તાજેતરમાં રણબીર કપૂરે આલિયા ભટ્ટનું શૂટિંગ સ્મૂધલી થઈ શકે એ માટે દીકરીની સંભાળ રાખવા છ મહિનાની પૅટરનિટી લીવ લીધી, પણ શું આજનાં યંગ કપલ્સ આ રીતનો પેરન્ટિંગ ગોલ નિભાવી શકે? જાણીએ પેરન્ટિંગમાં પગલાં માંડનાર કેટલાંક યંગ કપલ્સ પાસેથી
રણબીર કપૂરે દીકરી રાહા માટે છ મહિનાનો બ્રેક લીધો છે.
પોતાનો કાળજાનો કટકો, વંશવેલી ચલાવનાર અને ઘરને ખુશીઓથી છલકાવનાર બાળક ઘરમાં અવતરે એ અવસરને ઝીલવાની જેટલી ઝંખના નવી બનેલી માતાઓને હોય છે એટલી જ તાલાવેલી નવા બનેલા પિતાઓને પણ હોય જ છે. પણ હાય હાય યે મજબૂરી! આવા સુંદર અવસરમાં પણ પપ્પાને ‘દો ટકિયાં દી નૌકરી’ કરવા પોતાના ઘરે નવજન્મેલ પરી કે રાજદુલારાને મૂકીને ઑફિસ લાંબા થવું જ પડે છે. આ ચક્કરમાં બાળકનું પહેલું પડખું, પહેલું તોફાન અને પહેલી કેટલીય અદ્ભુત ક્ષણોના માત્ર વિડિયો જ તેમને નસીબ થાય છે. પહેલી સુવાવડ પછીના અમુક મહિના માતાના ઘરે જ હોવા જોઈએ એવી સામાજિક પ્રથામાં પણ હવે ભંગાણ પડતું જાય છે. હવે યુગલ વર્કિંગ હોવાને લીધે કેટલીયે સ્ત્રીઓ સુવાવડ પોતાના પતિના ઘરે જ કરે છે અને ત્યારે જોઈતો સપૉર્ટ ન મળવાને લીધે નવાં માતા-પિતા બંનેની જવાબદારીઓ પણ વધી છે. આવા સમયે જ્યારે ઘરમાં નવું બાળક હોય ત્યારે કેટલાક પિતાઓ સવારે ઑફિસ અને રાતે બાળક સાથે સમય પસાર કરી રીતસરની ડબલ ડયુટી કરતા હોય છે. પિતા પણ હવે બાળઉછેરની જવાબદારીમાં સરખી ભાગીદારી નોંધાવતા થઈ ગયા છે અને જરૂર પડ્યે બાળઉછેરની તમામ જવાબદારી પણ માથે ઉઠાવી લેવા તૈયાર થઈ જાય છે. આ કંઈ હવે નવી વાત નથી રહી. સેલિબ્રિટીઝમાં તો હવે આ ટ્રેન્ડ થઈ ગયો છે. શાહિદ કપૂર જ્યારે પહેલીવાર પિતા બન્યો ત્યારે તેણે છ મહિનાનો બ્રેક લીધો હતો. એ વખતે તેણે એક ઇન્ટરવ્યુમાં કહેલું કે, ‘મારી દીકરી મિશા સાથે સમય ગાળવા માટે મેં છુટ્ટી લીધી હતી. આ પૅટરનિટી લીવ મેં પરિવારની જરૂરિયાત હતી એટલા માટે નહીં, પણ મારા માટે લીધી હતી. એ વખતે ઘણા લોકોએ મને ચેતવ્યો હતો કે આવું કરવાથી તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ફેંકાઈ જઈશ. આઉટ ઑફ સાઇટ, આઉટ ઑફ માઇન્ડ થઈ જાય છે. પણ મને એવું લાગે છે કે ઍક્ટર ફ્રીલાન્સર જેવો હોય છે. બીજી દીકરી વખતે પણ મેં દોઢ મહિનાની પૅટરનિટી લીવ લીધેલી. આ બન્ને સમય મારા લાઇફનો બેસ્ટ ગાળો હતો. કામ તો એ પછી પણ ચાલુ રહી જ શકશે, પણ દીકરીઓને બેસતી, ચાલતી, બોલતી શીખતાં જોવાનો જે સમય છે એ મને ફરી ન મળી શકત.’
સૈફ અલી ખાન, કુણાલ ખેમુ, વિવેક ઓબેરૉય, રિતેશ દેશમુખે પણ સંતાનોના જન્મ સમયે રજાઓ લીધી હતી. કહેવાય છે કે કપિલ શર્માએ પણ પૅટરનિટી લીવ માટે ‘ધ કપિલ શર્મા શો’ને બ્રેક આપ્યો હતો. અને તાજેતરમાં રણબીર કપૂરે છ મહિનાનો બ્રેક લઈને દીકરી રાહાના ઉછેરની જવાબદારી લેવાનું નક્કી કર્યું છે. આ કિસ્સો થોડોક જુદો છે કેમ કે પત્ની આલિયા શૂટિંગમાં બિઝી હોવાથી રણબીર કપૂરે નવો પ્રોજેક્ટ હાથમાં લેતાં પહેલાં બ્રેક લેવાનું નક્કી કર્યું છે. સેલિબ્રિટીઝના આવા પગલાં નવા ટ્રેન્ડની શરૂઆત કરનારા હોય છે, પણ સામાન્ય પુરુષો માટે પૅટરનિટી લીવ લેવાનું પગલું અનેક રીતે ચૅલેન્જિંગ બની જાય છે.
ADVERTISEMENT
નોકરિયાત માતાઓને મળતી મૅટરનિટી લીવની જેમ જ જો પિતા પણ પૅટરનિટી લીવ લઈ શકતો હોય તો વર્કિંગ મૉમ્સને તો રાહત મળે જ પણ પિતાને પણ નવું પ્રાપ્ત થયેલું પિતૃસુખ નિરાંતે માણવા મળે. વાત જેટલી સારી લાગે છે, એ શું મધ્યમ વર્ગના પરિવારો માટે પ્રૅક્ટિકલ છે ખરી? ચાલો અમે કેટલાક યંગ કપલ્સને પૂછીએ.
ફાઇનૅન્શ્યલ બૅકઅપનું શું?
સવાલ એ થાય કે ફાઇનૅન્શિયલ બૅલૅન્સ કરવા માટે જ્યાં બંને જણ કમાતા હોય છે ત્યારે જો માતાને ફરીથી વર્ક કરવાનું હોય તો બાળકનું ધ્યાન રાખવા આજનો પિતા લીવ મૂકે ખરો? આવા સવાલના જવાબમાં સામો સવાલ પૂછતાં એક ન્યુઝ ચૅનલ સાથે સંકળાયેલા નીરજ કંસારા અને તેમનાં પત્ની ઉન્નતિ સાથે જ કહે છે, ‘શું ભારતમાં છ મહિનાની પૅટરનિટી લીવ મળે છે?’ નીરજ કહે છે, ‘જો મળતી હોય તો અફકોર્સ હું કરું જ. રણબીર કપૂર જેવું ફાઇનૅન્શિયલ બૅકઅપ આપણી પાસે હોય તો છ મહિના શું, પિતાએ એક આખું વર્ષ બાળઉછેરને આપવું જોઈએ. પણ કમનસીબે આપણે મન્થ્લી બિલ્સ ભરવા પણ એક દિવસની રજા લીધા વગર કમાવું પડે છે.’
મધ્યમ વર્ગના પરિવારની વિટંબણાને વાચા આપતાં પત્ની ઉન્નતિ કહે છે, ‘આપણે ત્યાં આટલી લાંબી પેઇડ લીવ્સ કોઈ કંપની પણ અફૉર્ડ કરી શકે એમ નથી. જે લોકો ફાઇનૅન્શિયલી એટલા સ્ટેબલ હોય કે હાથપગ હલાવ્યા વગર છ મહિના કોઈ પણ ફાઇનૅન્શિયલ નુકસાન વેઠ્યા વગર સસ્ટેન કરી શકતા હોય તેમના માટે આવા નિર્ણયો ખરેખર કારગત નીવડે એમ છે.’
નીરજ કહે છે, ‘હું અને ઉન્નતિ બંને કમાઈએ છીએ, પણ આપસી સમજૂતીને લીધે અમારી જવાબદારીઓ જે રીતે અમે સ્વીકારી છે એમાં આવો કન્સેપ્ટ ફિટ બેસે એમ જ નથી. મારા માટે તો બિલકુલ જ પૉસિબલ નથી એમ કહીશ. અમારા બંનેમાં મારી ઇન્કમ અને જવાબદારી વધારે છે. હું મારા નેટિવ સિટીથી દૂર રહું છું એટલે બે ફૅમિલીની જવાબદારીઓ પણ છે. વિચાર અને વાતની દૃષ્ટિએ તો આ લીવવાળો વિચાર સારો છે. ફૅમિલી સાથે અને નવા આવનાર બાળક સાથે રહેવાનું સુખ તો કોણ જતું કરે? આમ પણ બાળક આવવાનું છે એટલે એનું બધું કામ કરવાની તૈયારી તો છે જ, પણ હાલ આવી અનુકૂળતા થાય એવું શક્ય લાગતું નથી.’
વર્ક ફ્રોમ હોમ થાય...
નિશાંત શાહ અને સ્તુતિ બંને વર્કિંગ છે. ટૂંક સમયમાં જ તેમના ઘરે બાળક આવવાનું છે. નિશાંત કહે છે, ‘આને તમે પિતૃસત્તાક નિર્ણય કહો કે જે કહો પણ હું આવું ન કરું. અમે બંનેએ પોતપોતાની જવાબદારીઓ વહેંચી લીધી છે. ઘરના મેલ તરીકે મેં અમુક લોડ વધુ લીધો છે અને ફીમેલ હોવાને લીધે સ્તુતિને પણ અમુક લોડ રહેવાનો જ. મૂળ તો અન્ડરસ્ટૅન્ડિંગ સાથે કામની વહેંચણી કરવાની છે. મારા દાયરામાં અને મારાથી થાય એવાં બાળકનાં બધાં જ કામ કરવાની ના નથી જ. રહી વાત રણબીર કપૂરની તો એ એવા ફીલ્ડમાં છે કે તેને કોઈ ડેઇલી અપડેટની જરૂર પડે એમ નથી. જ્યારે હું રહ્યો સ્ટૉક માર્કેટમાં. મારે ડેઇલી અપડેટેડ રહેવું પડે. વર્ક ફ્રૉમ હોમ જેવું કદાચ થાય પણ ટોટલ લીવ તો ન જ થાય.’
નિશાંતની વાત આગળ વધારતાં તેમની વાઇફ સ્તુતિ કહે છે, ‘એ રહ્યા સ્ટૉક માર્કેટમાં. છ મહિના તો દૂર, એ રજાના દિવસોમાં પણ રજા લઈ શકે એમ નથી. લોકોનો પૈસો હૅન્ડલ કરવાનો હોય છે. એ ઓછી જવાબદારી નથી. રજા જેવું કશું જ નથી હોતું. મારું કામ પણ હું છોડીશ નહીં પણ બાળકનું ધ્યાન રાખવા ઘટતું કરી છૂટવાની તૈયારી અમારા બંનેની છે જ.’
શું ભારતમાં પૅટરનિટી લીવ મળે છે?
૨૦૧૭માં પાસ થયેલા મૅટરનિટી અમેન્ડમેન્ટ બિલ મુજબ નવી બનેલી માતાઓ ૨૬ વીક એટલે કે ૧૮૩ દિવસની મૅટરનિટી લીવ લઈ શકે છે. એ જ વખતના પૅટરનિટી અમેન્ડમેન્ટ બિલ મુજબ સરકારી કે બિનસરકારી ક્ષેત્રમાં કામ કરતા પુરુષ કર્મચારીઓને પંદર દિવસની પૅટરનિટી લીવ મળે છે. આ ઉપરાંત બીજાં બાળકો માટે ત્રણ મહિના અથવા બાર વીકની રજા લઈ શકાય છે. જો કોઈ જગ્યાએ ૮૦ દિવસ કે તેથી વધુ કામ કર્યું હોય તો પ્રોબેશન પિરિયડમાં પણ મૅટરનિટી લીવ મળે છે. જોકે ઘણી જગ્યાએ પ્રાઇવેટ સેક્ટરના પોતાના અલગ જ નિયમો હોય છે.

