Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ટ્રાવેલિંગ પણ જન્નત બનશેજ્યારે મેટ્રોની માયાજાળ પૂરી પથરાશે

ટ્રાવેલિંગ પણ જન્નત બનશેજ્યારે મેટ્રોની માયાજાળ પૂરી પથરાશે

Published : 16 April, 2023 11:19 AM | IST | Mumbai
Prakash Bambhroliya | prakash.bambhroliya@mid-day.com

રોડ પર ટ્રાફિક અને ટ્રેનમાં ચક્કાજામ ભીડ બન્ને અદૃશ્ય થઈ શકે છે એમઆરડીએએ મુંબઈને મુંબઈ મેટ્રોપોલિટન રીજન સાથે જોડવા માટે રચેલા ૧૭ મેટ્રોલાઇનના આખા માળખાને કારણે. ચોતરફ મેટ્રોનું કામ ચાલતું હોવાથી રોડ બ્લૉક્સથી મુંબઈગરો પરેશાન છે, પણ આ મુશ્કેલીઓ...

ટ્રાવેલિંગ પણ જન્નત બનશેજ્યારે મેટ્રોની માયાજાળ પૂરી પથરાશે

સન્ડે લાઉન્ઝ

ટ્રાવેલિંગ પણ જન્નત બનશેજ્યારે મેટ્રોની માયાજાળ પૂરી પથરાશે



એક સમયે કહેવાતું કે મુંબઈમાં રોટલો મળશે પણ ઓટલો નહીં મળે. આજના સમયમાં આ મહાનગર અને આસપાસમાં રોટલાની સાથે કેટલાક અંશે ઓટલો પણ મળી રહ્યો છે, પરંતુ સૌથી મોટી સમસ્યા છે લોકલ ટ્રેનોની છાતીનાં પાટિયાં બેસી જાય એવી ગિરદી અને રસ્તાનો ટ્રાફિક. ત્રણ દાયકા પહેલાં શરૂ થયેલી આ સમસ્યા અત્યારે એટલી વિકરાળ બની ગઈ છે કે એનાથી મુંબઈગરાઓ રીતસરના ત્રાસી ગયા છે. એન્ટરપ્રાઇઝિસ, વાઇબ્રન્ટ કલ્ચર અને સમૃદ્ધ વારસા માટે જાણીતા મુંબઈની શાનમાં આ બે મુશ્કેલી કાળી ટીલી બની ગઈ છે.
સવાર પડે છે ત્યારે દરેકને એક જ વાતની ચિંતા હોય છે કે ઑફિસ કે ધંધાના સ્થળે સમયસર અને સહીસલામત પહોંચીશ તો ખરોને? મોટા ભાગના લોકો પરાવિસ્તાર કે મુંબઈની નજીક આવેલા વિસ્તારોમાંથી સાઉથ મુંબઈ, સેન્ટ્રલ મુંબઈ કે પછી બીકેસી પ્રવાસ કરે છે ત્યારે તેમને દરરોજ ટ્રાફિક-જૅમથી લઈને લોકલ ટ્રેનની ચિક્કાર ગિરદીનો સામનો કરવો પડે છે. આના પર લાંબા સમયથી કોઈએ ધ્યાન નથી આપ્યું. આથી આખી જિંદગી આવી જ રીતે જીવનને જોખમમાં મૂકીને પસાર થશે કે કેમ એવું મુંબઈ તેમ જ મુંબઈની આસપાસમાં રહેતા લોકોને થાય એમાં શંકાને કોઈ સ્થાન નથી. 
જોકે લાંબા સમયથી ચાલી આવતી આ સમસ્યા સામે ડિસેમ્બર મહિનાથી શરૂ થયેલી મેટ્રો રેલમાં આશાનું કિરણ દેખાયું છે. અંધેરીથી દહિસર સુધીની મેટ્રો ૨એ અને મેટ્રો ૭ આ બે મેટ્રોલાઇન શરૂ થયા બાદના રિપોર્ટમાં જણાઈ આવ્યું છે કે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને લિન્ક રોડ પરની એલિવેટેડ મેટ્રો લાઇનથી ટ્રાફિકની સમસ્યામાં પચીસેક ટકાનો ઘટાડો થયો છે. લોકલ ટ્રેનની ગિરદીમાં પણ કેટલાક અંશે રાહત થઈ હોવાનું જણાયું છે.



મેટ્રોનું આખું નેટવર્ક તૈયાર થયા પછી મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં એક છેડેથી બીજા છેડે ૬૦ મિનિટમાં પહોંચી શકાશે. અમારી ગણતરી છે કે ૩૬ ટકા લોકો પ્રાઇવેટ વાહનોના સ્થાને મેટ્રો અને મોનોરેલ મૉડલમાં ૨૦૩૧ સુધીમાં શિફ્ટ થશે. બેસ્ટની લાંબા રૂટની બસો ધીમે-ધીમે માત્ર મેટ્રો સ્ટેશનો પર ફિડર રૂટ તરીકે જ ચાલશે. 
એસવીઆર શ્રીનિવાસ, એમએમઆરડીએના કમિશનર


મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડી)એ દ્વારા મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (એમએમઆર) વિસ્તારને આવરી લેતી કુલ ૩૩૭ કિલોમીટર લાંબી મેટ્રો નેટવર્કનું કામ હાથ ધરાયું છે, જેમાંથી અંધેરીથી દહિસરની ૪૬ કિલોમીટર લંબાઈની બે લાઇન શરૂ થઈ ચૂકી છે અને આવતા વર્ષે બીજી ૫૦ કિલોમીટર લંબાઈની મેટ્રો ટ્રેન શરૂ થઈ જશે. બીજા શબ્દોમાં કહીએ તો મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનોનું નેટવર્ક ૩૯૦ કિલોમીટર છે એની આસપાસ જ મેટ્રોનું નેટવર્ક તૈયાર થઈ જશે. આથી મુંબઈગરાઓનું જીવન બદલાઈ જવાની શક્યતા છે.
બધાના મનમાં એક જ સવાલ છે કે ૨૦૧૪માં વર્સોવા-ઘાટકોપર વચ્ચે મુંબઈની પહેલી મેટ્રો શરૂ થયા બાદ અંધેરી-દહિસર મેટ્રોને શરૂ થવામાં આઠ વર્ષ લાગ્યાં હતાં. આથી બાકીની મેટ્રો શરૂ થવામાં કેટલો સમય લાગશે? જોકે સરકારનું સ્પષ્ટ પણે કહેવું છે કે હવે એની ચિંતા કરવાની જરૂર નથી. વચ્ચેના થોડા સમયગાળા દરમ્યાન રાજકારણને કારણે મેટ્રોનું કામ થોડું ખોરંભે ચડ્યું હતું, પણ હવે એ બેરોકટોક ચાલશે. રાજ્ય સરકારે તમામ મેટ્રોનું કામ ૨૦૨૬ સુધીમાં પૂરું કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને એ માટે જરૂરી ફન્ડની કોઈ પણ ભોગે વ્યવસ્થા કરવામાં આવશે એવી ખાતરી આપી છે.

રાજ્ય સરકારની ખાતરી પર વિશ્વાસ કરવામાં આવે તો પાંચ વર્ષમાં એમએમઆર ક્ષેત્રમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ધરમૂળથી બદલાઈ જશે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રાન્સપોર્ટેશન ઍન્ડ ડેવલપમેન્ટ પૉલિસી અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમના સહયોગી આદિત્ય રાણે આ વિશે જણાવે છે, ‘મુંબઈમાં મેટ્રો રેલ પ્રવાસીઓ માટે ઝડપી, વિશ્વાસપાત્ર અને કાર્યક્ષમ માધ્યમ પ્રદાન કરીને આગામી પાંચ વર્ષમાં પરિવહન સમસ્યાઓને નોંધપાત્ર રીતે દૂર કરશે એવી અપેક્ષા છે. મેટ્રો રેલ નેટવર્કમાં દર કલાકે ૩૦,૦૦૦થી ૪૫,૦૦૦ મુસાફરોને એક દિશામાં લઈ જવાની ક્ષમતા છે. બધાં કામ પૂરાં થયા પછી ૩૩૭ કિલોમીટરના નેટવર્કમાં આવેલાં ૨૮૬ સ્ટેશનો સાથે મેટ્રો મુંબઈની નવી લાઇફલાઇન બની જશે. અત્યારે મુંબઈની વેસ્ટર્ન, સેન્ટ્રલ અને હાર્બરની સાથે ટ્રાન્સ-હાર્બર લોકલમાં દરરોજ


૮૦ લાખ લોકો મુસાફરી કરે છે એનો વિકલ્પ મેટ્રો નેટવર્ક બનશે.’
મેટ્રો નેટવર્કથી મુંબઈમાં શું ફરક પડશે એ વિશે વાત કરતા આદિત્ય રાણે કહે છે, ‘મેટ્રો સિસ્ટમથી મુસાફરીનો સમય ઘટાડવામાં અને કનેક્ટિવિટી સુધારવામાં મદદ થશે અને પ્રદૂષણમાં ઘટાડો થશે. જોકે મેટ્રોને સક્ષમ વિકલ્પ બનાવવા માટે એની સરળ સુલભતા સુનિશ્ચિત કરવી મહત્ત્વપૂર્ણ છે. સરકારે જ્યારે મેટ્રોના નિર્માણમાં અબજોનું રોકાણ કર્યું છે ત્યારે લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી પૂરી પાડવા પર સમાન ધ્યાન આપવું પડશે. કમનસીબે, અત્યારે આ સંબંધે મેટ્રો સિસ્ટમના અભિન્ન અંગ તરીકે લાસ્ટ-માઇલની કનેક્ટિવિટીને આપવું જોઈએ એટલું ધ્યાન નથી અપાયું. લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે આપણી સોસાયટી, ઑફિસો, સ્કૂલો અને કૉલેજોથી મેટ્રો સ્ટેશન સુધી દર પાંચ મિનિટે પહોળી, અતિક્રમણ વિનાની ફુટપાથ અને બસ હોવી જરૂરી છે. તાજેતરના બીએમસીના બજેટમાં બેસ્ટની બસ માટે ૮૦૦ કરોડ રૂપિયા અને પદયાત્રીઓની સુવિધા માટે ૨૦૦ કરોડ રૂપિયા ફાળવાયા છે; જ્યારે કોસ્ટલ રોડના નિર્માણ માટે ૩,૫૪૫ કરોડની ફાળવણી કરવામાં આવી હતી જે જાહેર પરિવહન અને ચાલવા માટે ફાળવવામાં આવેલા એકંદર બજેટ કરતાં ૩.૫ ગણા વધારે છે. એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ફ્લાયઓવર અને ફ્રી-વે ટ્રાફિકની સમસ્યા ઉકેલી નહીં શકે. આવાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર વધુ વાહનો અને ભીડને આકર્ષશે. દાખલા તરીકે, બાંદરા-વરલી સી-લિન્ક પ્રોજેક્ટમાં ૧૬,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. આમ છતાં એનાથી બેસ્ટની બસમાં મુસાફરી કરનારા સામાન્ય મુંબઈકરોને કોઈ ફાયદો થયો નથી. બેસ્ટની બસમાં કાર કરતાં પંદરગણા વધુ મુસાફરો પ્રવાસ કરતા હોવા છતાં સી-લિન્ક પર બેસ્ટની બસને ટોલમાંથી મુક્તિ આપવામાં આવતી નથી. આવી જ રીતે કોસ્ટલ રોડનો ફાયદો પણ બધા નાગરિકોને બદલે તમામ કરદાતાઓનાં નાણાંના ખર્ચે માત્ર ચાર ટકા કાર ધરાવનારાઓને જ થશે. આ બધા વચ્ચે મારી દૃષ્ટિએ આગામી પાંચ વર્ષમાં મેટ્રોનું નેટવર્ક કામ કરતું થઈ જશે તો મુંબઈગરાઓનો લોકલ ટ્રેનની ગિરદી અને ટ્રાફિક-જૅમથી છુટકારો મળશે.’
એક કલાકમાં પહોંચી શકાશે

મેટ્રોપૉલિટન કમિશનર, મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી એસવીઆર શ્રીનિવાસે મેટ્રો રેલ નેટવર્કથી મુંબઈમાં કેવી અને કેટલી સુવિધા મળશે એ વિશે કહ્યું હતું કે ‘મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) દ્વારા કરવામાં આવેલા વ્યાપક પરિવહન અભ્યાસના આધારે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ટ્રાન્સપોર્ટની એકંદર ગુણવત્તામાં સુધારો કરશે. અમે ૨૦૨૬ સુધીમાં મુંબઈમાં ૩૩૭ કિલોમીટરની મેટ્રો લાઇનો પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આથી બાદમાં મુંબઈગરાઓ મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં કોઈ પણ જગ્યાએથી ૬૦ મિનિટમાં પહોંચી શકશે. અમે સમયમર્યાદાને પહોંચી વળવા પર સક્રિયપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જ્યારે આવા પ્રોજેક્ટ્સને કારણે મુંબઈકરોને પડતી અસ્થાયી અસુવિધા ઘટાડવાનો પણ પ્રયાસ કરીએ છીએ. હાલમાં મુંબઈમાં દરરોજ ૧૧૦ લાખ મુસાફરો જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે. પીક-અવર્સ દરમિયાન હાલની લોકલ ટ્રેનોમાં સુપર-ડેન્સ-ક્રશ-લોડની સ્થિતિ પ્રતિ ચોરસ મીટર ૧૨થી ૧૬ વ્યક્તિની રેન્જમાં છે. અમારા અભ્યાસો એ પણ સૂચવે છે કે વિવિધ ભાગોમાં રસ્તાના ટ્રાફિકનું સ્તર લગભગ ૯૭ ટકા છે. આમ શહેરમાં સરેરાશ વાહનની ઝડપ ૧૦થી ૧૨ પ્રતિ કિલોમીટરથી વધુ નથી. આવી આત્યંતિક પરિસ્થિતિઓને કારણે મુંબઈમાં બેસ્ટની બસ અને લોકલ ટ્રેનોમાં અસુરક્ષિત મુસાફરી થાય છે. અમને ખાતરી છે કે મેટ્રો માત્ર રસ્તાઓ પર જ નહીં પરંતુ લોકલ ટ્રેનોમાં પણ ભીડ ઘટાડશે. આ પ્રોજેક્ટ પૂરા થયા પછી ૩૩૭ કિલોમીટરની મેટ્રો રેલમાં દૈનિક ૧૨૦ લાખ વધુ મુસાફરોને પરિવહન કરવાની ક્ષમતા હશે. આથી લોકલ ટ્રેનમાં ચોરસ મીટરદીઠ પ્રવાસ કરતી ૧૦થી ૧૨ વ્યક્તિના સ્થાને મેટ્રોમાં એ અડધી એટલે કે છ હશે. મને કહેતાં ખૂબ જ ગર્વ થાય છે કે અમે લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે લાંબા ગાળાના ઉકેલો માટે પ્રયાસ કરી રહ્યા છીએ. અમને મહારાષ્ટ્ર સરકાર અને ભારત સરકાર તરફથી સતત ઘણો ટેકો મળ્યો છે, જેણે અમને વધુ ઝડપી નિર્ણયો લેવામાં મદદ કરી છે. અમે એશિયન ડેવલપમેન્ટ બૅન્ક (એડીબી) સાથેની ભાગીદારીમાં મુંબઈના લોકોને વધુ સારી સેવાઓ આપવા માટે નાગરિકોના સતત સંપર્કમાં રહીને તેમને પારદર્શક અને પ્રતિભાવશીલ સંસ્થા પ્રદાન કરવાનું ચાલુ રાખવાનું વચન આપીએ છીએ.’

વર્ષના અંતે મળશે મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક


એમએમઆરમાં મેટ્રો રેલની સાથે મુંબઈ અને નવી મુંબઈને જોડવા માટેનો મહત્ત્વનો મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક પ્રોજેક્ટ પણ અત્યારે ચાલી રહ્યો છે. ૬ લાઇન અને ૨૨ કિલોમીટર લાંબા આ લિન્ક રોડનું કામ પૂરું થઈ ગયા બાદ મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેની ટ્રાફિકની સમસ્યા હળવી થશે. એટલું જ નહીં, નવી મુંબઈમાં બની રહેલા નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટની કનેક્ટિવિટી પણ મળશે. આ પ્રોજેક્ટનું અત્યાર સુધી ૯૩ ટકા કામ પૂરું થઈ ગયું છે અને વર્ષની અંત સુધીમાં પૂરો થવાની શક્યતા છે.

મુંબઈ મેટ્રો માસ્ટર પ્લાન
મુંબઈમાં અત્યારે સૌથી ઝડપી અવરજવર માટે લોકલ ટ્રેનનું નેટવર્ક છે, જે દોઢસોથી વધુ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું. પહેલી લોકલ ટ્રેન ૧૮૬૭માં વિરારથી બૅકબે (અત્યારના ચર્ચગેટ પાસે) વચ્ચે દોડી હતી. બાદમાં મુંબઈનો સર્વાંગી વિકાસ થયો હતો એટલે મોટી સંખ્યામાં લોકો મુંબઈ સેન્ટ્રલની આસપાસ આવેલી ઑફિસોમાં કામ કરવા આવ્યા હતા. નવા લોકો માટે તળ મુંબઈમાં મકાન ખરીદવાનું શક્ય નહોતું એટલે તેઓ પરાવિસ્તારમાં રહેવા લાગ્યા. લોકોની ભીડ વધતાં વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવે દ્વારા સર્વિસમાં વધારો કરાયો હતો. આજે મુંબઈગરાઓ લોકલ ટ્રેનમાં સૌથી વધારે સરેરાશ ૨૩.૮ કિલોમીટરનો પ્રવાસ કરે છે; જે બસ, ટૅક્સી, ઑટો કે પ્રાઇવેટ કારની સરખામણીએ ઘણો વધારે છે. જોકે મુંબઈની લાઇફલાઇન બની ગયેલી લોકલ ટ્રેનને વધુ વિસ્તારવાની ક્ષમતા પૂરી થઈ ગઈ છે એટલે એના વિકલ્પ તરીકે મેટ્રો રેલ નેટવર્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમએમઆરડીએ દ્વારા શરૂઆતમાં ૧૬૫.૪ કિલોમીટરના ૯ મેટ્રો કૉરિડોરનો પ્લાન બનાવાયો હતો, જેમાં બાદમાં ઉમેરો કરાયો છે.
મુંબઈ મેટ્રો માસ્ટર પ્લાનથી એમએમઆરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસીઓની સંખ્યા વધવાની સાથે લોકોનું જીવનધોરણ સુધરશે, પ્રવાસની સુવિધામાં વધારો થશે, સલામતીમાં વધારો થશે અને શહેરનાં ગરીબો, મહિલાઓ અને બાળકો પણ મેટ્રો રેલનો ઉપયોગ કરી શકશે.
આ પ્લાનમાં છ બિઝનેસ ડિસ્ટ્રિક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં કફ પરેડ, ફોર્ટ, લોઅર પરેલ, નરીમાન પૉઇન્ટ, સાંતાક્રુઝ સીપ્ઝ અને વરલી છે. આ સિવાય છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને નવી મુંબઈમાં બંધાઈ રહેલા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ સાથે કનેક્ટ કરવામાં આવશે. આ રૂટમાં અત્યારે લોકલ ટ્રેનની સર્વિસ નથી. આથી મેટ્રો રેલના આ નવા રૂટથી અસંખ્ય લોકોને સુવિધા મળશે.

રાજ્ય અને કેન્દ્ર સરકારે એમએમઆરના મેટ્રો પ્રોજેક્ટ માટે ફન્ડની કોઈ મુશ્કેલી નહીં રહે એની ખાતરી આપી છે. આથી એમએમઆરડીએએ એકસાથે ૧૩ મેટ્રો લાઇનના પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આ સિવાય એમએમઆરડીએએ મેટ્રો ૭ લાઇન માટે એશિયન ડેવલપમેન્ટ બૅન્ક પાસેથી ૯૨૬ મિલ્યન એટલે કે ૯૨.૬૦ કરોડ રૂપિયાની લોન લીધી છે. આ રૂપિયાનો ઉપયોગ મેટ્રો ૭ અને મેટ્રો ૨એના કામમાં કરવામાં આવ્યો છે અને બીજા પ્રોજેક્ટ માટે પણ જરૂરી ફન્ડ પૂરું પાડવાનું કહેવામાં આવ્યું છે. 
જોકે ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ સુધીર બદામીને ચિંતા છે કે એમએમઆરમાં હાથ ધરવામાં આવી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે સરકાર રૂપિયા લાવશે ક્યાંથી? તેઓ કહે છે, ‘મુંબઈમાં લોકલ ટ્રેન અને રસ્તા પરના ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મેટ્રો રેલ પ્રોજક્ટ ખૂબ ખર્ચાળ છે. સરકારે એક પછી એક મેટ્રો લાઇન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નહીં તો અત્યારે એકસાથે ૧૪ મેટ્રોનાં કામ ભલે ચાલુ કરી દેવાયાં હોય, પણ નજીકના ભવિષ્યમાં એ પૂરાં કરવા માટે ફન્ડની તકલીફ ઊભી થશે તો કામ પૂરાં નહીં થઈ શકે. બીજું, મેટ્રો નેટવર્કમાં લોકલ ટ્રેનની જેમ ૮૦ લાખ પ્રવાસીઓને વહન કરવાની ક્ષમતા સુધી પહોંચવામાં લાંબો સમય લાગશે. મેટ્રો રેલ પ્રોજેક્ટ સંબંધિત અધિકારીઓ અત્યારે અમે આટલી મેટ્રો ચાલુ કરી એમ કહીને વાહવાહી મેળવી રહ્યા છે, પરંતુ પ્રવાસીઓની ક્ષમતા વધારવા પર તેમનું ધ્યાન હોય એવું લાગતું નથી. અંધેરીથી દહિસર વચ્ચેની બંને મેટ્રો લાઇનમાં અત્યારે પીક-અવર્સમાં ૬ મિનિટ અને વચ્ચેના સમયમાં ૮થી ૧૦ મિનિટના અંતરે મેટ્રો ટ્રેન ચાલી રહી છે. આ બરાબર નથી. વધુ લોકો મેટ્રોમાં પ્રવાસ કરી શકે એ માટે ફ્રીક્વન્સી વધારવી જ પડશે.’

આવતા વર્ષે મળશે કોસ્ટલ રોડ 


દક્ષિણ મુંબઈમાં ટ્રાફિક-જૅમની સમસ્યાથી હળવી કરવા માટે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું કામ મુંબઈ બીએમસી દ્વારા કરવામાં આવી રહ્યું છે. મરીન ડ્રાઇવથી કાંદિવલી સુધીના ૨૯.૨ કિલોમીટર લંબાઈના ૮ લાઇનના કોસ્ટલ રોડના પ્રોજેક્ટમાં વરલી સી-લિન્ક સુધીના પહેલા ફેઝનું કામ અત્યારે ૭૨ ટકા પૂરું થઈ ગયું છે. ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ રોડનું કાંદિવલી સુધીનું કામ પૂરું થયા બાદ આ માર્ગ પર દરરોજ ૧,૩૦,૦૦૦ વાહનોની અવરજવર થઈ શકશે અને અત્યારે લાગતા બે કલાકને બદલે માત્ર ૪૦ મિનિટમાં પહોંચી શકાશે. પહેલો ફેઝ આવતા વર્ષે મે સુધીમાં ખુલ્લો મુકાવાની શક્યતા છે. ૯.૯૮ કિલોમીટર લંબાઈનો મરીન ડ્રાઇવથી વરસી સી-ફેસ સુધીનો રસ્તો તૈયાર થઈ ગયા બાદ ટ્રાફિક-જૅમની સમસ્યા થોડી તો હળવી થશે.

એમએમઆરનું મહત્ત્વ
છેલ્લા બે દાયકા જેટલા સમયમાં મુંબઈના પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની અવગણના કરવામાં આવી છે એટલું જ નહીં; મુંબઈને અડીને આવેલા થાણે, મીરા-ભાઈંદર, વસઈ-વિરાર, નવી મુંબઈ, ભિવંડી, કલ્યાણ, ઉલ્હાસનગર, પનવેલ, કર્જત, ઉરણ, પેણ, અલીબાગ અને ખાલાપુર જેવા વિસ્તારોમાં તો જરાય ધ્યાન નથી આપવામાં આવ્યું. દિલ્હીના નૅશનલ કૅપિટલ રીજન બાદ દેશના સૌથી મોટા આ શહેરી વિસ્તાર એટલે કે એમએમઆર શહેરી ક્ષેત્રમાંથી મહારાષ્ટ્રના જીડીપીમાં સૌથી વધુ યોગદાન આપે છે. આ ક્ષેત્રના અનેક વિસ્તારોમાં રેલ કે બસની સુવિધા પણ નથી એટલે આ શહેરોનો થવો જોઈએ એટલો વિકાસ નથી થયો. તાજેતરમાં મુંબઈને અડીને આવેલાં આ શહેરોને મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં સામેલ કરવામાં આવ્યાં છે. આ શહેરોના વિકાસની ક્ષમતાને ધ્યાનમાં રાખીને એમને મેટ્રો સાથે કનેક્ટ કરવાનો પ્લાન એમએમઆરડીએએ બનાવ્યો છે. આ પ્રત્યેક શહેરને મેટ્રોની કનેક્ટિવિટી અપાશે તો એનો ભવિષ્યમાં મોટો લાભ મળવાની શક્યતા છે. એટલું જ નહીં, આ વિસ્તારમાં રહેતા સામાન્ય લોકોનું જીવનધોરણ ઊંચું આવે તો એનો તેમની સાથે રાજ્યને પણ આર્થિક રીતે મોટો લાભ થઈ શકે છે. આજની સ્થિતિમાં ઑફિસ કે બીજી કોઈ જગ્યાએ કામ કરતી મહિલાઓની સંખ્યા પુરુષોની સરખામણીએ ૧૮ ટકા છે, જ્યારે પુરુષોની સંખ્યા ૪૦ ટકા છે. કમ્ફર્ટેબલ ટ્રાન્સપોર્ટના અભાવે મહિલાઓ રોજગાર, શિક્ષણ કે બીજી પ્રવૃત્તિઓ માટે ઘરની બહાર નથી નીકળી શકતી. મેટ્રોની સુવિધા મળે તો આ મહિલાઓ પણ કામ કરી શકશે.
આવકની દૃષ્ટિએ જોઈએ તો એમએમઆરમાં ૨૮ ટકા લોકો સ્લમમાં રહે છે. તેઓ ખૂબ જ ગરીબ છે. તેમને અવરજવરની સારી સુવિધા આપવામાં આવે તો તેઓ રોજગાર મેળવી શકશે અને તેમનું જીવનધોરણ સુધરશે. મુંબઈની વાત કરીએ તો એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં ૨૮ ટકા લોકો રહે છે. આ વિસ્તારને રેલવેના નેટવર્કની સુવિધા નથી. મેટ્રોની લાઇન ૩માં ધારાવી સ્ટેશન હશે. આથી અહીંના લોકો સ્કૂલ, હૉસ્પિટલ, ઑફિસ વગેરે સ્થળે આરાદાયક મુસાફરી કરી શકશે.

વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટની જરૂર
એમએમઆરમાં દરરોજ વધુ ને વધુ બહારના લોકો આવે છે જેને લીધે અહીં વસતિનો વિસ્ફોટ થઈ રહ્યો છે. ૧૯૭૧થી અત્યાર સુધીમાં તળ મુંબઈની વસતિમાં ૭૮થી ૪૯ ટકાનો ઘટાડો થયો છે અને ૨૦૪૧ સુધીમાં આ ઘટાડાનો આંક ૩૧ સુધી પહોંચી જવાનો અંદાજ છે. આની સામે મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લામાં ૪૯ ટકા વસતિ વધી શકે છે. નવા અર્બન વિસ્તાર બનવાની સાથે નવાં ઇન્ડસ્ટ્રિયલ અને હાઉસિંગ સેન્ટરો ઊભાં થઈ રહ્યાં છે. અહીં રોજગારની ઉત્તમ તક છે એટલે મોટી સંખ્યામાં બહારથી લોકો અહીં આવી રહ્યા છે. ઑક્સફર્ડ ઇકૉનૉમિક્સનો ડેટા દર્શાવે છે કે ૨૦૩૦માં એમએમઆરમાં વસતિમાં હજી વધારો થશે. નોકરી આપવાના મામલામાં એમએમઆર વિશ્વમાં પાંચમા નંબરે રહેશે. એટલે કે ૨૫ લાખ નવા રોજગાર અહીં ઊભા થશે. આ લોકોની અવરજવર માટે રેલવેલાઇનો ઓછી પડશે એટલે અહીં મેટ્રો રેલના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. આમ કરવાથી લોકલ ટ્રેનોનો ભાર ઓછો થશે અને રસ્તા પરના ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે.

૧૭ મેટ્રો રેલનું નેટવર્ક
મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં કુલ ૧૪ મેટ્રો પ્રોજેક્ટ છે, જેમાંથી ૪૬.૫ કિલોમીટરની અંધેરી-દહિસર વચ્ચેની બે મેટ્રો લાઇન અને વર્સોવા-ઘાટકોપર વચ્ચેની મેટ્રો ૧ અત્યારે દોડી રહી છે. એ પહેલાં વર્સોવા-ઘાટકોપરની મેટ્રો ૨૦૧૪થી દોડી રહી છે. ૧૩૩.૯ કિલોમીટરની મેટ્રો લાઇનનું કામ ચાલી રહ્યું છે. ૨૧.૨૮૯ કિલોમીટરની મેટ્રો લાઇનને મંજૂરી અપાઈ છે, જ્યારે ૧૩૬.૪ કિલોમીટર લંબાઈની લાઇન પ્રસ્તાવિત છે.


લાઇન ૧ : વર્સોવા-અંધેરી-ઘાટકોપર, ૧૧.૪ કિલોમીટર, ૧૨ સ્ટેશન ઃ કાર્યરત છે
લાઇન ૨એ : દહિસર (પૂર્વ) – ડી. એન. નગર, ૧૮.૬૦ કિલોમીટર, ૧૭ સ્ટેશનઃ  કાર્યરત છે 
લાઇન ૨બી : ડી. એન. નગર - મંડાલે, ૨૩.૬૪ કિલોમીટર, ૨૨ સ્ટેશનઃ અન્ડર-કન્સ્ટ્રક્શન
લાઇન ૩ : કફ પરેડ-બીકેસી-સીપ્ઝ-આરે કૉલોની, ૩૩.૫૦ કિમી, ૨૭ સ્ટેશનઃ અન્ડર-કન્સ્ટ્રક્શન
લાઇન ૪ : વડાલા-કાસરવડવલી, ૩૨.૩૨ કિલોમીટર, ૩૨ સ્ટેશનઃ અન્ડર-કન્સ્ટ્રક્શન
લાઇન ૪એ : કાસરવડવલી-ગાયમુખ, ૨.૮૮ કિલોમીટર, બે સ્ટેશનઃ અન્ડર-કન્સ્ટ્રક્શન
લાઇન ૫ : થાણે-ભિવંડી-કલ્યાણ, ૨૪.૯૫ કિલોમીટર, ૧૭ સ્ટેશનઃ અન્ડર-કન્સ્ટ્રક્શન
લાઇન ૬ : સ્વામી સમર્થનગર-વિક્રોલી, ૧૫.૧૮ કિલોમીટર, ૧૩ સ્ટેશનઃ અન્ડર-કન્સ્ટ્રક્શન
લાઇન ૭ : દહિસર ઈસ્ટ-અંધેરી ઈસ્ટ, ૧૬.૫ કિલોમીટર, ૧૪ સ્ટેશનઃ કાર્યરત છે
લાઇન ૭એ : અંધેરી ઈસ્ટ-ઍરપોર્ટ, ૩.૧૭ કિલોમીટર, બે સ્ટેશનઃ અન્ડર-કન્સ્ટ્રક્શન
લાઇન ૮ : મુંબઈ ઍરપોર્ટ-નવી મુંબઈ ઍરપોર્ટ, ૩૫ કિલોમીટર, ૭ સ્ટેશનઃ પ્રસ્તાવિત
લાઇન ૯ : દહિસર ઈસ્ટ-મીરા-ભાઈંદર, ૧૧.૩૮ કિલોમીટર, ૮ સ્ટેશનઃ અન્ડર-કન્સ્ટ્રક્શન
લાઇન ૧૦ : ગાયમુખ-શિવાજી ચોક, મીરા રોડ, ૯.૨૦ કિલોમીટર, ૪ સ્ટેશનઃ મંજૂરી મળી છે
લાઇન ૧૧ : વડાલા-છત્રપતિ શિવાજી ટર્મિનસ, ૧૨.૭૭ કિલોમીટર, ૧૦ સ્ટેશનઃ પ્રસ્તાવિત
લાઇન ૧૨ : કલ્યાણ-તળોજા, ૨૦.૭ કિમી, ૧૭સ્ટેશનઃ પ્રસ્તાવિત
લાઇન ૧૩ : શિવાજી ચોક, મીરા રોડ-વિરાર, ૨૩ કિલોમીટર, ૨૦ સ્ટેશનઃ પ્રસ્તાવિત
લાઇન ૧૪ : કાંજુરમાર્ગ-બદલાપુર, ૪૫ કિલોમીટર, ૪૦ સ્ટેશનઃ પ્રસ્તાવિત

પ્રવાસીઓની સેફ્ટી વધશે
મુંબઈમાં દરરોજ સરેરાશ ૧૦ લોકો લોકલ ટ્રેનની અડફેટે આવવાથી કે ચાલતી ટ્રેનમાંથી પડી જવાને લીધે જીવ ગુમાવે છે. લોકલ ટ્રેનોમાં ધસારાના સમયે ક્ષમતા કરતાં ચારગણા લોકો પ્રવાસ કરે છે. પ્રવાસીઓની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે નવ ડબ્બામાંથી બાર ડબ્બા અને હવે પંદર ડબ્બાની લોકલ દોડાવે છે. આમ છતાં પ્રવાસીઓની ભીડ ઓછી નથી થતી. આની સામે મેટ્રો રેલમાં રેલવેલાઇન ક્રૉસ કરવાની કે ચાલતી ટ્રેનમાંથી પડી જવાની કોઈ શક્યતા જ નહીં રહે. આ સિવાય બેસ્ટની બસ, ઑટો, ટૅક્સી કે પ્રાઇવેટ વાહનોમાં લગભગ પચાસ ટકા મુંબઈગરાઓ પ્રવાસ કરે છે. આમાં અકસ્માત થવાનું જોખમ રહે છે અને દર વર્ષે હજારો લોકો જીવ ગુમાવે છે કે કાયમી રીતે હૅન્ડિકૅપ્ડ બની જાય છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને તાજેતરમાં ૧૭૫ દેશના ડેટા જારી કર્યા હતા, જેમાં ભારતમાં દોઢ લાખ લોકો રોડ-અક્સ્માતમાં અને ૩૩,૪૪૫ લોકોએ રેલવે-અકસ્માતમાં જીવ ગુમાવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. મુંબઈ સબર્બન નેટવર્કમાં રેલવેના પાટા ક્રૉસ કરતી વખતે કે ચાલતી ટ્રેનમાંથી પડી જવાથી ૪,૦૦૨ લોકોનાં મોત થયાં હતાં.

ચોમાસામાં પણ સડસડાટ
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં દર વર્ષે સરેરાશ ૨,૦૦૦ મિલિમીટર એટલે કે ૮૦ ઇંચ વરસાદ પડે છે. આમાંથી જૂન અને ઑગસ્ટ દરમ્યાન જ ૧,૬૦૦ મિલિમીટર જેટલો વરસાદ પડી જાય છે. આથી વરસાદનું પાણી રેલ અને રોડ પર આવી જવાથી વાહનવ્યવહારને અસર પહોંચે છે. દર વર્ષે મુંબઈગરાઓએ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને એમએમઆરડીએએ એલિવેટેડ અને અન્ડરગ્રાઉન્ડ મેટ્રોનું નેટવર્ક ઊભું કરવાનો નિર્ણય લીધો છે. ચોમાસામાં મુશળધાર વરસાદ પડશે તો પણ મેટ્રો ટ્રેનને કોઈ અવરોધ નહીં આવે. આથી મુંબઈગરાઓ સરળતાથી અવરજવર કરી શકશે. બીજું, મેટ્રો ટ્રેન ચોમાસામાં પણ નિયમિત ચાલશે એટલે ભારે વરસાદમાં ઠપ થઈ જતાં કામકાજને લીધે થતું નુકસાન પણ ઓછું થઈ જશે.

પૉલ્યુશનમાં કન્ટ્રોલ આવશે
છેલ્લા કેટલાક સમયમાં મુંબઈમાં વાયુપ્રદૂષણ દિલ્હી કરતાં પણ ખરાબ થયું હતું. અત્યારે લોકલ ટ્રેન અને બેસ્ટની બસ તેમ જ ઑટો, ટૅક્સી સિવાય લોકો પાસે માત્ર પ્રાઇવેટ વાહનો દ્વારા પ્રવાસ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. લોકલ ટ્રેન અને બેસ્ટની બસની ભીડમાં કેટલાક લોકો પ્રવાસ કરવાનું ટાળે છે એટલે તેઓ ટ્રાફિક-જૅમની મુશ્કેલી વચ્ચે પણ પોતાની કારમાં જ પ્રવાસ કરે છે. મેટ્રો રેલનું નેટવર્ક એવી રીતે બનાવાઈ રહ્યું છે કે એમએમઆરના દરેક વિસ્તારના લોકોને એનો લાભ મળે અને તેમને પ્રાઇવેટ વાહનો છોડીને મેટ્રોમાં મુસાફરી કરવાની ઇચ્છા થાય એવો પ્લાન હોવાનું એમએમઆરડીએના કમિશનર એસવીઆર શ્રીનિવાસે એકથી વધુ વખત કહ્યું છે. તેમનો દાવો છે કે ૩૬ ટકા લોકો પ્રાઇવેટ વાહનોના સ્થાને મેટ્રો અને મોનોરેલ મૉડલમાં ૨૦૩૧ સુધીમાં શિફ્ટ થશે. આથી વાહનો દ્વારા થતા પ્રદૂષણ પર નિયંત્રણ આવશે અને મુંબઈગરાઓનું આરોગ્ય પણ સુધરશે. એટલું જ નહીં, બેસ્ટની લાંબા રૂટની બસો ધીમે-ધીમે માત્ર મેટ્રો સ્ટેશનો પર ફિડર રૂટ તરીકે જ ચાલશે. આનાથી પણ વાયુપ્રદૂષણમાં ચોક્કસપણે ઘટાડો થશે.

રિયલ એસ્ટેટમાં મદદરૂપ થશે
મેટ્રો રેલ નેટવર્કથી રિયલ એસ્ટેટમાં મદદ થવાનો અંદાજ આ ક્ષેત્રના નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે. અત્યાર સુધી મુંબઈની લાઇફલાઇન લોકલ ટ્રેનો છે એટલે રેલવે સ્ટેશનોની આસપાસ જ રિયલ એસ્ટેટમાં ડેવલપમેન્ટ જોવા મળ્યું છે. આગામી સમયમાં મેટ્રો રેલ નેટવર્ક મુંબઈગરાઓની બીજી લાઇફલાઇન બનવા જઈ રહી છે ત્યારે નવાં સ્ટેશનોની આસપાસ રિયલ એસ્ટેટનો વિકાસ થશે, જેનો ફાયદો બધાને થશે. અત્યારે મેટ્રો ૨એ અને મેટ્રો ૭ લાઇનો શરૂ થઈ છે એમાં બોરીવલી, કાંદિવલી અને મલાડ સહિતના લિન્ક રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પાસેની મિલકતોમાં બૂમ આવી શકે છે. આવી જ રીતે ભવિષ્યમાં તમામ મેટ્રો સ્ટેશનોની આસપાસ આવો જ ફરક દેખાવાની શક્યતા છે.

ટ્રાન્સપોર્ટેશનમાં નવો યુગ‍
આગામી પાંચ વર્ષમાં મેટ્રોના માસ્ટર પ્લાન મુજબની તમામ લાઇન શરૂ થઈ જવાની શક્યતા છે. આથી છેલ્લા ત્રણ દાયકાથી લોકલ ટ્રેનની ભીડ અને રસ્તાના ટ્રાફિક-જૅમની સમસ્યામાંથી મુંબઈને છુટકારો મળશે અને ટ્રાન્સપોર્ટેશનના નવા યુગની શરૂઆત થશે. એમએમઆરડીએ દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ મેટ્રોના નેટવર્કની શરૂઆત થયા બાદ લોકલ ટ્રેનો અને બેસ્ટની બસો પરનું ભારણ ઘટવાની સાથે પ્રવાસીઓની સિક્યૉરિટીમાં પણ વધારો થશે. આ પરિવર્તનથી મુંબઈમાં અત્યારે જેની અત્યંત જરૂર છે એ ઈસ્ટ-વેસ્ટ કનેક્ટિવિટી મળશે.
મેટ્રોથી લોકોને ટ્રાન્સપોર્ટની સુવિધા પ્રાપ્ત થવાની સાથે સામાજિક-આર્થિક વિકાસ થશે. અત્યારે અનેક સ્થળો એવાં છે જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટની હોવી જોઈએ એવી સુવિધા નથી. ત્યાંના લોકો મેટ્રો શરૂ થયા બાદ સ્કૂલ, હૉસ્પિટલ કે બિઝનેસ સેન્ટરમાં સરળતાથી જઈ શકશે. આવા લોકોને રોજગાર મળશે તો મુંબઈના આર્થિક વિકાસને વધુ વેગ મળશે. 
મુંબઈમાં મેટ્રો સિસ્ટમ આધુનિક અને સુરક્ષિત રેલ-આધારિત શહેરી પરિવહન પ્રણાલી વિકસાવવા માટે મજબૂત યોગદાન આપશે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન મૉડલ શૅરમાં વધારો થશે અને શહેરની પરિવહન-વ્યવસ્થાની એકંદર ગુણવત્તામાં સુધારો થશે. મુંબઈ મેટ્રો નેટવર્ક ખરા અર્થમાં મહાનગરને વધુ સમાન, સુરક્ષિત અને સ્વચ્છ બનાવશે.

સોને પે સુહાગા
ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ સુધીર બદામી મેટ્રોને વધુ સફળ બનાવવા માટેની વાત કરતા કહે છે કે મેટ્રો રેલ નેટવર્કની સાથે બસ રૅપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (બીઆરટીએસ)ને કનેક્ટ કરવામાં આવશે તો સોને પે સુહાગા થશે. તેઓ કહે છે, ‘મુંબઈની ટ્રાફિક અને લોકલ ટ્રેનની ગિરદીના કાયમી ઉકેલ માટે મેટ્રો રેલ નેટવર્કનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ એક સારો વિચાર છે. જોકે લોકોને આ સુવિધાનો વધુ ને વધુ લાભ મળે એ માટેના પ્રયાસ કરાતા નથી. દાખલા તરીકે મેટ્રો વન ૨૦૧૪માં શરૂ થઈ ત્યારથી છ કોચની ટ્રેન દોડાવવાની ક્ષમતા હોવા છતાં માત્ર ચાર જ કોચ જ દોડાવાય છે. ફ્રીક્વન્સી પણ પીક-અવર્સમાં ચારથી સાડાચાર મિનિટની છે. આવી સ્થિતિ હોય તો મુંબઈમાં મેટ્રોનું ગમે એટલું મોટું નેટવર્ક ઊભું કરાય તો પણ લોકોને એનો ફાયદો નહીં થાય. એજન્સીઓએ આ બાબતે વિચારવું જોઈએ. બીજું, મારું માનવું છે કે દરેક મેટ્રો સ્ટેશનની સાથે બીઆરટીએસ કનેક્ટ કરવી જોઈએ. આમ કરવાથી મેટ્રો રેલના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે તેમ જ કારચાલકો પણ મેટ્રોનો પ્રવાસ કરતા થઈ જશે. આ સૂચન એમએમઆરડીએને આપવામાં આવ્યું છે અને તેઓ ભવિષ્યમાં આના પર વિચાર કરી શકે છે.’
મેટ્રો સ્ટેશનોની આસપાસ વાહનો પાર્ક કરવાની સુવિધા પર ધ્યાન આપવાની જરૂર છે. આ વિશે સુધીર બદામી કહે છે, ‘લોકલ ટ્રેન કે બસમાં પ્રવાસ ન કરતા હોય એવા લોકો પ્રાઇવેટ વાહનોમાં આરામદાયક પણ ટ્રાફિક-જૅમની પીડાદાયક મુસાફરી કરે છે. આવા લોકો મેટ્રોમાં પ્રવાસ કરે એ માટે મૂળભૂત સુવિધા ઊભી કરવાની જરૂર છે. અત્યારનાં મેટ્રો સ્ટેશનોની આસપાસ વાહનો પાર્ક કરવાની સુવિધા નથી. એમએમઆરડીએએ ભવિષ્યમાં વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા કરવાનું કહ્યું છે. જો એમ થશે તો જ પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરતા લોકો મેટ્રો તરફ વળશે અને રસ્તા પરનો ટ્રાફિક ઓછો થશે. પાંચ વર્ષમાં તમામ મેટ્રોનાં કામ જો થઈ જશે તો મુંબઈગરાઓને ટ્રાફિક-જૅમ અને લોકલ ટ્રેનની ગિરદીમાંથી કાયમી છુટકારો મળશે.’

Whatsapp-channel Whatsapp-channel

16 April, 2023 11:19 AM IST | Mumbai | Prakash Bambhroliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK