વેડિંગ સીઝનમાં મેંદીની ખાસ રસમ હોય છે. આજકાલ હલદી હોય, સંગીત હોય કે વરમાળા હોય; બધામાં કંઈ ને કંઈ નવું હટકે કરવાનો ટ્રેન્ડ છે તો પછી મેંદી કેમ પાછળ રહી જાય? મેંદીમાં પણ બ્રાઇડ અને તેના ફૅમિલી મેમ્બર્સ નવા-નવા એક્સપરિમેન્ટ કરતાં થઈ ગયાં છે
પ્રતીકાત્મક તસવીર
લગ્નપ્રસંગે મેંદીનું એક અનેરું મહત્ત્વ છે. આપણાં લોકગીતોથી લઈને હિન્દી ફિલ્મો સુધીમાં મેંદીનો મહિમા ગવાયો છે, જેમ કે ‘મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે...’ કે ‘મેહંદી લગા કે રખના ડોલી સજા કે રખના...’ કે ‘મેહંદી હૈ રચનેવાલી...’ કહેવાનો અર્થ એમ છે કે લગ્નપ્રસંગે મેંદી લગાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આજે પણ લગ્નપ્રસંગે મેંદી લગાડાય છે, પણ એની જે ડિઝાઇન છે એમાં ધરમૂળથી ફેરફાર આવ્યો છે. કસ્ટમાઇઝ મેંદીના ટ્રેન્ડ વચ્ચે દુલ્હન મેંદીમાં પર્સનલ ટચ આપે છે. જેમ કે પોતાની મેંદીમાં બ્રાઇડ પહેલી મુલાકાતનું સ્થળ, ફૅમિલી પોર્ટ્રેટ, હૅશટૅગ ઍડ કરાવે છે.
ADVERTISEMENT
જનરલી પહેલાં હું બ્રાઇડને પૂછી લઉં કે તમારાં લવ-મૅરેજ છે કે અરેન્જ. હું તેમની પાસેથી સ્ટોરી જાણી લઉં એટલે હું થોડો ટાઇમ લઈને મેંદીની ડિઝાઇન વિશે વિચારીને બને ત્યાં સુધી તએમાં પર્સનલ ટચ આપવાની ટ્રાય કરું એમ જણાવતાં મેંદી-આર્ટિસ્ટ ભક્તિ ચુડાસમા કહે છે, ‘મને એક એવું કપલ મળ્યું હતું જેમની પહેલી મુલાકાત સ્ટારબક્સમાં થઈ હતી. તો એ બ્રાઇડની મેંદીમાં મેં સ્ટારબક્સમાં ટેબલ પર બેસીને બન્ને કૉફી પીતાં હોય એવું આખું પોર્ટ્રેટ ડ્રૉ કર્યું હતું. મારી એક બ્રાઇડ પંચકૂલાની હતી અને ગ્રૂમ પૅરિસનો હતો એટલે મેં બ્રાઇડની મેંદીની ડિઝાઇનમાં પંચકૂલાનો આખો એન્ટ્રી-ગેટ બનાવ્યો હતો અને પૅરિસની સ્કાયલાઇન બનાવી હતી. મારી પાસે એક એવું કપલ હતું જેમની પહેલી વાતચીત ફોન-કૉલથી શરૂ થઈ હતી અને પ્રપોઝ પણ એના પર જ થયું હતું. એ બ્રાઇડની મેંદીમાં મેં છોકરો-છોકરી કૉલ પર વાત કરતાં હોય એવી ડિઝાઇન કરી હતી. એક કપલની સ્ટોરી એવી હતી કે બન્ને તાજ દિલ્હીમાં મળેલાં. એ પછી સેમ ફ્લાઇટમાં બન્ને મુંબઈ આવેલાં. એ દરમ્યાન વાતચીત થઈ અને પછી બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યાં. આ બ્રાઇડની ડિઝાઇનમાં મેં ઉપર તાજ દિલ્હીની સ્કાયલાઇન ડ્રૉ કરી હતી અને નીચે હથેળીમાં છોકરો ઘૂંટણ પર બેસીને છોકરીને પ્રપોઝ કરી રહ્યો હોય એવી ડિઝાઇન કરી હતી. આવી તો અનેક સ્ટોરી છે જેને અમે મેંદીમાં ઉતારીને બ્રાઇડના સ્પેશ્યલ ડેને વધુ સ્પેશ્યલ બનાવીએ છીએ.’
આજકાલ પોર્ટ્રેટવાળી મેંદી ખૂબ ટ્રેન્ડમાં છે એમ જણાવતાં હેમા કાનાણી કહે છે, ‘મારી એક બ્રાઇડે તેની મેંદીમાં પોતાનું ડૉગી સાથેનું પોર્ટ્રેટ કરાવ્યું હતું. એની પાછળની સ્ટોરી એવી હતી કે એ બ્રાઇડના પપ્પા ખૂબ બીમાર હતા ત્યારે તેણે એ ડૉગી ખરીદ્યો હતો. એ ડૉગી આવ્યા પછી તેમની હેલ્થમાં સુધારો થવા માંડ્યો હતો. ડૉગી સાથે રમીને તેઓ મૂવમેન્ટ કરતા થઈ ગયા હતા. આ ડૉગી સાથે બ્રાઇડને એટલું અટેચમેન્ટ હતું કે તે એ ડૉગીને લાઇફ-સેવર માનતી હતી. એક બ્રાઇડે તેના એક હાથમાં મમ્મી-પપ્પા, ભાઈ-ભાભી અને તેમની નાની દીકરીનું પોર્ટ્રેટ કરાવ્યું હતું અને બીજા હાથમાં બ્રાઇડલ એન્ટ્રીનું પોર્ટ્રેટ કરાવ્યું હતું, જેમાં તેના ચાર ભાઈ ફૂલની ચાદર લઈને ચાલતા હોય એવી ડિઝાઇન બનાવી હતી. મારી એક બ્રાઇડે નો એલિમેન્ટ મેંદી લગાવડાવી હતી. તેને તેનાં દાદા-દાદી અને નાના-નાની પ્રત્યે ખૂબ પ્રેમ અને લાગણી હતાં. તેણે પોતાના સંગીત પ્રોગ્રામમાં જે સાડી પહેરેલી એ ૧૦૦ વર્ષ જૂની હતી, જે તેની દાદીને તેની મમ્મીએ આપી હતી. આ સાડીમાં જે ટાઇપની ડિઝાઇન હતી એવી જૂના જમાનાની મેંદીની ડિઝાઇન તેને મેંદીમાં જોઈતી હતી. તેના દાદાને બટરફ્લાય ખૂબ પસંદ છે એટલે તેણે એમાં એ ઍડ કરાવ્યું હતું. એ સિવાય તેની વેડિંગની લોટસ થીમ હતી તો અમે મેંદીમાં લોટસની ડિઝાઇન પણ કરી હતી. તેનું પાનેતર પણ દાદી, નાની અને પરનાનીની સાડીઓને ભેગી કરીને બનાવ્યું હતું.’
વેડિંગ સીઝનમાં બ્રાઇડ્સ કેવી-કેવી મેંદીની ડિઝાઇનની ડિમાન્ડ કરે છે એ વિશે પોતાનો અનુભવ શૅર કરતાં વધુ એક મેંદી-આર્ટિસ્ટ હર્ષા મહેતા કહે છે, ‘તાજેતરમાં હું એક બ્રાઇડને મેંદી લગાવવા માટે વેલુર ગઈ હતી. તેના એક હાથમાં મેં શરણાઈ અને ઢોલ વાગતાં હોય, અગ્નિની સાક્ષીએ ફેરા ફરાતા હોય એવી ડિઝાઇન અને બીજા હાથમાં ડોલીમાં વિદાય, માતા-પિતા છેલ્લી વાર દીકરીનું માથું ચૂમીને તેને પ્રેમ અને આશીર્વાદ આપતાં હોય એવી ડિઝાઇન કરી આપી હતી. એટલે કે લગ્નની જેટલી પણ વિધિ હોય એ બધાની ઝલક એમાં સમાવવાનો પ્રયત્ન કર્યો હતો. મારી વધુ એક સૉફ્ટવેર એન્જિનિયર બ્રાઇડ વેડિંગ માટે મેક્સિકોથી મુંબઈ આવી હતી. તેના એક હાથમાં મેં ન્યુ યૉર્ક સિટીની સ્કાયલાઇન અને બીજા હાથમાં મુંબઈના ગેટવે-ઑફ-ઇન્ડિયાની ડિઝાઇન કરી હતી. બ્રાઇડ સાઉથ ઇન્ડિયન હતી અને ગ્રૂમ ગુજરાતી હતો એટલે શેટ્ટી અને ઠક્કર પરથી તેમણે વેડિંગ હૅશટૅગ ‘ધ શક્કર’ રાખ્યું હતું, તો એ હૅશટૅગ પણ તેમણે મેંદીમાં ઍડ કરાવ્યો હતો.’
સાઇડર્સની મેંદીમાં હટકે લખાણ, પેટ ઍનિમલ, કાર્ટૂન કૅરૅક્ટરનાં પોર્ટ્રેટ
એવું નથી કે ફક્ત બ્રાઇડની મેંદીમાં જ કસ્ટમાઇઝ ડિઝાઇન હોય. આજકાલ અન્ય ફૅમિલી મેમ્બર્સ પણ તેમના હાથમાં વિવિધ પ્રકારનાં લખાણ, કાર્ટૂન કૅરૅક્ટર, પેટ ઍનિમલની ડિઝાઇન કરાવે છે. હર્ષા મહેતા કહે છે, ‘મારી એક બ્રાઇડના પપ્પાએ તેમના હાથમાં લખાવ્યું હતું, ‘તું હસાવે, તું રડાવે, તું કરે મનમાની, મારી લાડકી તું...’ આ બ્રાઇડનાં લવ-મૅરેજ હતાં એટલે તેના પપ્પાએ પોતાની નૉટી લાડકી દીકરી માટે આ લખાણ લખાવ્યું હતું. બ્રાઇડ ગુજરાતી હતી અને તેણે મારવાડી યુવક સાથે લગ્ન કર્યાં હતાં. બૅન્ગલોરમાં બન્નેના ડેસ્ટિનેશન વેડિંગ થયાં હતાં. વધુ એક બ્રાઇડની મમ્મીએ તેની મેંદીમાં ‘મેરી લાડલી’ લખાવ્યું હતું. એ સિવાય હજી થોડા મહિના પહેલાં જ એક કપલનાં ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ હતાં અને ગ્રૂમની બહેને હાથમાં તેના પેટ ડૉગ મર્ફીનું પોર્ટ્રેટ કરાવ્યું હતું. એ સમયે તેના પેરન્ટ્સે મજાકમાં કહ્યું પણ હતું કે ‘તારાં લગ્નમાં ડૉગીની જગ્યાએ અમે હોવાં જોઇએ. તું અમને છોડીને આની ડિઝાઇન કરાવવા બેઠી...’ એ ઉપરાંત મુંબઈમાં જ એક કપલે તેની ૨૦મી વેડિંગ-ઍનિવર્સરીનું સેલિબ્રેશન રાખ્યું હતું એટલે ઘરમાં જ તેમણે પંડિતને બોલાવીને રીતસરનાં લગ્ન કર્યાં હતાં. એમાં બ્રાઇડે તેના હાથમાં મૅરેજ લુકનાં પોર્ટ્રેટ કરાવ્યાં હતાં. તિરુપુરમમાં પણ નાની-નાની છોકરીઓએ તેમના હાથમાં તેમનાં ફેવરિટ કાર્ટૂન કૅરૅક્ટરની કલરફુલ મેંદી કરાવડાવી હતી. એ છોકરીઓનાં મામાનાં લગ્ન હતાં.’

