Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > વડીલપણાની નહીં, વાત્સલ્યની છે જરૂર

વડીલપણાની નહીં, વાત્સલ્યની છે જરૂર

10 May, 2023 04:12 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

સંતાનોમાં સમજ અને સ્વાવલંબન બંને વધ્યાં છે ત્યારે વડીલે તેની વગ મૂકીને વાત્સલ્યનો માર્ગ અપનાવવો જરૂરી બની રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

સ્પેશ્યલ સ્ટોરી

પ્રતીકાત્મક તસવીર


એક સમય હતો જ્યારે ઘરના વડીલની ઘરમાં ધાક પડતી. હું બોલું એમ થાય અને હું કહું એ જ આખરી નિર્ણય અને પરિવારના સદસ્યો પણ તેમનું માન રાખીને પડ્યો બોલ ઝીલતા. પરંતુ હવે સમય બદલાયો છે. સંતાનોમાં સમજ અને સ્વાવલંબન બંને વધ્યાં છે ત્યારે વડીલે તેની વગ મૂકીને વાત્સલ્યનો માર્ગ અપનાવવો જરૂરી બની રહ્યું છે. આ માર્ગ સરળ નથી, પણ જરૂરી ચોક્કસ છે


કિસ્સો ૧ - નરેન્દ્રભાઈ મુંબઈ જેવા શહેરમાં રહેતા ૧૦ જણના સંયુક્ત પરિવારના મોભી છે. આજે તેમની ૭૦ વર્ષની ઉંમરે પણ ઘરનો દરેક સદસ્ય તેમના કહ્યામાં છે. તેમના ત્રણેય પુત્રો, બંને વહુઓ અને તેમનાં સંતાનો બધાં તેમનો પડ્યો બોલ ઝીલે છે. નરેન્દ્રભાઈની આંખ ફરે અને બધા સમજી જાય. નરેન્દ્રભાઈ માને છે કે એક સંયુક્ત પરિવારને જોડી રાખવા માટે એ જરૂરી છે. બધા તેમને મન પડે એમ જીવે તો પરિવાર એક છત્ર નીચે ન રહી શકે. પરંતુ જ્યારે નાના પુત્રનાં લગ્નની વાત આવી ત્યારે પુત્ર જીદે ચડ્યો છે કે તેને નોકરી કરતી પત્ની જ જોઈએ છે. નરેન્દ્રભાઈએ પરિવારને એક રાખવા માટે મોટી બંને વહુઓને કામ કરવા દીધું નહીં. હવે નાનાને તે કઈ રીતે છૂટ આપે? છેલ્લાં ૩ વર્ષથી આ મુદ્દે વાત અટકેલી છે. દીકરાની ઉંમર વધતી જાય છે પરંતુ નરેન્દ્રભાઈ હા પાડી નથી શકતા અને દીકરો પોતાની જીદ મૂકતો નથી. વર્ષોથી વડીલ એક ઢાંચામાં જીવ્યા હોય છે. તેમણે પણ દુનિયાનાં અઢળક પરિવર્તનો જોયાં, જાણ્યાં, અપનાવ્યાં હોય છે. અમુક વડીલ તો એવા પણ છે જે ખુદ મોટાં પરિવર્તનો લાવ્યા હોય છે. દુનિયા તેમણે જોઈ છે એટલે તેમને લાગે છે કે અમારો મત જરૂરી છે. અનુભવ આખરે એક મોટો શિક્ષક છે અને અનુભવ પાસેથી ભણેલા પાઠ એ આગલી પેઢીને ભણાવી શકે એ માટે દરેક વડીલ તત્પર હોય છે. આથી જ લોકો મારું સાંભળે એવી તેમની જિદ રહે એમાં નવાઈ નથી પરંતુ દુનિયા છેલ્લાં દસ વર્ષમાં તો ઘણી બદલાઈ ગઈ છે. આગલી પેઢીઓ પાસે આજની તારીખે એક્સપોઝર, ભણતર અને એ બંનેને કારણે સમજદારી ઘણી વધી ગઈ છે. એનાથી પણ વધુ જે મહત્ત્વનું છે એ છે તેમની આત્મનિર્ભરતા. દરેક નિર્ણય ખુદ લેવાની ક્ષમતા અને જો એ ખોટો પણ હોય તો એને ખુદ ભોગવવાની આવડત એ બંને એ ધરાવે છે. એટલે કદાચ કુટુંબોમાં વડીલોની વગ ઓછી થતી જાય છે. વર્ષો પહેલાં જે સંબંધો આમન્યા હેઠળ ઢંકાયેલા રહેતા, માનના ભાર તળે દબાયેલા રહેતા એ હવે વાતચીતના તાંતણે જોડાય એની માગ વધી રહી છે. આજનો વડીલ કુટુંબમાં વગ રાખવાને બદલે વાત્સલ્યનું ઝરણું વહેતું કરે એની તાતી જરૂર ઊભી થઈ છે ત્યારે સમજીએ કે એ કઈ રીતે શક્ય છે.


પરિવર્તનનો સ્વીકાર 

આ બાબતે વાત કરતાં દાદરમાં રહેતા ૮૦ વર્ષના પ્રેમચંદભાઈ સુમરિયા કહે છે, ‘આજની પેઢી અમારો આદર કરે છે. એ અમારું કમ્ફર્ટ પણ સાચવે છે. અમને કશી તકલીફ ન પડે એ જુએ છે. અમારી સાથે વાત કરવાનો સમય પણ કાઢે છે પરંતુ તેમને અમારી સલાહ-સૂચનાની જરૂર નથી, કારણ કે અમારા કરતાં એ વધુ ભણેલી સ્માર્ટ જનરેશન છે. એની એક પોતાની વિચારધારા છે, જે ખોટી નથી. અમારા કરતાં અલગ છે. સાચું કહું તો એ પચાવવી અમારા માટે સરળ પણ નથી પરંતુ એનો વિરોધ પણ અમારાથી થાય એમ નથી, કારણ કે દરેક વસ્તુના એમની પાસે પોતાના લૉજિક છે. તર્ક વગર તેઓ વાત કરતા જ નથી. આપણી વાત તેઓ આંખ બંધ કરીને માની ન શકે, કારણ કે તેઓ તર્ક માગે છે. દરેક વાતનો તર્ક એમની પાસે છે, અમારી પાસે નથી. તો ઉપાય સ્વરૂપે અમે વડીલો જેટલું આ પરિવર્તનને સ્વીકારી શકીએ છીએ એટલું સ્વીકારવું જરૂરી છે. એ લોકો અમને જેટલું માન આપે છે એ ઓછું નથી. પણ એ માનનો અર્થ એ પણ નથી કે અમારી દરેક વાતને એ લોકો સમજે. આજના સમયની માગ એ છે કે અમારે એમને સમજવાના છે.’ 


પ્રેમચંદભાઈ સુમરિયા

શું કરવું? 

પોતાનો મત સ્પષ્ટ કરતાં ઘાટકોપરમાં રહેતાં ૭૨ વર્ષનાં શોભનાબહેન ઝવેરી કહે છે, ‘વડીલ તરીકે વ્યક્તિને એવું હોય કે હું કહું એમ થવું જોઈએ, પણ એમાં એક પ્રૉબ્લેમ છે. આપણાં બાળકો આપણો આદર રાખવા ખાતર એ કરે પણ ખરાં પણ મનથી ન કરે એનો શું ફાયદો? પરાણે થતા કામનો આનંદ જ શું હોઈ શકે? બીજી તરફ એવા પણ વડીલો હોય છે જે એટલે નિરાશ થઈ જાય છે કે આગલી પેઢી તો આપણું સાંભળવાની જ નથી એટલે બોલવાનું બંધ કરી દે છે. મને લાગે છે કે વચ્ચેનો માર્ગ યોગ્ય છે. એક વાર તમારા મનનું કહી જોવાનું કે આમ કરીએ તો? તમને શું લાગે છે? એમને જો ઠીક લાગે તો એ લોકો અનુસરશે. જ્યારે તમે સામેવાળી વ્યક્તિને ચૉઇસ આપો તો એ ભલે ક્યારેક ન કરે પણ જ્યારે કરશે ત્યારે ૧૦૦ ટકા મનથી કરશે, જેનો આનંદ પૂરો મળે. આમ જો ન કરે તો ખોટું ન લગાડીએ અને કરે તો રાજી, આ ભાવના સાથે હું જીવું છું અને એ એટલું અઘરું પણ નથી.’ 

શોભનાબહેન ઝવેરી

આ પણ વાંચો :  નેક્સ્ટ જનરેશનને થૅલેસેમિયાથી બચાવવા જાગો

પરિવાર માટે 

મોટા ભાગે સંયુક્ત પરિવારોમાં વડીલની વગની જરૂર રહે છે. એક કહે અને બધા અનુસરે એમ હોય તો જ સંયુક્ત કુટુંબ વગર કોઈ ફરિયાદે વ્યવસ્થિત ચાલે. એવું વડવાઓ માનતા, જેના વિશે વાત કરતાં ૭૦ વર્ષનાં કોકીબહેન માલદે કહે છે, ‘હું લગ્ન કરીને આવી ત્યારે અમે ૨૫ વ્યક્તિઓના સયુંક્ત પરિવારમાં રહેતા. એમાં અમારા વડીલો એવા જ હતા કે જેમ કહ્યું એમ જ કરવાનું. એ એક અંશે જરૂરી હતું. પછી અમે અલગ થયા. અલગ ઘરમાં દરેક બાબત તમે તમારી રીતે વિકસાવી હોય. એ પછી તમારું કુટુંબ બને. આમ જ કરવાનું અને આમ નહીં કરવાનું જેવા અમુક મૂળભૂત નિયમો પણ હોય જે દરેક ઘરમાં જરૂરી છે. પરંતુ સમય સાથે હું શીખી છું કે નિયમો માણસ કરતાં ઉપર નથી. આપણાં બાળકો અને તેમનું જીવન આમ જ થાય અને આમ ન જ થાયથી ઘણું ઉપર છે. કોઈ પણ વડીલ આ વાત ખુદ જ સમજે અને એમાંથી એને અપનાવે તો જ બદલાવ આવે. હું પણ આ બદલાવના મધ્યમાં છું હજી. પણ મને એ બાબતનું ભાન ચોક્કસ છે કે મારે પેલે પાર સુધી પહોંચવાનું છે અને એ પ્રયત્નો મારા ચાલુ છે.’

કોકીબહેન માલદે

અઘરું છે, પણ કરી શકો તો નૈયા પાર  

Pravin Solanki

વડીલોએ આજની તારીખે પરિવારમાં કયો માર્ગ અપનાવવો જોઈએ એ બાબતે વાત કરતાં લેખક પ્રવીણ સોલંકી કહે છે, ‘મીરાં બનવું હોય તો મેવાડ છોડવું પડે એમ વડીલ બનવું હોય તો વડીલપણું છોડવું પડે. આપણે ત્યાં એક માન્યતા એ છે કે સંતાનો હંમેશાં ખોટાં હોય છે અને વડીલો હંમેશાં સાચા. આ ભ્રાંતિમાંથી બહાર આવવાની જરૂર છે. બે પેઢી અને એની વચ્ચેના પ્રશ્નો દેખાય છે એટલા સરળ નથી, પેચીદા છે. પરંતુ એને ઉકેલવાનો પ્રયત્ન પ્રેમના માધ્યમથી કરીએ તો શક્ય બની શકે છે. સમાધાન ક્યારેય ભયથી નથી આવતું, પ્રેમથી જ આવે છે. વડીલ તરીકેનો અહમ્ છોડીને જ્યારે આપણે ખરા અર્થમાં આપણી અને આગલી પેઢીઓ વચ્ચે સમજણનો સેતુ બનાવીશું ત્યારે પરિવારને મજબૂત બનાવી શકીશું. પણ સાચું કહું તો આ શબ્દો બોલવા જેટલા સહેલા છે એટલું જ વાસ્તવિક જીવનમાં એ અઘરું કામ છે. વ્યવહારમાં એ અહ્‍મને બાજુ પર રાખી હેત વરસાવતાં જે શીખી ગયા એ તરી ગયા.’

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2023 04:12 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK