Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સંપત્તિની સાથે આગામી પેઢીને સારી સૃષ્ટિ આપવા વિશે વિચારવું જોઈશે

સંપત્તિની સાથે આગામી પેઢીને સારી સૃષ્ટિ આપવા વિશે વિચારવું જોઈશે

23 April, 2024 07:54 AM IST | Mumbai
Tiku Talsania

મારા શબ્દો યાદ રાખજો, જો હજી પણ આપણે નહીં સમજીએ તો ભવિષ્યમાં પાણી બહુ મોટો પ્રશ્ન બનશે.

ટિકુ તલસાણિયા

મારી વાત

ટિકુ તલસાણિયા


અત્યારે આપણે ગરમીના નામે દેકારાઓ કરીએ છીએ અને પૉલ્યુશનનો વાંક કાઢીએ છીએ પણ કેટલા એવા છે જેણે વધતા આ પૉલ્યુશનમાં ઘટાડો કરવાની શરૂઆત પોતાનાથી કરી હોય? કિરાણું લેવા જવું હોય તો આ કાઢી ગાડી. શાક લેવા જવું છે તો આ કાઢ્યું સ્કૂટર. ભલા માણસ, તારે એકલાને જ બહાર જવું છે તો આટલું સરસ પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એનો ઉપયોગ કરને. 
આપણે છેને ‘હું’ને બહુ મોટો કરી નાખ્યો છે. ઈગોના પૉઇન્ટ ઑફ વ્યુથી હું આ નથી કહેતો, હું સિવિક સેન્સની દૃષ્ટિએ કહું છું. હું એક આવું કરું તો શું ફરક પડી જવાનો છે? હું પ્લાસ્ટિકની પ્લેટ રસ્તા પર ફેંકીશ તો આખી પૃથ્વી થોડી બગડી જવાની છે? મારા એકના બહાર થૂંકવાથી થોડી ગંદકી ફેલાઈ જાય છે?

આ અને આવા વિચારો સાથે એવા ભણેલા લોકો આવું કરતા હોય છે કે આપણે ધારી પણ ન શકીએ. પચીસ ને ત્રીસ લાખ રૂપિયાની કારનો દરવાજો ચાલુ ગાડીએ ખોલીને રસ્તા પર પિચકારી મારવાને આપણે ત્યાં કદાચ મર્દાનગી ગણવામાં આવે છે. ઘણા લોકો આ જોઈને અરેરાટી કરે તો મારા જેવા કેટલાક એને ટોકે પણ ખરા. હું આવું કંઈ જોઉં તો અંદરથી ઊકળી પડું અને કોઈ જાતનો વિચાર કર્યા વિના ત્યાં જ એને કહી દઉં કે ભાઈ, તું તારા ઘરમાં પણ આમ જ થૂંકે છે કે પછી સિન્ક સુધી જાય છે? સન્ડેની જ તમને વાત કહું. બાઇક ચલાવતો એક છોકરો કોણી પર હેલ્મેટ રાખીને જતો હતો. મેં કાર તેની નજીક લીધી અને તેને કહી દીધું કે હેલ્મેટ માથું બચાવવા છે, કોણી બચાવવા નહીં. તેણે મારી સામે તો વાત માની લીધી અને માથા પર હેલ્મેટ પહેરી આગળ નીકળી ગયો. એકાદ કિલોમીટર ગાડી આગળ ગઈ અને મેં જોયું કે તેણે ફરી હેલ્મેટ કોણીને પહેરાવી દીધી હતી! શું કહેવાનું આવા લોકોને?



હું ટોકું તો ઘણા મને કહી પણ દે કે આપકો ક્યા લેના-દેના, આપ અપના કામ કરો પણ હું એની દરકાર નથી કરતો. મારું કામ છે કહેવાનું, ચેતવવાનું અને તેને સિવિક સેન્સનું ભાન કરાવવાનું. મેં કરી લીધું અને મને એનો સંતોષ પણ હોય છે. તમારે તમારું કામ કરવાનું. રિઝલ્ટ શું આવે છે એ આપણે જોવા કે વિચારવાનું નહીં. પાણીનો વેડફાટ કેટલો થાય છે, જુઓ તમે. મારા શબ્દો યાદ રાખજો, જો હજી પણ આપણે નહીં સમજીએ તો ભવિષ્યમાં પાણી બહુ મોટો પ્રશ્ન બનશે.


હું એવું નહીં કહું કે આપણે જાગવું પડશે. આપણે જાગેલા જ છીએ, આપણે હવે સજાગ થવું પડશે. જે કોઈ સ્ટેપ લઈએ એની માટે બે વાર વિચારવું પડશે. આપણા છોકરાઓને આપણે ઘણુંબધું આપવા માગીએ છીએ એટલે પ્લાનિંગ પણ કરીએ છીએ, એ પ્લાનિંગમાં આપણે એ પણ વિચારવું જોઈશે કે સંપત્તિની સાથે આપણે એ લોકોને સારી સૃષ્ટિ કેવી રીતે આપી શકીએ.


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2024 07:54 AM IST | Mumbai | Tiku Talsania

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK