તમે જેટલા મોટા બનો એટલી તમારાં કૉમ્પ્લિમેન્ટ્સની વૅલ્યુ વધી જાય છે
ફાઇલ તસવીર
‘અરે, આપ તો બહોત અચ્છી લગ રહી હો...’
પાંચેક વર્ષ થયાં હશે આ કૉમ્પ્લિમેન્ટ્સને, પણ એ આજેય મારા મનમાંથી જતાં નથી. વાત છે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મના સેટની અને આ કૉમ્પ્લિમેન્ટ્સ આપ્યાં હતાં ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ. ફિલ્મમાં હું ગંગુબાઈની મા બની છું. સાતેક દિવસનું મારું શૂટ હતું. પહેલા દિવસે હું સેટ પર પહોંચી ત્યારે મને જોઈને સંજય ભણસાલીના અસિસ્ટન્ટે જરા મોટા અવાજે કહ્યું કે આવી ગંગુબાઈની મા અને એ સાંભળીને દૂર ઊભેલા સંજય ભણસાલીનું ધ્યાન ગયું અને તેમણે ત્યાંથી મને રાડ પાડીને આ કૉમ્પ્લિમેન્ટ્સ આપ્યાં. વિશ્વ આખાની સુંદરીઓ જેની નજરમાંથી પસાર થઈ હોય, જેની સાથે કામ કરવા માટે તલપાપડ હોય તે વ્યક્તિ તમારા માટે આવાં કૉમ્પ્લિમેન્ટ્સ કરે એ મારે મન જરા પણ નાની વાત નથી. બસ, એ દિવસ અને આજનો દિવસ. હવે મને કોઈનાં કૉમ્પ્લિમેન્ટ્સની જરૂર રહી નથી. કોઈ મારાં વખાણ કરે એવી હું અપેક્ષા રાખતી પણ બંધ થઈ ગઈ છું. વન્સ ઇન લાઇફટાઇમ, કહેવાય એવાં કૉમ્પ્લિમેન્ટ્સ મળી ગયાં એટલે મારા મને વાત પૂરી થઈ ગઈ.
ADVERTISEMENT
એવું નથી કે આ કૉમ્પ્લિમેન્ટ્સ મને મળ્યાં એટલે હું બહુ ખુશ થઈ છું, પણ મને આ કૉમ્પ્લિમેન્ટ્સ સાથે સમજાયું કે તમે જેટલા મોટા બનો એટલી તમારાં કૉમ્પ્લિમેન્ટ્સની વૅલ્યુ વધી જાય છે. સંજય લીલા ભણસાલીનાં વખાણ હું કરું એવી મારી કોઈ સ્ટ્રેન્થ જ નથી. તે કેવા ટૅલન્ટેડ છે એની બધાને ખબર છે. એ લેવલની વ્યક્તિ પણ જો મારા જેવી નાની આર્ટિસ્ટ માટે આ શબ્દો બોલી શકતી હોય તો તમે વિચાર કરો કે તે કેવા ડાઉન-ટુ-અર્થ હશે અને સાથોસાથ તેમને કેટલું સરસ કૉન્ફિડન્સ આપતાં પણ આવડતું હશે.
આપણે ત્યાં મોટા ભાગના લોકોમાં આ આવડત નથી એવું મેં નોટિસ કર્યું છે. અઢળક ફિલ્મો કરી, ગુજરાતી-હિન્દી ટીવી-સિરિયલો કરું છું, પુષ્કળ નાટકો કર્યાં છે અને એ પછી હું તમને આ વાત કહું છું. વખાણ કરવામાં જાણે કે લોકોને ભાર પડે છે. વખાણ કરવાં તેમને ગમતાં નહીં હોય કે પછી વખાણ કરવામાં તેમને કોઈ ટૅક્સ લાગતો હશે એ જ મને સમજાતું નથી. આપણી ઇન્ડસ્ટ્રીના ધુરંધર કહેવાય એવા કલાકારો સાથે મેં કામ કર્યું છે અને એ બધામાં મેં એનાથી સાવ ઊલટી વાત નોટિસ કરી છે. તેઓ વખાણ કરવામાં સહેજ પણ કંજૂસાઈ નથી કરતા. જરાસરખું સારું કામ કર્યું હોય તો પણ તે મનથી તમારાં વખાણ કરે અને તમને પોતાને તમારી ઇમ્પોર્ટન્સ લાગવા માંડે. મને લાગે છે કે આ જ કારણ છે કે કદાચ એ લોકો એવી ટોચ પર પહોંચ્યા છે જ્યાં પહોંચવાનું બાકીના બધા સપનું જોતા હોય છે. હું તમને બધાને પણ કહીશ કે જ્યારે પણ વખાણ કરવાની તક મળે ત્યારે વિના સંકોચે વખાણ કરો. જો બે સારા શબ્દો તમારા માટે ટૉનિકનું કામ કરતા હોય તો તમારી ફરજ છે કે એ જ ટૉનિક તમે બીજાને પણ આપતા રહો.
- છાયા વોરા (છાયા વોરા ગુજરાતી નાટકોથી લઈને ગુજરાતી ટીવી-સિરિયલો અને ફિલ્મો ઉપરાંત હિન્દી ટીવી સિરિયલો-ફિલ્મોનાં સિનિયર ઍક્ટ્રેસ છે.)

