° °

આજનું ઇ-પેપર
Sunday, 29 January, 2023


વિશ યુ વેરી હૅપી ન્યુ યર

19 January, 2023 07:10 PM IST | Mumbai
JD Majethia

આ વાંચીને જો તમને થાય કે જેડીભાઈ આ શું લખે છે તો એનો જવાબ મેળવવા આ લેખ અત્યારે જ વાંચી લો. તમને જવાબ મળશે એની ગૅરન્ટી આપું છું

વિશ યુ વેરી હૅપી ન્યુ યર જેડી કૉલિંગ

વિશ યુ વેરી હૅપી ન્યુ યર

લાઇફ બેટર થતી હોય એવો રેઝોલ્યુશન લેવા માટે ક્યારેય નવા વર્ષની રાહ જોવી નહીં. રેઝોલ્યુશન લો ત્યારથી નવું વર્ષ શરૂ. ભલે જાન્યુઆરી પૂરો થવા આવ્યો, પણ જો આ લેખ વાંચ્યા પછી રેઝોલ્યુશન લેવાનું મન થાય તો લઈ લેજો. તમારી પહેલી જાન્યુઆરી આજે. 

આપણે વાત કરતા હતા રેઝોલ્યુશનની અને એ જ વાતને આપણે આ વીકમાં પણ આગળ વધારવી છે. આ વર્ષે એવો રેઝોલ્યુશન લેજો જેમાં કોઈ ઍડ્વેન્ચર હોય; કોઈ એવી વાત હોય જે તમારા મનની બીક, તમારો ડર બહાર કાઢવાનું કામ કરે.

આ એ જમાનો ચાલી રહ્યો છે જેમાં પોતાના સમયનો ખૂબ-ખૂબ સદુપયોગ કરવાનો છે અને એ જો કરી શક્યા તો તમને ખબર પડશે કે આપણી પાસે તો પુષ્કળ સમય છે. કોઈ કંપની મળે તો એમ અને બાકી એકલા પણ ઍડ્વેન્ચરનું પ્લાનિંગ કરજો. મેં તમને કહ્યું હતું કે મારી વાઇફ નીપા લાઇફમાં પહેલી વાર એકલી કાશ્મીર ગઈ. સોલો ટ્રાવેલિંગની એક અલગ જ મજા છે અને હવે આપણો દેશ સેફ છે એટલે ગભરાવાની જરૂર નથી. આપણી વાત ઍડ્વેન્ચરની ચાલતી હતી એટલે કોઈ એવું ન માને કે સોલો ટ્રાવેલિંગના ઍડ્વેન્ચરની વાત કરું છું. ના, વાત એ નથી. વાત સાચા અર્થના ઍડ્વેન્ચરની કરું છું. 

જો તમને યાદ હોય તો બહુ વખત પહેલાં મેં એક વાર કહ્યું હતું કે મારે એવરેસ્ટ જોવા જવું છે. જ્યારે મેં ફિલ્મ ‘ઊંચાઈ’ જોઈ ત્યારે મને બહુ મજા આવી. તમે જુઓ કે કઈ ઉંમરના લોકોએ એવરેસ્ટના બેઝકૅમ્પ પર જવાની હિંમત કરી છે. જો તમે ‘ઊંચાઈ’ ફિલ્મ ન જોઈ હોય તો એ ઓટીટી પર હવે આવી ગઈ છે, જોજો તમે. ડિરેક્ટર સૂરજ બડજાત્યા અને રાજશ્રી પ્રોડક્શન એકદમ ઉમદા ક્વૉલિટીના ફૅમિલી મનોરંજન માટે જાણીતાં છે. એટલું સરસ પિક્ચર બનાવ્યું છે કે તમને અને મને એમ થઈ આવે કે હા, લાઇફ જીવી લેવી જોઈએ. આ પિક્ચર સાથે ખૂબબધી બીજી વાતો-વાર્તાઓ જોડાઈ છે અને મારું તો પર્સનલી એ પિક્ચર સાથે બીજું કનેક્શન પણ છે. આ ફિલ્મનો રાઇટર સુનીલ ગાંધી છે, જે મારો બહુ જૂનો દોસ્ત છે.

આ પણ વાંચો :  જો ટેક્નૉલૉજી અવગણી તો તમે સાઇડલાઇન થઈ જશો

સુનીલ નૉવેલ લખતો ત્યારે મને દેખાડીને કહે કે જેડી, જોને મેં આ લખ્યું છે. મને તે તેની બુક આપે અને કહે કે આને માટે ચાર લાઇન લખી આપને. ત્યાંથી તેણે કન્સિસ્ટન્ટલી પોતાના સ્વપ્નને પર્શ્યુ કરીને આજે તે ધીરજ સાથે ક્યાં પહોંચ્યો કે સૂરજ બડજાત્યાએ તેણે લખેલી વાર્તા પરથી પિક્ચર બનાવ્યું. હમણાં જ સુનીલ મને મળ્યો. અમે કદાચ સાથે કંઈ કામ કરીએ ખરા, પણ અત્યારે આપણે ફરી આપણા ટૉપિક પર આવી જઈએ.

‘ઊંચાઈ’માં મને શું વાત ગમી એ કહું. તમે ધારો તો કંઈ પણ કરી શકો છો. બસ, એની પાછળ તમારે સતત મહેનત કરવાની જરૂર છે અને આ જ વાત ફિલ્મમાં ત્રણ ઑલમોસ્ટ સેવન્ટી-પ્લસ એવા લોકો કરે છે. ચાર મિત્રો અને એ પણ કેવા જબરદસ્ત મિત્રો છે : ડૅની ડેન્ઝૉન્ગ્પા, અનુપમ ખેર, બમન ઈરાની અને અમિતાભ બચ્ચન. આ ચાર મિત્રોના જીવનમાં શું થાય છે અને એક મિત્રની એક વાત પાળવા માટે એ લોકો એવરેસ્ટ બેઝકૅમ્પ પર જાય છે એની આખી વાત છે. કોઈને નથી લાગતું કે આ ફ્રેન્ડ્સ ક્યારેય જઈ શકશે. જોકે અહીં સાબિત થાય છે કે ઉંમર પ્રમાણે શરીરની શક્તિ ભલે ઘટતી હોય, પણ મનની શક્તિ અથાગ છે અને એ માણસમાં ભારોભાર છે. તે મહેનત કરે તો ક્યાંનો ક્યાં પહોંચી શકે અને કેવી રીતે તે પોતાના સપનાને સાકાર કરી શકે. 
વચ્ચે મને બીજી એક વાત યાદ આવી, જે તમારા માટે મહત્ત્વની છે.

તમને ‘બાલવીર’ ટીવી-સિરિયલ યાદ હશે. એ સિરિયલમાં જે બાલવીર બનતો હતો એ બાળકનું નામ દેવ જોષી. તમને ખબર છે કે આ દેવ ખરેખર મૂન પર જવાનો છે. સાચાવાળા ચંદ્ર પર. જપાનની એક કંપની છે જે સ્પેસ ટ્રાવેલ ટૂર્સ શરૂ કરવાની હતી. એ દુનિયામાંથી સિલેક્ટ થયેલા ૧૦ જણને મૂન પર મોકલવાની હતી. દેવે એમાં ઍપ્લિકેશન કરી અને એમાં દુનિયાના ૧૦માં તે સિલેક્ટ થયો અને હવે તેની ટ્રેનિંઇગ શરૂ થઈ છે. આ જે ટીમ હશે એ ટીમ ટ્રેઇનિંગ પૂરી કરીને મૂન પર જશે અને ત્યાં આઠથી દસ દિવસ રહેશે. કહેવાનો મતલબ એ કે આજની તારીખમાં કોઈ વાત અશક્ય નથી રહી એટલે તમને પણ જો એવું લાગતું હોય કે હું આ નહીં કરી શકું તો તમે તમારા મનની એ વાતને બિલકુલ બાજુએ મૂકીને કરજો. બધું જ શક્ય છે જીવનમાં અને તમે બધું જ કરી શકો છો. બસ, તમારા મનથી તમારે નક્કી કરવાનું અને પછી એને ફૉલો કરવાનું.

‘ઊંચાઈ’ની વાત પર આપણે પાછા આવીએ. એટલી સુંદર ફિલ્મ છે જે તમને સમજાવી જાય છે કે તમારે કોઈ વાતથી ગભરાવાની જરૂર નથી, કારણ કે ગભરાટથી મોટી કોઈ વાત હોતી જ નથી. ફિલ્મમાં એક ગાયન છે, ‘અરે ઓ અંકલ...’ સાંભળજો. મજા પણ આવશે અને રિલેટ પણ થશો. 

બધી ચીજમાં દર વખતે ખાલી પૈસો જ હોય એ જરૂરી નથી. એ માટે મન પણ હોવું જોઈએ. પહેલાં તમારી પાસે એક વિચાર હોવો જોઈએ અને એ પછી એ વિચારને કેવી રીતે અમલમાં મૂકવો એના વિચાર હોવા જોઈએ. વિચારશો તો ખબર પડશે કે આગળ વધવાનો કોઈ રસ્તો નથી એવું આપણે ધારતા હતા; પણ ના, એવું નથી. આગળ વધવાના અઢળક રસ્તા છે અને એ એક જ બાબતમાં લાગુ નથી પડતું, દરેકેદરેક બાબતમાં લાગુ પડે છે. બસ, એનો વિચાર કરો, એ વિચારને રેઝોલ્યુશન બનાવો અને પછી મચી પડો. રસ્તો આપોઆપ નીકળશે.

હું તો કહીશ કે આ નવા વર્ષમાં વિચાર કરજો કે તમે પોતાની જિંદગી ખરેખર સરસ રીતે જીવી શકો છો અને એ પણ બદલીને જીવી શકશો. મારી વાત કરું તો હું ખરેખર મારી જાતને ઘણાં વર્ષોથી આ દિશામાં તૈયાર કરું છું. મેં મારી જાતને, મારી હેલ્થને એવી રીતે જ તૈયાર કરી છે જેથી હું ક્યાંય અટકું નહીં. એવું નથી કે મને પ્રૉબ્લેમ નથી હોતા. કામ કરતા હોય એ દરેકને પ્રૉબ્લેમ હોય જ હોય. મારે પણ પ્રૉબ્લેમ છે અને એ રહેવાના જ, પણ એ બધા પ્રૉબ્લેમને ટૅકલ કેવી રીતે કરવા એ માટે મનને ટ્રેઇન કરી લેશો તો સમજાશે કે બધું કામ પતી ગયું અને એ પછી પણ હજી મારી પાસે પુષ્કળ સમય છે. ઘણી વાર આપણે કરતા હોઈએ અને એ પછી આપણા ઘરમાં જ લોકો ન માનતા હોય એવું પણ બનતું હોય છે. મારે ત્યાં પણ એવું છે. મારી પત્નીને ખાવા-પીવાનો બહુ શોખ છે અને હું તેને બહુ જ કટ-કટ કરતો, તેની હેલ્થનું ધ્યાન રાખવા માટે. તેને એ વાત ન ગમે એ સ્વાભાવિક છે, પણ આ જ કટ-કટ હું તમારી સાથે પણ કરું છું. અલાર્મવાળી ઘડિયાળનો એક ધર્મ છે. સમય આવ્યે એ વાગે જ વાગે. મારું પણ એ ઘડિયાળ જેવું છે. સમય આવશે એટલે વાગીશ જ વાગીશ. માનવું કે ન માનવું એ તમારા હાથમાં છે, પણ માનશો તો એ તમારા હિતની વાત હશે.

આ પણ વાંચો :  આપણી પાસે પુષ્કળ સમય છે, બસ એને આપણે શોધવાનો છે

એટલે કહેવાનું ફરીથી એ જ કે હેલ્થ માટે રેઝોલ્યુશન લેજો અને સાથોસાથ એ પણ નક્કી કરજો કે એવું કરવું છે જે કરવાની ઇચ્છા તમે યંગ હતા ત્યારે તમારા મનમાં હતી. જો કોઈને એવું લાગે કે હવે એ ન થાય તો એને માટે ‘ઊંચાઈ’ જોઈ લેજો. મનમાંથી બધી બીક કે ડર નીકળી જશે એની મારી ગૅરન્ટી છે. રેઝોલ્યુશનની વાત પૂરી કરતાં પહેલાં એક નાનકડી સ્પષ્ટતા પણ કરવાની. લાઇફ બેટર થતી હોય એવો રેઝોલ્યુશન લેવા માટે ક્યારેય નવા વર્ષની રાહ જોવી નહીં. રેઝોલ્યુશન લો ત્યારથી નવું વર્ષ શરૂ. એટલે ભલે જાન્યુઆરી પૂરો થવા આવ્યો, પણ જો આ લેખ વાંચ્યા પછી રેઝોલ્યુશન લેવાનું મન થાય તો લઈ લેજો. તમારી પહેલી જાન્યુઆરી આજે.

વિશ યુ વેરી હૅપી ન્યુ યર.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

19 January, 2023 07:10 PM IST | Mumbai | JD Majethia

અન્ય લેખો

૧૭ સપ્ટેમ્બર તો માનાં ચરણોમાં જ

મોટી ઉંમરે પહોંચેલી વ્યક્તિ અને પોતાની માતા સાથે ગાઢ બૉન્ડિંગ જોવા ન મળે અને એમાં પણ વ્યક્તિ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હોય ત્યારે દુનિયામાં તે કોઈ પણ સ્થાને હોય, પણ ૧૭ સપ્ટેમ્બરે તો તે માનાં ચરણોમાં જ હોય.

26 January, 2023 07:58 IST | Mumbai | JD Majethia

આપણી પાસે પુષ્કળ સમય છે, બસ એને આપણે શોધવાનો છે

હેલ્થ, ટેક્નૉલૉજી, ફૅમિલી અને તમારી અંદર રહેલી ટૅલન્ટ માટેની જહેમત આ વર્ષે લેવાની છે અને જાતને પણ ન્યાય આપવાનો છે

12 January, 2023 05:37 IST | Mumbai | JD Majethia

જો ટેક્નૉલૉજી અવગણી તો તમે સાઇડલાઇન થઈ જશો

ટેક્નૉલૉજી એ સ્તર પર આગળ વધવાની છે કે એને નહીં સ્વીકારનારા ક્યારે હાંસિયા બહાર ધકેલાઈ ગયા એની ખબર સુધ્ધાં નહીં પડે. એટલે એની અવગણના કરતા નહીં અને એ દિશામાં થોડું-થોડું પણ શીખતા રહેજો

05 January, 2023 06:13 IST | Mumbai | JD Majethia

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK