Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જો ટેક્નૉલૉજી અવગણી તો તમે સાઇડલાઇન થઈ જશો

જો ટેક્નૉલૉજી અવગણી તો તમે સાઇડલાઇન થઈ જશો

05 January, 2023 06:13 PM IST | Mumbai
JD Majethia

ટેક્નૉલૉજી એ સ્તર પર આગળ વધવાની છે કે એને નહીં સ્વીકારનારા ક્યારે હાંસિયા બહાર ધકેલાઈ ગયા એની ખબર સુધ્ધાં નહીં પડે. એટલે એની અવગણના કરતા નહીં અને એ દિશામાં થોડું-થોડું પણ શીખતા રહેજો

પ્રતીકાત્મક તસવીર જેડી કૉલિંગ

પ્રતીકાત્મક તસવીર


ટેક્નૉલૉજીની બાબતમાં નીરસતા લાવતા નહીં. ટેક્નૉલૉજી એટલી આગળ વધવાની છે કે એની સાથે તાલમેલ મિલાવવા માટે ખરેખર મહેનત કરવી પડે. એવું ન બને એ માટે અત્યારથી જ એ દિશામાં જાગૃત થઈ જજો અને રેઝોલ્યુશન લેજો કે આ વર્ષે ટેક્નૉલૉજીની બાબતમાં અપગ્રેડ થવું છે.

વિશ યુ વેરી હૅપી ન્યુ યર.



ફાઇનલી ૨૦૨૩નું વર્ષ આવી ગયું અને આપણે બે વીકથી એના વિશે જ વાત કરતા હતા. આજે પણ મારે વાત તો એના પર જ કરવી છે, પણ હવે આપણો પૉઇન્ટ-ઑફ-વ્યુ થોડો બદલાવાનો છે. નવા વર્ષે આપણે વાત રેઝોલ્યુશનની કરવાની છે અને એમાં શું-શું હોઈ શકે એના પર ચર્ચા કરવાની છે. 


રેઝોલ્યુશનની વાત પર આવતાં પહેલાં મારે તમને મારી એક વાત કરવાની છે. ગયા વર્ષે મેં મારી હેલ્થ પર કામ કર્યું અને મેં ત્રણ કિલો વેઇટ ઘટાડ્યું. મારું આ કામ ચાલુ જ છે. આ વર્ષ પાસેથી મારી એ જ અપેક્ષા છે કે હું હેલ્થની બાબતમાં મેં નક્કી કર્યો છે એ ટાર્ગેટ પર પહોંચી જઉં. તમે પણ એક ટાર્ગેટ બનાવો અને એ દિશામાં કામ કરો. જાન હૈ તો જહાં હૈ. બહુ ​ક્લિશે લાઇન છે આ, પણ એટલી જ એ મહત્ત્વની પણ છે. તમે નક્કી કરો કે તમારે હવે ફિટ થવું છે. જો તમે હેવી બૉડી હો તો એ દિશામાં કામ કરો અને જો તમારું બૉડી વધારે ન હોય, પણ એમાં એનર્જી ન હોય તો એ દિશામાં કામ કરો. હેલ્થ માટે આ વર્ષ મહત્ત્વનું બની રહે એ જોવાની જવાબદારી તમારી છે.

આ વર્ષ પાસેથી મારી બીજી પણ એક અપેક્ષા છે. મારાં બાળકોની સ્કૂલ સરસ રીતે આગળ વધે અને તેમનું એજ્યુકેશન વ્યવસ્થિત રીતે આગળ વધે. બને કે કદાચ આ વર્ષે કેસરની તેને ગમતી જૉબ શરૂ થઈ જાય. અરે હા, એક વાત કહેવાની હું ભૂલી ગયો.


અમારા કુટુંબમાં કિશન છે. મારો ભત્રીજો કિશન. બહુ જ ઍડ્વેન્ચર્સ તેનામાં. ગયા વર્ષે તેણે ઘણું સરસ અચીવમેન્ટ મેળવ્યું. તે પૅરાગ્લાઇડિંગ શીખ્યો. પોતે અને જાતે ફ્લાય કરીને તેણે પહેલો કોર્સ પૂરો કર્યો. એનું સર્ટિફિકેટ લીધું. પૅરાગ્લાઇડિંગ તો તમને બધાને ખબર જ હશે. પેલી હવામાં ફ્લાય કરતી એક મોટી પતંગ કે બર્ડ આકારની મોટી ગ્લાઇડ. અમે તો હંમેશાં બીજા પાઇલટ જોડે જ ઊડ્યા: પણ કિશન પોતે, જાતે એકલો ઊડ્યો. ખરેખર બહુ મોટી વાત કહેવાય અને એના માટે ખરેખર હિંમત પણ જોઈએ. કિશને એ હિંમત દેખાડી અને તેની એ હિંમત જોઈને હવે તો મને પણ થાય છે કે...પહેલાં બીજી વાત કરી લઈએ.

મારા બીજા ભત્રીજા આનંદની કૅનેડાની જૉબ સરસ છે તો નીપાનો ભાણેજ વિનીત પણ કૅનેડામાં સેટલ છે. બધા સરસ છે. નવી જનરેશનને આમ ઊડતી અને નવી ઊંચાઈઓ પર જતી જોઈએ ત્યારે ખરેખર થાય કે ઈશ્વરે બાર હાથે આશીર્વાદ આપ્યા છે. તેમના એ આશીર્વાદ આમ જ કન્ટિન્યુ રહે અને વડીલોની અમીનજર કાયમ સાથે રહે. તમારા પરિવાર માટે પણ એ જ અપેક્ષા રાખું છું કે ભગવાન તમારા પર પણ આવા જ આશીર્વાદ અકબંધ રાખે અને કાયમ માટે વડીલોની અમીનજર પણ તમારી સાથે રહે.

રેઝોલ્યુશનની વાત કરું તો મારે આ વર્ષે તમને એક વાત ખાસ કહેવી છે.

આ પણ વાંચો : ક્રિસમસનું વેકેશન મારી લાઇફમાં બહુ જ મહત્ત્વ ધરાવે છે

હવે જે પ્રકારનો સમય ચાલી રહ્યો છે એ જોતાં થાય છે કે આપણે ટેક્નૉલૉજીને અવગણીને તો નહીં જ ચાલી શકીએ. આ સત્ય હકીકત છે એટલે જે લોકો ટેક્નૉલૉજીથી દૂર રહેવાનું કહે છે તેમને હું ખાસ કહીશ કે ના, એવું શક્ય નથી. હા, એનો અતિરેક ન કરો, પણ સાથોસાથ એ પણ યાદ રાખો કે ટેક્નૉલૉજીને મિત્ર બનાવીને સાથે ચાલવું અત્યંત જરૂરી છે.

ટેક્નૉલૉજી એટલી આગળ વધી ગઈ છે એને ઇગ્નૉર કરી ન શકાય. ભારત પણ વિકાસ કરી રહ્યો છે. ભારતે બહુ સરસ કામ પણ આ દિશામાં કર્યું છે. એક વાત મારા ફ્રેન્ડ અને પાર્ટનર આતિશ કાપડિયાએ હમણાં કહી. ડિસ્કવરી પર એક બહુ સરસ ડૉક્યુમેન્ટરી છે, જેમાં ભારતની પ્રગતિ વિશે વાત થઈ છે. તમને ખબર છે કે આ ગૂગલ-પે અને એ રીતે ઑનલાઇન પેમેન્ટ આપવાની જે લિન્ક/ઍપ છે એ સ્તર પર દુનિયાના જૂજ દેશોમાં જ છે. તમે કહી શકો કે એ માત્ર ભારત દેશમાં જ છે. બૅન્કમાંથી ડિરેક્ટ પેમેન્ટ થાય અને ડિરેક્ટલી એ બૅન્કમાં જ જમા થાય. આ જે યુપીઆઇ સિસ્ટમ ભારતમાં છે એ બીજા કોઈ દેશમાં નથી અને હવે તો અમેરિકાને પણ લાગે છે કે આવી સિસ્ટમ એણે પણ ડેવલપ કરવી જોઈએ. જોઈએ હવે આ લોકો મોદીજીની આ નીતિ કેવી રીતે અપનાવે છે. 

આ તો એક વાત છે. ભારતે બીજી દિશામાં પણ કેટકેટલી જગ્યાએ પ્રગતિ કરી અને સૌથી અગત્યનું એ છે કે એ પ્રગતિથી આપણી પ્રગતિ થઈ રહી છે અને આપણી આ જે પ્રગતિ છે એમાં તમારે બહુ જ મજેદાર રીતે ભાગ લેવો હોય તો સોશ્યલ મીડિયાથી શરૂ કરવું જોઈએ. જો તમને ટેક્નૉલૉજી વિશે વધારે ખબર ન પડતી હોય.

સોશ્યલ મીડિયાનો સૌથી મોટો ફાયદો એ કે તરત ચીજો આવડવા માંડે અને તમારું મગજ થોડું ટેક્નૉલૉજીને અનુરૂપ રહેવાની કોશિશ કરે. ટેક્નૉલૉજીનો વિરોધ કરનારા અને સાથોસાથ ટેક્નૉલૉજીથી દૂર રહેનારા એક વાત યાદ રાખે કે આવનારો સમય હવે ટેક્નૉલૉજીનો છે. ભવિષ્યમાં તો હજી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને એવું અનેક નવું કહેવાય એવું બધું આવી રહ્યું છે. રોબોની જે વાતો આપણને ફૅન્ટસી ઊભી કરે છે એ બધું હવે આપણી લાઇફ બનવાની છે. રોબો આપણી આસપાસ આવશે અને રોજબરોજના જીવનમાં તમારાં કામો કરશે. એ જોવા માટે આપણે જીવતા રહેવું જરૂરી છે અને એ પણ હેલ્ધીલી (અહીં તમે પહેલું રેઝોલ્યુશન યાદ કરી શકો છો - તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો). બહુ સરસ કહેવાયને કે ઘરમાં બાઈને બદલે રોબો કામ કરતો હોય. રોબો વાસણ ઘસતો હશે. અરે હા, હવે તો રોબોમાં પણ જેન્ડર નક્કી થવા માંડી છે એટલે માત્ર એવું કહી ન શકાય કે રોબો વાસણ ઘસતો હશે. રોબો વાસણ ઘસતી પણ હોઈ શકે છે.
તમને હસવું આવતું હોય તો પણ આ વાતને તમે હસવામાં નહીં કાઢતા. ખરેખર એવું થઈ શકે છે અને આ જે થાય એ બધામાં ટેક્નૉલૉજી એ સ્તર પર આપણને હેલ્પફુલ બનવાની છે કે એ આપણું કામ સાચવી દેશે, પૈસા કમાઈને પણ આપશે અને એ તમારું ધ્યાન પણ રાખશે. આજે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પણ બહુ દૂર નથી. હું તો કહીશ કે બે-ત્રણ વર્ષમાં જ આપણને એ બધું જોવા મળતું થઈ જશે.

આ પણ વાંચો :  વાત ૨૦૨૨ના વર્ષની

કહેવાનો ભાવાર્થ એ જ કે ટેક્નૉલૉજીની બાબતમાં નીરસતા લાવતા નહીં. ટેક્નૉલૉજી એટલી આગળ વધવાની છે કે એની સાથે તાલમેલ મિલાવવા માટે ખરેખર મહેનત કરવી પડે. એવું ન બને એ માટે અત્યારથી જ એ દિશામાં જાગૃત થઈ જજો અને રેઝોલ્યુશન લેજો કે આ વર્ષે ટેક્નૉલૉજીની બાબતમાં અપગ્રેડ થવું છે.

જો જરૂર લાગે તો તમારે આ વર્ષે તમારી જાતને ટેક્નૉલૉજી સાથે મેળ પડે એવો કોઈ કોર્સ ઑનલાઇન કરવો પડે તો એ પણ કરજો. શીખતા રહેજો, પોતાનાં સંતાન પાસેથી શીખતા રહેજો, મિત્રો પાસેથી શીખજો અને એ બધાની સાથોસાથ જો નવું ભારત જોવું હોય, નવી દુનિયા જોવી હોય તો તમારા પોતાના સ્વાસ્થ્ય પર પણ બહુ ધ્યાન આપજો. હું હંમેશાં એક વાતને અન્ડરલાઇન કરીને બધાને કહેતો હોઉં છું કે સ્વાસ્થ્ય સારું હશે તો તમારો બધો જ સમય સારી રીતે એન્જૉય કરી શકશો. બીમારી સાથે ગમે એટલા પૈસા હોય, બધું જ હોય તો પણ આપણે કશું કરી શકતા નથી હોતા. અરે, આપણી સામે પડ્યું હોય તો પણ ખાવાનું નથી લઈ શકતા. તમને મારી ટ્રૅજેડી કહું. મારા ફાધરની એવી પરિસ્થિતિ છે કે હમણાંથી તેમને મોઢેથી ફૂડ આપી શકાતું નથી. જે સ્વાદની વાત છે, જે સારી અને મજા કરવાની વાત છે, સારું ખાવાની, સારા સ્વાદની વાત છે એ કદાચ જતી રહે તો... પ્લીઝ, સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો અને શક્ય હોય ત્યાં, જરૂર હોય ત્યાં શરીર પર કામ કરજો. જો તંદુરસ્તી અકબંધ હશે તો અને તો જ તમે સારી રીતે રહી શકશો અને બધું બેસ્ટ માણી શકશો. 
હવે વધુ વાત આવતા ગુરુવારે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

05 January, 2023 06:13 PM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK