Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હાઉ’ઝ ધ જોશ?

હાઉ’ઝ ધ જોશ?

04 December, 2022 11:03 PM IST | Mumbai
Alpa Nirmal

તમે નડાબેટ ગયા હો અને તમને ત્યાં કોઈ આ પ્રશ્ન પૂછે તો તમારો જવાબ એવો ગગનભેદી આવે કે છેક પાકિસ્તાનમાં સંભળાય, ‘હાઈ સર’

હાઉ’ઝ ધ જોશ?

ગુજરાત નહીં દેખા...

હાઉ’ઝ ધ જોશ?


એન્ટ્રી ટિકિટ માટે દરેક વ્યક્તિએ આધાર કાર્ડ બતાવવું કમ્પલ્સરી છે. સોમવારે આ સ્થળ બંધ રહે છે. બાકીના દિવસોમાં સવારે ૯થી ૭ના સમયમાં અહીં ફરી શકાય છે. બૉર્ડરનો ટાઇમિંગ સવારે ૯થી ૪ છે અને રજા સિવાય દરરોજ સૂર્યાસ્ત ટાણે ટી ઝોન પાસે રિટ્રીટ સેરેમની થાય છે.

સમ યુઝ ફુલ પૉઇન્ટ્સ 
 રોડ રિપેરિંગ હોય કે  કોઈ કારણોસર ક્યારેક અહીં બસ-સર્વિસ બંધ રહે છે અને એ સર્વિસ બંધ હોય છે ત્યારે જ પ્રાઇવેટ વાહનોને અંદર બૉર્ડર સુધી લઈ જવાની અનુમતિ મળે છે, જેની માહિતી 1800 274 2700 અથવા 76240 01526 પર કૉલ કરી મેળવી શકાય.
 ટી ઝોનમાં સાચુકલું મિગ-27 લડાકુ વિમાન છે, સાથે જ ટૅન્ક, સરફેસ ટુ સરફેસ મિસાઇલ પણ છે. આ દરેક શસ્ત્રો પાસે એની સવિસ્તર માહિતી આપતાં બોર્ડ્સ છે. ડોન્ટ મિસ ટુ રીડ. 
 એ જ રીતે સરહદગાથા મ્યુઝિયમ વિઝિટ કરવું જ. અને એના માટે વ્યવસ્થિત ટાઇમ ફાળવવો.
 રહેવા માટે સૌથી નજીક રાધનપુર, પાલનપુર શહેરો છે, જ્યાં મીડિયમ હોટેલ્સ, ગેસ્ટહાઉસ, ધર્મશાળાના વિકલ્પો ઉપલબ્ધ છે. લંચ, નાસ્તો વગેરે ટી ઝોનના ફૂડ પ્લાઝામાં મળી રહે છે અને નડેશ્વરીમાતાના મંદિરમાં બપોરે અને સાંજે ફ્રી જમવાનું મળે છે.
 માતાજીના મંદિરિયે મસ્તક નમાવીને નડાબેટ કૉમ્પ્લેક્સમાં જવું સુગમ બની રહેશે. પરત ફરતાં સાંજે મંદિર જઈશું એમ વિચાર કર્યો હશે તો થાકી જતાં સુરક્ષાદેવીનાં દર્શન કરવાનું સ્કિપ થઈ જશે.



માઇન્ડ ઇટ
 આ સરહદી વિસ્તાર છે. અહીં પ્રતિબંધિત ક્ષેત્રમાં જવાનું, ફરવાનું તો નથી જ. એ જ રીતે જ્યાં ફોટોગ્રાફીની મના છે ત્યાં ફોટા પણ પાડવા નહીં.
 અનુમતિ લીધા વગર કોઈ બીએસએફના જવાનોનાં પિક્ચર્સ પણ લેવા નહી.
 અહીંની મુલાકાત પછી સ્વદેશભક્તિ હાઈ જોશમાં હશે એટલે જ્યાં ત્યાં થૂંકશો કે ગંદકી તો નહીં જ કરો. એ જ રીતે મિગ વિમાન પર, ટૅન્ક પર કે અન્ય સ્થળે તમારાં નામ કોતરી અમર થઈ જવાનો મોહ પણ ટાળજો.


ગૂગલ પર ગુજરાતના લેટેસ્ટ ઍન્ડ ટૉપ ટૂરિસ્ટ પ્લેસમાં જલદી એક નામ ઉમેરાવાનું છે. ‘નડાબેટ’. ‘નામ તો સુનાહી હોગા’ અને ન સાંભળ્યું હોય તો અમે કહી દઈએ કે બનાસકાંઠા પાસે આવેલી નડાબેટ બૉર્ડર એ વાઘા બૉર્ડર ઑફ ગુજરાત છે. સીમાદર્શનનો આ પ્રોજેક્ટ હજી એપ્રિલ ૨૦૨૨માં જ ઓપન થયો છે. 
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બૉર્ડર પર સૂઈગામ નજીક આવેલું નડાબેટ આમ તો સતયુગથી અસ્તિત્વમાં છે અને અહીં બિરાજમાન નડેશ્વરી માતા રક્ષક દેવી તરીકે પૂજાય છે. તેમના અનેક દાખલા અને ચમત્કારોનો જ્વલંત ઇતિહાસ છે, પણ આપણે અહીં એક પૉપ્યુલર  દંતકથાની વાત કરીએ. અત્યારના પાકિસ્તાનમાં આવેલા સિંધના મુસલમાન રાજા રાજકન્યા જાસલનું અપહરણ કરી, પરણવા માટે સિંધ લઈ ગયો હતો. હવે, જાસલ એ જૂનાગઢના રાજા નવઘણની માનેલી બહેન. રાજાને અપહરણના સમાચાર મળતાં સૈન્ય સાથે ઊપડ્યા બહેનને બચાવવા અને આ રણદ્વીપ જેવી જગ્યાએ પહોંચ્યા. ચારે બાજુ અફાટ રણ અને ક્યાંક-ક્યાંક આ રણમાં જ દરિયા જેવું ઘન પાણી. આગળ વધવું કેમ? ઉપરથી સૈન્ય થાક્યું પણ હતું. ત્યારે રા’નવઘણે અહીંના નડેશ્વરી માતાજી પાસે ધા નાખી અને માતાજીને માર્ગ બતાવવાની આજીજી કરી. ત્યાં તો નાનકી ચારણ કન્યા ત્યાં આવી, જેણે નાનકડી મટકીમાંથી ભૂખ્યા સૈનિકોને જમાડ્યા અને રાજાને કહ્યું હું ચકલી સ્વરૂપે તમારા ભાલા ઉપર બેસી જઈશ અને તમને રાહ ચીંધીશ. રાજા તેને માતાજીની સહાય સમજી આગળ વધ્યા અને સિંધના એ જુલમી શાસકની ચુંગાલમાંથી જાસલને છોડાવી આવ્યા. ત્યારથી આ માતાજી રક્ષક દેવી તરીકે પૂજાય છે. જોકે પહેલાં તો અહીં નાની દેરી હતી અને સ્થાનિકો દર્શનાર્થે આવતા, પણ ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી નવેસરથી આંતરરાષ્ટ્રીય સીમા આકાર પામી અને બૉર્ડર સિક્યૉરિટી ફોર્સને સીમા સુરક્ષાની જવાબદારી સોંપાઈ. પછીનાં ૫૦ વર્ષના ગાળામાં અહીં બીએસએફના જવાન જ માના પૂજારીની ભૂમિકા ભજવે છે. ડ્યુટી પર સ્થિત બીએસએફના જવાનો માટે તો નડેશ્વરીમાતા કુળદેવી જ બની ગયાં છે.  દરેક આર્મીમૅન માતાજીને પગે લાગ્યા પછી જ ફરજ પર ચઢે છે.
આજે દેરીની જગ્યાએ નડેશ્વરીમાતાનું વિરાટ મંદિર બની ગયું છે, જ્યાં અન્નક્ષેત્ર પણ છે અને સાથે સુંદર ગૌશાળા પણ છે. હવે વાત કરીએ નડાબેટ બૉર્ડર ટૂરીઝમની. હજી, ગયા મહિને જ મોદીસાહેબે સમસ્ત ભારતવાસીઓને સીમાદર્શન ટૂર પર જવાનું આવાહન કર્યું હતું . સાથોસાથ બૉર્ડર ઉપર સૈનિકો કેવી રીતે રહે છે? શું કરે છે? એ વિશે જોવા, જાણવાની હાકલ પણ કરી હતી. તો આપણે વાળીયે ગાડી નડાબેટ તરફ. અમદાવાદથી નડાબેટ ૨૬૭ કિલોમીટર છે. પાલનપુરથી ૧૬૯ કિલોમીટર, રાધનપુરથી ૬૯ અને સૂઈગામથી ફક્ત ૨૦ કિલોમીટર. અહીંથી સૌથી નજીક રેલવે-સ્ટેશન ડીસા અને પાલનપુર છે. આ સ્ટેશન પર ઊતરી તમે રિક્ષા કે છકડા રિક્ષા દ્વારા નડાબેટ ગેટ પાસે પહોંચી શકો છો અથવા બાય કાર પણ આવી શકો છો. અહીં પહોંચતા જ એક વિશાળ કમાન મોટી બાંહો ફેલાવી પધારનાર સર્વે નાગરિકોનું અભિવાદન કરે છે.
પાર્કિંગ લૉટમાં વાહનને વિરામ આપી તમે એન્ટ્રી ગેટથી પ્રવેશ કરો એટલે એક તરફ આવે ‘ટી’ ઝોન અનેક ફૂડ સ્ટોલ, રેસ્ટોરાં, વૉટર જંક્શન સાથે સૅનિટરી સુવિધા મળે. અને બીજી તરફ તમારા એન્ડ્રિલિનન રશને તૃપ્ત કરે એવી નોખી-અનોખી રાઇડ્સ મળે. પેઇન્ટબૉલ, રૉકેટ ઇન્જેક્ટર, હાઈ ઍન્ડ લો રોપ કોર્સ, ઝિપ લાઇન અને ઝિપ સાઇક્લિંગ, ફ્રી ફૉલ, રૉક ક્લાઇમ્બિંગ, રેપલિંગ, જાયન્ટ સ્વિંગ, બંજી બાસ્કેટ, ઍર રાઇફલ શૂટિંગ રેન્જ, રણ સફારી  પૅરામોટર જૉય રાઇડ, એટીવી/યુટીવી ટ્રૅક રાઇડિંગ જેવાં વિધ-વિધ ઍન્ડેવેન્ચર અટ્રૅક્શનની ભરમાર છે અહીં. ટ્રાય ઇટ... એન્જૉય ઇટ... હા, ક્યારેક કોઈ ચાલુ કે કોઈ બંધ હોય… પણ બહુ રિઝનેબલ રેટમાં આ ફન કરી શકાય છે. 
થોડા આગળ વધો એટલે આવે બીએસએફ મ્યુઝિયમ. આ સંગ્રહાલય એટલે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સની ગોલ્ડન ગાથા. એની સ્થાપનાથી લઈ અત્યાર સુધીની અચીવમેન્ટ્સ, કેલેમાઇટસિસ વખતે ફોર્સના જવાનોએ ભજવેલી કુનેહપૂર્વકની કામગીરી, તેમના પોશાક, શસ્ત્રો, શૂરવીરોનો ઇતિહાસ અહીં વિવિધ માધ્યમો દ્વારા દર્શાવાયો છે. માયનસ ૪૦ ડિગ્રીથી લઈ ૪૦ ડિગ્રી ગરમીમાં, કમર સુધી કાદવ ભરેલા દરિયામાં, ને ઘૂંટણસમાણા મીઠાના રણમાં, બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ જાય તેવી કાતિલ ઠંડીમાં ને ધગધગતી રણની રેતીમાં જવાનો કઈ રીતે માભોમની રક્ષા કરે છે, મને, તમને, દરેક દેશવાસીઓને સુરક્ષા પ્રદાન કરે છે એ જાણી જવાનો પ્રત્યે આપણું માન સોગણું, હજારગણું વધી જાય છે. અહીં ડૉક્યુમેન્ટરી પણ બતાડાય છે. એ જોઈ આખો માહોલ દેશભક્તિ-દેશદાઝનો બની જાય છે. પછી તમે લાસ્ટ પૉઇન્ટ સુધી અહીંની બસમાં જાવ કે તમારી ગાડીમાં તમારા શરીરમાં લોહી સાથે રાષ્ટ્રપ્રેમ પણ હાઈ ફોર્સથી વહેવા લાગે છે.
ટી ઝોનથી બૉર્ડર ૨૫ કિલોમીટરના અંતરે છે. ખારા મીઠાના રણ વચ્ચે રસ્તા પર દોડતી કાર કે બસમાંથી આજુબાજુ બ્લુ પાણીનાં ખાબોચિયાં દેખાય છે તો ક્યાંક-ક્યાંક સફેદ મીઠાનાં રણ. એ દૃશ્યો આંખોમાં સમાવતાં આગળ વધીએ એટલે આવે વ્યુઇંગ પૉઇન્ટ. ૫૦-૬૦ ફુટ ઊંચે આવેલા ડેકથી વિંહગાવલોકન કરી નીચે ઊતરીએ એટલે અસલી ટૅન્ક, કરે તમારું સ્વાગત. ટૅન્ક ટી૫૫ની આખી સંરચના અહીં જોઈ શકાય છે. બસ, પછી આવે ફૅન્સિંગ ઍન્ડ રેપ્લિકા ઑફ પિલર ૯૬૦. કાંટાળી વાડ પછી ૧૦-૧૨ ફુટના અંતરે બીજી ફૅન્સિંગ છે અને એના પછી અડધો કિલોમીટર ઓરિજિનલ પિલર ૯૬૦ છે. સિવિલિયનને પહેલી વાડ સુધી જવાનું જ અલાઉડ છે અને જવાનોને આ બેઉ વાડ વચ્ચેના પાથ ઉપર સુધી જ. જોકે જવાનો દિવસમાં ૩ વખત અહીં સઘન તપાસ કરતાં-કરતાં લટાર મારે છે. ૨૦૧૬થી ડેવલપ થઈ રહેલા આ સીમાદર્શન સ્થળને જોઈ રોમાંચિત થઈ તમે પરત ટી ઝોન આવો એટલે સૂર્યાસ્ત સમયે અહીં થતી રિટ્રીટ સેરિમનીથી ફરી રગેરગમાં દેશાનુરાગ જાગી જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2022 11:03 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK