Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > શું આજનાં બાળકો વધુને વધુ શરમાળ બનતાં જાય છે?

શું આજનાં બાળકો વધુને વધુ શરમાળ બનતાં જાય છે?

19 May, 2023 04:56 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

લોકો સાથે કેમ રહેવું, શું બોલવું, પોતાને વ્યક્ત કઈ રીતે કરવું એ આજનાં બાળકોને નથી આવડતું.

પ્રતીકાત્મક તસવીર

પેરન્ટિંગ ટિપ

પ્રતીકાત્મક તસવીર


આજનાં બાળકો માણસો સાથે ઓછાં અને મશીનો સાથે વધુ રહેતાં થઈ ગયાં છે, જેને કારણે દિવસે ને દિવસે હ્યુમન ઇન્ટરૅક્શન ઘટતું જ જાય છે. લોકો સાથે કેમ રહેવું, શું બોલવું, પોતાને વ્યક્ત કઈ રીતે કરવું એ આજનાં બાળકોને નથી આવડતું. પોતાને વ્યક્ત કરતાં શીખવું એ માણસની પ્રાથમિક જરૂરિયાત છે એ સમજીને બાળકોના આ શરમાળ મિજાજને બદલવો આજના સમયની તાતી માગ ગણી શકાય


૧૩ વર્ષનો રોહન ભણવામાં ખૂબ જ હોશિયાર છે. તેનાં માતા-પિતા બંને ડૉક્ટર છે એટલે વ્યસ્ત હોય એ સમજી શકાય. રોહન પણ એ જ જીન્સ લઈને જન્મ્યો છે એટલે ભણવામાં તે ખૂબ જ હોશિયાર છે. મજાલ છે કે તેના પેપરમાં કોઈ એક ભૂલ કાઢી બતાવે કે એક માર્ક પણ કપાય! ભણવા સિવાય તે રોબોટિક્સમાં ખૂબ રસ ધરાવે છે. પોતે ઘેરબેઠાં પોતાની સમજથી એક કામચાલુ રોબોટ પણ બનાવી ચૂક્યો છે. કોઈ પણ માતા-પિતાને ગર્વ થાય એવા બધા જ ગુણ રોહનમાં છે. માતા-પિતા બંને ગર્વથી કહેતા હોય છે કે રોહન બીજાં બાળકોથી ઘણો અલગ છે. ખરા અર્થમાં એ ઘણો જ અલગ છે. તે બિલ્ડિંગમાં કોઈ સાથે રમવા નથી જતો. ઘરમાં કોઈ આવે તો રૂમમાં ભરાઈ રહે છે. સ્કૂલમાં ૪૦ જણના ક્લાસમાં એક પણ તેનો બેસ્ટ ફ્રેન્ડ કહી શકાય એવું નથી. શરૂઆતમાં રોહન નાનો હતો ત્યારે મમ્મી-પપ્પા તેને બહાર પાર્ટીઝમાં લઈ નહોતાં જતાં અને હવે તે ખુદ જ નથી જતો. લોકોને તે મળે તો તેમની સાથે નજર મેળવતો નથી. કોઈ વાત કરે તો બને એટલા ટૂંકા જવાબ આપીને પતાવે છે. એ હોશિયાર છે એ વાત તેના મેડલ્સ જણાવે છે પરંતુ તેની સાથે વાત કરીને કોઈ કહી શકતું નથી કે એ ખરેખર હોશિયાર છે, કારણ કે તેની વાત બીજા લોકો સુધી પહોંચે એટલી તે વાત કરતો જ નથી. તેનાં માતા-પિતા તે શરમાળ છે એવું કહીને તેને પ્રોટેક્ટ કરવાની કોશિશ કરે છે. ખુદને પણ એમ જ સમજાવે છે કે અમુક બાળકો શરમાળ હોય છે અને આપણો રોહન પણ એમાંનો એક છે. આ સામાન્ય ગણાય 


બાળક સાવ નાનું હોય ત્યારે તે જાણીતા સ્પર્શ પાસે રડે નહીં અને જેવું કોઈ અજાણ્યું તેને હાથમાં લે કે તે તરત રડવા લાગે. થોડું મોટું થાય એ પછી ઘરમાં આમ ધમાલ કરતું હોય પણ જેવું કોઈ બહારનું આવે તો સાવ શાંત થઈને બેસી જાય. બોલાવીએ તો પણ મોઢામાંથી એક શબ્દ ન કાઢે. મમ્મી કે પપ્પાની પાછળ છુપાઈને ફરતું હોય એ વખતે બહારની વ્યક્તિ કહેતી હોય છે કે બાળક તો ઘણું શરમાળ છે. એ ખેપાની બાળકનાં મમ્મી-પપ્પા કહે છે કે તમે ૧૦ મિનિટ જવા દો પછી ખબર પડશે કે એ કેટલું શરમાળ છે. અને એ હકીકત છે ૧૦ મિનિટમાં બાળક અજાણી વ્યક્તિ સાથે ફૅમિલિયર થઈ જાય છે અને એ જેવું છે એવું જ વર્તવા લાગે છે. ઘણાં બાળકોને આ સમય થોડો વધુ લાગે છે. ૧૦ મિનિટમાં તેની શરમ જાય નહીં તો એકાદ-બે મુલાકાત તેને વધુ જોઈએ પણ એ શરમ ઓછી થઈ જાય કે સાવ જતી રહે એની ગૅરન્ટી રહે છે. આ એક સદંતર સામાન્ય હ્યુમન બિહેવિયર છે. 

