જાણીએ આજે દેશવિદેશમાં જાણીતાં થયેલાં લોકકલાકાર ગીતાબહેન વિશે કેટલુંક જાણવા જેવું
જાણીતાનું જાણવા જેવું
ગીતા રબારી
આમ તો કચ્છના કણ-કણમાં સંગીત છે એટલે કચ્છી દીકરી પાસે તેની ધરતીના સંગીતનો વારસો હોય જ; પણ આ વારસાને વૈભવમાં બદલવા માટે ગીતા રબારીએ નાનપણથી જ કીર્તિદાન ગઢવી, દિવાળીબહેન ભીલ અને ઓસમાણ મીર જેવાં ગાયકોને ખૂબ સાંભળ્યાં અને સાંભળીને સંગીત શીખ્યું. કદાચ તેમના અવાજમાં રહેલી સહજતા એને જ આભારી છે. જાણીએ આજે દેશવિદેશમાં જાણીતાં થયેલાં લોકકલાકાર ગીતાબહેન વિશે કેટલુંક જાણવા જેવું...
‘હું માલધારીની દીકરી છું. પ્રાણીઓ સાથે અમને જુદું જ કનેક્શન લાગે. અમારે એમની જોડે સંબંધ બાંધવા ન પડે, અમારે તો એમની સાથે સંબંધ હોય જ. ગાયો તો અમારા ઘરે હોય જ. એના વાછરડા સાથે હું ખૂબ રમી છું એટલું જ નહીં, મને જંગલી પ્રાણીઓ પણ ખૂબ ગમે. સાઉથ આફ્રિકા પ્રોગ્રામ કરવા ગયેલા તો ત્યાંનાં જંગલો ખૂબ ફર્યાં. મજા પડી ગઈ. ઑસ્ટ્રેલિયા ગયાં તો ત્યાંના કાંગારૂઓ જોડે દોસ્તી થઈ ગઈ. હાલમાં અમદાવાદમાં રહીએ છીએ. ત્યાં પ્રાણીઓ નથી પણ શેરીકૂતરાઓ સાથે દોસ્તી કરી લીધી છે મેં.’
ADVERTISEMENT
પોતાના પ્રાણીપ્રેમને દર્શાવતા આ શબ્દો છે ‘કચ્છી કોયલ’ તરીકે પ્રખ્યાત લોકગાયિકા ગીતા રબારીના જેઓ ફક્ત ભારતમાં જ નહીં, દેશવિદેશમાં ખ્યાતિ મેળવી ચૂક્યાં છે. ભારતનાં
જુદાં-જુદાં રાજ્યોમાં જ નહીં; લંડન, અમેરિકા, કૅનેડા, આફ્રિકા, દુબઈ, કુવૈત, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ જેવી જુદી-જુદી જગ્યાઓએ તેઓ પર્ફોર્મ કરી ચૂક્યાં છે. ગુજરાતી લોકસંગીતને દુનિયાના દરેક ખૂણે પહોંચાડવાની અભિલાષા ધરાવતાં ગીતાબહેન હાલમાં ૨૮ વર્ષનાં છે અને એક પ્રોફેશનલ સિંગર તરીકે શરૂ થયેલી તેમની કારકિર્દીને લગભગ ૨૦ વર્ષ થઈ ચૂક્યાં છે. રોણા શેરમા અને એકલો રબારી આ બન્ને તેમનાં બહુ લોકપ્રિય ગીતો છે. તેમનાં ગરબાનાં આલબમ પણ ખાસ્સાં લોકપ્રિય છે.
નાનપણ
ગીતા રબારી પોતાનાં માતા-પિતાનું એકનું એક સંતાન છે અને અત્યંત લાડમાં ઊછરેલાં છે. જોકે માતા-પિતા બન્ને કામમાં વ્યસ્ત હોવાને લીધે તેમનું બાળપણ તેમના મામાના ઘરે ભુજના નાડાપા ગામમાં વીત્યું હતું. પાંચમા ધોરણ સુધી તેઓ ત્યાં જ ભણ્યાં અને પછી પોતાનાં
માતા-પિતા પાસે અંજારના ટપ્પર ગામમાં આવીને વસ્યાં. એ વિશે વાત કરતાં ગીતાબહેન કહે છે, ‘નાનપણમાં મને સ્કૂલમાં એક વિષય જે ગમતો એ છે સંગીત. સ્કૂલમાં અમારા સંગીતશિક્ષક પાસેથી પ્રાર્થનાઓ શીખતી અને સ્કૂલના લગભગ દરેક ફંક્શનમાં મને ગવડાવતા. બાકી મારા પપ્પા સંગીત સાંભળવાના ખૂબ શોખીન એટલે આખો દિવસ તેમની કૅસેટો વાગતી રહે. હું એ સાંભળું અને ખુદ એની સાથે ગાતી રહું.’
સાંભળીને શીખ્યું
ગીતાબહેને કોઈ પાસેથી મ્યુઝિકની ટ્રેઇનિંગ લીધી નથી. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું તો કચ્છમાં ઊછરેલી અને અમારી તો માટીમાં જ સંગીત છે. કચ્છના કણ-કણમાં સંગીત સમાયેલું છે. અમારું સંગીત. બાકી સંગીતમાં જેમ ગાવાનો રિયાઝ હોય એમ સાંભળવાનો રિયાઝ મહત્ત્વનો છે. જેટલું તમે વધુ સાંભળશો એટલું સંગીત તમારું પાક્કું થશે અને હું તો આ જ રીતે શીખી છું. સાંભળતી ગઈ અને ગાતી ગઈ. બાકી ગુજરાતી લોકસંગીત મેં કીર્તિદાનભાઈને સાંભળીને શીખ્યું છે. આ સિવાય ઓસમાણ મીર, દિવાળીબહેન ભીલ જેવાં કલાકારોને મેં ખૂબ સાંભળ્યાં છે.’
શરૂઆત
આ છોકરી સારું ગાય છે એમ ગામમાં વાત ફેલાઈ એટલે ડાયરાનો કોઈ પ્રોગ્રામ હોય ત્યાં ગીતાબહેનને બોલાવવાનું શરૂ થયું. ત્યારે તેઓ માંડ આઠમા-નવમા ધોરણમાં ભણતાં હશે.
ધીમે-ધીમે કોઈ લીડ સિંગર સાથે પ્રોગ્રામો શરૂ થયા પરંતુ જીવનમાં ગાયક બની શકશે એવું તેમણે કંઈ ધાર્યું નહોતું. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘જેમ-જેમ જીવન આગળ ચાલ્યું એમ-એમ ગાતાં ગયાં. ૧૨-૧૫ વર્ષની ઉંમરે જે કાર્યક્રમો કરતી એ વખતે એવું મેં ધાર્યું નહોતું કે આ કામ હું હંમેશાં માટે કરીશ, પરંતુ ૧૫-૧૬ વર્ષની ઉંમરે પહેલો એક પ્રોગ્રામ થયો જેની ટિકિટ મારા નામે વેચાઈ. મુખ્ય કલાકાર એમાં હું જ હતી. એ કોઈ પણ ગાયક માટે ખૂબ મોટી વાત છે. એ દિવસે લાગ્યું કે હું એક કલાકાર છું એવું લોકોએ સ્વીકાર્યું છે. લોકોને મારી કળા ગમે છે.’
પતિ અને સાસરાવાળાનો સાથ
છોકરીઓ પોતે પોતાના માટે સપનાં જોઈ શકે છે એવું આપણે ત્યાં છોકરીઓ ઝટ દઈને માની નથી લેતી, કારણ કે તેમના આ હક વિશે તેમને ખબર જ નથી. એવી જ રીતે ગીતાબહેન પ્રોગ્રામ તો કરતાં હતાં પરંતુ ગાયક કલાકાર તરીકેની કારકિર્દી બનાવવી છે કે નહીં એવું તેમણે નક્કી નહોતું કર્યું, કારણ કે લગ્ન થવાનાં બાકી હતાં. લગ્ન પછી કેવું ઘર અને કેવો વર મળે છે એના પર આગળ જોઈશું કે શું કરવું એમ વિચારીને ૧૮ વર્ષની વયે ગીતાબહેને પૃથ્વીભાઈ સાથે અરેન્જ્ડ મૅરેજ કર્યાં. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘લગ્ન પહેલાં મને નહોતી ખબર કે પૃથ્વીને કે મારા સાસરાવાળાને મારા સ્ટેજ પર ગાવાથી કોઈ પ્રૉબ્લેમ છે કે નહીં. વળી એ સમયે હું એટલી જાણીતી પણ નહોતી. મારા એવા કોઈ પ્રોગ્રામ પણ નહોતા અને કરીઅર બનાવવાનાં સપનાં પણ નહોતાં, પરંતુ લગ્ન પછી ધીમે-ધીમે મને સમજાયું કે મારા કરતાં મારા પતિ અને સાસરાવાળાઓને એમ વધુ હતું કે હું એક ગાયક બનું. પૃથ્વી તો પતિ કરતાં વધુ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. જે ગીતા રબારીને દુનિયા ઓળખે છે એ લગ્ન પછી જ શક્ય બન્યું. આજે હું જે કંઈ છું એનું કારણ પૃથ્વી અને તેના ઘરના બધા લોકો છે. તેમણે મને છુટ્ટો દોર આપ્યો કે તું તારી ગાયકી પર ધ્યાન આપ, પ્રોગ્રામ કર, દુનિયા ફર, ઘરની ચિંતા ન કર. અત્યારે પૃથ્વીના જ હાથમાં મારી કરીઅરની ડોરી છે જેને લીધે હું વિશ્વફલક સુધી પહોંચી શકી છું.’
શાસ્ત્રીય સંગીત ન શીખવાનો અફસોસ
જીવનમાં તમને કઈ બાબતનો અફસોસ રહી ગયો છે એ પ્રશ્નનો જવાબ આપતાં ગીતાબહેન કહે છે, ‘કોઈ એક મોટો અફસોસ હોય તો એ આ છે કે હું શાસ્ત્રીય સંગીત ન શીખી શકી. નાનપણમાં એવો મોકો ન મળ્યો અને અત્યારે હવે સમય નથી મળતો. જેટલાં પણ બાળકોને સંગીતમાં રસ છે તેમના માટે હું ખાસ કહીશ કે તેમને શાસ્ત્રીય સંગીત શીખવો જ. એ ખૂબ જરૂરી છે. એ આપણો પાયો છે. બીજું એ કે બાળકોને આપણી ધરોહર સાથે જોડો. લોકસંગીત કે ભક્તિસંગીત ફક્ત વૃદ્ધો માટે નથી. યુવાનો અને બાળકોએ પણ એ ગાવું અને સાંભળવું જોઈએ. એ સંસ્કારનો એક ભાગ છે.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેનું કનેક્શન
ગીતાબહેન નાનાં હતાં ત્યારે રણોત્સવ નિમિત્તે તે પહેલી વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. એ પછી તેઓ ૨૦૧૯માં તેમને મળવા માટે દિલ્હી ગયાં હતાં. નરેન્દ્રભાઈએ ગીતાબહેનની ગાયકીને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. એ વિશે વાત કરતાં ગીતાબહેન કહે છે, ‘મોદીસાહેબને એવું છે કે દેશની દરેક દીકરી આગળ વધે. તેમણે મને એક દીકરી સમજીને ઘણા આશીર્વાદ આપ્યા છે. જ્યારે રામ મંદિર બનવાનું હતું ત્યારે મેં મારું પહેલું હિન્દી ગીત ગાયું. શ્રી રામનાં ચરણોમાં સમર્પિત આ ભજન ‘રામ ઘર આએંગે’ તેમને ખૂબ ગમ્યું એટલે તેમણે ખુદ મારું ભજન ટ્વીટ પણ કર્યું હતું, જેના થકી એ કરોડો લોકો સુધી પહોંચ્યું હતું. દેશના નેતા જ્યારે દેશની દીકરીઓને આટલું પ્રોત્સાહન આપતા હોય તો નક્કી વાત છે કે દેશની દીકરીઓ ઘણી આગળ વધશે.’
શોખ - ગાવા સિવાય ગીતાબહેનને નાચવાનો ખૂબ શોખ છે પરંતુ ઘર સિવાય તેઓ ક્યાંય ડાન્સ કરતાં નથી. નવરાત્રિ સમયે થોડા ગરબા રમીને શોખ પૂરો થયાનો સંતોષ મેળવી લે છે.
હિન્દી - ગીતાબહેને હિન્દી ગીતો ગાવાનું છેલ્લાં કેટલાંક વર્ષોથી શરૂ કર્યું છે. ખાસ તો ગુજરાત બહારનાં રાજ્યોમાં તેઓ જે શોઝ કરે છે એમાં તેઓ હિન્દી ભજનો કે ભક્તિસંગીત ગાય છે.
બાળકો - તમને બાળકો છે? એ વાતનો હસતાં-હસતાં જવાબ આપતાં તેઓ કહે છે કે હું અને પૃથ્વી અત્યારે બાળકો જેવાં જ છીએ એટલે અમારાં બાળકો વિશે હજી વિચાર્યું નથી.
સપનું - ગીતાબહેનની ખૂબ ઇચ્છા છે પ્લેબૅક સિન્ગિંગ કરવાની. ફિલ્મોમાં ગાવાનો ચાન્સ મળે એ તેમનું સપનું છે.
ફૅશન - ગીતા રબારી પોતાના ઑથેન્ટિક ડ્રેસિંગ માટે ખાસ્સાં પ્રખ્યાત છે. માથે છેક ઉપર સુધી ઓઢેલી ઓઢણી અને એકદમ દેશી ભરતનાં
ચણિયા-ચોળીવાળો તેમનો લુક ખાસ્સો પ્રખ્યાત થયો છે પણ એકાદ વાર જ્યારે ટ્રાવેલ કરતાં હતાં ત્યારે તેમના ઍરપોર્ટ લુકના ફોટો પણ ખાસ્સા વાઇરલ થયા હતા.
અવિસ્મરણીય ક્ષણ - નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે ડોનલ્ડ ટ્રમ્પ આવેલા ત્યારે તેમના સ્વાગતમાં થયેલા પ્રોગ્રામ ‘નમસ્તે ટ્રમ્પ’માં તેમણે પર્ફોર્મ કર્યું હતું એ ક્ષણને તેઓ તેમના જીવનની અત્યંત યાદગાર ક્ષણ માને છે.