રામાયણ કે મહાભારત આપણને રાજવંશના ઇતિહાસ માટે કહેવાયા નથી. એ સમયના સમાજ જીવન, જનમાનસના ગમા-અણગમા કે પછી ધર્મ કે અધ્યાત્મ વિશેની એમની તાત્પૂરતી સમજ આ બધું જે કહેવાયું છે એ ઇતિહાસ છે.
રામ મંદિર
રાજા દશરથના ઘરે પુત્રેષ્ટિ યજ્ઞ પછી ચૈત્ર સુદ નવમીના રાણી કૌશલ્યાએ પુત્રને જન્મ આપ્યો. પુત્રજન્મના એ દિવસે કે એ પછી ૧૪ વરસના વનવાસને અંતે પાછા ફરેલા રામનો રાજ્યાભિષેક થયો ત્યારે અયોધ્યાનું જનમાનસ કેવું હિલોળે ચડ્યું હશે એ તો આપણે જાણતા નથી પણ હજારો વરસ પછી અયોધ્યામાં આજે રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે દેશ આખો કેવો હિલોળે ચડ્યો એ આપણે જોઈ શકીએ છીએ. રામ ઇતિહાસ છે કે પુરાણ એ વિશે વિદ્વાનોમાં મતભેદ જરૂર છે પણ ઇતિહાસ વિશેની ભારતીય માન્યતા જ એટલી ભિન્ન છે કે પશ્ચિમથી દોરવાયેલો વિદ્વત્તગણ ઇતિહાસની આપણી વ્યાખ્યાને કદાચ સમજી પણ નહીં શકે. ઇતિહાસ એટલે જે છે એ - જે થયું એ. પુરાણ એટલે થયું હોય અથવા ન પણ થયું હોય પણ લોકકલ્યાણ માટે થવું જોઈએ એનું નામ પુરાણ. પશ્ચિમના ઇતિહાસકારો એવું કહે છે કે ભારતે પોતાનો ઇતિહાસ સાચવ્યો જ નથી. એમના મતાનુસાર કયા પ્રદેશમાં, કયો રાજા કે રાજવંશ કેટલાં વરસ રહ્યા અને એમના રાજ્ય અમલ દરમિયાન કયા-કયા લશ્કરી વિજયો કે પરાજયો થયા એની વિગતવાર માહિતી એ જ ઇતિહાસ. ભારતે ઇતિહાસ તો આલેખ્યો છે પણ એની પોતાની સૂઝસમજ અનુસાર. તત્કાલીન ઇતિહાસ એટલે સમાજ અને સંસ્કૃતિ આ બધી વિગતવાર વાત અને આ સમયમાં જે જીવન જિવાતું હતું એ જીવન અને પછી એ સમયે જે રાજ્ય અમલ ચાલતો હોય એના વિશેની વાત. આ બધું ઇતિહાસ કહેવાય. રાજા કે રાજવંશના નિમિત્ત હેઠળ તત્કાલીન સમજ એટલે ઇતિહાસ.
આ તબક્કે જવાહરલાલ નેહરુએ પુત્રી ઇન્દિરાને લખેલા પત્રોનું સ્મરણ કરવા જેવું છે. જવાહરલાલે જેલવાસ દરમિયાન ઇન્દુને પત્રો લખ્યા છે એમાં ઇતિહાસ વિશેની વાત કરતાં એમ કહ્યું કે મહાન સાહિત્યકાર શેક્સપિયર રાણી વિક્ટોરિયાના કાળમાં થયો હતો. આ પત્રો જ્યારે પુસ્તકરૂપે વિનોબાજીએ વાંચ્યા ત્યારે તેમણે લખ્યું છે કે ‘જવાહરલાલ! ઓછામાં ઓછું તમારે તો ઇન્દુને એમ લખવું જોઈતું હતું કે શેક્સપિયરના સમયમાં વિક્ટોરિયા રાજ્ય કરતાં હતાં. આજે પાંચસો વરસ પછી શેક્સપિયર એવા ને એવા તરોતાજા છે - વિક્ટોરિયા ભુલાઈ ગયાં છે. ઇતિહાસમાં બીજાં અનેક વિક્ટોરિયા થઈ ગયાં છે. બીજા કોઈ શેક્સપિયર થયા નથી.
ADVERTISEMENT
રામાયણ કે મહાભારત આપણને રાજવંશના ઇતિહાસ માટે કહેવાયા નથી. એ સમયના સમાજ જીવન, જનમાનસના ગમા-અણગમા કે પછી ધર્મ કે અધ્યાત્મ વિશેની એમની તાત્પૂરતી સમજ આ બધું જે કહેવાયું છે એ ઇતિહાસ છે.
મહાભારતમાં આરંભે જ સ્પષ્ટ કહેવાઈ ગયું છે કે આ કથાનક ઇતિહાસ અને પુરાણ બન્ને છે. રામાયણમાં આમ કહેવાયું નથી.
જય શ્રીરામ
રામાયણનું કથાનક વાલ્મીકિએ લખ્યું છે કે પછી વાલ્મીકિ પૂર્વે પણ આ રામકથા પ્રચલિત હતી અને વાલ્મીકિએ એને માત્ર કાવ્યબદ્ધ કરી એવો એક મત પણ પ્રવર્તે છે. રામાયણના આરંભે જ વાલ્મીકિએ મહર્ષિ નારદને પૂછ્યું છે કે ધર્મ, નીતિ, શાસ્ત્ર, શસ્ત્ર, આ બધાં ક્ષેત્રોમાં જે સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે એવો કયો મહાપુરુષ વર્તમાનકાળમાં રહેલો છે. આ પ્રશ્નના જવાબમાં નારદે વાલ્મીકિને રામકથા લખવાનું કહ્યું. વાલ્મીકિ કંઈ કવિ નહોતા. વિદ્વાન પણ નહોતા. નારદની સૂચનાથી એમને મૂંઝવણ થઈ એટલે પૂછ્યું - ‘હે મહર્ષિ! હું કંઈ જાણતો નથી તો આવી કોઈ કથા શી રીતે લખી શકું?’ એના જવાબમાં નારદે જે કહ્યું છે એને વિશ્વસાહિત્યનું એક અમર વાક્ય કહી શકાય - ‘હે કવિ! જે થયું છે એ તમારે નથી લખવાનું. તમે જે લખશો એ થશે, કારણ કે તમે કવિ છો.’ અદ્ભુત છે આ વાત! સાચો કવિ કથેલું ન કથે, એ જે કથે એ જ થાય એ પરબ્રહ્મની વાણી છે.
આજે આપણે જેને રામચંદ્ર કહીએ છીએ એવું કોઈ નામ વાલ્મીકિએ રામાયણમાં લખ્યું નથી. વાલ્મીકિએ તો માત્ર રામની જ વાત કરી છે, રામચંદ્રની નહીં. રામચંદ્ર એ આપણને અપાયેલી તુલસીદાસની ભેટ છે. વાલ્મીકિ પછી હજારો વર્ષે તુલસીદાસે ‘રામચરિત માનસ’નું આલેખન કર્યું અને તુલસીદાસની ભક્તિએ રામને રામચંદ્ર બનાવ્યા. રામચંદ્ર નામધારી રામકથા તુલસીદાસે એવી પ્રસારી કે આજે ૩૦૦ જેટલી રામકથાઓ જુદા-જુદા ધર્મો, સંપ્રદાયો અને સમાજમાં પોતીકી બની ગઈ છે. જૈન, બૌદ્ધ અને ઇસ્લામ સુધ્ધાં પરંપરાઓમાં રામાયણના કથાનકનો એક યા બીજા પ્રકારે સ્વીકાર કરે છે. આમાં રામની લોકપ્રિયતાનો લાભ લેવા માટે જુદા-જુદા સંપ્રદાયોએ પોતપોતાનાં કથાનકો ગોઠવી દીધાં હોય એવું પણ બને.
રામાયણ અને રામકથાઓ
રામકથા અને રામનું વ્યક્તિત્વ જનમાનસમાં એવી કક્ષાએ એકરૂપ થઈ ગયાં કે તુલસીદાસ પછી જાણે કે રામના નામે સર્જનોનો રાફડો જ ફાટ્યો. એવું નથી કે તુલસીદાસ પહેલાં સંસ્કૃતમાં રામકથાઓ જુદી-જુદી રીતે લખાઈ નહોતી. સંસ્કૃતમાં પણ કાલિદાસ જેવા સમર્થ કવિએ સુધ્ધાં રામકથા એક યા બીજા સ્વરૂપે આલેખી જ છે. આમ છતાં તુલસીદાસ પછી રામાયણ જાણે કે ઘર-ઘરનો એક અંશ જ બની રહ્યું. કોઈ કથાનક જ્યારે સર્વ વ્યાપક અને લોકપ્રિય બની જાય છે ત્યારે એના પુનઃનિર્માણમાં ફેરફારો થતા જ રહે છે. રામાયણમાં પણ એવું બન્યું જ છે. ક્યાંક હનુમાન પરિણીત બન્યા છે તો રામ એક કરતાં વધુ પત્ની ધરાવતા પણ થયા છે. પણ મૂળ વાત રામકથા અને રામના નામની પ્રતિભાના સ્વીકારની છે. એવું બન્યું છે કે આજે જે રામાયણ આપણી સમક્ષ હાથવગું છે એમાં સહજ પ્રશ્નો પેદા થાય છે ખરા. કેટલીક એવી ઘટનાઓ પણ આમાં દાખલ થઈ ચૂકી છે કે બૌદ્ધિક દૃષ્ટિએ એના વિશે પ્રશ્ન પેદા થાય પણ જ્યાં આવો પ્રશ્ન પેદા થાય ત્યાં પુરાણકથાની પાયાની વ્યાખ્યા યાદ કરી લેવી જોઈએ. અહીં બુદ્ધિ નહીં પણ ભાવનાનું પ્રાધાન્ય સમજવું જોઈએ. ‘બુદ્ધચરિત’માં અશ્વઘોષ જ્યારે એમ કહે કે ઘર ત્યાગ કરતી વખતે પોતાના બાળકનું મોઢું જોવા માટે બુદ્ધે વારંવાર ચહેરો ફેરવ્યો હતો તો આ વાતને અશ્વઘોષે શી રીતે જાણી એવો પ્રશ્ન થાય ખરો પણ અશ્વઘોષ જે કુમાર સિદ્ધાર્થની વાત આલેખે છે એ બુદ્ધની નથી પણ રાજકુમાર સિદ્ધાર્થની છે. રાજકુમાર સિદ્ધાર્થ બુદ્ધ નથી પણ બુદ્ધ થવા જઈ રહ્યા છે. ભગવાન મહાવીર ગૃહત્યાગ કરતા હતા ત્યારે એના ઉઘાડા પગમાં કાંટા વાગે નહીં એટલા માટે રસ્તામાં પથરાયેલા કાંટાઓ ઊલટા ફરી જતા હતા એવી વાત જો કોઈ કહે તો એને બુદ્ધિથી ચકાસી શકાય નહીં. મહાવીર જેવો યુગપુરુષ લોકકલ્યાણ માટે પોતાનું જીવન અર્પી દે ત્યારે પ્રકૃતિએ પણ એમને સાથ આપવો જોઈએ એવી આ ભાવના છે.
રામ પાત્ર નથી, જીવન છે
રામમંદિરમાં શ્રી રામની મૂર્તિનું પ્રતિષ્ઠાપન થઈ રહ્યું છે ત્યારે રામકથાને માનવીય દૃષ્ટિકોણથી જોવી જોઈએ. રામકથા એટલે ધાર્મિક ગ્રંથ નહીં પણ જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં શી રીતે પસાર થઈ જવું જોઈએ એનો ઇંગિત ઇશારો છે. રામ જીવનનું પૂરેપૂરું અનુસરણ ન થાય. રામ કૌશલ્યાના પેટે એક માણસ તરીકે જન્મ્યા હતા એટલે તેમને જીવનની અનેક વિટંબણાઓનો સામનો કરવો પડ્યો હતો. સામનાની એ વાતોમાંથી માણસે માત્ર એટલું જ ગ્રહણ કરવાનું છે કે જો આપત્તિઓ રામ પર પણ કડડડભૂસ થઈને ત્રાટકતી હોય તો આપણા સામાન્ય માણસના જીવનમાં ક્યારેક કોઈ આપત્તિ આવે તો રામની જેમ જ સ્વીકાર કરીને પસાર થવું જોઈએ. જય શ્રીરામ એ માત્ર સૂત્ર ન બની રહે પણ આચરણનો એક અંશ પણ બની રહેવો જોઈએ.