આજની સમસ્યા 


પણ જ્યારે બાળકો ૧૦ મિનિટમાં કે ૧-૨ મુલાકાતમાં તેમની કહેવાતી શરમ છોડતાં નથી, લોકો સાથે ભળતાં નથી, એ જેવાં છે એવાં બીજા સામે રહેતાં નથી ત્યારે તકલીફ છે. જો જૂની પેઢી સાથે આજનાં બાળકોની સરખામણી કરીએ તો સમજાશે કે પહેલાંનાં બાળકો કરતાં આજનાં બાળકો વધુ શરમાળ છે. એ વાત કરતાં ઘાટકોપરના ચાઇલ્ડ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘પહેલાં કરતાં વસ્તી ભલે વધી હોય, પણ કુટુંબ નાનાં બનતાં જાય છે. પરિવારમાં એક જ બાળક હોય, માતા-પિતા વ્યસ્ત હોય, વડીલો સાથે ન રહેતા હોય એવાં તો કેટલાં ઘર છે. એને કારણે બાળક અતિ ગીચ કહી શકાય એવા મુંબઈમાં જરૂર રહે છે, પરંતુ લોકો સાથે નથી રહેતું. આજનાં બાળકો વધુને વધુ એકલાં છે. મિત્રો કરતાં ગૅજેટ્સ સાથે જ તેઓ વધુ રમે છે. આ પરિસ્થિતિમાં લોકો સાથે કેમ રહેવું એ તેમને આવડતું નથી. લોકો સામે જોઈને તે મૂંઝાઈ જાય છે. શરમાય છે. કમ્યુનિકેટ કરી શકતું નથી. આમ આ પેઢી આપણા કરતાં ભલે ઘણી હોશિયાર છે પણ એમાં એક ખોટ છે કે એ શરમાળ છે. લોકો સાથે હળવા-ભળવામાં તેને વધુ તકલીફ થાય છે.’ 

બદલાવ જરૂરી 

દરેક બાળક તો સરખું ન હોઈ શકે. અમુક બાળકો તો જન્મથી જ રિઝર્વ્ડ પ્રકૃતિનાં હોય છે. જેમ કે તેઓ ખૂબ ઓછાબોલાં હોય, લોકોની વચ્ચે કે ભીડમાં તેમને ન ગમે, પાર્ટીઓથી દૂર ભાગતાં હોય તો એ પણ શું નૉર્મલ ન ગણાય? એ બાળકો જેવાં છે એ પર્સનાલિટીને બદલવાની જરૂર શું છે? આ પ્રશ્નનો જવાબ આપતાં આશ્રય ક્લિનિક, બાંદરાનાં ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ સંજના ખથુરિયા કહે છે, ‘બાળક શરમાળ હોય એનું કારણ વારસાગત પણ હોઈ શકે છે. એટલે કે જેનાં માતા-પિતા ઓછાબોલાં હોય, પબ્લિકમાં વાત ન કરી શકતાં હોય, લોકોની વચ્ચે રહેવું તેમને ન ગમતું હોય તો બાળક પણ એવું જ હોય છે. તો શું બાળકને એવું જ રહેવા દેવું જોઈએ? ના. કમ્યુનિકેશન દરેક માણસની જરૂરિયાત છે. કોઈ પણ વ્યક્તિ એ જરૂરિયાતથી પરે નથી. જો બાળક કમ્યુનિકેશનમાં ઢીલું હોય, શરમના માર્યા એમાં તે પાછળ પડતું હોય તો ભલે તેની પ્રકૃતિ એવી હોય પણ અમુક પ્રકારના ફેરફાર અનિવાર્ય છે. મોટા ભાગે ભણેશ્રી બાળકો આ પ્રકારનાં હોય છે પણ એ ભણી લે કે માર્ક્સ લઈ આવે એટલું પૂરતું નથી હોતું. તમે જે અનુભવો છો એ વ્યક્ત ન કરી શકો, તમે જે જાણો છો એ બીજા સુધી પહોંચાડી ન શકો તો ભલે તમે ગમે તેટલા હોશિયાર હો, એનો ફાયદો નથી.’ 

એકતરફી કમ્યુનિકેશન 

આજનાં બાળકો તેમના ઘરે એકલાં છે, સૌથી વધુ હ્યુમન ઇન્ટરૅક્શન જો તેમને મળે છે તો એ સ્કૂલમાં મળે છે. તો શું એ પૂરતું છે? આ બાબતે વાત કરતાં અર્લી ચાઇલ્ડહુડ અસોસિએશન અને પોદાર એજ્યુકેશન નેટવર્કનાં પ્રેસિડન્ટ સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘સૌથી પહેલાં તો સમજીએ કે આપણે બાળકને કમ્યુનિકેટ કરતાં કેમ નથી શીખવી શકતાં? જ્યારે નાનું હોય અને રડે ત્યારે તે આપણી સાથે ક્મ્યુનિકેટ કરવા માગે છે પણ આપણે તેની સાથે કમ્યુનિકેટ કરતાં નથી. આપણે તેને હાથમાં ફોન પકડાવી દઈએ છીએ કે તું ચૂપ થઈ જા. તે સ્કૂલમાં જાય ત્યારે સ્કૂલમાં ડિસિપ્લિનના નામે બાળકોને બોલવા દેવામાં આવતાં નથી. ક્લાસમાં ૮૦ ટકા સમય ટીચર્સ બોલે છે. તેને ઘરે લાવો પછી તે ગૅજેટમાં પડ્યું હોય તો એ પણ વન-વે કમ્યુનિકેશન થયું. એ પછી તમે ફરી તેને આ કે તે ક્લાસમાં મોકલો. ત્યાં પણ એ જ પરિસ્થિતિ. આમ વન-વે કમ્યુનિકેશનના ચક્કરમાં બાળકો પોતે કઈ રીતે કમ્યુનિકેટ કરવું એ શીખતાં જ નથી.’ 

તો કરવું શું? 

બાળક તેની શરમ છોડે, લોકો સાથે ભળતું થાય એ માટે શું કરવું જોઈએ? આ બાબતે સલાહ આપતાં સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘માણસને માણસની વચ્ચે રાખો તો એ માણસાઈ શીખશે એમ કહેવાય છે. જો તમારે તમારા બાળકનું કમ્યુનિકેશન સ્ટ્રૉન્ગ કરવું હોય તો શરૂઆત તેની ઉંમરના લોકો સાથે કરો. બાળકોને દરરોજ બે કલાક રમવા જવા દો. ત્યાં જે બાળકો વાત કરે, લડે, ઝઘડે, રમે એ બધામાં જ હ્યુમન ઇન્ટરૅક્શન ભરપૂર છે. એ તેની ફિઝિકલ જ નહીં, મેન્ટલ કે ઇમોશનલ જરૂરિયાતો પણ પૂરી કરે છે. આ સિવાય માતા-પિતા બાળકોને જેમ જમાડવું, સુવડાવવું, લેવા-મૂકવા જવું જેવી વસ્તુઓને પ્રાથમિકતા આપે છે એમ બાળકો જોડે વાતો કરવાને પણ પ્રાથમિકતા આપવી. તેને પર્સનાલિટી ક્લાસ કે ડ્રામા ક્લાસમાં મૂકીને તેની શરમ દૂર કરવાના પ્રયત્નો ન કરો. આ રીતે તમે તમારા શરમાળ બાળકને અજાણ્યા લોકો વચ્ચે ખૂલવા માટે કહો છો, જે યોગ્ય નથી. પહેલાં તેને જાણીતા લોકો વચ્ચે ખૂલવા પ્રેરો. ધીમે-ધીમે તે અજાણ્યા વચ્ચે પણ ખૂલશે.’ 

બાળકનું કમ્યુનિકેશન સ્ટ્રૉન્ગ કરવાની શરૂઆત તેની ઉંમરનાં બાળકો સાથે કરો. તેને દરરોજ બે કલાક રમવા જવા દો. ત્યાં જે બાળકો વાત કરે, લડે, ઝઘડે, રમે એ બધામાં જ હ્યુમન ઇન્ટરૅક્શન છે. - સ્વાતિ પોપટ-વત્સ

 શરમ પાછળ શું કારણ?

બાળક શરમાળ હોય અને એ કમ્યુનિકેટ ન કરી શકતું હોય તો એમાં બદલાવ શક્ય છે પરંતુ અમુક પરિસ્થિતિમાં આ શરમ કોઈ રોગની નિશાની પણ હોઈ શકે છે. એ વિશે વાત કરતાં ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘બાળકોમાં પણ ઍન્ગ્ઝાયટીની તકલીફ હોય છે. બાળક કોઈ વાતે ખૂબ ડરતું હોય તો એનું એક લક્ષણ શરમ હોય છે. બીજું એ કે બાળકમાં કોઈ પ્રકારની અસુરક્ષા હોય તો પણ આ પ્રકારનાં લક્ષણો દેખાય. આ સિવાય જો બાળકને ઑટિઝમ હોય તો પણ તે બીજા સાથે કમ્યુનિકેટ કરવાનું ટાળે છે. આ પરિસ્થિતિમાં બાળકની શરમ પાછળ શું કારણ છે એ જાણવું જરૂરી છે.’

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2023 04:56 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK