Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લાઇક્સ મેળવવાની લાયમાં કોઈની ‘ડિસલાઇક લેવલ’ની પરિસ્થિતિનો વિચાર આવે છે?

લાઇક્સ મેળવવાની લાયમાં કોઈની ‘ડિસલાઇક લેવલ’ની પરિસ્થિતિનો વિચાર આવે છે?

01 May, 2024 06:56 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અત્યારે જાતજાતની ક્લિપ્સ બનાવીને સોશ્યલ મીડિયા પર સ્ટોરી મૂકવાનું કે રીલ બનાવવાનું ચલણ છે.

દિલીપ રામશંકર રાવલની તસવીર

મારી વાત

દિલીપ રામશંકર રાવલની તસવીર


હિન્દી ફિલ્મોનાં ગીતોએ આપણને હંમેશાં તરબતર કર્યાં છે. હાલરડાથી લઈને મરસિયા સુધીના કોઈ પણ પ્રસંગોએ શોધવા બેસો તો હિન્દી ગીતોના હાતિમતાઈ ખજાનામાંથી એકાદ માણેક તો મળી જ આવે. અત્યારે જાતજાતની ક્લિપ્સ બનાવીને સોશ્યલ મીડિયા પર સ્ટોરી મૂકવાનું કે રીલ બનાવવાનું ચલણ છે. પાછું એની પાછળ મ્યુઝિકના ખજાનામાંથી ગીત સિલેક્ટ કરીને મૂકવાની સગવડ પણ ખરી. આ મારો અનુભવ છે. કોઈ પણ સંજોગમાં પાડેલો સેલ્ફી હોય, સનસેટનો વિડિયો હોય, મુંબઈનો વરસાદ હોય, ભરચક ટ્રાફિક હોય કે ચોપાટીનો દરિયો હોય... આ તો માત્ર હાથવગાં ઉદાહરણ થયાં. આ દરેક વિડિયોની પાછળ મૂકી શકાય એવું બૉલીવુડનું એકાદ ગીત તો મળે, મળે ને મળે જ.

દોસ્તારોએ સાથે ફોટો પડાવ્યો હોય અને તમે એ ફોટો સાથે ગીત મૂકી શકો : ‘યારોં ને મેરે વાસ્તે ક્યા કુછ નહીં કિયા, સૌ બાર શુક્રિયા અરે સૌ બાર શુક્રિયા’ કે પછી ‘યારા તેરી યારી કો મૈંને તો ખુદા માના, યાદ કરેગી દુનિયા તેરા મેરા અફસાના’. સૂર્યાસ્તનો વિડિયો હોય તો ફિલ્મ ‘ઇમ્તિહાન’નું લક્ષ્મીકાંત-પ્યારેલાલનું યાદગાર ગીત સીધું અંતરાથી મૂકી શકાય, ‘સૂરજ દેખ રુક ગયા હૈ, તેરે આગે ઝુક ગયા હૈ.’ (રુક જાના નહીં તૂ કહીં હાર કે) આમાં પાછી વચ્ચેથી કાપીને મૂકવાની સગવડ પણ ખરી.



મુંબઈનો ધોધમાર વરસાદ મુંબઈગરાઓને તરબતર કરતો હોય અને તમારા સ્માર્ટફોનમાંથી લીધેલી ક્લિપની પાછળ મૂકવા માટે અઢળક ચૉઇસ મળે એટલાં ગીતો પેલા ખજાનામાં હાજર છે. ‘રિમઝિમ ગિરે સાવન, સુલગ સુલગ જાએ મન’ કે પછી ફિલ્મ ‘જૈસે કો તૈસા’નું પંચમદાનું યાદગાર સ્વરાંકન ‘અબ કે સાવન મેં જી ડરે, રિમઝિમ તન પે પાની ગિરે, મન મેં લગી આગ સી’.
બોરીવલી હાઇવેથી બાંદરા તરફ તમારી ગાડી જઈ રહી હોય અને અચાનક નૅવિગેશનમાં લાંબીલચક લાલ પટ્ટી જોવા મળે, ગોરેગામ બ્રિજ પર ટ્રાફિક ચક્કાજામ હોય, માંડ-માંડ ગાડી નીકળે ને તમને દેખાય કે એકાદ કારનો કે ટૅન્કરનો અકસ્માત થયો છે, ક્ષણનોય વિલંબ કર્યા વગર બારીનો કાચ ઉતારીને ગાડી પાસ થઈ જાય એ પહેલાં પેલા અકસ્માતનો વિડિયો ઝટપટ ઉતારી લેવાની લાય અને અંધેરી પહોંચો ન પહોંચો ત્યાં સુધીમાં તો એડિટ કરીને એમાં ગીત ઉમેરીને ‘યે બમ્બઈ શહર હાદસોં કા શહર હૈ, યહાં ઝિંદગી હાદસોં કા સફર હૈ’ સોશ્યલ મીડિયા પર ચડાવી દેવામાં આવે અને બાંદરા સુધીમાં મળી ચૂકેલી સેંકડો ‘લાઇક્સ’નો રાજીપો તમને ખુશ કરી નાખે. એક પણ વાર એવો વિચાર ન આવે કે પેલા અકસ્માતમાં કોઈ જાનહાનિ તો નહીં થઈ હોયને?
આપણી લાઇક્સ મેળવવાની લાયમાં ત્યાં કોઈની પરિસ્થિતિ કેટલી ‘ડિસલાઇક લેવલ’ની થઈ ગઈ હશે એનો વિચાર પણ ન આવે તો પછી તેમની પરિસ્થિતિ અને સંજોગમાં ‘જાનેવાલે કભી નહીં આતે, જાનેવાલોં કી યાદ આતી હૈ’ ગીત ફિટ બેસી જશે એની કલ્પના તો ક્યાંથી થાય?


અહેવાલ : દિલીપ રામશંકર રાવલ


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK