ગયા ગુરુવારે કહ્યું જ હતું કે હું ઘણાં નામો લખવાનું ભૂલી રહ્યો છું પણ ભૂલવું એ પણ એક ભૂલ જ ગણાય, જેનો સ્વીકાર મારે કરવો જ જોઈએ અને જો તમે તમારી ભૂલને ખરા હૃદયથી સ્વીકારો તો એ સરસ તક પણ બની શકે
પ્રતીકાત્મક તસવીર
મારો પ્રયત્ન રહેશે કે હું બહુ જલદી ગુજરાતી નાટક બનાવું. બની શકે તો હું એમાં અભિનય પણ કરું, મારી ઈશ્વરને પ્રાર્થના છે અને તમે સૌ જાણો છો કે તેમની ઇચ્છા વિના તો કંઈ જ થતું નથી તો બસ, જલદી એવી તક ઊભી કરે કે હું ગુજરાતી રંગભૂમિ પર પાછો બહુ જ જલદી તમારા બધાનું મનોરંજન કરી શકું.
પ્રેક્ષકો વચ્ચે કંઈ આવીને બોલો કે લેખક તરીકે તમે કંઈ લખો તો એની જવાબદારી લેવી પડે અને આજકાલ તો એ માટે બહુ સંભાળવું પડે છે. હું અત્યારે ઘણાબધા ફ્રન્ટ પર શીખી રહ્યો છું. અમારા કે કોઈના પણ કાર્યક્રમમાં જો તમે કોઈ ધાર્મિક કે કોઈ જાતિ કે વર્ગ વિશે ઘસાતું કે તેમને ન ગમતું કે પછી તેમના વિચારોની વિરુદ્ધમાં બોલી દો તો તમને તરત જ સોશ્યલ મીડિયા પર રીઍક્શન આવી જાય કે પછી તમારા પર કેસ પણ થઈ જાય. જો બહુ મોટા પાયે વિરોધ થાય તો તોડફોડ થઈ જાય. આ બધી ઘટનાઓથી સામાન્ય લોકો એક અભિગમ બાંધતા હોય. જેણે વિરોધ કર્યો એ સંકુચિત વિચારના કે પછી દાદાગીરી કરનારા કે પૉલિટિકલ કે ધાર્મિક એજન્ડાથી પ્રેરાઈને આવું વર્તે છે અને મારી ફ્રીડમ ઑફ સ્પીચ એટલે કે બોલવાની આઝાદીને અવરોધે છે. મારી વાત કરું તો હું આ બધામાં જરા જુદો અભિગમ રાખું છું, કારણ કે હું મારી જાતને કે પછી મારી વિચારશક્તિને ન્યુટ્રલ રાખી શકું છું પછી ભલે એ મારી વિરુદ્ધ જ કેમ ન હોય. આપણી જાતને ન્યુટ્રલ રીતે ઍનૅલાઇઝ્ડ કરતા થઈએ તો એ આપણા જ જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે. આપણે આપણા ઘરમાં, મિત્રો સાથે, ધંધામાં કે કામના ક્ષેત્રમાં પણ દરેક પરિસ્થિતિ એ રીતે જોતાં-વિચારતાં શીખી જઈએ એ હિતમાં રહે છે. હું તો આને મૅચ્યોરિંગનો એક અતિ મહત્ત્વનો ભાગ ગણું છું અને એટલે જ અહીં મારે એક બહુ જ મોટું સૉરી કહેવાનું છે.
બહુ મજાની વાત કરવાની છે અને છેલ્લાં બે અઠવાડિયાંથી હું જે વાત કહી રહ્યો છું એ ગુજરાતી રંગભૂમિની વાતોમાં બે ડગલાં આગળ વધવાનું છે. છેલ્લાં બે અઠવાડિયાંથી ગુજરાતી નાટકોના વિકાસ માટે આપણે શું કરીએ જેનાથી આપણી માતૃભાષા ગુજરાતીને જીવંત રાખવાના પ્રયાસમાં આપણે સહભાગી થઈ શકીએ એ વિષય પર વાત કરીએ છીએ. આ ટૉપિક પર મેં જેટલું બની શકે એટલું કવર કરવાની કોશિશ કરી, પણ ઘણુંબધું રહી ગયું અને એમાં સૌથી મોટી વાત કે ઘણા એવા કલાકાર, કસબીઓ, નિર્માતા અને થિયેટર સાથે સંકળાયેલા બીજા વિભાગોનાં ઘણાં નામોનો ઉલ્લેખ રહી ગયો. એ બધાને મારો આર્ટિકલ ગમે પણ સાથોસાથ તેમણે કરેલા યોગદાન પછી પણ તેમનું નામ ન હોય તો ક્યાંક હર્ટ કરી શકે. આની કદાચ મને જાણ ન થઈ હોત જો મને ફિરોઝ ભગત અને અપરા મહેતાએ મેસેજ કરીને કહ્યું ન હોત.
મને ખરાબ લાગશે કે પછી મને કેવી રીતે આ વાત કહેવાય, શા માટે કહેવાય કે વાતને મનમાં રાખીને મારી પીઠ પાછળ બીજા સાથે આ વિશે વાત કરવાને બદલે કે એવો વિચાર સુધ્ધાં મનમાં રાખ્યા વિના જ સીધું તેમણે મને કહ્યું અને મને તેમની લાગણીની ખબર પડી, આખી વાત સમજાણી. રંગભૂમિ પર આટલાં વર્ષો આપ્યાં હોય અને રંગભૂમિ વિશે કાચું લખાયું હોય, ભલેને ભૂલથી કે પછી મર્યાદિત ઇન્ફર્મેશનથી કે ઉતાવળથી... પણ ભૂલ એ તો ભૂલ જ છે એટલે જેમને મારા આર્ટિકલથી દુઃખની લાગણી થઈ હોય એવી દરેક વ્યક્તિને હું કહું છું, ‘દિલથી સૉરી’. હું હંમેશાં માનું છું કે ભૂલ કરી હોય કે થઈ ગઈ હોય તો એને સ્વીકારી સૉરી કહી શકો તો તમારા જીવનમાં વૃદ્ધિ અને વિકાસનો માર્ગ તમે જ ખોલો છો.
રંગભૂમિના બધા જ લોકો મારા પોતાના છે અને એ બધા મારા પ્રિય છે, મારા મિત્રો છે. તેમને હું દુખી કેવી રીતે જોઈ શકું? જે ન ગમે એનો સારી રીતે વિરોધ દર્શાવો એ તો કલાકારોનો હક છે અને એ ફાયર જ કલાકારોને હંમેશાં કશુંક નવું, જુદું કરવાની પ્રેરણા આપતી આવી છે. મેં તો મારા જીવનમાં ઘણી વાર મારી વાત, મારા વિચારોને હિંમત અને નિખાલસતાથી રજૂ કર્યા છે અને એટલે જ મને ગમ્યું કે તેમણે મને આંગળી ચીંધી કે મેં ઘણા લોકોને કદાચ હર્ટ કર્યા હશે. અહીં હું મારી જાતને સાચી ઠેરવવાની પેરવી નહીં કરું કે મારા આર્ટિકલ સાથે છપાયેલા ફોટોગ્રાફ્સ મેં પસંદ નહોતા કર્યા કે પછી બીજું કંઈ પણ હા, એટલું ચોક્કસ કહીશ કે એ આર્ટિકલનો ઉદ્દેશ એ જ હતો કે જુઓ, ગુજરાતી રંગભૂમિ કેવી ઝિંદાદિલ છે, કેવો એક પરિવાર છે. તમે જુઓ, રંગભૂમિ પર ઊગી આગળ વધેલા કેટલાયે કલાકારો આજે ટીવી-વેબ-ફિલ્મના ક્ષેત્રે પ્રેક્ષકોનાં દિલ જીતે છે.
ગુજરાતી રંગભૂમિનો આ પરિવાર જો સમૃદ્ધ રહેશે તો તમારી અને આપણી આવનારી પેઢીમાંથી કંઈકેટલાયને આ પ્લૅટફૉર્મ મળશે અને મને વારંવાર કહેવું છે કે રંગભૂમિ જેવું શીખવા ક્યારેય ક્યાંય નહીં મળે. માત્ર કલા જ નહીં, પણ એની જે ટૂર હોય છે એ દરેક ટૂર જીવન જીવતાં અને દરેક પરિસ્થિતિનો સામનો કરતાં શીખવે છે. મારી–તમારી, આપણા બધાની આવતી પેઢી માટે આ રંગભૂમિને ફક્ત જીવંત રાખવાની વાત નથી, એને સમૃદ્ધ રાખવાની વાત છે. થોડાં વર્ષો પહેલાં આપણને કોઈને ખબર નહોતી કે આપણા જીવનમાં શું બદલાવ આવશે એટલે ઘણું ન જાળવી શક્યા અને જુઓ, આજે આપણે એનો અફસોસ કરી રહ્યા છીએ. ગુજરાતી મીડિયમ શાળાઓ તો બંધ થઈ ગઈ પણ આપણી આવનારી પેઢીઓનું ગુજરાતી વાંચન-લેખન લગભગ બંધ થઈ ગયું છે. ગુજરાતી ફિલ્મો જે રીતે છેલ્લાં કેટલાંક વર્ષોથી નવા વિષયો પર નવી-નવી રજૂઆત કરીને યંગ ગુજરાતી લોકોને પાછા ગુજરાતી તરફ વાળી શકે તો ગુજરાતી નાટકો કેમ નહીં?
નાટક, જીવંત મનોરંજન જેવું કંઈ જ નહીં.
એને જીવંત રાખવાનો આપણા બધાનો પ્રયાસ હોવો જ જોઈએ. જુઓ, જે મિત્રોએ મને મારી ભૂલ દેખાડી અને મેં તરત જ એના પર અમલ કરી જાહેરમાં માફી માગી અને મારી ભૂલને તક બનાવી ગુજરાતી રંગભૂમિને સમૃદ્ધ બનાવવા વધુ એક લેખ લખ્યો. હું અહીં પ્રેક્ષકો અને વાચકોને પણ કહીશ, તમે જો નાટકોથી દૂર રહ્યા હો કે સાવ કૉમ્પ્લિમેન્ટ્રીમાં જ પાસ મળ્યા હોય તો જ નાટક જોવા જતા હો કે પછી સંસ્થાની મેમ્બરશિપમાંથી પણ જતા રહ્યા હો તો ફરી આગળ આવો. હા, એ બધાનું કારણ જો શારીરિક કે આર્થિક સ્તર સાથે જોડાયેલું ન હોય તો અચૂક આગળ આવો અને ગુજરાતી નાટકોને વધાવો. આ આપણા બધાની ફરજ છે, આ આપણું કર્તવ્ય હોવું જોઈએ. અત્યારે અહીં પણ ઘણાં નામો લખવાની ઇચ્છા થાય છે, પણ ફરી પાછો એ પણ ભય લાગે છે કે જો કોઈકને દુઃખ થશે કે હું ફરી કોઈને દુખી કરીશ એટલે અત્યારે એ જ કહીશ કે ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા નાના-મોટા, દિગ્ગજ દરેક માણસ પોતે જ કૉન્ટ્રિબ્યુશન કરે છે, કરી ચૂક્યા છે તેમનો સહૃદય આભાર.
મારો પ્રયત્ન રહેશે કે હું બહુ જલદી ગુજરાતી નાટક બનાવું. બની શકું તો હું એમાં અભિનય પણ કરું, મારી ઈશ્વરને પ્રાર્થના છે અને તમે સૌ જાણો છો કે તેમની ઇચ્છા વિના તો કંઈ જ થતું નથી તો બસ, જલદી એવી તક ઊભી કરે કે હું ગુજરાતી રંગભૂમિ પર પાછો બહુ જ જલદી તમારા બધાનું મનોરંજન કરી શકું. છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં મેં બહુ પ્રયત્નો કર્યા, હવે ફરીથી પ્રયાસ કરીશ અને આશા રાખું કે ઈશ્વર મને એવી અરેન્જમેન્ટ કરી આપે કે મને સમય મળે અને હું એક સુંદર નાટક કરી શકું.
લિખિતંગ તમારો બધાનો અને ખાસ કરીને ગુજરાતી રંગભૂમિનો લાડકો, જેડી.
ADVERTISEMENT
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


