Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દરરોજ બે વાર ઇન્સ્યુલિન લેતા કેજરીવાલ જો મૅન્ગો ખાઈ શકે તો આપણે કેમ નહીં?

દરરોજ બે વાર ઇન્સ્યુલિન લેતા કેજરીવાલ જો મૅન્ગો ખાઈ શકે તો આપણે કેમ નહીં?

23 April, 2024 11:30 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ખરા અર્થમાં સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી કેરી ડાયાબિટીઝના દરદીઓએ ખવાય કે નહીં એ આજે સાચી રીતે સમજવાની કોશિશ કરીએ. 

અરવિંદ કેજરીવાલ અને માધુરી દીક્ષિત નેને કેરીનો આનંદ માણતા

અરવિંદ કેજરીવાલ અને માધુરી દીક્ષિત નેને કેરીનો આનંદ માણતા


એક ડાયાબેટિક માણસ કેરી ખાય અને ઘરમાં હોબાળો મચી જાય એવો માહોલ હાલમાં દિલ્હીમાં સરજાયો હતો. દિલ્હીના CM કેજરીવાલે તેમના જેલવાસ દરમિયાન ત્રણ વખત ઘરેથી આવેલી કેરીઓ ખાધી એમાં ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ઊંચુંનીચું થઈ ગયું છે. તેમણે કેજરીવાલ કેરી અને મીઠાઈ ખાઈને પોતાની શુગર વધારી, તબિયત ખરાબ કરીને જેલમાંથી બહાર જવાના પેંતરા કરે છે, તેઓ મેડિકલ ગ્રાઉન્ડ્સ પર બેઇલ માગવા ઇચ્છે છે એવો આરોપ તેમના પર લગાવ્યો હતો, જેના જવાબમાં કેજરીવાલે કહેવું પડ્યું કે તેઓ ડાયાબિટીઝ ધરાવે છે અને દરરોજ બે વાર ઇન્સ્યુલિન લે છે જેનો કુલ ડોઝ ૫૦ યુનિટ (૨૮-૨૨) જેટલો છે. અને તેઓ એ જ ખાઈ રહ્યા છે જે તેમની ડાયટમાં નિર્ધારિત કરવામાં આવ્યું છે. તે જાણી જોઈને પોતાનો જીવ જોખમમાં શું કામ મૂકે એવો પ્રશ્ન પણ તેમણે કોર્ટ સમક્ષ ઉઠાવ્યો હતો. 

સમજણ જરૂરી
ટૂંકમાં ડાયાબિટીઝ જેવો રોગ એક સામાન્ય માણસને હોય કે અરવિંદ કેજરીવાલને, પ્રશ્નો તો ઊઠવાના જ. એ નિર્ધારિત છે. આજકાલ લગ્નોની સીઝનમાં કે ગુજરાતી જમણવારોમાં સૌથી ખરાબ હાલત એક ડાયાબિટીઝના દરદીની જ હોય છે, કારણ કે કેરીનો રસ આ સીઝનની શાન છે અને દરેક ગુજરાતી જમણની આન છે, પણ ડાયાબિટીઝે દરદીઓને એવા તો બાનમાં પકડ્યા છે કે કેરી બની ગઈ છે તેમના માટે શાદી કા લડ્ડુ. ખાય તો પણ પછતાય અને ન ખાય તો પણ. ખરા અર્થમાં સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી કેરી ડાયાબિટીઝના દરદીઓએ ખવાય કે નહીં એ આજે સાચી રીતે સમજવાની કોશિશ કરીએ. 



ખવાય કે બિલકુલ ન ખવાય? 
મોટા ભાગના ડાયાબિટીઝના દરદીઓ તેમના ડાયાબેટોલૉજિસ્ટ ડૉક્ટરને મળવા જાય ત્યારે તેમને એ શીખવાડવામાં આવે કે તમારે પાંચ ફળ નથી ખાવાનાં. એમાં પહેલું નામ કેરીનું હોય. એ સિવાયનાં નામોમાં કેળા, સીતાફળ, દ્રાક્ષ અને ચીકુનો સમાવેશ થાય છે. ટૂંકમાં જે ફળો મીઠાં ફળોમાં ગણાય એ બિલકુલ ન ખાવાં. બાકીનાં ફળો પણ માપસર જ ખાવાં, કારણ કે એમાં શુગર હોય જે તમારા લોહીમાં સીધી ભળે અને શુગર-લેવલ વધે. તો શું ડાયાબિટીઝના દરદીઓએ કેરી ન જ ખાવી જોઈએ? પ્રખ્યાત સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરના અઢળક વાઇરલ વિડિયોઝ જણાવે છે કે કેરી ખાવી જ જોઈએ. કેરીથી ડરો નહીં. એક સમય હતો કે કેરી ખાવા માટે લોકો ઉનાળાની રાહ જોતા અને આજે કોઈ પીરસે તો પણ ના-ના, શુગર વધશે, જાડા થઈશું વિચારી લોકો કેરીથી ડરતા થઈ ગયા છે. ઋજુતા પોતાના વિડિયોઝમાં આ બાબતે ચિંતા વ્યક્ત કરીને જન-જન સુધી એ સંદેશ પહોંચાડે છે કે કેરી ખાવાથી ડાયાબિટીઝ થતો નથી કે વકરતો પણ નથી. એટલે કેરી ખાઓ. 


વિજ્ઞાન શું કહે છે?
કોઈ કહે કે કેરી બિલકુલ ન ખાવી જોઈએ અને કોઈ કહે કે બિન્દાસ ખાઓ. આમાં સાચું શું? સાચો છે વચેટ માર્ગ, જેને સમજવાની કોશિશ કરીએ. એ વિશે વાત કરતાં બેલીવ્યુ મલ્ટિસ્પેશ્યલિટી હૉસ્પિટલ, અંધેરીનાં ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને સર્ટિફાઇડ ડાયાબિટીઝ એજ્યુકેટર ડૉ. શિલ્પા વર્મા કહે છે, ‘એક હોય છે ગ્લાયસીમિક ઇન્ડેક્સ જેના દ્વારા કોઈ પણ ખોરાક તમારી કેટલી બ્લડ શુગર વધારશે એ માપી શકાય, જેને ૧-૧૦૦ના આંકમાં માપવામાં આવે છે. પાકી કેરીનો ગ્લાયસીમિક ઇન્ડેક્સ ૫૧થી ૫૬ જેટલો છે; જેને ન વધુ કહેવાય, ન ઓછો. મધ્યમ કહી શકાય. બીજો હોય છે ગ્લાયસીમિક લોડ એટલે કે એક સિંગલ સર્વિંગમાં દેવામાં આવતા ખોરાકનો માપદંડ. આ લોડ ૦-૧૦ સુધીનો હોય તો ઓછો ગણાય. ૧૧-૨૦ સુધીનો હોય તો મધ્યમ ગણાય. એમાં પાકી કેરીનો ગ્લાયસીમિક લોડ ૧૮.૯ છે. વધુ નથી, મધ્યમ છે. આમ કેરીથી ડરવાનું તો બિલકુલ નથી, પણ સાવધાની જરૂરી છે.‘ 

બૅલૅન્સ મહત્ત્વનું
તો પછી કેટલાક ડૉક્ટર્સ એવું કેમ કહે છે કે કેરી બિલકુલ ન ખાઓ? આ વાતનો જવાબ આપતાં શિલ્પા વર્મા કહે છે, ‘કેરી બધાનું અત્યંત પ્રિય ફળ હોય છે. લગભગ દરેક વ્યક્તિને એ ખાવાની ઇચ્છા હોય એમાં નવાઈ નથી. જ્યારે ડૉક્ટર તદ્દન ના જ પાડી દે ત્યારે પણ લોકો ક્યારેક અને થોડુંક ખાશે જ એ તેમને ખબર છે. પરંતુ જો એમ કહે કે સમજીને ખાજો, થોડું ખાજો તો તે થોડાક કરતાં વધુ જ ખાશે. માન્યું કે બધા જ દરદીઓ સરખા નથી હોતા, પરંતુ સામાન્ય રીતે માણસની સાઇકોલૉજી આવી રીતે કામ કરે છે. ડાયાબિટીઝમાં ખોરાક, એનો પ્રકાર, એનું માપ અને એનો સમય એ બધું જ મહત્ત્વનું છે. એ બૅલૅન્સ સમજવું અને એ પ્રમાણે વર્તવું જરૂરી છે. એક એવો વર્ગ પણ છે જે કેરીને બિલકુલ હાથ પણ લગાડતાં ડરે છે. તેમણે એ સમજવાનું છે કે કેરીમાં મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ, કૅલ્શિયમ, આયર્ન જેવાં ઘણાં પોષક તત્ત્વો છે. જ્યારે તમે શુગરની બીકે નથી ખાતા ત્યારે આ પોષણથી પણ વંચિત રહી જાઓ છો એ પણ સમજવાનું છે.’ 


યોગ્ય મૅનેજમેન્ટ 
કોણે કેરી ખવાય? આ પ્રશ્નનો જવાબ આપતાં બોરીવલીનાં ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. કિરણ શાહ કહે છે, ‘એ લોકોએ જેમનું ડાયાબિટીઝ મૅનેજમેન્ટ સારું ચાલે છે અને બીજા એ લોકોએ જેમને આ મૅનેજ કરતાં આવડે છે. કોઈની શુગર ૩૫૦ જેટલી હોય તો તેને અમે નહીં કહીએ કે તમે કેરી ખાઈ શકો છો. એ જ રીતે જેની ત્રણ મહિનાની શુગરનો રિપોર્ટ ગરબડ આવ્યો હોય તેને અમે નહીં કહીએ કે કેરી ખાઓ, કારણ કે એ દેખાય છે તેમના રિપોર્ટ પરથી કે તેમને તેમની શુગર મૅનેજ કરતાં નથી આવડતી. ખોરાક, લાઇફસ્ટાઇલ, એક્સરસાઇઝ અને ડાયટ આ બધાનું યોગ્ય ધ્યાન રાખવામાં આવે ત્યારે બને છે ડાયાબિટીઝનું યોગ્ય મૅનેજમેન્ટ. એ આવડવું જરૂરી છે.’ 

યાદ રાખજો આ નિયમો
કેરી ખાવાના અમુક નિયમો વિશે વાત કરતાં ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. કિરણ શાહ કહે છે, ‘કોઈ પણ ગળ્યું ફળ તમે જમવા સાથે ન લો. એને પીસીને એનો જૂસ કે રસ બનાવીને ન લો. એને રાત્રે ન લો. અડધાથી એક મધ્યમ કેરી તમે ખાઈ શકો છો જો તમે શુગર મૅનેજ કરી શકતા હો. જો મૅનેજ ન થતી હોય તો બે ચીરીમાં સુખ માનો. રાત્રે કેરી ન જ ખાવી. કેરીને હંમેશાં મિડ-મીલ તરીકે ખાવી એટલે કે નાસ્તા અને જમવાની વચ્ચે (સવારે ૧૧ વાગ્યે) કે બપોર અને રાતના જમવાની વચ્ચે એટલે કે (સાંજે ૪ વાગ્યે). આ નિયમોને ધ્યાનમાં રાખશો તો શુગરનું મૅનેજમેન્ટ સારું થશે અને કેરી પણ ખાઈ શકશો.’ 

Whatsapp-channel Whatsapp-channel

23 April, 2024 11:30 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK