેની સ્વતંત્રતા હણાય છે. આજનાં બાળકોને આંખ બંધ કરીને અનુસરવાની આદત નથી. માતા-પિતાએ કહ્યું એટલે એમ જ કરવાનું એ શક્ય નથી. તેમને કારણો આપવાં પડે. એ કારણો તેમને ઠીક લાગે તો એ તમારી ‘ના’ પર અમલ કરે. બાકી એ તો નૉર્મલ હ્યુમન સાઇકોલૉજી છે જેની ના પાડો મન એના તરફ જ લલચાય. બે વર્ષના બાળકને ચૉકલેટ કદાચ ન ભાવતી હોય પણ તેને ના પાડો કે આ નથી ખાવાની તો એ ખાવા માટે ધતિંગ કરે અને ૨૦ વર્ષના બાળકને પ્રેમ થાય અને તમે ના પાડો કે લગ્ન નહીં થાય તો તે ઘરથી ભાગી જવાનું વિચારે. આ બંને પરિસ્થિતિ એક જ છે.’ 


‘ના’ પાછળનાં કારણો આપો 

આ સાઇકોલૉજીમાં તેમની પાસેથી કામ કેમ કઢાવવું? જેમ કે નાનાં બાળકોને હેલ્ધી ઈટિંગ હૅબિટ્સ પાડવા માટે જ્યારે તેમને કહેવામાં આવે કે જન્ક ખાવાનું નથી તો તેમને એ જ ખાવું હોય છે. આ પરિસ્થિતિનો તોડ શું છે? એનો જવાબ આપતાં ચાઇલ્ડ ન્યુટ્રિશન સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘સૌથી પહેલાં તો બાળકની આસપાસ વાતાવરણ જ એવું બનાવવું પડે કે એ ખોટી ફૂડ ચૉઇસ કરે જ નહીં. એટલે કે જો તમારા ઘરમાં પૅકેટ ફૂડ હશે જ નહીં તો તમારે તેને ના પાડવાની જરૂર જ નથી. જો તમારા ઘરમાં બધા ઘરનું જ ખાવાનું ખાતા હશે તો બહાર ખાવા પ્રત્યે મોહ તેને જાગશે નહીં. પણ જ્યારે બાળક જન્ક કે ફાસ્ટ ફૂડ પ્રત્યે આકર્ષાય ત્યારે તેને નૉલેજ આપવું જરૂરી છે કે એ તારા શરીરને નુકસાન પહોંચાડશે. તું એ ખાઈને બીમાર પડશે. આ જ્ઞાન કેટલેક અંશે કામ લાગશે પરંતુ આજના સમયમાં સારી આદતો માટે જડતા કામ લાગતી નથી. તમે કહો કે આ તો નથી જ ખાવાનું. તો એ બાળક ભલે કદાચ એ ન ખાય પરંતુ મનથી એ અભાવ મહેસૂસ કરે છે, જે તેની માનસિક હેલ્થ માટે નથી સારું. આમ તમારું બાળક સારી આદતો શીખે એ માટે તેને આ ખવાય ને આ ન ખવાય એવું સતત કહ્યે રાખવાથી કામ નહીં થાય. તમારે તેની આજુબાજુ વાતાવરણ ઊભું કરવું પડશે.’  

આ પણ વાંચો : સંતાનની જાસૂસી કરવા શું તમે સોશ્યલ મીડિયા પર બનાવ્યું છે ફેક અકાઉન્ટ?

‘ના’ પાડવાની જરૂર કેમ? 

એક રિસર્ચ અનુસાર બાળક ૮ વર્ષનું થાય ત્યાં સુધી તે તેના માતા-પિતા પાસેથી ૪૦,૦૦૦ વાર ‘ના’ સાંભળે છે. આ ચોંકાવનારી માહિતી આપતાં ISP-ધ આર્ટ ઑફ પેરન્ટિંગના કોચ અમિત શાહ કહે છે, ‘એક પેરન્ટ તરીકે તમે વિચારો કે આખા દિવસમાં તમે તમારા બાળકને કેટલી વાર ના પાડો છો? અઢળક વાર? શું કામ? આટલી ના પાડવાનો અર્થ એ છે કે તમે સતત તેને કરેક્ટ કર્યા કરો છો. આમ નહીં, તેમ. આ ખોટું, આ સાચું. દરેક પેરન્ટ ઇચ્છે છે કે એનું બાળક યોગ્ય બને પણ તમારી આ અઢળક ‘ના’થી બાળકનો આત્મવિશ્વાસ સાવ હલી જાય છે. એટલે કે એ પોતે જે પણ કરી રહ્યું છે એ ખોટું છે એવું સતત દિવસમાં કેટલી વાર આપણે તેને જતાવીએ છીએ, જેને કારણે કેટલાંક બાળકો સાવ આત્મવિશ્વાસ વગરનાં બની જાય છે તો કેટલાંક તેમનો આત્મવિશ્વાસ બૂસ્ટ કરવા માટે બળવાખોર બની જતાં હોય છે. બાળકને બાળકની જેમ નહીં, એક વ્યક્તિની જેમ સ્વીકાર કરી એ કોઈ પણ વસ્તુ શું કામ કરવા માગે છે એનો પૉઇન્ટ ઑફ વ્યુ સમજવો જરૂરી છે. એ સમજ્યા પછી તમે તેને બાંહેધરી આપી શકો છો કે તારી વાત અમે સમજ્યા, પરંતુ અમારો મુદ્દો આ હતો. આ રીતે એક કનેક્ટ ડેવલપ થાય છે. બાળકને કરેક્ટ કરવા કરતાં તેની જોડે કનેક્ટ સધાય એટલે કે તેને સુધારવા કરતાં તેની જોડે સુમેળ સ્થપાય એવા પ્રયત્નો પેરન્ટ્સે વધુ કરવા જોઈએ. પછી તમે જે ના પાડશો એ નાને તે સમજી શકશે અને જો તે એનું પાલન નહીં કરે તો તમે પણ તેને સારી રીતે સમજી શકશો કે તેણે એ કેમ ન કર્યું.’ 

અનુભવ કરવા દ્યો 

પેરન્ટ્સ બાળકોને હંમેશાં ના એટલે પાડતાં હોય છે કે તેમને એ સિક્યૉરિટી આપવા માગતા હોય છે. આ રસ્તે ન ચાલ, તું ભટકી જઈશ. આમ ન કર, તને હાનિ થશે. આવા નિર્ણયો ન લે, તું પસ્તાઈશ. આ બાબતે બાળકો માતા-પિતાનો હેતુ નથી સમજી શકતાં. તેઓ માને છે કે પેરન્ટ્સ બસ, ટોક્યા કરે છે. જો તમારું બાળક તમારી ‘ના’ પાછળનો આશય સમજતું ન હોય તો શું કરવું? આ બાબતે વાત કરતાં અમિત શાહ કહે છે, ‘આવ સમયે તેમને લિબર્ટી આપો. તેને કહો કે હું નથી ઇચ્છતો કે તું આમ કરે, છતાં નિર્ણય તારો છે. તને જેમ ઠીક લાગે એમ કર. તેને અનુભવ કરવા દો. વધુમાં વધુ શું થશે? ઘણાં માતા-પિતા કહે છે કે મને દેખાય છે કે એ કૂવામાં પડી રહ્યો છે, એને અમે અમારી સામે કૂવામાં પડવા દઈએ? હું કહું છું હા. તમે તમારા બાળકને પ્રોટેક્ટ કરવાની કોશિશ પૂરી કરો. પરંતુ છતાં એ શક્ય ન બને તો તેને કૂવામાં પડવા દ્યો. તમે જો તેને યોગ્ય પરવરિશ આપી હશે તો તે કૂવામાં પડીને પણ પાર લાગશે. જો નહીં લાગે તો તરતાં શીખશે. આમ ઘણી વખત અનુભવ એક મોટો શિક્ષક સાબિત થાય છે.’

 તમારું બાળક સારી આદતો શીખે 

એ માટે તેને આ ખવાય ને આ ન ખવાય એવું સતત કહ્યે રાખવાથી કામ નહીં થાય. તમારે તેની આજુબાજુ વાતાવરણ ઊભું કરવું પડશે. ધ્વનિ શાહ, ચાઇલ્ડ ન્યુટ્રિશનિસ્ટ

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2023 04:52 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK