અહીં આપણે એ કારણના જવાબમાં નથી પડવાના પણ આપણે એ વાત સમજવાની છે કે કોઈ પણ વાત હોય, ગમે એટલો મોટો મુદ્દો હોય; વહુ પર, વાઇફ પર હાથ ન જ ઊપડવો જોઈએ. એ સ્વીકાર્ય જ નથી
‘પુષ્પા ઇમ્પૉસિબલ’ની એ સિચુએશન, જેણે મને આજના આ આર્ટિકલ માટે વિષય આપ્યો અને સાથોસાથ પ્રેરણા આપી કે આપણે સૌ સાથે મળીને આ હિંસાને સોસાયટીમાંથી સંપૂર્ણપણે તિલાંજલિ આપીએ.
આપણી સિરિયલ ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં હમણાં એક બહુ જ સરસ વાર્તા ચાલી રહી છે. આજે એ જ વિષય પર વાત કરવી છે અને એ વિષય આપણા સૌ માટે બહુ અગત્યનો પણ છે એ પણ મારે તમને કહેવું છે. તમે સૌ જાણો જ છો કે અમે હંમેશાં અમારા પ્રોગ્રામમાં એ વિચારને આગળ રાખીએ કે એવું શું છે કે જેનાથી લોકોના જીવનમાં મનોરંજનની સાથોસાથ સારી વિચારધારા પણ ડેવલપ થાય અને સાચી દિશામાં, તેમના જીવનમાં સરસ રીતે સુધાર પણ આવે.
જે વાત કરવી છે એ વાત કદાચ આપણી જનરેશનમાં બહુ સાધારણ કે પછી કહો કે બહુ સામાન્ય લાગતી હતી. આપણા સમયમાં પણ ઘણા લોકોએ વિરોધ કર્યો જ હશે પણ એમ છતાં કહેવું જ રહ્યું કે એનો સ્વીકાર કરી, એને ચલાવી લેવામાં આવતું હતું પણ આજના સમયમાં એમાં ઘણો મોટો બદલાવ આવ્યો છે પણ બદલાવ આવ્યો છે એટલે વાત પૂરી નથી થઈ જતી. આપણી આવનારી પેઢી એ બદલાવ સંપૂર્ણ રીતે સ્વીકારી લે એનું આપણે ધ્યાન રાખવું પણ આપણા માટે બહુ જરૂરી છે. આપણી આવનારી પેઢી ગુજરાતી વાંચતી જ નથી, વાંચી શકતી નથી અને એમ છતાંયે આ વિશેની જે હું વાત કરું છું એ જોઈ તો શકે છે અને એટલે જ તમને નંબર કહું છું કે જો પૉસિબલ હોય તો ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ના ૩૨૬ પછીના એપિસોડ સોની લિવ ઍપ પર તમારા ઘરમાં જોજો, કારણ કે જે વિષય છે એ આપણા કુટુંબમાં બહુ વણા, ગયો છે. એને આપણે આપણા જીવનમાંથી બહાર ફંગોળી દેવાની બહુ જરૂર છે. અરે, હજાર ઘરમાંથી એક ઘરમાં પણ થતું હોય તો પણ એ એ સ્વીકાર્ય નથી અને આપણે એવી સોસાયટી ઊભી કરવાની છે જ્યાં એક પણ ઘરમાં એ દૂષણ ન હોય.
તમને થતું હશે કે જેડીભાઈ મૂળ વાત પર આવો, ક્યારના શું વાતને આમ ગોળ-ગોળ ફેરવ્યા કરો છો?
ગોળ-ગોળ નથી, બહુ સીધી સરળ વાત છે કે આવી વાત કરતાં પહેલાં એક સમા બાંધવો બહુ જરૂરી છે, જેથી એની અગત્ય સમજાય.
બહુ જ સરસ એકબીજાને પ્રેમ કરતું આપણી સિરિયલ ‘પુષ્પા ઇમ્પૉસિબલ’નું કપલ અશ્વિન અને દીપ્તિ છે જે આપણા સમાજના યુવાવર્ગ કે પછી કહો કે મધ્યમ ઉંમરનું પ્રતીક છે. આ બન્ને સાથે એક એવી ઘટના ઘટે છે અને એ ઘટનાની જ વાત આપણે અત્યારે કરવાની છે. ઘણી વાર ગુસ્સો પુરુષના કાબૂમાં નથી રહેતો. એ પોતાના કામ પરથી આવ્યા હોય, તેમને સ્ટ્રેસ હોય, કામની કે પછી ઑફિસની કે પછી ધંધાની ચિંતાઓ હોય કે પછી બહાર કશુંક અણઘટતું બન્યું હોય તો એ બધો ગુસ્સો પુરુષોના મનમાં હોય પણ સવાલ એ છે કે પુરુષોનો બધો ગુસ્સો ઘરમાં જ કેમ નીકળે અને ઘરમાં પણ સ્ત્રીઓ પર જ કેમ ગુસ્સો નીકળે? બાળકો પર પણ નીકળે પણ એનું પ્રમાણ ઓછું છે પણ પત્નીઓ પર તો એ નીકળતો જ રહ્યો છે. ઘર, પરિવાર, પત્નીએ સૌકોઈના માટે આપેલો ભોગ અને તેણે કરેલા સૅક્રિફાઇસ બધું ભૂલી જઈને પત્ની પર ગુસ્સો નીકળે, શાબ્દિક વાર પત્નીઓએ ચલાવી લીધો છે પણ શારીરિક વાર...
આપણી વાત, આપણો મુદ્દો હવે અહીંથી શરૂ થાય છે.
તમે જોયું હશે કે ઘણાં ઘરમાં પુરુષોનો હાથ બહુ આસાનીથી ઊઠી જતો હોય છે. હાથ ઊઠી જાય એ પણ યોગ્ય નથી. અહીં વાતમાં ફરક છે એટલે પૂરી વાત સમજજો અને જો ન સમજાય તો આ પૅરેગ્રાફનું પહેલું વાક્ય ફરીથી વાંચજો.
ઘણાં ઘરમાં પુરુષોનો હાથ બહુ આસાનીથી ઊઠી જતો હોય છે. હાથ ઊઠી જાય.
મારવા માટે હાથ ઉપાડવો પડે, હવામાં લઈ આવવો પડે એનો અર્થ થાય છે હાથ ઊઠી જવો. હાથ ઊઠી જાય ત્યાં સુધી વાંધો નથી પણ ઘણાનો હાથ તો સ્ત્રીઓના ગાલ અને પીઠ સુધી કે પછી એનાથી પણ વધારે આક્રમક રીતે શરીરના કોઈ પણ ભાગ સુધી પહોંચી જાય છે અને કહ્યું એમ, બહુ આક્રમક રીતે. સ્ત્રીઓને પુરુષો મારે એ બિલકુલ સ્વીકાર્ય નથી.
‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં તો ફક્ત હાથ હવામાં ઊપડે છે અને પુષ્પા પોતાના દીકરાને ઘરની બહાર કાઢી મૂકે છે. હા, બરાબર છેને, આ સ્વીકાર્ય જ નથી. પુષ્પાને ઝાટકો લાગે છે. તે કહે પણ છે કે આ સંસ્કાર આપ્યા છે મેં તને, આ રીતે મોટો કર્યો છે?
આ વાત બહુ જ સમજવા જેવી અને દરેકેદરેક ઘરની માએ સ્વીકારવા જેવી છે. જો મા તરીકે, ઘરની વડીલ સ્ત્રી તરીકે જો તમે આ વાત નહીં સમજો અને વહુને, પુત્રવધૂને સપોર્ટ નહીં કરો તો કાલે તમારી આવનારી પેઢી પણ આ જ કરશે. ઘરમાં બાળકોને, પરિવારના છોકરાઓને નાનપણથી ખબર હોવી જોઈએ કે હાથ ઉપાડવો એ એક એવો ગુનો છે કે જે ઘરમાં જ ક્ષમ્ય નથી અને કાયદાકીય રીતે પણ હવે આ પ્રકારના કૃત્ય સામે બહુ કડક કહેવાય એવાં પગલાં લેવામાં આવે છે એટલે ઘરની સ્ત્રી પર, વહુ પર, પત્ની પર ક્યારેય કોઈએ હાથ ન ઉપાડવો. મતભેદ હોઈ શકે અને કોઈ વખત કડક થઈને પણ વાત સમજાવવી પડે પણ જગતની એક પણ વાત એવી નથી કે જે ચર્ચાથી સૉલ્વ ન થાય. ચર્ચાથી, દલીલોથી અરે, ઝઘડાથી પણ વાત સૉલ્વ કરો. એવું લાગે તો વડીલોને ભેગા કરી સાથે બેસીને વાતનું સોલ્યુશન લાવો પણ હાથ ઉપાડવો એ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી જ નથી.
તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે આની શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆતની વાત પર એટલા માટે આવું છું કે આપણે ત્યાં એક બહુ સરસ કહેવત છે, જાગ્યા ત્યારથી સવાર. જો તમને ન ખબર હોય કે શરૂઆત ક્યાંથી થાય છે તો આ કહેવતને અનુસરીને આજથી જ એમાં સુધારો શરૂ કરી દો.
આ વાતની શરૂઆત થાય છે ઘરથી અને એ પણ નાનાં બાળકોથી.
આપણે નાનપણમાં સંતાનોને ટપલીઓ મારી દેતા હોઈએ છીએ તો ક્યારેક ગુસ્સામાં થપ્પડ પણ મારી દેતા હોઈએ છીએ. એ બધું ત્યાંથી જ બંધ થઈ જવું જોઈએ. છોકરાઓને અને છોકરાઓને બન્નેમાં. તમને કોઈ હક જ નથી કે તમે આવું કરીને તમારાં બાળકોના મનમાં નાનપણથી જ એ વાતને વાવી દો, કારણ કે મારવું કે પછી માર ખાવો એ વાત આપણે અજાણતાં જ બાળકોને શીખવાડીએ છીએ.
છોકરી નાની હોય ત્યારે જો મમ્મી કે પપ્પા ગુસ્સામાં લાફો મારી દે તો એ છોકરી ત્યારથી એમ સમજે છે કે આપણને પ્રેમ કરનારી વ્યક્તિ તો આપણને મારી પણ શકે, એમાં કંઈ ખરાબ લગાડવાનું ન હોય પણ હું કહીશ કે ના, એવું ન હોવું જોઈએ. ધારો કે નાના હોય ત્યારે મમ્મી કે પપ્પા છોકરાને લાફો મારી દે તો એને પણ એમ જ થાય કે જે પ્રેમ કરતાં હોય એ મારી દે. તેના મનમાં આ વાત સ્ટોર થાય છે અને પછી તે પણ એવું જ વિચારતો થઈ જાય છે કે માર્યા તો આપણે ચલાવી જ લીધું ને સામેવાળા પણ ચલાવી લેશે એટલે મોટો થઈને એ છોકરો પોતાની પત્નીને પણ મારી દે અને એ જ છોકરી પોતાના પતિનો માર પણ ખાઈ લે. કેમ તો નાનપણમાં પપ્પા પણ મારી દેતા હતા તો આ જ વાત નાનપણથી શીખવાડવી કે બધું બરાબર છે, પણ કોઈ હાથ ઉપાડી લે એ હિંસા કહેવાય અને હિંસા તો કોઈ હિસાબે સ્વીકાર્ય નથી.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

